Google Search

Sunday, August 26, 2012

અત્યાર સુધી



શ્વાસનું પણ મને હવે વજન લાગે છે,
શી ખબર કઇ રીતે જીવ્યો અત્યાર સુધી!

સતત છળકપટની જાળમાં ફસાયો હું,
કોણ જાણે, છતાંય, ફાવ્યો અત્યાર સુધી!

એવો તો ચુસ્ત મેં અંધકાર પૂરી રાખ્યો,
એ સૂરજ બની તડકો લાવ્યો અત્યાર સુધી!

ચેપ ફેલાવતી હવાને દૂર ખસેડી નાખવા,
કેવા-કેવા રોગોને વસાવ્યા અત્યાર સુધી!

બનાવટી મહોરું પહેરી શૉ-કેસમાં ગોઠવાયો,
એ દર્શક બની પ્રત્યક્ષ આવ્યો અત્યાર સુધી!

-ડૉ.પંકિત ગૌરાંગ કોન્ટ્રાક્ટર

નરેશ સોલંકી



ચુકી ગયેલ જીંદગી જીવ્યા કરી અમે,
ને શ્વાસની પહેલી આ ડાળખી સીવ્યા કરી અમે.

ખાલી પડેલ બાંકડાની વેદના લઈ,
પાંપણની પાંખ રોજ આ વિંઝ્યા કરી અમે.

ભુક્કો બનીને તારલા આંખોમાં કેદ છે,
આખી વિરહની રાતને પીસ્યા કરી અમે.

સપનાની સાવ કોરી મળી વાવ આંગણે,
કુવેથી ખાલી ડોલને સિંચ્યા કરી અમે.

ઉભા ઉનાળુ તાપના સુના મિજાગરા,
હાંફી રહ્યા છે શ્વાસને કિચુડ્યા કરી અમે.

આતો નગરનો કેફ છે, માણસનો વાંક શું?
એકાંત ગ્લાસમાં ભરી ઢીંચ્યા કરી અમે.

-નરેશ સોલંકી

ઈન્દુકુમાર જોષી



સૂરજના સાત અશ્વો રાતે રડી પડે છે,
ક્યારેક ભરબપોરે અંધાર થઈ જવાનો.

અંધારમાં દીશાઓ ફંફોસતી હવાને,
આજે નહીં તો કાલે આકાર થઈ જવાનો.

જંગલની કેડીઓને આ શી રમત સુઝી છે ?
વેળા-કવેળા દરિયો ભેંકાર થઈ જવાનો.

વેળા વહી જશે તો શું થશે સમયનું ?
ક્ષણ એક ઝંખનાનો વિસ્તાર થઈ જવાનો.

-ઈન્દુકુમાર જોષી

તો ખરા



માણસોને ઓળખી લો તો ખરા,
નાડ તેની પારખી લો તો ખરા.

નેહ કેવો છે ભલા ઓ આદમી,
હાટ માંડીને લખી લો તો ખરા.

પ્રસંગો ભીના તે પાછા વળાવી,
આજ તેને જ હરખી લો તો ખરા.

જો પથ્થરોનું નગર તો પ્રેમ ક્યાં ?
ફૂલ સૌ હૈયે રાખી લો તો ખરા.

‘રામ બોલો’, ‘રામ બોલો’ આખરે
શબ જગાડી નિરખી લો તો ખરા.

– ગોવિંદ દરજી ‘દેવાંશું’

મજા નહી…



હદથી વધારે પ્રેમ કરવામાં મજા નહીં,
કારણ વગર રોજમળવામાં મજા નહીં.

આકાશમાં ચાંદલો ભલેને ચમકતો રહે,
દિલમાં કોઈનું નામ લખવામાં મજા નહીં.

સપનાઓ કો’ક વખત હકીકત બને છે,
ખોટો રાતે ઉજાગરો કરવામાં મજા નહીં.

ચાર દિવસ મજાની ચાંદની રાત હોય છે,
આદત અજવાળાની પાડવામાં મજા નહીં.

‘સખી’ સમજાવે છે, તો સમજી લે ગઝલમાં,
દિલ પથ્થરોની સામે ધરવામાં મજા નહીં.

-પિંકલકુમાર જે. પરમાર ‘સખી’

ઓળખવા દે



બાવનની અંદરના કોઈ અક્ષરને તો ઓળખવા દે !
થાઉં પછીથી મઘમઘ પહેલાં અત્તરને તો ઓળખવા દે !

પીડામાં ઓગળતી આંખો, દુઃખમાં ડોલે શબ્દસિંહાસન-
આવીને ઊભા અધવચ્ચે કળતરને તો ઓળખવા દે !

સુખ રાજવી ઠાઠ ધરીને સામે કાંઠે બોલાવે છે
રસ્તાના શતશત શેવાળી પથ્થરને તો ઓળખવા દે !

કોઈ જંગલી ઘાસફૂલ થઈ ભવભવ મળવાનું નિમંત્રણ
કબૂલ, પણ આ વિરહવ્યથાના બંજરને તો ઓળખવા દે !

વલ્કલ અથવા ચર્મ પહેરી રણ-અરણ્યો ખેડું કિન્તુ
મળ્યું ચામડી નામે તે આ વસ્તરને તો ઓળખવા દે !

હો મારું એકાન્ત અડીખમ, તુંય રહે તારામાં નિશ્ચલ,
પણ, પ્રથમ આ હોહા કરતા લશ્કરને તો ઓળખવા દે !

બેઉ હથેળી માથે મૂકી છાયો કરવા ચાહે છે પણ-
હે મા ! ક્ષણભર આકાશી આ છત્તરને તો ઓળખવા દે !

– સંજુ વાળા

તારા ગયા પછી…



આંસુને આંખમાં લઈ ક્યાં
સુધી જીવીશ હું ભલા
એના કિનારે તારી આંગળીઓનો
સ્પર્શ જો થઈ જાય
રહ્યો મઘુર રજનીની એક અપેક્ષા
લઈ દિલમાં હું,
જાગી જાઉં હું ઝબકીને સ્વપ્ન તારો
ચહેરો જો થઈ જાય
કઠોર તું થઈ જશે એટલી મને
ખબર ન હતી કે,
કોમળ મારા દિલની વેદનાનો પણ
નાદ તને જો ન સંભળાય
કહી દે મને માત્ર એકવાર મળીને
તું તારી દુનિયામાં
લેવો શ્વ્વાસ કેવી રીતે જેથી તુ જ સમ
જો જીવી જવાય
નિરાધાર છે તૃષા મારી તારા પ્રણય કાજે,
અમૃત ધારા હવે ‘રાહી’, છો અવિરત ઢોળાય અંત પ્રેમનો લાવવો હતો
આવી રીતે શોથી, ભલા
મળ્યા ને પડ્યા છૂટા કેમ?
શું વિયોગ તારાથી સહેવાય?
ચાહે તું મને કે ન પણ ચાહે
આ જગતમાં હવે,
પણ મારાથી મૃત્યુ પહેલાં
તો તને કદી ના વિસરાય

-રાકેશ એચ. વાઘેલા ‘રાહી’

કોની મુલાકાત કરી



મુખડું મલકાય છે કોનાથી તમે વાત કરી,
આવ્યા છો તમે કોની મુલાકાત કરી.

ગણો છો ક્ષણો ને ઝાંખો છો ઝરૂખેથી,
થયા છો બેચેન ઘણા કોને યાદ કરી.

ઝૂમ્યા કરો છો આમ કોના પ્રેમમાં તમે,
જરા કહો તો કોની કબૂલાત કરી.

મળી ગયા છે જાણે જગતમાં તમને દેવતા,
કરો છો યાદ ક્ષણોનો જાપ કરી.

-રેહાના નઝીર

પ્રસંગ



વાદળો વિના આ તે કેવો વરસાદ વરસી ગયો?
તમારા પ્રેમના ‘બિંદુ’માં હું,

આજ તો ભીંજાઈ ગયો
છે, એમનું નામ મારી હથેળીમાં ને,

આજ તો મારો જ શબ્દ એમના
મુખેથી નીકળી ગયો

જાગતાં હું તો સપનાં એમનાં જોતો ને
સપનામાં પણ હું તો સપનું સજાવી ગયો

આજ મુજને જોઈને એમના હોઠ હસી પડ્યા
જાણે આભથી બારે મેઘ વરસી ગયા

યાદોની તડપમાં હું તો બહું તડપી ગયો
તમારા પ્રેમના ‘બિન્દુ’માં હું તો ભીંજાઈ ગયો

આવશો તમે આજ તો
એવા વિચારમા

‘રાધે’ તો દિવસને પણ
રોકી ગયો

નથી આજ તમે એ સ્થળ પર ને
યાદ કરું છું એ સ્થળને

જોઈ તમને તો
એ પ્રેમ મિલનનો પ્રસંગ આજે ‘રાધે’ના
નયન ભીંજવી ગયો!

-પ્રણામી અનિલ રાધે

મિલનની એક આશ



મ્હારા હૃદયના એક-એક ધબકારમાં, ને
શ્વ્વાસે-શ્વ્વાસમાં બસ તારો જ એક વાસ છે

એક ઈશ! અને બીજો ત્હારો જ આવાસ છે
જે દિ’થી તુજને નિહાળ્યા છે, ત્યારથી

મનની એક જ આશ તુ જ મારો સહવાસ છે
ઊભો રહું છું એકલવાટે, ત્યારે પણ

આભાસ થાય છે કે તુજ
ચહેરો આસપાસ છે

દિન-પ્રતિદિન ‘કપિલ’
તુજને નિહાળે છે, પણ

હવે તો ‘હેત’ મધુર મિલનની એક આશ છે
નજર સમક્ષથી દૂર ચાલ્યા

જાઓ, કે પછી
તમારી અનુપસ્થિતિમાં જાણે આ દિલ ઉદાસ છે.

-પરમાર કપિલ એસ.

કોને ખબર?



આમ અચાનક જતા
રહેશો કોને ખબર?

ભીંજાઈને પાછા
સુકાશો કોને ખબર?

અમે તો બેઠા વિશ્વ્વાસના
વ્હાણમાં દોસ્ત!

અર્ધ વચ્ચે ડુબાડશો કોને ખબર!
રણની મઘ્યે ભીનાશ જોઈ હતી અમે,

પહોંચાડી મધદરિયે પ્યાસા રાખશો કોને ખબર?
વિકટ સમયે ઢાલ પણ બન્યા, આઘાત પણ

રહીને પાસ વર્તાશો દૂર કોને ખબર?
અમને ઊભા કરવા મોભ બન્યા તમે જ તો,

ભર ચોમાસે ખસી જશો કોને ખબર?
તોડીને ફૂલો પથ સજાવ્યો અમારો ‘ફોરમ’
આજે પાથરશો નફરત કોને ખબર?

-મહેન્દ્રકુમાર ડી. પરમાર ‘ફોરમ’

અનુબંધ



સંબંધો બદલાયા અને નજરો બદલાઈ ગઈ
કોઈને હૃદયની વાત કહેતા

જિંદગી બદલાઈ ગઈ
જુઠી લાગણીઓ સાચી થઈ

અને સાચી લાગણીઓને
એની આદત થઈ ગઈ

મુક્ત હૃદય ઉડ્યું અને શબ્દો સર્જાયા
હૃદયની વાત શબ્દોથી કહેવાની

લાગણી થઈ ગઈ
કેવી અદ્ભૂત ઘટના છે કોઈની સાથેનો
અનુબંધ ‘શાયર’

એમણે ‘અમી’ નજર શું કરી
એના માટે ગઝલ રચાઈ ગઈ.

-વિનય બી. પ્રજાપતિ

દાનમાં



મળે જો શબ્દ તો કહું તને બસ કાનમાં
ન ગમ્યું કોઈ ઘર રાખ મને તારા મકાનમાં

ઝંખના હોય જેને દિવસ-રાત પામવાની
પાસ આવીને ઘણીવાર ન સમાય નઝરમાં

પાસ-પાસે હોઈએ ને ઝુકીએ ઘણા
એવી કોઈ કમી તો હોય છે પ્રેમમાં

બઘું ભૂલી જવાનું તય હતું આપણે
તુંય ક્યાં ભૂલી શકીશ ને હુંય કેમ ભૂલી શકીશ એક જીવનમાં

હરપળે બળીને જીવ્યો મર્યા પછી બળીને શું કરીશ લઈ ન જતા મને સ્મશાનમાં
દઈ દેજો આ દેહને દાનમાં

-એસ. જે. (જિ. સુરત)

મૌતનું કારણ



એક વીજળી થઈ, એક મેઘગર્જના થઈ,
ને બે માનવ-આકૃતિ જાણે એક થઈ,

હૈયામાં તુફાન, ધસમસતા પૂર સમાન
ને દિલની ધડકન વઘું તેજ થઈ

અમોને રાત આખી રહી જવાના
અરમાન જ્યાં જાગ્યા

ને ત્યાં જ અચાનક સહર થઈ
સ્વપ્નની રંગીન દુનિયા

હકીકત ભયાનક જોઈ વેરાન થઈ
નાદાન ‘ક્રિષ્ના’ની મોતનું કારણ
પ્રિયતમાની લગ્ન કંકોત્રી થઈ.

-‘ક્રિષ્ના’ કિશન દશાના

પ્રેમનો પતંગ



પતંગ ઉડ્યો પ્રેમનો,
જુઓ દિલના આકાશમાં
લાગણીઓનાં ઠુમકા મારી,

ઉપર ચડાવેલો રાખજો
સ્નેહ દોરીની ઢીલ મુકી,
મુક્ત રીતે લહેરાવજો

વિશ્વ્વાસની કિન્નાથી તમે
મજબૂત એને બાંધજો
સંજોગ-પવનની દિશા મુજબ,

ફરતો એને રાખજો,
ફાટે કરે ક્યાંક તો,
હેતની પટ્ટી લગાવજો

સુંદર-સપનાનાં રંગો ભરી,
મુક્ત ગગનમાં રાખજો,
નજરોનાં તમે પેચ લડાવી,

જીવનનો આનંદ માણજો
અહંનો ઢઢ્ઢો વાળી એને પ્રેમથી છુટ મુકાવો
ઉત્સાહ ને ઉમંગના જોરે,

ઉડતો એને રાખજો
પતંગ છે પ્રેમનો,
ચગાવીને મઝાખૂબ માણજો,

હિંમતને સાવચેતી રાખી,
શંકાને કાપી નાખજો.

-કિરણ શાહ-સૂરજ

સ્વાર્પણ



છલકી રહ્યો સ્વાર્થ આજની દુનિયાદારીમાં,
મન મારું આજ રાચી રહ્યું કોઈના સ્વાર્પણમાં

કોઈ સંગત ભૂલાવે આજ સર્વસ્વને જાણે,
સ્વને વિસરાવું સહજ આજ કોઈના સંગમાં

ખબર મને એની એટલી કે
કદરની નહિ આશ

છતાં સમર્પણ વહી રહ્યું આ એના નિસ્વાર્થમાં
ભાવ આપનો નિસ્વાર્થ નથી એનો કોઈ માપ

લાગે છે, છોડી દઊં સંબંધો માત્ર જે સ્વાર્થના
ઝંખના બસ એટલી, મળે નિર્મળ સંગજીવનમાં,

મારું ને તારું ભૂલાય,
બનીએ યાત્રી એક ધામના

-જગમાલ રામ ‘સુવાસ’

દીકરી ચાલી સાસરે



માતા-પિતાની છત્રછાયા છોડી,
સુખ-દુ:ખને સથવારે દીકરી ચાલી સાસરે.

કુટુંબીઓની હુંફાળી લાગણી છોડી,
સાસરાની સંસારરૂપી વાટ પકડવા,

હસતી-રમતી, નાચતી-કૂદતી,
પારકાંને પોતાનાં કરવા… દીકરી…

વીરા, બહેનોના હાથ છોડી,
ભરથારનો હાથ પકડવા,

નાનપણની સહેલીનો અધવચ્ચે સાથ છોડી,
સાસરારૂપી કુટુંબીઓનો સાથ બાંધવા… દીકરી…

પોતાના સમાજને અલવિદા કરી,
બીજા સમાજમાં પોતાપણું પામવા,

છેલ્લે માતૃહૃદય, પિતૃહૃદય સુના કરી લાડલી,
દુલારી સાસુ-સસરાનો પ્રેમ પામવા… દીકરી…
નણંદોનો સાથ માગવા, દીકરી ચાલી સાસરે…

-લીના શાહ, વડોદરા

ઇશ્વરની કમાલ



ઓ ઇશ્વર, તારી કેવી કમાલ,
દસ પીંછીમાં સમગ્ર સૃષ્ટિની ભાત.

એક પીંછીમાં શીતળતાનો અનુભવ,
બીજી પીંછીમાં ગરમીની પહેચાન.

ત્રીજી પીંછીમાં વરસાદની હેલી,
ચોથી પીંછીમાં સપ્તરંગી ભાત.

પાંચમી પીંછીમાં હરિયાળીનું સામ્રાજ્ય,
છઢ્ઢી પીંછીમાં ફૂલોનો મહેકાટ.

સાતમી પીંછીમાં પક્ષીનો ક્લબલાટ,
આઠમી પીંછીમાં નદીઓનો ઘેઘારવ.

નવમી પીંછીમાં ગીરિઓની હાર,
દસમી પીંછીમાં સમગ્ર પ્રકૃતિ દ્રશ્ય.

-મેધા સોલંકી

એકરાર



સહી-સિક્કા વગરનો,
વણલખ્યો કરાર,
એ-એકરાર.

કરાર છીનવી, કરે બેકરાર,
એ-એકરાર.

દરાર પૂરે દિલની,
એ-એકરાર.

આકાર-નિરાકાર, મિલન,
એ-એકરાર.

-વિભાકર ધોળકિયા

તમારું સ્મિત…



તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું,
કિનારો હવે જડતો નથી, મધદરિયે ડૂબ્યો છું,
આપનું સ્મિત જ, હૃદયને ધબકતું રાખે છે,
બાકી જીવવાનો કોઇ અભરખો હવે રહ્યો નથી.

તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું,
નથી ખબર રહેતી આ સંસાર તણી જીવવાની,
રહી જાઉં છું, દંગ આપનું હૃદયસ્પર્શી સ્મિત જોઇ,
ધ્યાન જ્યાં હોય ત્યાંથી, બેધ્યાન થાઉં છું.

તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું,
આપના સ્મિતમાં તો સંપૂર્ણ સંગીત સમાયેલું છે,
અને દુનિયાનું દુ:ખ દૂર કરવાની પણ ચાવી જડેલી છે,
નયન પણ ઠરતા નથી ને, જીવ પણ ધરાતો નથી જોઇ જોઇ સ્મિત આપનું,
તમારું સ્મિત જોઇ પાગલ બન્યો છું.

-ઉદય ખત્રી

દિલ ઝંખે છે



શિલ્પીની કંડારેલી કૃતિ સમી
તારી આકૃતિને,
અપલક નેત્રે નિરખવા
આ દિલ ઝંખે છે.

તારા પ્રેમને ગઝલમાં વર્ણવવા,
આ દિલ ઝંખે છે.
તારી મધુર યાદોની સ્મૃતિઓનું સ્મારક
બનાવવા, આ દિલ ઝંખે છે.

સ્વપ્નાઓનાં સહિયારા વાવેતરમાં,
તારો સાથ આ દિલ ઝંખે છે.
હૃદયની વાતોને શબ્દોમાં
બયાન કરવા, આ દિલ ઝંખે છે.

દર્દ અને વ્યથા ભરેલી આ દુનિયામાં,
તારી નજરના સ્પર્શ સુખને પામવા.
આ દિલ ઝંખે છે.

પૂરા જીવનની તૃષા છીપાવવા,
તારા પ્રેમનું એક બુંદ પામવા,
આ દિલ ઝંખે છે…

-મિનાઝ વસાયા

વિદાય



અમારી વિદાય વેળાએ પ્રેમભરી
નજર આપજો,

દિલમાં થોડોક પ્રેમ અમારા માટે
જરૂર રાખજો.

ખૂટ્યા નથી હજુ લાગણીના ઝરણાં
તમારા દિલમાંથી,

કોક દિ’ મારા પર વરસાવવા જરૂર આવજો.
રિસાઇ જવું એ સ્વાભાવિક છે પણ,

તમારા દિલ પર રાખેલું મારું નામ ‘પ્રેમ’,
ઓ ‘પરી’ તમે જિંદગીભર સાચવી રાખજો.

-વિજયસિંહ સોલંકી

આવવું પડશે…



ખારો છું છતાં મુજને મળવા આવવું પડશે,
મીઠા તુજ જળને ભળવા આવવું પડશે.

પીડા આ વધીને થાય હજુ બમણી એવું,
ઔષધ આ જખમ પર લગાવવું પડશે.

અળવીતરું મન હઠ લઇ બેઠું છે આપનું,
સપનામાં બે ઘડી તમારે આજ આવવું પડશે.

વધારવી હોય શાખ જો આ મયકદાની,
જાતને જામ સાથે આજ બહેકાવવી પડશે.

શાશ્વત શાંતિ કેવળ મઝાર જ આપી શકે,
રઝળીને થાકેલા જીવને એ સમજાવવું પડશે.

કેમ ન હોય ચહેરા પર રોનક અનેરી, દોસ્ત?
આવી ચડે મૃત્યુ તો હસતા મોંએ વધાવવું પડશે.

-ભરત ભટ્ટી

આવી જજો



તમારા વિયોગમાં મારો પ્રાણ જાય,
ત્યારે તમે આવી જજો.

હું નથી હયાત હવે, એવી વાત માની લેજો.
ભલે સ્વજનો મારા દુ:ખી હોય,
પણ તમે ખુશીઓ મનાવી લેજો.

એક હતો દુશ્મન એ પણ નથી રહ્યો,
એવો દિલાસો દિલને આથી દેજો.

ભલે લોકો મારી કાર્યોની પ્રશંસા કરે,
પણ તમે મારી નિંદા કરી લેજો.

અમર છે નામ મારું, તો પણ બદનામ થાય તેવી કોશિશ કરી લેજો.
એક વાર અરથી પર આવી, ચહેરો જોઇ જજો.

ફૂલોનો હાર નહીં, નફરત તમારી ચડાવી જજો
બસ, હવે નથી રહ્યો તમારો દીવાનો,
એની ખુશીઓ મનાવી લેજો.

-અજય રાવળ,

મળી ગયું



મળ્યું એક બિંદુ પાન પર,
ને મોતી સમજી ગળી ગઇ.

સ્પશ્યું જ્યાં હૃદયમાં ને,
ગાઢ સ્મરણમાં સરી ગઇ.

મળ્યો સાથ સજ્જનોનો અને,
વગર નાવે તરી ગઇ.

આશા એક સુંદર જીવનની ને,
સારો સાથી મળી ગયો.

દુનિયા તો છે સુંદર ને,
સુંદરતા પામનાર મળી ગયો.

કોણ ગયું કોઇની સાથે, ને જશે કોણ,
પણ સાથે જનારું મળી ગયું.

આપ્તજનો કે પરાયા સ્વાર્થના,
પણ દિલને દિલાસો દેનાર મળી ગયું…
મળ્યું એક બિંદુ પાન પર…

-તૃપ્તિબા ગોહિલ

નથી હોતી…



ધન, વૈભવ, દોલતમાં, અમીરી નથી હોતી,
દિલના કોઇ ખૂણામાં, ગરીબી નથી હોતી.

લોક સમજે છે, જાગીર પોતાની વર્ષોથી,
વખત ટાણે વસિયત સાબિત નથી હોતી.

મારું મારું કરે જે, એકલો રહી વંચિત,
બંધ મુઢ્ઢીમાં કોઇ દિ’ સ્વસ્થતા નથી હોતી.

પીડ પરાઇ સમજમાં, વિહરતું રહે આ દિલ,
પ્રેમની વલખતી ભીખમાં, ફકીરી નથી હોતી.

શરાબ, મટન સબડે, જ્યાં મહેફિલો ભરી,
મદહોશ જિંદગી કોઇની, અસલ નથી હોતી.

-પ્રવીણ ખાંટ

ફક્ત તારા માટે…



નજરથી નજર મળીને, થઇ ગઇ એક નજર.
અંકુર ફૂટ્યા પ્રેમના, ને થયો અહેસાસ દિલમાં.

ક્ષણમાં લખાયું તારું નામ,ધબકાર ને શ્વાસમાં.
એકરાર થયો ને,ડૂબી નાવ તારા પ્રેમસફરમાં.

હવે ‘હું’ હું નથી, ને ‘તું’ તું નથી,
બન્યા એક જીવ બે શરીરમાં.

તારાથી ‘હું’ ને મારાથી ‘તું’,
એ જ છે, આપણા નસીબમાં.

પ્રેમના દરિયામાં એવા તો ડૂબ્યા,
કે બન્યા સાથી જિંદગીના સફરમાં.

વીત્યાં ત્રણ વર્ષ તારા સાથમાં,
મળ્યાં એ ખાસ પળ તારા સહવાસમાં.

સાથ નિભાવીશ જિંદગીના સાથમાં,
રાખજે વિશ્વાસ મારા વિશ્વાસમાં.

જિંદગી લૂંટાવી છે તારા નામમાં,
‘જીવ’ પણ આપીશ, તારા પ્રેમમાં.

છે ખુશહાલ જિંદગી, તારા સંગાથમાં,
ઇશ્વર કરે, મળે તારો સાથ હર જનમમાં.

-કલેમેન્ટ પરમાર

નયનકક્ષમાં



વિચારો ન શોધો ન બોલો કશું
સતત મૌન રાખો શયનકક્ષમાં
હૃદયના અધૂરા બધા ભાવની,
થશે પૂર્તતા અધ્યયનકક્ષમાં.

ઘૂંટાશો, દબાશો, કણસતાં થશો,
થશે મૂંઝવણ, હૂંફ પણ પામશો;
મળાશે સહજ ભીતરી ભેજને,
સજળ કોઈના બે નયનકક્ષમાં !

ન ઈચ્છા ઉપર કોઈ કાબૂ રહ્યો,
રહી તો રહી એક પરતંત્રતા;
ન પામી શકું છું ન ત્યાગી શકું,
ઊભો છું નિરંતર ચયનકક્ષમાં.

દિશાઓ બની છે દીવાલો અહીં,
નથી પાંખમાં આસમાનો હવે;
દિશાશૂન્ય આંખો આ પટકાય છે,
તમસથી ભર્યા ઉડ્ડયનકક્ષમાં.

– સ્નેહલ જોષી

અકબંધ છે



પ્રશ્નો અનેક આવે છે,જ્યારે મનના દ્વાર ખૂલે છે.
પ્રકાશ સૂર્યનો હજીય અકબંધ છે,
પણ શું ઉગ્રતા એની એ જ છે?

ચાંદની ચંદ્રમાની હજીય અકબંધ છે,
પણ શું શીતળતા એની એ જ છે?

હરિયાળી ધરાની હજીય અકબંધ છે,
પણ શું સૌમ્યતા એની એ જ છે?

રૂદન શિશુનું હજીય અકબંધ છે,
પણ શું નિર્દોષતા એની એ જ છે?

જોઉં છું ખુશહાલી, ક્યાંક હજીય અકબંધ છે,
પણ ક્યાંક તો દરિદ્રતા એની એ જ છે.

ઓળખ માનવ તરીકે હજીય અકબંધ છે,
પણ શું માનવતા મારી એની એ જ છે?

આવતા અનેક વિચારો હજીય અકબંધ છે,
પણ પ્રશ્નો તો વણઉકલ્યા એના એ જ છે.

-જેમિશ બુટવાલા

Wednesday, August 22, 2012

મિલનની તડપ



દરરોજ અડધા કલાકની,
વાતમાં દોસ્તી વધી ગઇ,

દોસ્ત તારી યાદમાં હવે તો,
લાગે કે રાત પણ વધી ગઇ.

હવે તો નાની ખુશી પણ લાગે છે મોટી,
આ પ્રેમ છે કે મારી આશ વધી ગઇ.

જ્યારે સમય આવ્યો છૂટા પડવાનો ત્યારે,
ભાન થઇ કે દોસ્તીની હદ વધી ગઇ.

ત્રણ-ત્રણ મહિનાની જુદાઇથી,
તારા મિલનની તડપ વધી ગઇ.

બદલાઇ છે દોસ્તી પ્રેમમાં?
કે પછી દોસ્તીની વ્યાખ્યા વધી ગઇ.

લાગે છે ‘કાનુડા’ હવે તો,
તારી અહેમિયત ખુદાથી પણ વધી ગઇ.

-જહાનવી પટેલ

અલકમલક



કહેવાનું તો ઘણું હતું,
પણ કહી ના શક્યા કંઇ જ.

મનના અરમાન મનમાં જ રહ્યાં,
કરી ન શક્યાં કંઇ જ.

જોયું, જાણ્યું ને પીછાણ્યું,
એ વાતને હવે જવા દો,

કોઇ અલકમલકની વાતો.
આપણામાં મહેકવા દો,

દુનિયાની વાતો દુનિયામાં રહે
એ જ વધુ સારું છે,

આપણી વચ્ચે સારું છે,
આપણી વચ્ચે પ્રીત રહે,
એથી વિશેષ શું મારું છે?

રાત-દિવસ તમારી રહી,
સાંજ અમારી રહેવા દો,

બસ! રજા લઉં છું અહીં,
યાદ અમારી રહેવા દો,

-વિભા લેલે

નથી હોતી



સમાન ભાવે વિનાશ કરે છે,
જળ ને કોઇ રાશી નથી હોતી…

વર્ષો સુધી અસર કરે છે,
દુવા કદી વાસી નથી હોતી…

છુટ્ટા હાથે દાન કરે છે,
ફકીરને કદી ઐયાશી નથી હોતી…

સદાય જે હસ્યા કરે છે,
તે આંખો નીરની પ્યાસી નથી હોતી…

જેના આંગણે રોજ મરણ છે,
તે સ્મશાન ને કદી ઉદાસી નથી હોતી…

-”શબ્દ્શ્યામ”-આશિષ ઠાકર ક્રુત

આરઝૂ



રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ,
એમ ઊજળું મરણ કરી દઈએ !

હોય ત્રીજું ના આપણી વચ્ચે,
રોજ એવું સ્મરણ કરી દઈએ.

જાણવું શક્ય છે તમસને પણ,
રાતભર જાગરણ કરી દઈએ.

દશ્યમાં આવને બતાવી દે,
તે મુજબ અનુકરણ કરી દઈએ.

બંધ હો મન પ્રદેશની સરહદ,
ના, અમે અતિક્રમણ કરી દઈએ.

જિંદગી ગોઠવાય ના સમુચિત,
તો રમણ ને ભમણ કરી દઈએ !

યાદનું વૃક્ષ ફાલતું અંદર,
છમ્મલીલું પરણ કરી દઈએ.

સાદ કર આપણા, પરાયાને,
બાદ વર્ગીકરણ કરી દઈએ !

– આબિદ ભટ્ટ

….તો કહેવાય નહીં



આજ કલમ કંઈક ધખધખતું લખવા કરે છે,
લાગણી ધગીને લાવા થયો હોય તો કહેવાય નહીં.

આ કંપારી કલમની છે કે હાથની ખબર નથી,
મહીં હળાહળ વલોવાતું હોય તો કહેવાય નહીં.

કાષ્ઠ-હૃદયનું વલોણું લાવ ને જરી ફેરવી જોઉં,
સાચ-જૂઠ અલગ પડી જાય તો કહેવાય નહીં.

આમ તો જિંદગીનો દરિયો સાવ ખારો જ મળ્યો છે,
તળિયે ક્યાંક શબ્દો પડ્યા હોય તો કહેવાય નહીં

જમાનાની દુર્દશા માટે, જો કે દુર્જનો જ નિંદાય છે,
કહેવાતા સજ્જનોનો ય હાથ હોય તો કહેવાય નહીં.

મંદિર, મસ્જિદ કે દેવળમાં હવે હું જતાં ડરું છું,
શેતાન ત્યાં પણ છુપાયેલો હોય તો કહેવાય નહીં.

મારા દોસ્તોની યાદીમાં જેઓનાં નામ મોખરે છે,
તેના શત્રુઓની યાદીમાં હું હોઉં તો કહેવાય નહીં.

જીવન-પરીક્ષાના કોયડા, સાચા ઉકેલી શક્યો નથી,
કૃપા-ગુણથી ‘હંસ’ પાસ થઈ જાય તો કહેવાય નહીં.

– એચ. બી. વરિયા

વહાલી હોય છે



બંદગી જેને વહાલી હોય છે,
એમને ઘર પાયમાલી હોય છે.

દાનમાં એ દઈ શકે આખું જગત,
હાથ જેના સાવ ખાલી હોય છે.

આંસુ કેવળ એજ ટપકે આંખથી,
યાદની જેને બહાલી હોય છે.

દૂર હો એનેય જકડે બાહુમાં,
જીવ પણ કેવો ખયાલી હોય છે.

ત્યાં મિલનને ને અહીં નોખાઈને,
સાથસાથે રાતપાલી હોય છે !

પૂછ મા શતરંજ જેવા શખ્સનું,
ચાલ બસ ઊંધી જ ચાલી હોય છે !

મૃત્યુનો સંદેશ જે લાવે કદી,
જિંદગી સહુની ટપાલી હોય છે !

– હરેશ ‘તથાગત’

આદિલ મન્સૂરી - ગઝલ



કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો

જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો

તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો

જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો

હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો

ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે આદિલ
રદીફ ને કાફિયા ઓળંગીને મક્તા સુધી આવો.

– આદિલ મન્સૂરી

લટકવાનું



ઘણું અઘરું છે મળવાનું,
બીજાના મનને કળવાનું.

જીવનભર એ કર્યું છે ને,
હવે અંતે ય બળવાનું ?

ચલો, કોશિશ તો કરીએ,
દૂધે સાકર શું ભળવાનું !

બધાંએ વૃક્ષના ભાગે,
નથી હોતું જ ફળવાનું !

જીવન માટે ઝઝૂમ્યા ને,
મરણ કાજે ટટળવાનું !

તને હું કામ સોંપું છું,
ઋષિના મનને ચળવાનું !

અમે છટકીને અહીં આવ્યા,
હવે અહીંથી છટકવાનું ?

જનેતાએ જ શીખવ્યું છે,
ઊંધે માથે લટકવાનું !

– વિનોદ ગાંધી

ગઝલ



મારી સમજણના છેડા પર જેની પક્ક્ડ ભારી છે,
મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે.

જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને,
મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે.

કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો’તો,
કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે.

કટ કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
તોય ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે.

કાલ સુધી તેં પગ ના વાળ્યો આજે પણ પગ ના વળતો,
બીજું કશું નહીં ભઈલા આ તો વારાફરતી વારી છે.

‘નારાજ’ કહી દો એ જણને જે તણખાથી પણ ધ્રૂજે છે,
કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.

– ચંદ્રેશ મકવાણા

કોને ખબર છે?



કોને ખબર કોને ક્યાં જવું છે??
દોડે છે બધા પણ મંઝિલ દૂર છે…!!

ચાલવું પડે છે માટે ચાલે છે બધા…
બાકી કોને ખબર કોને ક્યાં પહોંચવું છે…??

સંગાથ મળેને વાટ પકડી લે છે…
કોણ પૂછે એ વાટનો મુકામ ક્યાં છે…??

જુદા-જુદા માર્ગે જુદા-જુદા
ધામે પહોંચે છે લોકો…

અહીં નીજ-ધામે પહોંચવાનો
રસ્તો કોને ખબર છે??

આગળ રહેવાની હોડમાં
ટાંટિયાખેંચ છે બધે…

આગળ રહીને પણ કોને શું
મેળવવું છે કોને ખબર છે??

-જયંત ધોળકિયા (પોરબંદર)

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે



જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

જે કંઈ હું મેળવીશ હંમેશા નહીં રહે,
જે કંઈ તું આપશે સનાતન બની જશે.

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવું કોણ કે બંધન બની જશે.

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’,
શંકા વધી જશે તો સમર્થન બની જશે.

હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે

ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે

નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી



નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી
મને છંછેડીને પાછી ઝગડવા પણ નથી દેતી

કરી વાતો જુદાઈની મને રડમસ કરી મૂકશે
પછી ગમ્મત કરી કહે છે ને રડવા પણ નથી દેતી

હું એની છેડતી કરનાર પર ગુસ્સો કરું ત્યારે
એ ઝાલી બાવડું રોકે છે લડવા પણ નથી દેતી

જુદાઈની પળે જળ આંખના ખૂણે તો બાઝે છે
પણ એ આંસુ નયનમાંથી દદડવા પણ નથી દેતી

ધરી ધીરજ ઘણી તો પણ મને એ મારી ધીરજના
ફળો મીઠા નથી દેતી ને કડવા પણ નથી દેતી

કહે છે મિત્ર છો મારા તમે સૌથી કરીબી પણ
નથી એ પ્રેમમાં પડતી ને પડવા પણ નથી દેતી

-હેમંત

તો શું થયું?



એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું?
એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું?

જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘ્યાનો કર્યો
એક સપનુ ભૂલથી આવી ગયું તો શું થયું?

લાગણી મારી ટકોરા બારણે પાછી વળી
ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું?

જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું?

કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું?

જીત..મેં તો મારી પ્રીત સદાયે તારી સાથે જોડ

પ્રેમ એટલે શાશ્વત
લાગણીઓનું અસીમ સોપાન
પ્રેમ એટલે કલાત્મક
ઊર્મિઓનું આવરણ
પ્રેમ એટલે મૌન તરંગોને
પ્રેમી તરફ પહોંચાડતું સાધન
પ્રેમ અટલે ગણિત વગરનું આત્મ-સમર્પણ
પ્રેમ એટલે ગહન પણ અવર્ણનીય
આનંદની પરાકાષ્ઠા
પ્રેમ એટલે જીવનની ગઝલ ને
હર્ષઘેલી લાગણીઓથી ઓપતો
પ્રેમ એટલે સમયાન્તરે વધુ
ને વધુ નવપલ્લવિત થતો
ઊર્મિઓનો મેળો
પ્રેમ એટલે એક્બીજાંને
પરસ્પર ખોવાડી દેતો
શ્રુંગારમય રસ
પ્રેમ એટલે સ્નેહના
અમૃતબિંદુઓની અમર્યાદિત સરવાણી
પ્રેમ એટલે મનનાં ઊંડા
મહાસાગરમાં ઉદ્ભવતાં પરિણય
ના દિવ્ય મોતી
પ્રેમ એટલે શેરડીનો મીઠો રસ
જે ક્ક્ત પ્રેમીઓ જ સમજી શકે
પ્રેમ એટલે બે દિલોની
લાગણીઓનુ સુભગ મિલન
પ્રેમ એટલે કશા પણ આડંબર વગર
વધુ ફુલતો પારસ્પરિક ભાવ
પ્રેમ એટલે સનાતન ભારતીય
સંસ્કૃતિ ની અમુલ્ય ભેટ
પ્રેમ એટલે આત્મિયતા નું
સદૈવ મૈત્રીમાં પરિણમતું
અખંડ ઝરણું
પ્રેમ એટલે નટખટ અને તોફાની
ભાવ જે ફૂલે માત્ર લૂંટાતી વખતે
પ્રેમ એટલે ‘કલાપી’ના
કાવ્ય-પુષ્પોની માળા
પહેરાવી પ્રણયનો એકરાર

વિદાય વખતે એમની પાસે એક નિશાની માંગી



વિદાય વખતે એમની પાસે એક નિશાની માંગી
મેં એક નિશાની માંગી
અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી,
મારા ઘરડા દિવસો માટે થોડીક જવાની માંગી…
મેં એક નિશાની માંગી…

મેં કરી વિનંતી
કે જાગતો રહીશ હું કયાં સુધી મને કોઇ હાલરડું આપો,
બાળક મનને રમવા માટે એક રમકડું આપો;
ઝુલ્ફની ખુશ્બો; સ્મિતની રોનક, નયનની મસ્તી આપો,
જતાં જતાં મારા સૂના મનને કંઇક તો વસ્તી આપો.

વિરહની રાતો પોતે જેને જીવની જેમ સંભાળે,
આપો એક વચન કંઇ એવું લાખ વરસ જે ચાલે.
પાયલ પહેર્યા બાદ પડયાં જે તે સૌ પગલાં આપો,
મેં એક નિશાની માંગી…

સૂણી વિનંતી બોલ્યા તેઓ નજરને નીચી રાખી,
‘દિલ જ્યાં આપ્યું પછી કહો શું આપવા જેવું બાકી?’
મારી યાદ હશે જો દિલમાં ને જો સૂરજ ઢળશે,
પ્રેમના સોગંદ રણમાંથી પણ તમને પનઘટ મળશે.
ઝુલ્ફની ખુશ્બો, સ્મિતની રોનક, નયનની મસ્તી મળશે,
ક્ષણભર યાદ કરી જો લેશો વસ્તી વસ્તી મળશે.

બાકી જેને ભૂલી જવું હો એ જ કહાની માંગે,
પ્રીતમ જેના મનમાં શંકા – એ જ નિશાની માંગે.
કેવો પ્રીતભર્યો આ ઠપકો, કેવી શીખ મજાની,
આથી બહેતર “સૈફ” શું મળતે બીજી કોઇ નિશાની!

– “સૈફ” પાલનપુરી

જય જય ગરવી ગુજરાત



જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત,
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત-
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથે ને દ્રારકેશ એ, પશ્ર્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય,
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ,
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત
જમ ઘૂમે નર્મદા સાથ
જય જય ગરવી ગુજરાત

ફાગુનકે દિન ચાર, હોલી ખેલ મના રે…

ફાગુનકે દિન ચાર, હોલી ખેલ મના રે…
બિન કરતાલ પખાવજ બાજે,
અનહદકી ઝનકાર રે
બિન સૂર-રાગ છતીસોં ગાવૈ,
રોમ રોમ રંગ સાર રે
શીલ સંતોષકી કેસર ઘોલી,
પ્રેમ પ્રીત પિચકારી રે
ઉડત ગુલાલ લાલ ભયે બાદલ,
બરખત રંગ અપાર રે
ઘટકે સબ ઘટ ખોલ દિયે હૈં,
લોકલાજ સબ ડાલ રે
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
ચરણકમલ બલિહાર રે…
મીરાંબાઈ

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા



મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.

વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.

-સુન્દરમ્

ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે



ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.

તન જિવાડી રાખતા એક જોશી જેવું હોય છે,
મન કોઈ મરવા પડેલી ડોશી જેવું હોય છે.

એ મને મૂકીને ફરવા પણ જઈ શકતો નથી,
મારા પડછાયાને પણ નામોશી જેવું હોય છે.

- મુકુલ ચોકસી

રોજ એ બગડે ભલે ને છે મને પ્યારું નસીબ



રોજ એ બગડે ભલે ને છે મને પ્યારું નસીબ,
એક ‘દિ તો માનશે છે આખરે મારું નસીબ.

કેમ એના પર કરું ના દોસ્તો વિશ્વાસ હું ?
અંત સુધી હર પળે છે સાથ રહેનારું નસીબ.

એ ભલે વિખરે ભલે સંવરે છતાં સુંદર રહે,
કાશ! તારી જુલ્ફ જેવું હોત આ મારું નસીબ.

ઓ વિધાતા! આંસુઓથી તો નથી એને લખ્યું,
એ કહે કે કેમ લાગે છે મને ખારું નસીબ ?

એ દયાળુ કેટલો અંધકાર દીધા બાદ પણ,
ના દીધું રાત્રિને જેણે છેક અંધારું નસીબ.

બંધ મુઠ્ઠી હું કદી ના ખોલતે ‘બેતાબ’ આ,
હોત જો આ હસ્તરેખામાં જ રહેનારું નસીબ.

-રિષભ મહેતા ‘બેતાબ’

હું નયનનું નીર છું



હું નયનનું નીર છું
પ્રેમનું તકદીર છું

ખેંચશો – હારી જશો
દ્રૌપદીનું ચીર છું

અર્જુને પૂછ્યું મને
રે તું કોનું તીર છું

જે નજર આવે નહીં
તેની હું તસ્વીર છું

પાત્ર લાવો હેમનું
હું સિંહણનું ક્ષીર છું

જન્મના ફેરાની હું
તૂટતી ઝંજીર છું

જાય છે આદમ? ભલે!
દુ:ખ નથી-દિલગીર છું

- શેખાદમ આબુવાલા

કેમ છો?



કેટલા વરસે મળી ગ્યા ‘કેમ છો?’
સાવ બસ ભૂલી ગયા’તા ‘કેમ છો?’

હું ફકત હસતો રહ્યો ઉત્તર રૂપે
એમણે પૂછ્યું’તું હસતાં ‘કેમ છો?’

શહેર છે ઓ દોસ્તો! આ શહેર છે.
કોઇ નહીં પૂછે અહીંયાં, ‘કેમ છો?’

અર્થ એના કેટલા એ કાઢશે?
કોકને પૂછ્યું’તું અમથા, ‘કેમ છો?’

આંખ મેં બારી તરફ માંડી ફકત,
કોઇએ પૂછ્યું કે ઘરમાં ‘કેમ છો?’

- અજ્ઞાત

ભૂલ કર



યભરી મદમસ્ત આંખો છે, શરાબી ભૂલ કર
એના હોઠોને અડીને એક ગુલાબી ભૂલ કર

સરહદો પાંપણની તોડી, એ વસી ગઈ સ્વપ્નમાં
જો, પહેલ એણે કરી, તું બસ જવાબી ભૂલ કર

ભૂલ બુજદિલ આગિયા જેવી તો પકડાઈ જશે
જા, તું ખૂલ્લેઆમ જઈને આફતાબી ભૂલ કર

ચહેરો દેખાડી અરીસો રોજ રંજાડે તને
તું પણ એને છળ કદી, જા, એક નકાબી ભૂલ કર

ઉરમાં ઈચ્છાઓને જણતું એક ધબકતું યંત્ર છે
એના તાબે ના થવાની ઇન્કિલાબી ભૂલ કર

-હેમંત

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી



તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

- જલન માતરી

કુહાડી કે શબ્દથી



કુહાડી કે શબ્દથી
કરાયેલા ઘા જેવું મૌન.

ગળા પરની
છરી જેવું મૌન.

ખડક પરથી તળિયા સુધીની
ચીસ જેવું મૌન.

બંદૂકમાંથી નીકળતું
કે પડઘમમાંથી પડઘાતું મૌન.

મૃત્યુ પછી ઉચ્ચારાયેલા
પ્રથમ અક્ષર જેવું મૌન.

હવે મૌન
અને ત્યાં સુધી મૌન.

- જોસેફ હાંઝલિક ( અનુ. હરીન્દ્ર દવે )

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !



એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !

શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?

દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે

સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !

- રમેશ પારેખ

મળે ના મળે



નદીની રેતમાં રમતું નગર મળે ના મળે,
ફરી આ દૅશ્ય સ્મ્રૂતિપટ ઉપર મળે ના મળેવતનની માટીની પણ એક સુંગધ હોય છે અને વતન છોડ્યા પછી ભલે રાજ-પાટ મળે પણ એ માટીની સુગંધ ક્યાં મળે છે! તો એ સુગંધનો દરિયો શ્વાસમાં ભરીને લઈ જઈએ તો…જુઓ આ બીજો શેર…



ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ના મળે

હવે પછીના બે શેર સરળ પણ અર્થપૂર્ણ છે..

પરિચિતોને ધરાઈને જોઇ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ના મળે

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ના મળે

મને સૌથી વધુ ગમતો શેર..જાને ગઝલ શેર!! કોઇના મ્રૂત્યુ પછીનું રડવાનું અત્યારે જ પતાવો..એ સ્વજનના કે તમારા મ્રૂત્યુ પ્રસંગે પછી રડવાની તક ના પણ મળે…

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં
પછી કોઈને કોઇની કબર મળે ના મળે

વતન છોડીને સફરે નીકળો, તો પછી સારો સથવારો ના પણ મળે..તો…

વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખમાં,
ભલે સફરમાં કોઇ હમસફર મળે ના મળે

અને મક્તાનો શેર..

વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ના મળે

પ્રેમ એટલે કે



પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો

પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો
ક્યારે નહીં માણી હો,
એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે.

પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે,
એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય
છે મુશાયરો

પ્રેમ એટલે કે…

-મુકુલ ચોક્સી

ઘર તમે કોને કહો છો?



ઘર તમે કોને કહો છો?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક તો આવે પડે,
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર-ટોપીનોય-માથેથી ઊતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે ક્હો તમારું ઘર નથી?
તે ઘર તમે કોને કહો છો?

-નિરંજન ભગત

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે



જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!





તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

-કલાપી

વાયુને હંફાવવા બળ ના કરે



વાયુને હંફાવવા બળ ના કરે,
એ સુંગધી છે, કદી છળ ના કરે.

પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.

સ્વપ્નને સંકેલવાની બાબતે,
ઊંઘતો માણસ ઉતાવળ ના કરે.

ખૂબ ઘેરી ને ગહન છે લાગણી,
એ ઝરણની જેમ ખળખળ ના કરે.

ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ’, પણ;
ના ગમે તો વાત આગળ ના કરે.

- ચિનુ મોદી

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે



જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

- આદિલ મન્સૂરી

એળે ગયૉ



જે સહજ રીત થી એની મેળે ગયૉ,
એ દિવસ સહુ કહે છે કે એળે ગયૉ.

- મુકુલ ચૉકસી

કેટલી સરસ મુલાકાત હતી



કેટલી સરસ મુલાકાત હતી
જાણે કયામત ની રાત હતી

અમારી આંખો ને એમનો ઇંતજાર
ને એમનો પાછળથી કરેલો સાદ
આટલી તો સરસ શરુઆત હતી

ચાંદ, તારા અને પ્રાર્થનાનો સૂર
એમનો સંગાથ, ને ઝાંઝરનો ઝંકાર
જાણે આખી કાયનાત સાથ હતી

અમે તો બસ કહ્યાજ કર્યુ
એમણે તો બસ સાંભળ્યા જ!!
જાણે વર્ષોની કોઇ વાત હતી

ના કોઇ કોલ, ના કોઇ વાયદા
ના એમણે પુછયુ, ના અમે
આટલી તો સરસ રજુઆત હતી

નામ વગર નો રીશ્તો બાંધ્યો,
અને એને પુરી કરવાની પ્રતિજ્ઞા
આતો કેવી અમારી શાલીનતા હતી?

કોને જોઇએ છે જીદંગી ભરનો સાથ
…… તો જીવી ગયો એક પળમા
એમના સ્પર્શની તો કરામત હતી

‘હા’ કે ‘ના’ નો સવાલ જ કયા છે
જવાબ તો અમે જાણતાજ હતા
બસ,આ મારી છેલ્લી મુલાકાત હતી

કોણ પૂછે છ?



કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

- કૈલાસ પંડિત

એક શબ્દ દડી જાય



એક શબ્દ દડી જાય, દડી જાય અરે !
પડઘાઓ પડી જાય, પડી જાય અરે !
બ્રહ્માંડથી ગોતીને ફરી લાવું ત્યાં
એક કાવ્ય જડી જાય, જડી જાય અરે !

- જવાહર બક્ષી

હું તો ધરાનું હાસ છું



હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું !

- રાજેન્દ્ર શુક્લ

લાગણીની બીક લાગે છે



લાગણીની બીક લાગે છે મને
વાત એ પણ ઠીક લાગે છે મને
પાણીમાં ચહેરાને જોયો એ પછી
દર્પણો દાંભીક લાગે છે મને !

- ચિનુ મોદી

બેન બેઠી ગોખમાં



બેન બેઠી ગોખમાં,
ચાંદો આવ્યો ચૉકમાં.

બેની લાવી પાથરણું,
ચાંદો લાવ્યો ચાંદરણું.

પાથરણા પર ચાંદરણું,
ને ચાંદરણાં પર પારણું.

ચાંદો બેઠો પારણે,
બેની બેઠી બારણે.

બેને ગાયા હાલા,
ચાંદાને લાગ્યા વ્હાલા.

બેનનો હાલો પૂરો થયો,
ચાંદો રમતાં ઊંઘી ગયો.

- સુન્દરમ્

કેટલીક રચનાઓ ગુમનામ કવિની



લખી તો અમે હતી ગઝલો ઘણી,
વહાવી હતી એમાં લાગણીઓ ઘણી,
મોલ ના મળ્યા એના અમને સાચા,
દાદ મળવાની હતી આશાઓ ઘણી,
સમજ્યા માત્ર એને ગઝલ તેઓ,
અમે તો વહવી’તી ઉર્મિઓ ઘણી

————————————————————————–

ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.

જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું,
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.

હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.

નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો,
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું..

————————————————————————–

મૃત્યુ મારું પોતાનું હતું

એટલા માટે રુદન મારું ઘણું છાનું હતું,
અશ્રુઓ સાધન તરસ મારી છીપાવવાનું હતું.

એના હાથે માનવી રહેંસાઈ ટળવળતો રહ્યો,
આ જગત એવું અધૂરું એક કતલખાનું હતું.

મારે વહેવાના સમય પર હું તો છલકાઈ ગયો,
લક્ષ સાગરમાં ભળી ઊંડાણ જોવાનું હતું.

હું જ નીરખતો હતો એ વાત હું ભૂલી ગયો,
મારા મનથી પાપ મારાં કોણ જોવાનું હતું?

એટલે તો મેં નજર પણ ના કરી એ દ્રશ્ય પર,
કે ગગનથી તારલા વિણ કોણ ખરવાનું હતું !

અર્થ એનો એ નથી હું પણ ‘જલન’ તરસ્યા કરું,
ઝાંઝવાંઓને તો જીવનભર તરસવાનું હતું.

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર
ઓ ‘જલન’, જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.

————————————————————————–
ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.

જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું,
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.

હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.

નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો,
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું..
કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસીને આમ કરી
ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે?

નિયમ પ્રમાણે દવા આપેછે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.

દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે એ.

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.

બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે,ઝગડે છે,હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.

દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે

કમાલ કરે છે કમાલ કરે છે
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

સમાવી નહીં શકે



પથ્થરની વરચે ઝાડને વાવી નહીં શકે, ઝરણાને પાછું પર્વતે લાવી નહીં શકે.

માણસ તું એટલો બૂરો અપરાધ ન કર, કે ઇશ્વરે સજાથી બચાવી નહીં શકે.

અંધારી રાતે ઝાડ કૂંપળને કહ્યા કરે છે,

તડકાનું વાળુ કોઇ કરાવી નહીં શકે.

ચાતકને ચાર ટીપાં તરસ માટે કાફી છે,

વરસાદી જળ ચાંચ સમાવી નહીં શકે.

બારીની આસપાસનાં દૃશ્યો હટી શકે, આકાશથી સૂરજને હટાવી નહીં શકે.

અખબારમાં ઘણાયની તસવીર હોય છે,

પણ ઓળખાણ તારી કરાવી નહીં શકે.

- નીલેશ પટેલ

નીકળે કેટલા !



શબ્દ ઘૂંટયા બાદ નવલા અર્થ નીકળે કેટલા ?
અમથું ઊગે મૌન ત્યારે મર્મ નીકળે કેટલા !

દોસ્ત! સંબંધોનું ખોલી નાખ એકેએક પડ
લાગણીના જો પછી સંદર્ભ નીકળે કેટલા !

વીજ પડશે કે પછી વરસાદ પણ વરસી પડે
જોઈને એકાદ વાદળ, તર્ક નીકળે કેટલા !

બાણ વાગે તે પછી શાયદ અલગ પાડી શકો
કેટલા છે સાધુ ને કંદર્પ નીકળે કેટલા !

દોસ્ત કે’ કયાંથી ઉતરડીશું ત્વચાને આપણે?
કાંચળી ફેંકી સહજ આ સર્પ નીકળે કેટલા !

લિપિ ઉકેલાશે નહીં, તો પણ તપાસી જો જરા
ફૂલ પરથી ઓસભીના સ્પર્શ નીકળે કેટલા !

-છાયા ત્રિવેદી

ખબર નથી



કસ્ટી ના કાંધા ક્યા લઇ જશે ખબર નથી,
તુ અવી ક્યા ચાલી ગઇ ખબર નથી.
મળ્યો હુ તને ક્યારે એ ખબર નથી,
પડ્યો હુ ક્યારે પ્રેમ માં એ ખબર નથી.
ન તો જણ તો હુ કશુ તારા વિશે;
વાત ક્યારે થઇ ખબર નથી.
ચોટ તો વગી ત્યારે સભાન થયો,
લોહી નીકળી ને વહિ ગયુ ક્યારે ખબર નથી.
કોણ જાણે કેમ હુ તને ભુલ તો નથી
ને તુ ચાલી ગઇ ક્યારે એ ખબર નથી.
શુ થઇ રહ્યુ છે આ બધુ “મન્”
પડઘા સમ્યા ક્યારે એ પણ તને ખબર નથી.

–કોઇ ની યાદ માં (ગુમનામ કવિ)

એ ખબર નથી!



લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ વિચારોને ઘણીવાર કાગળ પર
ઉતારી લઉ છું

વાંચતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ બીજાના મન ને જાણવાની
કોશીશ કરી લઉ છું

જોતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ પોતાના કર્મોની ઝલક અચુક
લઇ લઉ છું

ચાલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ રણમાં પાણીના આભાસથી દોટ
મૂકી દઉ છું

બોલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ અપશબ્દ નીકળ્તા પહેલા
જીભને સંભાળી લઉ છું

સાંભળતા આવડે છે કે નહી, એ
ખબર નથી!
પણ મળેલી સાચી સલાહ જીવનમાં
આવરી લઉ છું

રમતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ જીવનની રમતોમાં કોઇક રમત
જીતી લઉ છું

વ્યક્ત કરતા આવડે છે કે નહી,
એ ખબર નથી!
પણ આ સંસારમાં મારો લખાયેલો
ભાગ ભજવી લઉ છું

જીવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ ક્ષણ ક્ષણ માંથી નાની
મોટી ખુશીઓ છીનવી લઉ છું

અનુભવતા આવડે છે કે નહી, એ
ખબર નથી!
પણ કુદરતના હિસ્સા તરીકે
પોતાની તરફ ઇશારો કરી લઉ…………………

- ગુમનામ કવિ

ચાલ્યા જશું



મળો જો આપ તો અટકળ કરી ચાલ્યા જશું,
રેતમાં ઘર બાંધશું, થોડું રમી, ચાલ્યા જશું.

દૂર થાશે ઝાંઝવાનુ ખોખલું દરિયાપણું,
આંખમાં સાગર ભરીને રણ ભણી ચાલ્યા જશું.

યાદના સૂરજ અચાનક માર્ગમાં ઊગી જશે,
બસ પછી તો ભાગ્યામા ઝળહળ ગણી ચાલ્યા જશું.

આ તે કેવો શાપ છે એકલપણાના ભારનો,
શ્વાસને સૌ આપના ચરણે ધરી ચાલ્યા જશું.

ધૂમ્ર થઇ જાતે કરો પૂણાર્હુતિ આ યજ્ઞની,
‘ઇન્દ્ર’ છેવટ એકલાં વાદળ ભણી ચાલ્યા જશું.

- હિતેન્દ્ર કારિયા

સમજી જાજે સાનમાં



સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ,
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ !

-બાલમુકુન્દ દવે

અનુભૂતિ



લીલ લપાઈને બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળિયે !
કંપ્યું જળનું રેશમપોત;
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ !
હળવે ઊતરે આખું વ્યોમ;
નેણને અણજણી આ ભોમ.
લખ લખ હીર ઝળકે ભીના તૃણ તણી આંગળીએ !

-સુરેશ દલાલ

મળે



લાશ ઢંઢોળીને જોઇ છે કદિ,
ક્યાંક એક ઝીણો શ્વાસ પણ મળે

હવે જમીન ખોદીને જોવી છે મારે,
કદાચ એક આખુ આકાશ પણ મળે

ખુદ ને છોડી દઉં હું થોડી વાર માટે
તો તને જકડવાની મોકળાશ પણ મળે

અંધકાર થી બચવાની બસ વાતો અને વાતો
મૌન રહી જઉં તો પ્રકાશ પણ મળે

-હેમંત

Monday, August 20, 2012

શેખચલ્લી - Shekh-Challi in Gujarati.

ભલે ઉડે મન આભમાં પણ
સ્થિર કરવા ધરા ‘પર પાય,
નહીં તો જરુર જાણજો ભાઈ
કે હાલ શેખ ચલ્લી જેવા થાય.

હું તો ચાલી



લઈ એક દીવાસળી ની આગ
સુરજ સામે લડવા ચાલી

લઈ એક પાણીનું ટીપું
સમુદરને ભીંજવવા ચાલી

લઈ ઉછીની પોપટની પાખોં
આકાશને માપવા ચાલી

લઈ થોડો હવાનો સાથ
વંટોળીયાને હરાવવા ચાલી

……..છે હોશ…..મને…
હું..તો…………બસ

લઈ એક પ્રેમનો સથવારો
આ જગત ને પામવા ચાલી

–ધર્મિષ્ઠા દવે

જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો



જીવન ને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો,
છું એવી જાગ્રુતિમાં કે વધુ જાગી નથી શકતો,

ફુલો વચ્ચે ઓ માર પ્રાણ, વાયુ જેમ ફરજે તું,
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો,

જગતને તેજ દેવા હું સુરજની જેમ સળગું છું,
છે એક જ દુઃખ કે હું સુખના દિવસ માગી નથી શકતો,

અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો,

બૂરાઓને અસર કરતી નથી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો,

ગુમાવેલા જીવનનાં હાસ્ય તો પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂંટેલા અશ્રુ પણ માગી નથી શકતો,

ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રુદન ને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો,

જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે “બેફામ”
કે પર્વતને કોઇ પથ્થર કદી વાગી નથી શકતો.

- “બેફામ”

અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે



અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે – ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે,
આ મારું મન, ઘણાં વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદા તારા વિશે મારાય મનમાં સ્હેજ સંશય છે.

મને જોઈ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો !
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે ‘સૈફ’ સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

-સૈફ પાલનપુરી

ઝીણા ઝરમર વરસે મેહ



ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચુંદડલી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચુંદડલી.

આજ ઝમે ને ઝરે ચંદ્રની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મારા હૈયાની માલા :
હો ! ભીંજે મારી ચુંદડલી.

વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મારા નાથનાં નેણાં :
હો ! ભીંજે મારી ચુંદડલી.

આનંદકન્દ ડોલે સુન્દરીનાં વૃંદ ને
મીઠા મૃદંગ પડછંદા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મારા મધુરસચંદા !
હો ! ભીંજે મારી ચુંદડલી.

-ન્હાનાલાલ

એક વાર ચોમાસું ખાબકયું



એક વાર ચોમાસું ખાબકયું,

એકલી એ છોકરીને ભીંજવવા કાજે.

દેરીના દેવે કહ્યું- માત્ર, માત્ર,માત્ર

ત્યારે કેવડો ચડયો’તો ઉન્માદ?

સખીઓએ માગેલા મનગમતા વર,

એણે એકલીએ માગ્યો વરસાદ!

એ રાતે, છોકરીને સોણે વરસાદ આવ્યો,

એકલી ભીંજાતી’તી ફળિયે!

એવો વરસાદ-સાવ કોરુંકટ ગામ,

ન’તો છાંટો વરસ્યો નેવે-નળિયે!

એ દોડે એટલી ભીંજાણી’તી છોકરીને

ઓરડો નીતરતો’તો લાજે!

- ગિરીશ ભટ્ટ

પહેલા વરસાદનો પહેલો છાંટો

પહેલા વરસાદનો પહેલો છાંટો
પડ્યો આ દેહ પર
અને
મનમાં હતું કે
હમણાં જ શરીરના રોમે-રોમ ખીલી ઊઠશે રોમાંચકતાથી
હમણાં જ એક મીઠી સુગંધથી ભરાઇ જશે તન-મન મારુ
હમણાં જ એક ઠંડીની લહેરખી પસાર થ એ જશે તનમાંથી
અને થયુ પણ એવું જ
તનમાંથી એક લહેરખી પસાર થઇ
ખીલી ઊઠ્યા રોમે-રોમ
અને ભરાઇ ગયુ આ અસ્તિત્વ મારુ એક મીઠી સુગંધથી
પરંતુ
આ યાંત્રિક વરસતા વરસાદને કારણે નહી,
કારણ તો બની હતી તારી યાદ,
કે જ્યારે
પ્રથમ જ વાર પલળ્યો હતો (તારા)વરસાદથી.
બસ એ જ મારા જીવનનો પ્રથમ અને આખરી વરસાદ.
ત્યાર પછી તો સુકા ભઠ્ઠ સહરામાં
પાણીનું એક ટીપું સુધ્ધા નથી પડ્યુ.



- વિશાલ મોણપરા

વરસાદ ના સમ છે



હવે કહુ છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે
પછી હળવેથી સંકોચાવ ને વરસાદ ના સમ છે

તમોને રાત આખી રહી જવાના કોડ જા જાગ્યા
તમે પણ કહી દીધુ હવે જાવ ને વરસાદ ના સમ છે

તમે નખશીખ ભીંજાયા, અમે તો સાવ કોરાકટ
જરા ખોબો ભરી ને ન્હાવ ને વરસાદ ના સમ છે

તમે આપ્યા છે સમ એ સમનુ થોડુ માન તો રાખો
ચલો સમ તમે પણ ખાવ ને વરસાદના સમ છે

— Unknown poet

બે ઊભી લીટી દોરી



બે ઊભી લીટી દોરી
બે આડી
વચ્ચોવચ એક ખુલ્લું બારણું દોર્યું
ખુલ્લા બારણામાંથી બહાર જઈ શકાય
ખુલ્લા બારણામાંથી અંદર આવી શકાય
હું બહાર જવા દોડ્યો
તું અંદર આવવા
સફેદ ભીંત સાથે
હું આ તરફથી અથડાયો
તું પેલી તરફ થી

-કમલ વોરા

અભિવ્યકિત



દૃશ્યોમાં એકધારી ભાષા નથી તો શું છે?

ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે?

ભીના ભરેલ ભાને સૌંદર્ય સાચવે છે

ફૂલો ભરેલ કયારી, ભાષા નથી તો શું છે?

કાળી સડક ઉપર જે પ્રસ્વેદથી લખાતી

મઝદૂર-થાક-લારી, ભાષા નથી તો શું છે?

ડૂબી શકે બધુંયે જેની હૃદયલિપિમાં

અશ્રુસમેત નારી, ભાષા નથી તો શું છે?

ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક

ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?

જૂના જ શબ્દમાં કૈં પ્રગટાવજો અનોખું

એ માગણી તમારી, ભાષા નથી તો શું છે?

એનાં હૃદય મહીં જે અનુવાદ થઈ શકી ના

આ વેદના અમારી, ભાષા નથી તો શું છે?

- નિર્મિશ ઠાકર

બહુ ઉતાવળે સફળતાની સીડી હું ચઢ્યો નથી



બહુ ઉતાવળે સફળતાની સીડી હું ચઢ્યો નથી
અને એટલેજ કદાચ કોઇને હું બહુ નડ્યો નથી

મંઝિલો મળતી રહી, રસ્તાઓ ખુલતા રહ્યા
સફળતા પામવા ખરેખર હું બહું રઝડ્યો નથી

અવરોધ ટાળતો રહ્યો,અડચણને ખાળતો રહ્યો
ઉપર આવતા એવુ નથી કે કદી હું પડ્યો નથી

જીવનના જમા ઉધારનો હિસાબ ખોટમાં જ રહ્યો
હજી મને થાય કે, મને “રાજીવ” હું મળ્યો નથી

- ગુમનામ કવી (જણાવવા વીનંતી)

વારા ફરતી વારામાંથી નીકળવું છે



વારા ફરતી વારામાંથી નીકળવું છે
મારે આ જન્મારામાંથી નીકળવું છે

સદીઓથી એમાં ને એમાં સપડાયો છું
ઇચ્છાઓના ભારામાંથી નીકળવું છે

કાળી ભમ્મર ખાઇ તરફ સરકાવે છે એ
જગની જર્જર ધારામાંથી નીકળવું છે

કોઇ મમતના માળા બાજુ ખેંચ્યા ના કર
મારે તારા-મારામાંથી નીકળવું છે

અજવાળાના સ્વામી થોડો ટેકો કરજો
ભીતરના અંધારામાંથી નીકળવું છે

- હરજીવન દાફડા

મજાના મુક્તકો



પ્રસ્તુત છે કેટલાક લોકપ્રિય કવીઓ ના મુક્તકો…

——————————————

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી
અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

- સુરેન ઠાકર ‘મેહુલ’

——————————————

દર્દને ગાયા વિના રોયા કરો
જિંદગી માણ્યા વિના ખોયા કરો
બીક લાગે કંટકોની જો સતત
ફૂલને ચૂંથો નહીં, જોયા કરો

- કૈલાસ પંડિત

——————————————

ચૂડીઓ તૂટી ગુલામીની હણાયા ચોટલા,
હાથ લાગ્યા જ્યારથી સ્વરાજ કેરા રોટલા;
નિતનવા કાંઈ કાયદાથી ફાયદા એવા થયા,
આમ જનતાના જુઓ નીકળી ગયા છે ગોટલા.

- બેકાર

——————————————

પ્રસ્વેદમાં પૈસાની ચમક શોધે છે
હર ચીજમાં એ લાભની તક શોધે છે
આ દુષ્ટ જમાનામાં રુદન શું કરીએ
આંસુમાં ગરીબોના નમક શોધે છે

- મરીઝ

——————————————

પાંખનું કૌવત કે હું ધીમો કદી પડતો નથી
ઉડ્ડયન કરતો રહું છું પાછળ કદી હટતો નથી
મારા જીવનમાં ખામી શોધનારા સાંભળો
બહુ ઊંચી વસ્તુઓનો પડછાયો કદી પડતો નથી

- નાદાન

——————————————

જંગલી થૈને ફરે છે ટેરવાં
સ્પર્શમાંથી નીકળેલું રક્ત છે
સાત પડ વિંધાઈ જાશે મહીં
લાગણીના હાથ કેવાં સખ્ત છે

- આર. એસ. દૂધરેજિયા

——————————————

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે

- સૈફ પાલનપુરી

——————————————

જીવવાનું એક કારણ નીકળ્યું
ધૂળમાં ઢાંકેલું બચપણ નીકળ્યું
મેં કફન માનીને લીધું હાથમાં
એ સુખી માણસનું પહેરણ નીકળ્યું

તરબતર આંખોય પ્યાસી નીકળી
રાતરાણીની ઉદાસી નીકળી
તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા
ચાંદને જોવા અગાસી નીકળી

ચાંદનીની રાહ એ જોતું નથી
આંગણું એકાંતને રોતું નથી
રાત પાસે આગિયા પણ હોય છે
એકલું અંધારું કાંઈ હોતું નથી

કૈલાસ પંડિત

——————————————

પ્રણયનું દર્દ જ્યારે પહેલવહેલું દિલમાં પ્રગટ્યું’તું
તો લાગ્યું માનવીને આ બહુ કપરી મજલ આવી
રજૂ કરવા હ્રદયના દર્દને મથતો હતો એ તો
વહારે એટલે એની ગગન પરથી ગઝલ આવી

મનહરલાલ ચોકસી

——————————————

સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં
ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં
જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ
પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં

જવાહર બક્ષી

હરિનો મારગ છે શૂરાનો



હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.

- પ્રીતમ

પિંજરાનું બારણું ખોલીને



પિંજરાનું બારણું ખોલીને
પંખીને કહેવામાં આવ્યું,
‘હવે તું મુક્ત છે.’
પંખીએ બહાર નીકળીને
માણસ સામે જોયું-
અને-
પાછું પિંજરામાં ભરાઈ ગયું.

-હર્ષદ ત્રિવેદી

લોક પૂછે છે



લોક પૂછે છે :
આ કવિતા આવે છે ક્યાંથી ?
મને પણ થાય છે કે
આ વાયરો મૂળ ક્યાંનો વતની ?
મહાસાગરની રાષ્ટ્રીયતા કઈ ?
આ મેઘધનુષ ક્યાંથી redirect થઈને આવ્યું ?
ઝાકળના ગામનો પિનકોડ નંબર શો ?
ઊર્ધ્વમૂલ વૃક્ષ કઈ વાડીમાં ઊભું છે ?

અનંતના વહેણમાં અતીતનો ઓવારો ક્યાં આવ્યો ?
વૃક્ષને કલરવ ફૂટે એમ
મૌનને ફૂટે છે શબ્દ
ને ત્યારે
કવિ અને ઈશ્વર વચ્ચે
માંડ એક વેંતનું છેટું હોય છે.

- ગુણવંત શાહ

ગર્વથી કહુ છુ કે હુ છુ અમદાવાદી



ક્યા મલે કોઇ ને દોસ્તો મા આટલો પ્યાર,
કાઇક થાય ને મલવા આવે દોસ્તો હજાર

ક્યા આવી રીક્સા અને ક્યા આવા રસ્તા,
અહી ની રસ્ટોરન્ટ મોંધી ને પાન સસ્તા

અમદાવાદ મા જાત જાત ના લોકો વસ્તા,
દોસ્તો જોડે ટાઈમ નિકલે હસ્તા હસ્તા

ક્યા આવો વરસાદ ને ક્યા આવી ગરમી,
કોને યાદ નથી મમ્મી ના ખોલા ની નરમી

ક્યા મલે કોઇને દુકાન આટ્લી સસ્તી,
ક્યા મલે દૂકાનદારો ની આવી ગ્રાહક ભક્તી

ક્યા મલે કોઇ ને લાઇફ મા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપણી અમદાવાદ ની વસ્તી

ક્યા આવી ઉત્તરાયન ને ક્યા આવી હોલી,
ફેસ્ટીવલ મા ભેગી થાય આખી દોસ્તો ની ટોલી

ક્યા આવી નવરત્ર ને ક્યા આવી દીવાળી,
ક્યા આવા દાંડીયા ને ક્યા આવા ધમાકા

ક્યા આવી cielo ને ક્યા આવી મારુતી,
ક્યા આવી લસ્સી ને ક્યા આવી જલેબી

ક્યા L.D.,HL, MG, Xaviers જેવી કોલેજો,
ક્યા GLS,JL,CN,X’aviers, Nirma જેવી સ્કૂલો

ક્યા મલે જીમખના જેવો સ્વીમીંગ પુલ,
ક્યા મલે ડ્રાઈવ-ઇન નો વીકએન્ડ

ક્યા મલે સી.જી. રોડ ની રંગીલી સાંજ,
ક્યા મલે લો ગાર્ડન ની છટાકેદાર રાત

ક્યા મલે એ ક્લબો ની મજા, ક્યા મલે એ મોડી રાતો ની મજા,
ક્યા મલે હોનેસ્ટ જેવી પાવ-ભાજી, ક્યા મલે આશોક જેવૂ પાન

ક્યા મલે freezeland જેવી કોફી,
ક્યા મલે ટેન જેવી નાન

અમદાવાદ નો રંગ નીરાળૉ,
અમદાવાદ નો ઢંગ નીરાળૉ

હોય ભલૅ એમા કૉઇ ખરાબી,
તો પણ ગર્વથી કહુ છુ કે હુ છુ અમદાવાદી

—- ગુરજરાતી મા અનુવાદ ચેતન સચાણીયા દ્વારા

મેં એક નિશાની માંગી…



વિદાય વખતે એમની પાસે એક નિશાની માંગી
મેં એક નિશાની માંગી
અશ્રુઓથી ભીંજાયેલી એક કહાની માગી,
મારા ઘરડા દિવસો માટે થોડીક જવાની માંગી…
મેં એક નિશાની માંગી…

મેં કરી વિનંતી
કે જાગતો રહીશ હું કયાં સુધી મને કોઇ હાલરડું આપો,
બાળક મનને રમવા માટે એક રમકડું આપો;
ઝુલ્ફની ખુશ્બો; સ્મિતની રોનક, નયનની મસ્તી આપો,
જતાં જતાં મારા સૂના મનને કંઇક તો વસ્તી આપો.

વિરહની રાતો પોતે જેને જીવની જેમ સંભાળે,
આપો એક વચન કંઇ એવું લાખ વરસ જે ચાલે.
પાયલ પહેર્યા બાદ પડયાં જે તે સૌ પગલાં આપો,
મેં એક નિશાની માંગી…

સૂણી વિનંતી બોલ્યા તેઓ નજરને નીચી રાખી,
‘દિલ જ્યાં આપ્યું પછી કહો શું આપવા જેવું બાકી?’
મારી યાદ હશે જો દિલમાં ને જો સૂરજ ઢળશે,
પ્રેમના સોગંદ રણમાંથી પણ તમને પનઘટ મળશે.
ઝુલ્ફની ખુશ્બો, સ્મિતની રોનક, નયનની મસ્તી મળશે,
ક્ષણભર યાદ કરી જો લેશો વસ્તી વસ્તી મળશે.

બાકી જેને ભૂલી જવું હો એ જ કહાની માંગે,
પ્રીતમ જેના મનમાં શંકા – એ જ નિશાની માંગે.
કેવો પ્રીતભર્યો આ ઠપકો, કેવી શીખ મજાની,
આથી બહેતર “સૈફ” શું મળતે બીજી કોઇ નિશાની!

– “સૈફ” પાલનપુરી

જિંદગી હવે એક નવી રીત લાગે છે



જિંદગી હવે એક નવી રીત લાગે છે,

પ્રેમથી ગવાય જે એવું ગીત લાગે છે.

આ સફર તો છે બસ ચાલતા રહેવાની,

જો ગણો તો દરેક રાહી મનમીત લાગે છે.

જયારથી સરખાવું છું જીવનને પ્રેમ સાથે,

સઘળું હારી ગયા પછી પણ જીત લાગે છે.

દુ:ખથી ડરો નહીં હંમેશાં હસતા રહો,

વેદનાની સરવાણીમાં મીઠું સંગીત લાગે છે!

ઓછું પણ જીવીએ જીવન મહેકતા ફૂલ જેવું,

અંતે તો જિંદગીને જખમોથી પ્રીત લાગે છે.

-હિરલ પરમાર

તું સપનામાં પણ late કરે છે



એક છોકરો સૂતો સૂતો તારા માટે wait કરે છે
એવી કેવી મોંઘેરી તું સપનામાં પણ late કરે છે

આગળ પાછળ તારી એ
આખો દી ફરતો રાઉન્ડ રે…
એના આખા જીવનનું તું
લાગે છે કમ્પાઉન્ડ રે…

ક્યારેક આવી ખોલે છે તું…
કાચી ઊંઘે એક છોકરો રોમરોમનો gate કરે છે

ધીમે ધીમે પડશે સમજણ
કેવી છે આ થીમ
ધોધમાર તો પછી વરસવું
પહેલા તો રીમઝીમ…

તારા માટે તડપે છે એ…
નાહકનો એને તું who is that કરે છે
એવી કેવી મોંઘેરી તું…

- અંકિત ત્રિવેદી

વિસરાઇ ગયેલા બાળગીતો - Bal-Gito



મામાનું ઘર કેટલે
દીવા બળે એટલે
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ

—————————————-

અડકો દડકો
દહીંનો દડકો
દહીં દૂજે, દરબાર દૂજે
વાડી માંહીનો વેલો દૂજે
ઉલ મુલ ધતુરાનું ફુલ
ખાઈ જા શેરડી ખજૂર

—————————————-

હાથીભાઈ તો જાડા
લાગે મોટા પાડા
આગળ ઝૂલે લાંબી સૂંઢ
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ

—————————————-

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા
છોકરાઓને સમજવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર માડી

—————————————-

મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય, દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે

—————————————-

એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો

મૌનનાં યારો હવે પડઘાં પડે છે



મૌનનાં યારો હવે પડઘાં પડે છે,
ને મિત્રોનાં કીધાં સૌ, મુજને નડે છે!

પસ્તીનાં છાપા શા, છે સંબંધ સગળા,
વીતતી હર શ્રણ થકી, એ ઓગળે છે!

પામવું હો જો કશું, માથું નમાવો!
પ્રેમથી યાચો સદા- પત્થર ફળે છે!

“સાત પગલાં”; દશ દિશે ભટકે હવે,
તે છતાં મુજ દામ્પત્ય ઝળહળે છે!

ચામડી નાસૂર થૈ છે, યારો મારી,
ક્યાં નિરાશા-આશા, કો’ મુજને કળે છે!

યાદ એની દિલને બાળે જે ,શ્રણે,
સ્વિચ થાતી ‘ઓન’ ને શબ્દો સરે છે!

સૌ નિયમ બાજૂએ મૂકી આવ,’ચેતન’!
દિલ હજીયે તારા માટે ટળવળે છે!…….

- ચેતન ફ્રેમવાલા

તારું વદન જોતા ઘરાતો હું નથી



હે ગુલબદન, તારું વદન જોતા ઘરાતો હું નથી,
મયથી ભરાયે જાઉં છું, છલકાઈ જાતો હું નથી.

હું પ્રેમનું એવું અલૌકિક છું ઝરણ હે બે ક્દર,
અવહેલનાની આગમાં બાળ્યો બળાતો હું નથી.

ગંગામહી સદ્ ભાવનાની એટલો પાવન થયો,
કે વેરથી વા ઝેરથી વટલાઈ જાતો હું નથી.

માટી તણી કબરે ભલે આ બીજાને દાટો ભલે,
ફોરીશ થઈ ને ફૂલ , કૈ દાટ્યો દટાતો હું નથી.

આ કોઈ બીડે આંખડી , કો દ્વાર બંધ કરી રહ્યા,
શું આટલો છું તેજ કે જીરવી શકાતો હું નથી.

ઈન્સાનિયતના રંગ પર સંમુગ્ધ થઈ બેઠો જટિલ,
કે કોઈ દંભી રંગમાં રંગાઈ જાતો હું નથી.

-જટિલ

ખૂબ ક્ડવો જિંદગીનો જામ છે



ખૂબ ક્ડવો જિંદગીનો જામ છે;
ગટગટાવે જાઉં છું આરામ છે.

નાશમાંથી થાય છે સર્જન નવું ;
મોત એ જીવનનું નામ છે.

તું નહીં માણી શકે દિલનું દરદ;
તારે ક્યાં આરંભ કે પરિણામ છે!

દ્વાર તારા હું તજીને જાઉં ક્યાં ?
મારે મન તો એ જ તીરથ ધામ છે.

આછું મલકી લઈ ગયા દિલના કરાર;
કેવું એનું સિધું સાદું કામ છે!

છેહ તો તારાથી દેવાશે નહીં;
ઠારનારા ! એ ન તારું કામ છે.

ખાકને ‘નાઝિર’ ન તરછોડો કદી;
જિંદગીનો એ જ તો અંજામ છે.

-નાઝિર દેખૈયા

વિપાશાના બે સુંદર કાવ્યો.



વિપાશા-(૧૧-૦૪-૧૯૭૧) અમેરિકામાં જન્મ. અદભુત સંકલ્પશક્તિ.જન્મજાત રોગનો મુકાબલો કરીને પણ પીએચ ડીની ડિગ્રી પ્રાપ્ત કરી. કાવ્ય સંગ્રહ ” ઉપટેલા રંગોથી રિસાયેલા ભીંતો’ દિલ્હી સાહિત્ય અકાદમીનું પ્રકાશન. મનોબળ સામે કોઈ પણા વિપરીત પરિસ્થિતિ ટકી શકતી નથી એનું વિપાશા જીવતું, જાગતું ઉજ્જવલ ઉઅદારણ..ચાલો એમના બે સુંદર કાવ્યો માણીયે.

*******************************************************

(૧)
અજંપો
મારા મનમાં એક ખાંચરામાં
સરકતો સરકતો
ક્યાંકથી આવી પડ્યો છે.
ખબર નથી ક્યાંથી?
કે પછી હું જ સરી ગઈ છું
એના એક ખૂણામાં?

(૨)

મેં
મારી કીકીઓને ડોળામાંથી કાઢીને
આંગળીમા ચોંટાડી દીધી’તી, ટેમ્પરરિલી

ને હવે
જ્યારે
હું એમને મૂળ જગ્યાએ મૂકવાનો
પ્રયત્ન કરું
ત્યારે
ના – ના એવો અવાજ આવે.

કદાચ ડોળાનો ઈગો ઘવાયો હોય
કે પછી
કીકી મોટી થઈ ગઈ હોય.

- વિપાશાના

તું છે મારી અંદર તેથી ભર્યો-ભર્યો હું લાગું !



તું છે મારી અંદર તેથી ભર્યો-ભર્યો હું લાગું !
તું લીલોછમ અંદર તેથી હર્યોભર્યો હું લાગું !

તારું છે પાતાળ, એથી તો ખરા ઉનાળે પાણી;
તારી એવી ફૂંક – વાંસમાં ફૂંટે મીઠી વાણી;
તારો છાંયો મળ્યો એટલે ઠર્યોઠર્યો હું લાગું !

તારી આંખે સૂર્ય એથી તો દિવસ થઈ સૌ દેખું;
રાતે તારે દેવે મારું પગલું પડતું પેખું;
તારી છોળે છોળે તટ પર તર્યોતર્યો હું લાગું !

તું છે મારા પર્ણે પર્ણે, તું છે મારા મૂળમાં;
તારો અઢળક રંગ ઊઘડે અહી આ દરેક ફૂલમાં;
તારી મઘમઘ લ્હેરે બધે જ ફર્યોફર્યો હું લાગું !

-ચંદ્રકાંત શેઠ

એક સવારે આવી



એક સવારે આવી,
મુજને કોણ ગયું ઝબકાવી ?

વસંતની ફૂલમાળા પહેરી,
કોકિલની લઈ બંસી,

પરાગની પાવડીએ આવી,
કોણ ગયું ઉર પેસી ?

કિરણ તણી કોમળ અંગુલિએ
રમ્ય રચી રંગોળી,

સોનલ એના સ્નેહસુહાગે
કોણ રહ્યું ઝબકોળી ?

-સુન્દરમ્

એક વખત



એક વખત અમે એકમેકને ખૂબ પ્રેમ કરતાં.
હું ઓફિસે જતો ને એનું મોં ઢીલું થઈ જતું.
હું પાછો ફરતો ત્યારે લઈ આવતો ગજરો, વેણી ફૂલ …
એનું ગમતું મને કબૂલ.

ને પગારને દિવસે હું એને રેશમથી વીંટીં દેતો.
સાંજ પડે કે
એનો જીવ બાલ્કનીને વળગી પડતો.
મને મોડું થઈ જતું તો એ વ્યાકુળ થતી.
ને ચિંતાથી સજળ એની આંખો મને ઠપકો દેતી.
હું અપરાધી… વ્યથિત થતો…
હવે
સાંજને ટાણે મારગ ઉપર એની નજર
પથરાઈ રહેતી નથી,
હુ
ઓફિસેથી વહેલો આવતો નથી
-વિપિન પરીખ

મનને સમજાવો નહિ



મનને સમજાવો નહિ કે મન સમજતુ હોય છે,
આ સમજ, આ અણસમજ એ ખુદ સરજતુ હોય છે.

-રાજેન્દ્ર શુક્લ

શબ્દમાંથી અર્થ છૂટા થાય છે



શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.

કોણ એને ઝાંઝવા સીંચ્યા કરે,
રોજ રાતે સ્વપ્ન એક ફણગાય છે.

આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.

મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખેઆખું અંગ લીલું થાય છે.

ચીર હરપળ કેટલા ખેંચાય છે,
કૃષ્ણને પણ ક્યાં કશુંયે થાય છે.

-શ્યામલ મુનશી

કાનજી ડૉટ કૉમ - kanji.com



વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…

- કૃષ્ણ દવે

કિસ્સો કેવો સરસ મઝાનો



કિસ્સો કેવો સરસ મઝાનો,
બેઉં વ્યક્તિ સુખી થયાનો,
તને પલ્લું તારી તરફ નમ્યાનો,
મુજને આનંદ ઊંચે ગયાનો છે !

-મુકુલ ચોકસી

એટલે



તે છતાં ઊગી ગયાં છે જંગલો,
મેં હથેળીને કદી સીંચી નથી.

એટલે મૃત્યુ પછી ખુલ્લી રહી -
આંખ આખી જિંદગી મીંચી નથી.

- યોગેશ જોષી

કોક દી ફુરસત મળે તો લે ખબર



કોક દી ફુરસત મળે તો લે ખબર
દીલ ઉપર વીતે છે શુ તારા વગર

પાનખરમા પણ બહાર આવી ગઇ
પ્રેમ ગીતોની અનોખી છે અસર

આખમાં તુજ યાદના આસુ ના હો
એક પણ વીતી નથી એવી પ્રહર

એજ છે રજની દીવાનો જોઇ લો
ગાય છે ગીતો ઉષાના દરબદર

- aatma

પર્વતને નામે પથ્થર,દરિયાને નામે પાણી



પર્વતને નામે પથ્થર,દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની?
ઇચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારે ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે, ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી.

થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

- ચિનુ મોદી

બાકી શું વધશે? – વિશાલ મોણપરા



દરિયામાંથી મોજા કાઢી નાખશો તો બાકી શું વધશે?
પંખીડાની પાંખો કાપી નાખશો તો બાકી શું વધશે?
એક જ ચીજ બાકી રહી ગઇ છે સકળ જગતમાં
બ્રહ્માંડની પહોળાઇ માપી નાખશો તો બાકી શું વધશે?
આચ્છાદિત રહેવા દો એમને ગુમનામ રહેવા દો
ભુતકાળને ઝાપટી નાખશો તો બાકી શું વધશે?
પહેલી જ વાર આવ્યા હોય બાદશાહ, બેગમ, ગુલામ
શ્વાસોના પત્તાને ચીપી નાખશો તો બાકી શું વધશે?

- વિશાલ મોણપરા

હાઈકુ –ધીરજલાલ શાહ



આપણે જેમને ધીરુભાઇ ઓળખીએ છીએં, તેમના આ હાઈકુ ગુજરાતી સાહિત્યમાં શ્રેષ્ઠ ગણાતા કોઇ હાઈકૂથી ઉતરતા નથી. હું ધીરજલાલ શાહને અભીનંદન પાઠવું છું-’રસિક’ મેઘાણી

ડાયરો જામે
ચોતરે, બોખા હસે
ખડખડાટ

અમાસ રાતે
તારાઓ, દીવો લઈ
ચંદ્રને શોધે !

આવે પવન
ખરે પાંદડા, ઊડે
નીચે પડેલાં.

ઘડિયાળનું
લોલક, છે જીવન
માનવી તણું.

– ધીરજલાલ શાહ (હ્યુસ્ટન, ટેક્ષાસ)

રુપનગરની રુપ ની રાણી જરી મને જોવા દો

રુપનગરની રુપ ની રાણી જરી મને જોવા દો,
પાની ભરતી પનીહારી પણ મને જોવા દો,
રાસ રમતી નવલી ગુજરાતણ મને જોવા દો,
પ્રિયતમની યાદમાં તડપતી પ્રિયતમા મને જોવા દો



રુપ નો થાળ ભરીને જનારાનેે મારે તો કેહવુ છે,
વિવ્શાળ જગતના રુપ ના ખજાનાને મારે જોવો છે,
પણ સાથે સાથે મને મારી મજબુરી પણ કેહ્વા દો
સન્ગીત ખુર્શી રમતા આ દીલ ને થોડો પોરો તો ખાવા દો
–’નિર્થરક’

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે - Jya Jya Najar Mari Thare.



જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી,
અનેજ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી;
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી)

માંડ માંડ આજ પડ્યો થોડો તડકો



માંડ માંડ આજ પડ્યો થોડો તડકો
મે તો માંગી લ ઈધો એક એનો કટકો

ચાલી રહ્યો હું તો આમ વરસોથી
કોણ જાણે ક્યાં અટકશે આ સડકો

મારો પડછાયો રહેતો મારી સાથે
ને મને એ કહે તું તો બહુ બટકો

શોધો તો મળશે સનમ તમારા દિલમાં
શોધવા સનમને ન છેક આમ ભટકો

તૂટી જશે મોતી તમારા કેશૂઓમાંથી
ભીના ભીના વાળ જરા હળવેથી ઝટકો

આપ્યા કર્યા તમે તો મને ઘણા ઝખમો
હવે તો સનમ તમો સહેજ અટકો

કેમ કરીને ભૂલે તમને નટવર
એને તો યાદ છે તમારો દરેક લટકો

-નટવર મહેતા

જો હોય



આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢઘન હોય;

ફણગો ફૂટે અડકતાં જ
ભીનોભીનો પવન હોય;

જે તે ચણ્યું ગમે ના,
કાચું પીમળતું વન હોય;

ઊગી જવાય વાડે
જો આ ક્ષણે વતન હોય;

જામીય જાય મૂળિયાં
જો થોડુ બાળપણ હોય;

સિમેન્ટમાં ઢૂં ઢૂં છું :
એકાદ મિટ્ટીકણ હોય;

ઠરવા ચહે છે આંખો
હરિયાળું ક્યાંક તૃણ હોય;

બોલાવે ઘેર સાંજે
બાના સમુ સ્વજન હોય.

-ઉશનસ્

સગપણ - Sagpan



અમે મોર હોઈએ તો -
અમારાં ખરેલાં આંસુ વીણજો

વાદળ સમા તરતા પ્રસંગોને
અમે બોલાવશું -
તમે વરસજો.

આવતા ભવે
આ અધૂરી મૂકેલી કવિતાની
છેલ્લી પંક્તિ થઈ
તમે આવી ચડજો.

-પ્રબોધ જોશી

વૃદ્ધાવસ્થા..



ઝાંખા થતા ચહેરાઓની નજીક લાવી હથેળીથી પામવાના.

હોઠોના ફાફડાટથી લય પામી ગીતોને માણવાનાં.

મન મૂકીને કરેલી વાતોને લવારો ગણે તે પહેલા
સ્નેહીઓને આપણા ભારથી હળવા રાખવાના.

ચાર દીવાલોમાં આકાશ પામી
ખોડંગાતા ખોડંગાતા ફરસ ઉપર
વગડા ખૂંધાનો આનંદ લૂંટવાનો.

મિત્રોના પીળા પડી ગયેલા ફોટાના આલબમને
ધ્રૂજતે હાથે લઈ-પાછા મૂકી દેવાના
સ્મૃતિના ભંડારમાં સાચવી રાખેલું ખોબોક જળ
ટીપે ટીપે-ફરી ફરી પી
ફરી ફરી પી
સમયને બહેલાવવાનો.

ખોબોળ જળ…
વૈતરણી નદી…

-વિપીન પરીખ

થઈ ગઈ



ની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ

અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો
ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ

કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો
બિલ્લી બનીઠની ને હવે કૅટ થઈ ગઈ

ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી
ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ
ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ

- અદમ ટંકારવી

હું ક્યાં છું ?



ગામની પાસેના વગડામાં
સીતાફળીની ડાળીડાળીએ
આંખ ઉઘાડી ઝૂલે સીતાફળ હજીય -
પણ તે અમને
બાળટોળીને સાથે લઈને
ઝાકળભીના સવારના તડકામાં થઈને
વનની વાટે વળનારા એ દાદા કયાં છે ?

રિસાઈને ઘરમાંથી ભાગી
જઈ જહીં સંતાતા તે સૌ
ટેકરીઓ તો ગામ પાદરે હજી આ બેઠી -
પણ ચિંતાથી અરધી અરધી
હાંફતી હાંફતી ટેકરીઓને માથે ચઢતી
પડતી ને આખડતી
મમતાની મૂરતી બા ક્યાં છે ?

પૂરમાં ઘેલી થઈ વ્હેતી ને
ધોળી ફૂલ એવી રેતીને રમાડતી તે
નદી
હજી ગામને ઘસાઈ વ્હે છે -
પણ રમનારા ડૂબકીદાવો
રેતીમાં ઘર ચણનારાઓ
કલકલ કરતા છોકરડાઓ -
બાલગોઠિયા મારા ક્યાં છે ?

હજીય
પાપા પગલી કરતું
ભમરડે શેરીમાં રમતું, લખોટા જેવું દડતું
ટહુકા તરુડાળોમાં કરતું, જલમાં તરતુ,
સીમશેઢામાં હરતું ફરતું,
ટેકરીઓને માથે ચઢતું
કોક પ્હણે દેખાય -

અરે, પણ તે હું ક્યાં છું ?

-જયંત પાઠક

વતન - Vatan



દૂર દેશ વસ્યું ધબકતું એક ગામ યાદ આવે છે
વાળુ ટાણે જાણે માનો મીઠો સાદ આવે છે

‘ચોરતા હતા બચપણમાં કાચી કેરીઓ હવે ક્યાં ખોવાયા છો?’
ક્યારેક સ્વપનમાં ખેતર લઈને આ ફરિયાદ આવે છે.

પરદેશમાં મળે તો છે ભોજન ભાતભાતનાં ન ખૂંટે એવાં
આંબા તળે માણેલા ક્યાં મરચું રોટલાનાં સ્વાદ આવે છે ?

શીખ્યા અમે ભાષા પરદેશી, ને ભાષાઓ અનેક યંત્રોની પણ
ક્યાં બસંતીની બકબક, કે એમાં ગબ્બર-ઠાકુરના સંવાદ આવે છે ?

અલ્લાહનો પૈગામ આપતી, નથી વિસરાતી એ મીઠી અઝાન
ઢંઢોળતો જે મહાદેવનું ધ્યાન, યાદ હજુ એ શંખનાદ આવે છે.

કોરો વરસાદ, કોરી હવા, ને કોરા સમયનો છે સાથ અહીં
બે ટીપાં ભીંજાઈ લઈએ, જો વતન વાવડનાં વરસાદ આવે છે.

તારે ત્યાં બધું સમું સુતરું નથી, કોરી ખાય છે એક વાત વતન
નજર સમક્ષ બુદ્ધિભ્રષ્ટોનો હજુ પણ જ્યારે કોમવાદ આવે છે.

-સંજય મેકવાન

વર્ષો પછી ઘર ખોલતા લાગ્યું કે હું બેઘર હતો



વર્ષો પછી ઘર ખોલતા લાગ્યું કે હું બેઘર હતો
જે ધુળ ત્યાં જામી હતી, એ લાગણીનો થર હતો

ફફડી ઉડ્યાં કોઈ ખુણે પારેવડાં યાદો તણાં
આખું સદન અજવાસથી શણગારતો અવસર હતો

આંગણ હજી પડઘાય છે લંગોટીયાના સાદથી
જર્જર છતાંયે આજ પણ વડલો ઉભો પગભર હતો

થાપા હતા બે વ્હાલના, ને એકલો બસ ભીંત પર
વલખી રહ્યો પ્રતિબિંબ માટે આયનો નશ્વર હતો

આશિર્વચન માબાપનાં ઘંટારવો કરતાં હતાં
ને ગોખમાં મંદીર તણાં બચપણ સમો ઈશ્વર હતો

- ડૉ. જગદીપ નાણાવટી

પણ આ માંડેલી વારતાનું શું?



ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી
કેમ કરી વાંચશું ?

માનો કે હોઠ સહેજ મ્હોરી ઊઠ્યા ને છાતીમાં મેઘધનુષ ફોરી ઊઠયાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ કયાંક ઝૂકી લીધું ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

માનો કે આપણે ખાધું-પીધું અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?

- જગદીશ જોષી

સર્જન - Sarjan



એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર
દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર

ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક
ઓસથી ભીનાશ લીધી, બાગથી લીધી મહક
મેરુએ આપી અડગતા, ધરતીએ ધીરજ ધરી
વૃક્ષથી પરમાર્થ કેરી, ભાવના ભેગી કરી

બુદબુદાથી અલ્પ્તા, ગંભીરતા મઝધારથી
મેળવ્યો કંકાસ મીઠો, મોજના સંસારથી
પ્રેમ સારસનો ઉપાડ્યો, પારેવાનો ફફડાટ
કાગથી ચાતુર્ય લીધું, કાબરોથી કલબલાટ
ખંત લીધી કીડીઓથી, મક્ષિકાથી શ્રમ અથાગ
નીરથી નિર્મળતા લીધી, આગથી લીધો વિરાગ

પંચભૂતો મેળવી, એ સર્વનું મંથન કર્યુ
એમ એક ‘દી સર્જકે એક નારીનુ સર્જન કર્યુ
દેવદર્લભ, અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી

-”શૂન્ય” પાલનપુરી

તું એક ગુલાબી સપનું છે



તું એક ગુલાબી સપનું છે
હું એક મજાનીં નીંદર છું.
ના વીતે રાત જવાનીની
તે માટે હું પણ તત્પર છું.

ગોતી જો શકે તો લે ગોતી
મોતીના સ્વરૂપે છે જ્યોતિ
ઓ હંસ બનીને ઊડનારા
હું તારું માનસરોવર છું.

શાંત અને ગંભીર ભલે
શરમાળ છે મારાં નીર ભલે
ઓ પૂનમ ઘૂંઘટ ખોલ જરા
હું એ જ છલકતો સાગર છું.

કૈલાસનો સચવાયે વૈભવ
ગંગાનું વધી જાશે ગૌરવ
તું આવ ઉમાનું રૂપ ધરી
ને જો કે હું કેવો સુંદર છું.

સંવાદ નથી શોભા એની છે
મૌન પ્રતિષ્ઠા બન્નેની
તું પ્રશ્ન છે મારે પ્રીતિનો
હું તારા રૂપનો ઉત્તર છું.

-શેખાદમ આબુવાલા

Saturday, August 18, 2012

સૌ જાય શેરબજારમાં



સૌ જાય શેરબજારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
વાત બસ એજ વિચારમાં રે, જન સૌ જાય શેરબજારમાં
નોકરીઆ તે નોકરી છોડવાં
કીધા રીપોટ સરકારમાં રે…જન સૌ જાય…
મેતાજીઓએ મેલી નિશાળો
વળગીઆ એ વેપારમાં રે… જન સૌ જાય…
હોંશથી જઇને નાણાં હજારનો
લાભ લે વાર લગારમાં રે … જન સૌ જાય…
ધમધોકારથી શેરનો ધંધો
ઉછળ્યો વર્ણ અઢારમાં રે… જન સૌ જાય…
મોચી, ઘાંછી ને માલી હાલીમાં
સાલવી, સઇ સુતારમાં રે… જન સૌ જાય…
ગાંધી ગાંઠે શેર બાંધીને રાખે
વસાંણુ ન ભરે વખારમાં રે… જન સૌ જાય…
જેમ તેમ કરીને નાણું જમાવવું
સમજ્યા એટલું સારમાં રે… જન સૌ જાય…
પોતાના કામનો કશો વિચાર પણ
ન રહ્યો કોઇ નરનારમાં રે… જન સૌ જાય…
ચાલતાને જોઇ જોઇને ચાલે
જેમ લશ્કરની લારમાં રે… જન સૌ જાય…
બેંક્વાલા શેર સાટે બહુ ધન
આપવા લાગ્યા ઊધારમાં રે… જન સૌ જાય…
કરજ કરી એવો ધંધો કરતાં
પહોંચ્યા હદથી પારમાં રે… જન સૌ જાય…
દલપતરામ કહે એવું દેખી
કોપ ઉપજ્યો કરતારમાં રે… જન સૌ જાય…

-દલપતરામ

ફૂલોનું સરનામું



ફૂલોનું સરનામું
શોધવા
ડાયરીના પત્તાં
ઉથલાવ્યે જાઉં છું
ત્યાં જ
મળી આવ્યું
મરેલું પતંગિયું !!!

- અજય પુરોહિત

કચરાપેટી



ઓરડે – ઓરડે પડે નજરૂ ને દર્શન દેતી કચરાપેટી,
આબાલવ્રૂદ્ધ માણે ઉજણી ને તલપ અંતે કચરાપેટી,
જીવનજરૂરી ચીજ ખોવય કે કબિલો વીણે કચરાપેટી,
ઘરે-બાહીરે જુઓ સફાઈ કે પર્યાય બનતી કચરાપેટી,
પર્યાવરણ ખરો રખેવાળ એ સડક ખડી કચરાપેટી,
રિસાયકલ તણો વ્યવસાય એ આરંભ કરે કચરાપેટી,
મુરઝાયેલા બાગે પાન-પુષ્પ ને કફન બને કચરાપેટી,
રાચરચીલુ નોખુ રાજા રંક ને અભેદ રહે કચરાપેટી,
માંસ-મદિરા કરે સેવન એ જહર બનતુ કચરાપેટી,
ખરાબ ખોટુ જે ભરે મગજ એ માનવ સરે કચરાપેટી

- દીલીપ પટેલ

ગીત છું હું પ્રીતનું, ગીતનો તું સૂર છે



ગીત છું હું પ્રીતનું, ગીતનો તું સૂર છે
બેઉં મળતાં જીન્દગાની, આપણી સુમધુર છે…. !

હોઠ પ્યાલી લાખ ફૂલના આસવોનો અર્ક છે
ગાલ લાલી લાખ-ગુલ,સૌન્દર્યનો સંપર્ક છે.

નેહભીની હું નજર છું, તું નજરનું નૂર છે
બેઉં મળતાં જીન્દગાની, આપણી સુમધુર છે…. !

શ્વાસની સરગમ મહીં, એક મિલનની ધડકન ભરી
ઉરને આંગણ મન-મયૂરો નાચતા થનગન કરી

પ્રેમ-પથનો હું પ્રવાસી, તું ભૂમિ-અંકુર છે
બેઉં મળતાં જીન્દગાની, આપણી સુમધુર છે…. !

- રવિ ઉપાધ્યાય

લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી

લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.
એની સતત નજર અને મારા હૃદય ઉપર ?
કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ?
એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?
શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.
થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમારા વિચારથી.
સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો ?
મનમાં વિચાર આવે છે દુ:ખના પ્રકારથી
અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ
ખંડેર જેવું લાગે છે , ” બહારથી. “

કોને ખબર કે ફૂલો પીળાં થતા જશે ?



કોને ખબર કે ફૂલો પીળાં થતા જશે ?
ચહેરાઓ આ બધાએ વિલાં થતા જશે ?
આ લાગણી ને બુદ્ધિનો ‘ક્રોસ’ થઈ પછી
માણસના નખ વધીને ખીલા થતા જશે ?

- વિનોદ ગાંધી

જે વહે છે એ બધું લોહી હશે



એટલે તો વેલ પણ મોહી હશે
વાડ કાંટાથી પછી સોહી હશે
આ બધું નસમાં નદીમાં નાવમાં
જે વહે છે એ બધું લોહી હશે.

- નીતિન વડગામા

મને પ્રેમ થયો છે



ગઈકાલે,
મારી
ખૂબ મહેનતથી લખેલી
બધી
છંદોબદ્ધ
પ્રેમ-કવિતાઓ,
અઘરા શબ્દોની
ચિતા સળગાવીને
સતી થઈ ગઈ છે.

બીજું કાંઈ થયું
નથી,
મને પ્રેમ થયો છે.

- અખિલ શાહ

મુક્તકો



પ્રણયના પાઠ હું ભૂલ્યો છું જ્યાંથી
ચહું છું પુનઃ કરી લઉં યાદ ત્યાંથી
છતાં મારા જીવનનું આજ ‘આસિમ’
વરસ બાવીસમું તે લાવું ક્યાંથી ?

- આસિમ રાંદેરી

હજી આંખમાં જાણે ફરકે છે કોઇ
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ
વિખૂટાં પડ્યાં તોયે લાગે છે ‘ઘાયલ’
હજી પણ રગેરગમાં સરકે છે કોઇ

નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને અમને બનાવી તારું માલામાલ થઇ જાવું
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું મન મારા
બહુ મુશ્કિલ છે ‘ઘાયલ’માંથી અમૃતલાલ થઇ જાવું

- અમૃત ઘાયલ

‘આવજો’ કીધું ન કીધું, સહેજમાં ચાલી ગયા
જિંદગીના બધા અરમાન પણ હાલી ગયા
લઇ ગયા સર્વસ્વ મારું એ કહું કેવી રીતે ?
આમ તો બે હાથ ખંખેરી દઇ, ખાલી ગયા

- મનહર મોદી

ધીમે રહી આ છેલ્લુંયે આંસુ વહી જશે
ભીનાશનું એકાંત બસ બાકી રહી જશે
અસ્તિત્વ એનું ઓગળી જાશે અભાવમાં
સ્મરણો વિનાની જિંદગી શેણે સહી જશે?

- રાજેન્દ્ર શુક્લ

કાળનું આ ચક્ર ફરતું કાળ પર
જિંદગી આવી ઊભી છે ઢાળ પર
કોઇ પીંછા ખેરવી ઊડી ગયું
છે હજી એકાદ ટહ્કો ડાળ પર

- બાલુભાઇ પટેલ

હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?



નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા! આ ફરેબોની દુનિયામહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?

દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા?

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસત થશે,
હોઠ સીવીને ચુપચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા?

સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના શૂન્ય આરો નથી,
એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

- શૂન્ય પાલનપુરી

મુજ ઉર એવું ઉદાસ!



નહીં અશ્રુ, નહીં હાસ
મુજ ઉર એવું ઉદાસ!

નહીં ત્રુપ્તિ, નહીં પ્યાસ,
મુજ ઉર એવું ઉદાસ!

-નીરંજન ભગત

ક્યાં મળે?



આટલા મોહક અને મોતી ભરેલાં ક્યાં મળે ?
ફૂલ પર ઝાકળથી આ પત્રો લખેલા ક્યાં મળે?

ઉંબરા પર પગ નથી મૂક્યો ને બસ આવો કહે
આ નગરમાં માણસો એવા વસેલા ક્યાં મળે?

ધારણા સાચી પડી આજે તમારૂં આગમન !
બારણામાં તોરણો લીલા બનેલા ક્યાં મળે?

આ અતિથિનાં ભલા સન્માન આદર તો જુઓ
ભર વસંતે અવનવા પર્ણો ઝૂકેલા ક્યાં મળે?

આંખ જો ખુલી તો એની શોધ આરંભી દીધી
જોઉં ઓશિકા ઉપર શમણાં પડેલા ક્યાં મળે?

યત્ન પથ્થરથી કર્યા તો એકનાં કૈ થૈ ગયા
દર્પણોનાં દેશમાં ચહેરા તૂટેલા ક્યાં મળે?

- યામિની ગૌરાંગ વ્યાસના
બહાર પડનાર પુસ્તકના કાવ્યોમાંથી

નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ



નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ

અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો
ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ

કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો
બિલ્લી બનીઠની ને હવે કૅટ થઈ ગઈ

ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી
ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ
ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ

- અદમ ટંકારવી

સાયબર સફરે



સાયબર સફરે મુસાફર કરે માઉસ પરે સવારી

ઇંટરનેટ કેરે મેળાવડે ભટકે ગોતવાને ગિરધારી

એક્ષપ્લોરરે યાહૂ ઝંપલાવી અનેરી સર્ચ આદરી

વિષયી વિજ્ઞાપનો વળગી સઘળી સર્ફમાં પાધરી.



વર્લ્ડ વાઈડ વેબની મુલાકાતે મંદિર કતારો કાતરી

ટૂલબારે પારાયણના બેનર્સ, પ્રસાદે કૂપન કાપલી

કમનીય કૂકીસના રૂપે જાણે માયાવી જાળ પાથરી

વેબ પેજે અવરોધે અહંકારી ફાયરવૉલ આકરી.



“યુ હૅવ ગૉટ મેઈલ” કેરી આકાશવાણી ત્યાં સાંભળી

લોગ ઑન “ગોકુલ” ને પાસવર્ડે “ગોપી”ની ખાતરી

વેબસાઈટે આવકારવા ઊભી રાધા લઈને વાંસળી

મિડીયા પ્લેયરે ગુંજાયે “હરે કૃષ્ણા” મંત્ર માધુરી.



કૃપા ડાઉનલોડ કરવા છે જરૂરી માનવતા મૅમરી

વાસનાના વાયરસ મહીં તું વેડફી દઈશ ના બૅટરી

હાર્ડ ડ્રાઈવમાં સેવ કરી લે પ્રેમ અને સેવા-ચાકરી

હોમ પેજ બનીશ “દિલ”ને ઍલર્ટ મોકલે મોરારી!


- દિલીપ આર. પટેલ ( ઓરેંજ, કેલિફોર્નીયા )