Google Search

Tuesday, October 2, 2012

આંગણે ભીના ચરણ મૂકી ગયુંઆંગણે ભીના ચરણ મૂકી ગયું
કોઈ ધબકારો અહીં ચૂકી ગયું
બારણાને પણ ફૂટી ગઈ કૂંપણો
કોઈ આવીને સહજ ઝૂકી ગયું

- રમણીક સોમેશ્વર

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છેઅમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.

મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

-સૈફ પાલનપુરી

આભલું નીરાળુંનથી ઘૂંઘટ કે લાગે શરમાળું
તોય મારું આભલું કેટલું રુપાળું

નથી ફૂલડું કે રેશમ રુપાળું
તોય નભ નમણું લાગે નીરાળું

ના મુગટ કુંડલ ખન ઝાંઝરું
તોય રાધાના કાન જેવું સાંવરું

ઉડે પંખી ભરતા મસ્તી આભલે
મેઘ ધરે સાત ધનુષ કોટડે

ઢળે સંધ્યા કે ખીલતું પ્રભાતજી
વ્યોમ હાટડે વેચતા આનંદજી

સજે ગગનને રવિ સોહામણું
માણું પાવન દર્શન તને ઢૂંકડું

ઝૂમે તરુ ગાય પંખીડાં ગીતજી
પામી દર્શન લાગું પાય નાથજી

- રમેશ પટેલ(આકાશદીપ)

ડૂબતો જા ભીતર ભીતરડૂબતો જા ભીતર ભીતર,
ખૂંપતો જા અંદર અંદર!
પાસ જઇને દેખી જો તું,
દૂરથી તો સુંદર સુંદર!
લાગતું કે અંગત છે એ,
દિલથી તો અંતર અંતર.
જિંદગીનો મારગ લાંબો,
ચાલ તો છે મંથર મંથર!
મઘમઘી જાયે તન ને મન,
યાદ એની અત્તર અત્તર!

- રાકેશ ઠક્કર

વીંધી ગઝલદિલમાં આંધી ગઝલ,
સત્યમાં ગાંધી ગઝલ.

છોડવું ગમશે બધું,
એક આ બાંધી ગઝલ.

અર્થનું કર લક્ષ્ય ને,
નાંખ તું વીંધી ગઝલ.

દિલની દોલત એ જ છે ,
માંગતા દીધી ગઝલ.

જોઇ એનો પ્રેમ ખૂબ,
આજ થૈ ઘાંઘી ગઝલ.

ભૂલવા આ લોકને,
દોસ્ત મેં સાધી ગઝલ.

શબ્દ તો છટપટ કરે,
છંદમાં નાથી ગઝલ.

- રાકેશ ઠક્કર

ગઝલના શેર છે !માનવીને માનવીમાં ફેર છે,
લાગણી સાથે મગજને વેર છે.
અંતમાં અસબાબ જોયો તો મળ્યા,
માલ- મિલ્કત બસ ગઝલના શેર છે !
કોણ સમજે લાગણીનું મૂલ્ય પણ?,
દોડતું ને ભાગતું આ શ્હેર છે.
આપણાં માન્યાં હતાં જેને સદા,
એ જ આખર નીકળ્યા તો ગેર છે.
જિંદગી આ જીવવાની ને પછી-,
શિવ કહેશે? શું ખરેખર ઝેર છે.

- રાકેશ ઠક્કર

તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખતમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ,
બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ.

કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ.

બની શકે તો એ વસમા દહાડા પાછા દે,
ઘણું જ કપરું છે ભોગવવું મન વગરનું સુખ.

નજીક એટલાં આવ્યાં કે ગઈ નિકટતા પણ,
નથી જ દૂર કે પામું ખુશી-ખબરનું સુખ.

…કે ખંડિયેર મહેલનો છું ઉંબરો મિસ્કીન,
નથી નથી જ ભાગ્યમાં અવરજવરનું સુખ.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’