Google Search

Monday, May 12, 2025

સાગરને મળી ગયો કિનારો

સાગરને મળી ગયો કિનારો,

ને સ્વાદે ખારું મીઠું થઈ ગયું મીઠું,


ટમટમતા તારાની જેમ ચમકવા લાગ્યો કિનારો,

ને દીવા તળે થઈ ગયું અજવાળું,


પૂર્ણ થઈ ગઈ કવિની કવિતા,

છંદને મળી ગયો રાગ,


નારાયણને મળી ગઈ લક્ષ્મી,

ને લક્ષ્મી પધાર્યા આંગણે,


છોકરીની મળી ગઈ ગ્રીન સિગ્નલ,

સાગરને મળી ગયો કિનારો !

કેમ રચું કવિતા ?

કેમ રચું કવિતા?


દુહામાં દેહ અટકાય ને,

મુક્તકમાં મન અટવાય,


બોલું ના તો શબ્દો ગૂંચવાય,

ને લખતા મારી પેન અટકાય,


મને ન સમજાય કે કેમ રચું કવિતા?


હાસ્યને લખ્યું તો આંસુ રૂંધાય,

ને આંસુને લખતા મારી આંખ ભીંજાય.


શબ્દોની ઘટમાળમાં મારી લાગણીઓ ગૂંચવાય.


મને ના સમજાય કે કેમ રચું કવિતા?

મુંઝાય છે મન

મુંઝાય છે મન કે આ સાહિત્યની દુનિયા રહી નથી,

મૌલિક અને સારુ લખનારની અહીં જરૂર નથી.


રોમેરોમે શબ્દોનો આસ્વાદ થાય એવું લખાણ નથી,

હૈયા અને ભાવનાના ભાવોનો આસ્વાદ નથી.


માણી રહી છું એ રચનાઓ જેનો કોઈ અર્થ નથી,

સારુ છે સરસ્વતી દેવી તમે આસપાસ નથી.


પરંતુ સાચા અને સારા લેખકોની પણ કમી નથી,

સારુ સાહિત્ય લખનારને વાહવાહની જરૂર નથી.


મારી આ વાતોથી કોઈ અહીં સહમત નથી.....

Sunday, May 11, 2025

સુખ દુખ

જે સુખ છે ખુશ રહેવામાં,

એ કયાં મળે છે દુખી રહેવામાં,


મીઠાં ગીતો ગાતા પારેવડાં,

એ પણ સુખ શોધે કલરવ કરવામાં.


ઊઠીને પહેલું સુખ મારું તને જોવા માં..

ભૂલવા મથું દુખ મારું હસવામાં.


તારા આતમ ના નીર વહે ઝરણાંમાં

સુકાવા ના દઈશ એને કદી મારા હૈયામાં.


વિતાવું મારી જીંદગી તારી બાહોમાં,

જે સુખ છે તારા હાથોમાં

એ કયાંથી મળે મને બ્રહ્માંડમાં ?


કયાં મળે છે સુખ ? દુકાનમાં ?

ના રે, એતો મળે છે,

જીવનની હરેક પળોમાં.


"કુંજ" "દીપ" રહે એકબીજાના રુદિયામાં,

પછી કયાં છે દુખ આપણા જીવનમાં ?

ધરી ધીરજ ભલે પળપળ

ધરી ધીરજ ભલે પળપળ,

છતાં મોંઘૂં મળ્યું છે ફળ.


ભલા માણસ કદી બે પળ,

અરીસા બ્હાર આવી મળ.


સરળતા ને સમજવામાં,

સદા સૌ જાય છે નિષ્ફળ.


એ સર્જનહાર દુનિયાનો,

કરી જાણે છે સ્થળને જળ.


છે એવું પ્રેમ નું ઝરણું,

વહે જે મુજ મહિં ખળ ખળ.


છે સૌના હોઠ ઉપર સ્મિત,

અને છે દિલમાં દાવાનળ


કદી છતથી કે આંખોથી,

શું ઘરમાં રોજ ટપકે જળ.


જુએમાં રાહ દિકરાની,

અને આવે છે બસ કાગળ.


મળે મહેબુબ કોક એવું,

જે દુઃખમાં પણ રહે આગળ.

ક્યાં પડી છે ? - Harsha Dalwadi tanu

‍નશો એ ફૂલનો છે, બાગની ક્યાં પડી છે ?

તરસ પ્યાલાની હોય, ઘડાંની ક્યાં પડી છે.


બની ઘાયલ એવા, ને ઘાવ ઝીલવા,

બેફામ બનીને જીતવાની ક્યાં પડી છે ?


મરીઝ કોણ નથી અહીં, કૌન એવા ?

પ્રશ્ન પૂછવા ઘેલછાની ક્યાં પડી છે ?


ખુશ્બુ ફેલાઈ ગઈ ચારેતરફ જે,

એ ફૂલને અત્તરની ક્યાં પડી છે ?


રજા મળી "તનુ" બોલવાની, કેમ

હવે જિંદગીમાં જગ્યાની ક્યાં પડી છે ?

સ્મરણ - Pushpa Mehta

એ નદી એ ઘાટ મસ્તી ઘેલપણ,

લે તને હું મોકલું એના સ્મરણ.

છીપલાં કુકા ચણોઠી રેતમાં,

શોધતાં આજે દીઠું એ નાનપણ!

કેડ પર ગાગર મૂકેલી ચાલમાં,

સાથ તારો સાંભરે છે આજ પણ.

વાર્તા પરીઓ ને રાજા રાણીની,

ભેરુંના બુચ્ચા – કિટ્ટાનું ભોળપણ.

ફાતિમા મીના અમીના સૌ મળી,

દેદો ફૂટયાની સ્મરણ છે આજ પણ

જોજનો દૂર થઈ બધી સાહેલીઓ,

ક્યાં મળે કોઈની હવે તો ભાળ પણ?

સાથી હતા સુખ દુ:ખના પાડોશીઓ,

પૂછીએ કોને ભુલાયા નામ પણ.

આવ કાગા, પી કાઢી એ યાદની,

કાંકરી ખુંચે મને તો આજ પણ!

થાય મનમાં કે ફરી બાળક બનું!

જઈ સમેટી લઉં સરેલું બાળપણ...