Google Search

Showing posts with label Motivation. Show all posts
Showing posts with label Motivation. Show all posts

Monday, March 12, 2012

રિફ્લેક્ટ યોર સેલ્ફ એઝ યુ આર


જિંદગી પ્રત્યેનું, શિક્ષણ પ્રત્યેનું કે કારકિર્દી અંગેનું વિઝન જ્યારે ચોખ્ખું હોય અને યોગ્ય હોય તો તે રિફ્લેક્ટ થવું જોઈએ એટલે કે તેનો સ્પષ્ટ નિચોડ દેખાવો જોઈએ. જો તેમ ન થાય તો તમે જે માર્ગે છો એ માર્ગ બદલવાની જરૂર છે અથવા પોતાનામાં પરિવર્તન લાવવાની - બદલવાની જરૂર છે. મૂળ મુદ્દે તો તમે જેવા છો એવા સબળ રિફ્લેક્ટ થવા જોઈએ
રાત દિવસ નંબરવન રહેવાની હરોળમાં દોડતા ઘોડાને જોકીની એટલી ચાબુકો પડી હોય છે અને ટ્રેઈનિંગ મળી હોય છે કે તે સામાન્ય જીવનમાં પણ ચાલતો નથી, દોડયા જ કરે છે. વિદ્યાર્થીઓ અને જોબર્સની પરિસ્થિતિ પણ એથી કંઈ અલગ નથી. પહેલાં‘ભણવામાં હોશિયાર રહો’ અને પછી ‘પ્રોફેશનલ લાઈફમાં સક્સેસફુલ બનો’ની ચાબુક દૃશ્ય કે અદૃશ્ય રીતે, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ક્યાંકથી ને ક્યાંકથી દરેક વ્યક્તિ ઉપર હંમેશાં ફટકારાતી જ રહે છે. એવામાં તમે ખુદની પર હોલ્ડ કરીને અને કંટ્રોલ યોર સેલ્ફ કહીને જ આગળ વધી શકશો અને તમારા વ્યક્તિત્વને સાચી રીતે દુનિયા સામે રિફ્લેક્ટ કરી શકશો.
રિઅલાઈઝ
દુનિયાને કમિટમેન્ટ આપતાં પહેલાં પોતાને કમિટમેન્ટ આપો. જો તમે અન્યોના કહેવા પર દબાણથી જિંદગીમાં આગળ વધ્યા હશો તો ખુદને જેવા રિફ્લેક્ટ કરવા ઇચ્છો છો તેવા ક્યારેય રિફ્લેક્ટ કરી જ નહીં શકો, કારણ કે તમે જે કરી રહ્યા છો એ આંતરિક રીતે તમારે કરવું જ નથી. આ વાત સમજાશે ત્યારે એટલું મોડું થઈ ચૂક્યું હશે કે પસ્તાવા સિવાય કંઈ તમારી પાસે બચ્યું નહીં હોય. વિદ્યાર્થીઓએ જોકે તે જ ક્ષેત્રની પસંદગી માટે નિર્ણયો લેવા જોઈએ અને નોકરિયાતોએ એ રીતે પોતાની પ્રોફેશનલ લાઈફ ઘડવી જોઈએ કે તેમને ક્યારેય એવું રિઅલાઈઝ ન થાય કે ખાડામાં પગ ફસાઈ ગયો છે.
રિવ્યૂ કરો
પોતાની ડે ટુ ડે જીવનશૈલીમાં દસ મિનિટ એવી હોવી જોઈએ કે તમે જે વાંચો છો અથવા કામ કરો છો એમાં એકચ્યુઅલી શું કરો છો એ જાણો. આ જગતમાં બધું જ મિથ્યા છે અને અંતે તો મનની શાંતિ જ સઘળું છે જેવી તાત્ત્વિક, અઘરી અઘરી વાતો માટે દસ મિનિટ નહીં, પણ ખરેખર તમે જે કરો છો એના રિવ્યૂ માટેની આ દસ મિનિટ હોવી જોઈએ. એનાથી તમને તમારી ઉત્પાદનક્ષમતા અને તમારે હવે કઈ દિશામાં જવાનું છે એનો ખ્યાલ આવશે. તમે જે રીતે વાચનની તૈયારી કરો છો એ બરાબર છે કે નહીં કે એ પદ્ધતિમાં ફેરફાર કરવા જેવો છે કે નહીં, એનું રિફ્લેક્શન કે ચિતાર તમને મળશે. પ્લસ હવે પછી તમારે તમને કેવી રીતે તૈયાર કરવા જોઈએ એ સમજવું કે નક્કી કરવું પહાડ જેવો પ્રશ્ન નહીં લાગે.
રિવિઝન
પોતાને ક્યાંય પણ રિફ્લેક્ટ કરતાં પહેલાં રિવિઝન થયું હોવું જરૂરી છે. જેમ કે પરીક્ષામાં જતાં પહેલાં દરેક પ્રશ્ન પર નજર કરવી વિદ્યાર્થીઓની કોમન આદત હોય છે. જે યોગ્ય જ છે. ક્યાંક ઇન્ટરવ્યૂ આપવા જતાં પહેલાં પણ તે એટલું જ જરૂરી છે. ત્યાં તમને કેવા પ્રકારના સવાલો પુછાશે એ અંગે સજાગ રહો. તેવા સવાલો માટેની બને તો નેટ પ્રેક્ટિસ કરો. નોકરીના સ્થળે કોઈ પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન માટે પણ રિવિઝન કરી લેવું પણ એટલું જ હિતાવહ છે.
માર્ગદર્શન
આમ તો પોતાને ક્યાં અને કેવી રીતે રજૂ કરવા છે એ અંગે અન્યોને પૂછવા કરતાં તમે પોતે જ પોતાને સમજીને નિર્ણય લો એ સૌથી બહેતર રહેશે, પણ જો એવું ન થઈ શકે તો કોઈને પૂછવામાં નાનપ ન અનુભવો. દોસ્તો- મિત્રો, મમ્મી - પપ્પા, ભાઈ બહેનને બહાર જતી વખતે તમને એ પૂછવામાં ક્યારેય સંકોચ નડયો છે કે ‘હું કેવો લાગું છું ‘કે ‘હું કેવી લાગું છું’ તો જિંદગીમાં સફળ થવા માટે દુનિયા સમક્ષ તમે કેવા રિફ્લેક્ટ થવા જોઈએ એ માટે સલાહ લેવાની બાબતે પણ નિસંકોચ કોઈને પૂછી શકવા જોઈએ. શરત એટલી કે જેને પૂછો છો તે તમને જાણતું હોવું જોઈએ. તમારી પ્રકૃતિને પિછાણતું હોવું જોઈએ.
રિમૂવ
ખુદને રિવ્યૂ કર્યા બાદ ચકાસી જુઓ કે તમારે કેવા પ્લાનની જરૂર છે અને વાસ્તવિક્તામાં તમને સક્સેસફુલ બનાવવા માટે તે સ્ટ્રેટેજી કામ લાગી શકે તેમ છે. એ મુદ્દાઓ પર ધ્યાન આપો. બાકીનું વધારાનું રિમૂવ કરતાં શીખો. કોઈ ખેતરમાંથી ખેડૂત નીંદામણ કાઢીને બહાર ફેંકી દે છે તેમ. માણસમાં રહેલી ખામીઓ અને ખૂબીઓ ખુદ માણસથી વધારે કોઈ પિછાણી શકતું નથી. તેમજ તમારા દિમાગ અને ડેસ્ક બન્નેમાંથી શું રિમૂવ કરવા જેવું છે તે તમારા સિવાય કોઈ વધુ સારી રીતે જાણતું નથી. કદાચ અસફળતા હોય તો તેને પણ તમારા દિમાગની ડિસ્કમાંથી ડિલિટ કરો.
મુખ્ય લક્ષ્ય
કમિટમેન્ટ, પેશન, ટાઈમ મેનેજમેન્ટ, એંગર મેનેજમેન્ટ અને ખુદને પોલિશ્ડ બનાવવામાં ક્યારેક એવું બને છે કે તમે મનથી જે કરવા માગો છો એ કરી નથી શકતા અને પોતાને જ ગુમાવી બેસો છો. જે મુખ્ય ધ્યેય કે કાર્ય છે એ બાજુએ રહી જાય અને ખુદને જેવા રિફ્લેક્ટ કરવા માગો છો તેવા રિફ્લેક્ટ જ ન કરી શકો. તમારું કામ દેખાય જ નહીં, તમારા લક્ષ્યમાં આ બાધારૂપ બનતું હોય તો પ્રોફેશનાલિઝમનું પૂંછડું પકડીને જીવતા પૂતળા જેવા બનવાનું છોડીને હકીકતમાં તમારે જે કરવાનું છે એ અંગે વિચારો. કોઈ ઓટોમોબાઈલ એન્જિનિયર વિચારે કે કપડાં બગડશે એટલે તે પાનાં પક્કડ લઈને કોઈ એક્સપરિમેન્ટ ન કરે તો ખરેખર પોતાની જાતને સાબિત કરવા માગે છે કે દુનિયા સામે પોતાને રિફ્લેક્ટ કરવા માગે છે એવું કરી શકશે? યુ.એસ.ના સોળમા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન વીસ વર્ષ સુધી સતત ધન દોલત કમાવાની દૃષ્ટિએ અસફળ વકીલ હતા, પણ વીસ વર્ષ પછી જ્યારે તે રાષ્ટ્રપ્રમુખ બન્યા એ ખરું રિફ્લેક્શન હતું કે ધન દોલતના બદલે તેમણે મુખ્ય ધ્યેયને પકડી રાખ્યું હતું.

પરિસ્થિતિ સાથે પરિવર્તન પામો


દિવસ બદલે છે અને તમે સહજતાથી તારીખિયામાં તારીખ બદલો છો. એ નવા દિવસને સ્વીકારો છો. એનું સ્વાગત કરો છો, તેવી જ રીતે જિંદગીમાં થતા ફેરફારોને પણ આવકારીને એની સાથે ખુદને બદલો. એમાં પણ કંઈક નવું કરી દેખાડવાની ભાવના કેળવો
જે વ્યક્તિ જિંદગીમાં પરિવર્તન નથી સ્વીકારતી તે જીવનભર કંઈ નવું શીખી નથી શકતી. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટિનના આ શબ્દો છે અને ફિલસૂફી પણ. કદાચ તેમણે પરિવર્તન લાવવાની કોશિશ ન કરી હોય તો આપણે આજે પણ વીજળી વગરના અંધારામાં જીવતા હોત. પરિવર્તન કુદરતનો નિયમ છે તો પછી માણસે એને બન્ને હાથ ફેલાવીને તેનું વેલકમ કરવું જોઈએ અને સમયની સાથે બદલાતા શીખવું જોઈએ.
શક્ય છે કે ઘણી વખત આપણે પરીક્ષામાં અથવા નોકરીના સ્થળે બહુ જ સારો દેખાવ કરી રહ્યા હાઈએ અને આપણે જે પદ્ધતિથી આગળ વધી રહ્યા હોઈએ તેમાં બદલાવ લાવવા માટે કહેવામાં આવે. ઘણી વખત આગળની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ તૈયારીઓ કરી રહ્યા હોય અને સિલેબસ બદલાઈ જાય, કોર્સ બદલાઈ જાય, પેપર સ્ટાઈલ બદલાઈ જાય. તો તે વખતે પોઝિટિવ એટિટયૂડ દાખવો. નવી પદ્ધતિને અપનાવતાં શીખો, કારણ કે નાછૂટકે પણ તમારે એ મુજબ જ સારા દેખાવ સાથે આગળ વધવાનું છે.
નોકરીમાં એવું થાય છે કે તમે પ્રોફેશનલી તમારા સારા પર્ફોર્મન્સ સાથે ઘણું ઘણું કરી બતાવવાની ઈચ્છા ધરાવતા હોય, તમે જાણતા હોય કે તમે એ કામ અને હોદ્દા માટે બિલકુલ ફિટ છો, લાયક છો. સર્વગુણ સંપન્ન છો. તમારાથી બહેતર અથવા તમારી પદ્ધતિથી બહેતર રીતે એ કામ પાર પડી શકવાનું નથી, છતાં તેમાં બદલાવ તમારી પર લાદી દેવામાં આવે તો જરા પણ ઉશ્કેરાયા વગર તમને કહેવામાં આવી છે એ પદ્ધતિએ હન્ડ્રેડ પર્સન્ટ સક્સેસફુલ કામ કરીને દેખાડો. અંતે તો પરિવર્તન નહીં, પરંતુ કાર્યની સફળતા કે નિષ્ફળતા જ પરિણામ છે.
પૂર્વગ્રહોને છોડો
એક ખેડૂત હળથી ખેતી કરતો હતો. મસમોટા તેના ખેતરમાં તે માંડ માંડ પહોંચી વળતો હતો. તેની બાજુના જ ખેતરમાં ખેડૂત ટ્રેક્ટરના સહારે અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી પાક લેતો હતો. હળથી ખેતી કરનારા ખેડૂતને પૂર્વગ્રહ હતો કે ટ્રેક્ટરની આધુનિક ખેતીથી ખેતર જોઈએ તેવું ખેડાય નહીં અને પાક જોઈએ તેવો સારો મળે નહીં. ઊલટાનું બીજો ખેડૂત સારી ગુણવત્તા ધરાવતું અનાજ પકવી શકતો હતો. સવાલ હતો અંગત પૂર્વગ્રહનો.જૂની પુરાણી પદ્ધતિ મુજબ ખેતી કરવી એ ખેડૂતના પૂર્વગ્રહ સિવાય બીજું કશું જ ન હતું જે તેને જ નુક્સાન કરી રહ્યું હતું. તમે પણ આવા કોઈ પૂર્વગ્રહથી પીડાતા હો તો તુરંત જ તેને ત્યજી દો.
બદલાવનો વિરોધ
જો પરિવર્તન વાજબી ન હોય અને નુક્સાનકારક હોય તો પણ તેનો વિરોધ કરવા જતાં સામા પવને ચાલવા જેવું સાબિત થઈ શકે છે તો બીજા પક્ષે સારા બદલાવ સામે વિરોધના ઝંડા લઈને ઊભું થવું એ યોગ્ય નથી. પહેલાં પરિવર્તનોની અસરનો ક્યાસ કાઢો. પછી નક્કી કરો કે તે સારી અસર છોડે તેમ છે કે નરસી. જ્યારે બદલાવ તમારા પર વાર કરે ત્યારે માહોલના હિસાબે પરિવર્તનને પારખીને એનો જવાબ શોધો. જાણ્યા, સમજ્યા વગર વિરોધની રેલીમાં વહી જવું તમને નુક્સાનકારક સાબિત થશે.
બદલાવ સાથે ખુદને બદલો
ઘણી વખત પરિસ્થિતિ સાથ ન આપતાં ખુદને બદલવું પડે છે. તમારૂં ડિમોશન થઈ જાય. કોઈ કાર્યમાં અસફળતા મળે. પરીક્ષામાં ધાર્યું હોય એવું પરિણામ ન આવે. નોકરીમાં તમે અંદાજો લગાવ્યો હોય એ ખોટો પડી શકે તો નિરાશ થવાના બદલે ખુદને બદલો. કારણ કે જો પરિસ્થિતિઓ પર તમારૂં નિયંત્રણ જાળવી શકાય એમ નથી, એવું લાગે ત્યારે દિમાગ પર સંતુલન જાળવીને એ પરિસ્થિતિમાં ઢળવા માટે પ્રયત્ન કરવો જ યોગ્ય હશે. ચેન્જ યોર સેલ્ફ એઝ પર ચેન્જિસ...
ચેતવણી
આજના ઝડપી યુગમાં તમને બદલાવ કે પરિવર્તનની ચેતવણી મળશે જ એવું માની લેવું ભૂલ હશો. ક્યારેક થનારા ચેન્જિસથી તમને વાકેફ કરવામાં આવે, પણ ઘણાં પરિવર્તન ઇન્સ્ટન્ટ હોય છે. તેનું વમળ ક્યારે ઊઠે એ જાણી શકાતું નથી. તો આવાં પરિવર્તનો માટે હંમેશાં તૈયાર રહો. માન્યું કે તમને કોઈ ચીજ કે પદ્ધતિની આદત પડી ચૂકી હોય, તમે ટેવાઈ ગયા હોય, પણ નવી સિસ્ટમમાં ગોઠવાવા માટે તમને ઇન્ટ્રક્શન ન મળે છતાં તમે એવા સજ્જ હોવા જોઈએ કે તમને ‘ગો ફોર ઇટ’ કહેતાંની સાથે જ તમે મેદાનમાં કૂદી પડો. એ વાત સાચી કે આ પ્રકારના પરિવર્તનને કેટલાક લોકો જ અપનાવી શકે છે. તો તમે એ લોકોમાંના એક બનો. શિક્ષણ, જરૂરિયાત, નીતિઓ, ટેક્નિક અને માર્કેટ સઘળું જ્યારે આજના જમાનામાં બદલી રહ્યું છે, ત્યારે નાના નાના ફેરફાર માટે ચેતવણી મળવી જરૂરી નથી હોતી. બસ સમયના વહેણ સાથે એમાં વહેતા જવું જ સમજદારી છે.
પોઝિટિવ એટિટયૂડ
કોઈ પણ નવા સોફ્ટવેર અને એ અંગેના રિસર્ચ અંગે બિલ ગેટ્સ કોઈ પણ અભિપ્રાય આપતાં પહેલાં પોતે તેને ચકાસી જુએ છે. એનો ઉપયોગ કરતાં ખુદ શીખે છે. એ બાબત કે ટેક્નિકના નવા સંશોધનો સાથે તાલ મિલાવીને, કદમથી કદમ મિલાવીને ચાલે છે. આ ઉદાહરણ અહીં આપવાનો મતલબ એ છે કે નવા સંશોધનો અને રિસર્ચ અંગે પોઝિટવ વલણ દાખવો. એમાં રહેલી ખૂબીઓ અને ખામીઓ બન્ને શોધો. ખૂબીઓનો સારો ઉપયોગ કઈ રીતે થઈ શકે તેમ છે એ વિચારો અને ખામીઓને ડિલિટ કરવાના રસ્તા શોધો. તમારૂં કૌશલ્ય, તમારા ગુણ ત્યારે જ સચોટ ગણાશે જ્યારે તમે પરિવર્તન સાથે પોતાને બદલીને સારૂં પરિણામ આપી શકશો.

Must નું મહત્ત્વ સમજો


અંગ્રેજીનો શબ્દ Must શબ્દ ફરજિયાતપણું દર્શાવે છે. આર યા પારની સ્થિતિને અંગ્રેજીના એક શબ્દ મસ્ટ સાથે ગાઢ સંબંધ છે. તો Must ના સાત સેન્ટેન્સને જો તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં પોઝિટિવલી ઉતારીને જુઓ કે મસ્ટ તમારી જિંદગીમાં કેવું મસ્ત કામ કરે છે
જિંદગીમાં જોઈએ અને જોઈએ જ વચ્ચે ઘણો ફરક છે. અંગ્રેજીમાં જ્યારથી ગ્રામર શીખવવાની કોર્સમાં શરૂઆત થાય ત્યારથી જ જોઈએ અને જોઈએ જના તફાવતની તાલીમ પણ વદ્યાર્થીઓને આપવાની શરૂઆત થઈ જાય છે.રિયલ લાઈફમાં પણ શૂડમાંથી જ્યારે તમે મસ્ટ સુધી પહોંચો ત્યારે સફળતા તમારાથી વધારે છેટી નહીં રહે. ઈંગ્લિશના આ ‘મસ્ટ’ શબ્દ સાથે સફળતા સુધી પહોંચવા માટે સાત સેન્ટેન્સના સ્ટેપ્સ અહીં આપવામાં આવ્યા છે. મસ્ટ શબ્દમાં કારકિર્દીમાં સકસેસ મેળવી લેવાની જીદ, ધૂન,લગની સમાઈ છે તો સામે જવાબદારી અને જીવન પ્રત્યેની ફરજો પણ સ્પષ્ટ કરાઈ છે. શિક્ષણ મેળવીને, કારકિર્દી ઘડીને પ્રોફેશનલ લાઈફમાં ક્યાં ક્યાં મસ્ટ મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે એ જાણશો તો તમને તમારી કારકિર્દી ઘડવામાં ક્યારેય કોઈ અડચણ નહીં આવે.
Must not carry
જીવનમાં જેનો બોજો ખભા પર ઊંચકીને ન ચાલતા રહેવા જેવું હોય તો તે છે નિષ્ફળ રહ્યાનો બોજો. પરીક્ષામાં પાસ ન થવું કે ધાર્યું પરિણામ મેળવવામાં નિષ્ફળ જવું કે સફળતા મેળવવામાં કદમ ક્યારેક ટૂંકાં પડયાં હોય તો તેનો અર્થ એ નથી કે તે નિષ્ફળતાનો બોજો વેંઢારતા રહો. નિષ્ફળતાનાં કારણો શોધો. Try and catchનું સૂત્ર યાદ રાખો. રણમાં રેતીના કોથળા ખભ્ભે લાદીને ચાલવાથી કંઈ હાંસલ નથી થતું એમ નિષ્ફળતાની યાદોને ભૂલવી જ સારી.
Must be somewhere
આસપાસ જ હોવી જોઈએ. સક્સેસ અથવા સફળતા એ દૃશ્ય કે સાપેક્ષ લાડુ નથી કે તે મોટો કે નાનો છે એવું માપી શકાય. પ્લસ અન્યો વધુ સફળ છે કે નિષ્ફળ એનું પણ કોઈ માપદંડ નથી. એટલે સફળતાનું માપ કાઢવું છોડી તમે જે ક્ષેત્રમાં છો, જેમાં શિક્ષણ મેળવી રહ્યા છો કે ભવિષ્ય ઘડી રહ્યા છો એના માટેની મહેનતથી જ્યારે તમે કંઈ હાંસલ કરો એ જ તમારી સફળતા છે.
Must have been some problems
જરૂર કોઈ ને કોઈ અડચણ રહી જ હશે. કોઈ પણ મહાન માણસનું ઉદાહરણ લેશો તો સમજાશે કે સફળ બનતાં પહેલાં તેઓએ કેટલી વાર પછડાટ ખાધી હશે. કરોળિયો તેનું જાળું ગૂંથવામાં કેટલી વાર નિષ્ફળ રહે છે, પણ તે પ્રયત્નો કરવાના છોડતો નથી. કામમાં કોઈ અડચણ આવે તો પોઝિટિવ રહીને એ મુશ્કેલીને દૂર હડસેલવાના રસ્તા શોધો.
Must consult expert
ગાડી ક્યાંક બગડે તો ગેરેજ ક્યાં આવેલું છે એ શોધશો કે નહીં? તેવી જ રીતે તમે સર્વગુણસંપન્ન અને દરેક બાબતે નિર્ણય લેવા માટે સક્ષમ હોવા જરૂરી નથી. દરેક વિષયના નિષ્ણાતની શોધ કરો તો મળે જ છે તો તમારી કારકિર્દી માટે તમે સારા માર્ગદર્શક ન શોધી શકો? સફળતાની રેસમાં અટકો ત્યારે કોઈક તો એવું હોવું જ જોઈએ જે બક અપ કહે અને ગાઈડ કરે. જરૂરિયાત હોય છે, સાચો ગાઈડ શોધવાની.
Must be coming
જરૂર આવશે જ. સૌને સાચી તક મળે એવો સમય આવે છે તો તમે તેમાંથી ક્યાંથી બાકાત રહેવાના, પણ સમય આવે ત્યારે તેનો ઉપયોગ કરતાં શીખો. પ્લેટોએ કહ્યું છે કે કોઈ પણ કાર્યની શરૂઆત માટે સાચો સમય કયો છે એ નક્કી કરીને કામ શરૂ કરાય તો તેમાં સફળ થવાય જ. દરેક વિદ્યાર્થીના જીવનમાં તબક્કો એવો આવે જ છે કે તેણે સ્ટ્રીમની પસંદગીનો નિર્ણય કરવો પડે છે. ત્યારે એ તકનો વિચારપૂર્વક ઉપયોગ કરો. જોબર્સ માટે પણ એવો સમય આવે છે કે પોતાને સાબિત કરવા પડે છે. તો ખુદ પર ભરોસો રાખો તો જ તમારા પર દુનિયા વિશ્વાસ કરશે.
Must give up
મસ્ટ ગિવ અપનો અર્થ અહીં એ લેવો કે છોડવું જ જોઈએ. દેખાદેખી, પૂર્વગ્રહ, લોકોનો તમારા પ્રત્યેનો અભિગમ વગેરે... ત્યાગની ભાવના કેળવવીની મહાન સાહિત્યિક ફિલસૂફી નહીં, પણ તમે જ્યારે પ્રોફેશનલ લાઇફમાં કંઈક અચિવ કરવા માગો છો ત્યારે કોઈ વિષયે કે કોઈ મુદ્દે જો પૂર્વગ્રહ હોય, ડર હોય તો તેને છોડો. તમારી આસપાસ રહેતા લોકોનો તમારા માટે કોઈ ખોટો અભિપ્રાય હોય તેને ઇગ્નોર કરો. તમે ભણવા માટે જે પણ વિષયો પસંદ કર્યા છે એ માટે કોઈનો વિરોધ હોય તો તેનાથી તમારા નિર્ણયો અને તમે પસંદ કરેલા ક્ષેત્ર અંગે તમને કોઈ શંકા ઊભી ન થવી જોઈએ. એક સરસ મજાની કહેવત છે કે હાથી પાછળ... એ કહેવતને અનુસરો. કોઈ તમારા માટે કોઈ પણ અભિપ્રાય બાંધે મદમસ્ત હાથી બનીને જીવો અને તમારી પ્રગતિના પથ પર કોઈની માન્યતાને રોડો ન બનવા દો.
Must save some memories
સફળતા પાછળ દોટ મૂકીને સફળ થયા પછી શું? એ પણ એક પ્રશ્નાર્થ છે! તમારી સક્સેસને ઊજવવા માટે તમારી પાસે અને તમારી સાથે કોઈ ન હોય તો એ સફળતા મેળવવાનો કોઈ ફાયદો ખરો? તાળી વગાડવા માટે પણ બે હાથની જરૂર પડે જ છે બિલકુલ તેવી જ રીતે સફળતાને ઊજવવા માટે પણ બે જણાની જરૂર હોય છે એક વ્યક્તિ એ કે જે સફળ બની છે અને બીજી વ્યક્તિ એ છે કે જે તમે સફળ છો એ માને અને તમારી સાથે તમારી સફળતા ઊજવે.
ખાસ કરીને બોર્ડ એક્ઝામ્સની તૈયારીના હાઉ વચ્ચે બાળકો પર સારા માર્ક્સ લાવવાના દબાણ હેઠળ કોઈ પણ બીજી અન્ય કૌટુંબિક કે ઈત્તર પ્રવૃત્તિથી તેને દૂર કરી દેવામાં આવે છે. તેવું જ જોબર્સ સાથે પણ થાય છે. ટ્વેન્ટી ફોર બાય સેવન પ્રોફેશનલી બેસ્ટ બનવા માટે મશિનની જેમ કામ કરતાં તે પોતાની પર્સનલ લાઈફમાં ઘણું ગુમાવી બેસે છે. જિંદગીમાં ગુમાવેલી એ પળો પાછી મેળવી શકવાના નથી એટલે ભવિષ્યમાં એ મેમરીને વાગોળી શકો એવી કેટલીક ક્ષણોને જીવવાની ભૂલતા નહીં.

સક્સેસની સફરને માણો


સક્સેસ એ મંઝિલ નથી, પણ એ એક એવી સફર છે કે જે મંઝિલે પહોંચવા માટે માર્ગ ચીંધે છે. રસ્તામાં વળાંક આવે, જરા થોભોનું પાટિયું દેખાય, બ્રેક વાગે, ધીમું પડવાનું થાય, ઊંધો રસ્તો પણ પકડાઈ જાય, તો ક્યાંક લાઈફની ગાડી પૂરપાટ દોડીને એકસોને વીસની ઝડપે મંઝિલ તરફ આગળ વધે. બધામાં સક્સેસની સફરને માણતા રહો
નિષ્ફળતાને સફળતામાં બદલો
જીવનમાં સફળતા અને નિષ્ફળતા તો આવ્યા જ કરવાની, પરંતુ નિષ્ફળતામાં જે નાસીપાસ થાય છે તે માણસ ક્યારેય ઊંચો નથી આવતો. જે માણસ સામી છાતીએ ઝઝૂમે છે, પડકાર ઝીલે છે તેને કોઈ નિષ્ફળતા હરાવી નથી શકતી. Impossibleમાંથી I m possible... નું સૂત્ર સાર્થક કરતાં શીખો. હીરો ઘસાય એટલો વધારે ચમકે છે અને તેની ચમક દુનિયાને દેખાયા વગર રહેતી નથી. તેવી જ રીતે ખુદને પોલિશ કરો.
આને કુદરત કહેવાય
ખરેખર, સફળતાની મજા ત્યારે આવે છે જ્યારે તે થોડી મુશ્કેલીમાંથી પસાર થાય. કેટલીક ચીજોની પસંદગી પ્રકૃતિ કરે છે. જેમ કે આપણાં મા-બાપ, પરિવાર, વાતાવરણ-માહોલ, શારીરિક અક્ષમતા, શારીરિક ક્ષતિ વગેરેની પસંદગી આપણે નથી કરી શકતા, પરંતુ સારૂં ચરિત્ર, સારી આદતો, યોગ્ય દૃષ્ટિ અને પોતાના લક્ષ્યની પસંદગી તો આપણા હાથમાં જ હોય છે અને આ બધી એવી ચીજો છે જેના હોવાથી સફળતા સહજ અને આસાન બની જાય છે. વિદ્યાર્થીએ સફળતાની મજા માણવી હોય તો જેમાં તેને રસ પડે છે એમાં આગળ વધવાનો મક્કમ નિર્ધાર કરવો જોઈએ. જોબર્સ માટે જો તે પસંદગીનું કાર્ય કરતા હશે તો પ્રોફેશનલ લાઈફમાં પણ કામ બોજ નહીં લાગે અને એનો રોમાંચ વર્ણવી ન શકાય તેવો હશે.
જુસ્સો
એવરેસ્ટ શિખર સર કરનારા શેરપા તેનઝિંગને તેની સફળતા પાછળ કોનો હાથ છે તેવું પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે,મારા જુસ્સા અને ઝનૂને મને એવરેસ્ટ સર કર્યા પછી પણ જીવતો રાખ્યો છે. જ્યારે એવરેસ્ટની ટોચને જોતો ત્યારે તેની પર પહોંચવાનું ઝનૂન વધુને વધુ પ્રબળ બનતું. પર્વતની ચોટી સર કરવા સિવાય મને કોઈ બીજો વિચાર મનમાં આવ્યો ન હતો અને મેં આવવા દીધો પણ ન હતો. આમ કઠિન પરિસ્થિતિમાં પણ મનમાં પ્રબળ જુસ્સો, જોશ હોય તો તે વ્યક્તિ પોતાની મંઝિલ સર કરી શકે છે એમાં કોઈ બેમત નથી.
છૂપી ટેલેન્ટને ઓળખો
મને ન આવડે, મારાથી ન થાય એવી નકારાત્મક વાતો છોડો. હું પણ કરી શકુંના સૂત્રને અમલમાં મૂકો.
સફળતા તેને જ વરે જે અડગ અને દૃઢ મનોબળવાળો હોય. દરેકે પોતાની ક્ષમતા, તાકાત અને શક્તિને ઓળખી લેવી જોઈએ અને મનમાં એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ. લક્ષ્ય નક્કી થતાં મંઝિલ આપોઆપ મળી રહે છે. સામાન્યમાંથી અસામાન્યને ઓળખી લેતાં અવ્વલ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય છે. લક્ષ્ય વ્યક્તિને દિશા બતાવે છે. જોકે લક્ષ્ય વાસ્તવિક્તાથી દૂર ન હોવું જોઈએ.
ઝિંદગી હર કદમ નયી જંગ
સફળતાની સફરમાં સો વિઘ્ન આવે તો પણ પહેલાં વિઘ્ન સામે ઝઝૂમો એવો જ જુસ્સો આખરી વિઘ્ન સામે લડવાનો પણ કેળવો. સફળ તે જ થાય છે જે આ મુસીબતોને પાર કરી શકે. જે હાર માનીને બેસી રહે છે તે માણસ ક્યારેય સફળતા પામી નથી શકતો.
યાદ રાખો, સંઘર્ષમાં તો તમારી હોશિયારી ખીલે છે, કુશળતા બહાર આવે છે. સંઘર્ષની ગૂંચમાંથી માર્ગ કાઢવા શાંતિ, ધીરજ અને ક્ષમતા જરૂરી છે. પોતાની જિંદગી પોતે જ લડીને સફળ બનાવવાની છે. જે દાખલો ન આવડે તેને છોડી ન દો વારંવાર તેનો જવાબ મેળવવા મથો. પ્રોફેશનલ લાઈફના પ્રશ્નો પણ દાખલા જેવા અને કોયડા જેવા જ છે સોલ્વ કરતા રહો.
સેવન વે ઓફ સકસેસ
જીવનમાં સફળતા મેળવવા માટે જેટલાં સાધન બતાવવામાં આવ્યાં છે એમાં વિદ્વાનોએ સાત સાધનોને પ્રથમ સ્થાન આપ્યું છે.
  1. પરિશ્રમ અને પુરુષાર્થ
  2. આત્મવિશ્વાસ અને સ્વાવલંબન
  3. જિજ્ઞાસા અને લગન
  4. ત્યાગ અને બલિદાન
  5. સ્નેહ અને સહાનુભૂતિ
  6. સાહસ અને નિર્ભયતા
  7. પ્રસન્નતા અને માનસિક સંતુલન
જે મનુષ્ય પોતાના જીવનવ્યવહારમાં આ સાત સાધનોનો સમાવેશ કરી લે છે તે દરેક સ્થિતિમાં ઇચ્છિત સફળતા મેળવે છે
ગામને મોઢે ગળણું ન બંધાય
તમે તમારા જીવનમાં સફળતાના પંથ પર આગેકૂચ કરતા હો ત્યારે લોકોના બોલવા પર ધ્યાન ન આપો. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બાબતમાં કેટલાક લોકો તેના ટૂંકા સ્કર્ટ વિશે જેમતેમ બોલતા હતા, પરંતુ જ્યારે તેણે વિશ્વસ્તરે દેશનું નામ રોશન કર્યું તો લોકોનાં મોઢાં આપોઆપ બંધ થઈ ગયાં. તમે સફળતાના પંથે પ્રયાણ કરતા હો ત્યારે અદેખા અને ઈર્ષાળુ લોકો ગમે તે બોલે. તમારા કામમાં રસ રાખો. ‘લોકોને મોઢે થોડું ગળણું બંધાય?’ કોઈની સફળતા જોઈને રાજી થનારા બહુ ઓછા લોકો હોય છે. એટલે લોકોની પરવા ન કરતાં તમે તમારા ક્ષેત્રે આગેકૂચ કરતા રહો. પછી જોજો, સફળતા મળવાની જ અને તમારાં ચરણ ચૂમવાની.

ઇચ્છાને ઇન્સ્પિરેશન બનાવો


વિશ યુ ઓલ ધ સક્સેસના મેસેજ તો તમને જીવનની દરેક પર્સનલ અને પ્રોફેશનલ પરીક્ષાઓ વખતે મળતાં જ રહેશે. તમારા વેલવિશર તમને ઢગલાબંધ સંદેશાઓ મોકલતા હશે,પણ ખરેખરી સફળતા તમને ત્યારે જ મળશે કે જ્યારે તમે પોતે જ એકચ્યુઅલી સફળતા મેળવવા માટે દૃઢનિશ્ચયથી સંઘર્ષ કરશો
તીવ્ર ઇચ્છાથી જ વિકલાંગતા સામે લડીને વિજય મેળવનારૂં ઉદાહરણ જ્યારે નજર સમક્ષ હોય ત્યારે થાય કે ઇચ્છા જ માણસની ઇન્સ્પિરેશન બને છે. ઇચ્છા દુઃખની મા છે આ જૂની કહેવતને જડતાપૂર્વક પકડીને જો લકવાગ્રસ્ત વિલ્મા રૂડોલ્ફ જીવનભર સંતાપ કરે રાખ્યાં હોત તો ૧૯૬૦ના ઓલિમ્પિકમાં સૌથી ઝડપી મહિલા તરીકે પ્રથમ ક્રમાંકે ન આવ્યાં હોત અને તેમને ત્રણ સુવર્ણપદક પણ ન મળ્યા હોત. ટૂંકમાં જો માણસની કંઈ પણ કરી છૂટવાની ઇચ્છા તીવ્ર હોય તો તે ઇચ્છાને આશાવાદમાં ફેરવીને ધાર્યું નિશાન પાર પાડી શકાય. તમારા મનમાં જન્મેલી વિશને વાસ્તવિક બનાવીને સફળ બનવાનું આખરે તમારા હાથમાં છે. જીવનના કોઈ પણ તબક્કે નિર્ણય લેતી વખતે વ્યાપક સ્તરે તમારી ઇચ્છાઓને પોતે સમજવી જરૂરી છે. ઇચ્છાને ઓળખીને તેને ઇન્સ્પિરેશન બનાવો, પણ તેને શોર્ટકટથી હાંસલ કરવાની આશા ન રાખો, કારણ કે તેનાથી તમારી ઇચ્છા કે ધ્યેયને પામવાની ધગશનું મૂલ્યાંકન થાય છે.
 હેતુ અને માર્ગદર્શન
જીવનમાં માણસની જે મેળવવાની ઇચ્છા હોય, તે ઇચ્છાને સાકાર કરવા પ્રયત્નો કરવા પણ જરૂરી છે. ઇચ્છાને હેતુનું સ્વરૂપ આપીને, કારકિર્દીના રૂપે એ અંગે માર્ગદર્શન મેળવો, કારણ કે જે સ્ટ્રીમમાં આગળ વધવાની અને ભવિષ્ય બનાવવાની તમારી મરજી હશે એ ક્ષેત્રમાં રસ કેળવવો અઘરો નહીં હોય.
ધીરજ અને ક્ષમતા
જ્યારે પ્રોફેશનલ લાઈફમાં સક્સેસ મેળવવાની ઇચ્છા જન્મે, સફળ થવાની ઝંખના ઉદ્ભવે તે વિશ જ્યારે ધ્યેય બને અને એ ધ્યેય માટે જ્યારે માર્ગદર્શન મળી રહે પછી તે અંગે જ્ઞાન મેળવવું લોઢાના ચણા ચાવવા જેવું નથી હોતું. લક્ષ્યને વળગી રહેવાની ધીરજ અને ક્ષમતા હોય તેમજ અથાક પરિશ્રમ સાથે જીવનમાં સેલ્ફ ડિસિપ્લિન એટલે કે જાત પર અનુશાસન હોય તો પછી તમારે ભવિષ્યમાં આગળ વધવા માટે બીજા કોઈ પરિબળની જરૂર નથી.
તક અને પૂર્વતૈયારી
જ્યારે તક અને પૂર્વતૈયારીનો સમન્વય થાય છે ત્યારે જ નસીબનાં દ્વાર ઊઘડે છે. વિશને વિંગ્સ મળે છે. ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે કે પાણી પહેલાં પાળ બાંધો. એનો અર્થ એ થાય છે કે મુશ્કેલી પહેલાં તકેદારીના પગલાં વિચારી રાખવા સારા,જેથી સંકટસમી નદીનું પૂર આવે એ પહેલાં જ તમે એ મુશ્કેલી માટે સાવચેત હો. પૂર્વતૈયારી વિના કોઈ ચમત્કાર થતા નથી અને નસીબ પણ સાથ આપતું નથી. પરીક્ષા હોય કે નોકરી મેળવવા માટેનો ઇન્ટરવ્યૂ અથવા ઓફિસમાં કોઈ મહત્ત્વનું પ્રેઝન્ટેશન હોય,પૂર્વતૈયારી કરવી હિતાવહ છે. પૂર્વતૈયારી પ્રોફેશનલ લાઇફમાં આગળ વધવાની ઇચ્છાને સાકાર કરવામાં મદદરૂપ બનશે.
સફળતાની ચાવી
સફળતા એ ઇમારત ખડી કરવા જેવી બાબત છે જે ઇમારતના પાયામાં કે મૂળમાં ઇચ્છા એટલે કે ઇપ્સા રહેલી હોવી જોઈએ. મને તો વાંચવાનું મન થતું જ નથી. વિદ્યાર્થીઓ દિવસમાં દસ વખત આ વાક્ય બોલતા હશે, પણ ક્યારેય એ વાતનો વિચાર કર્યો છે કે ઇચ્છા વગર કરેલું કામ શું પરિણામ આપી શકે? એનો અર્થ એવો હશે કે તમે પરાજય ટાળવા માટે મેદાનમાં ઊતરો છો નહીં કે વિજય મેળવવા. શિક્ષણ મેળવવા અને આગળ વધવા માટે પોતાનામાં ઝંખના ઊભી કરવામાં કોઈ મદદ નહીં કરી શકે. તમારે ખુદે જ તમારા મદદગાર બનવું પડશે.
પરિણામ સકારાત્મક ન પણ હોય
દુનિયામાં એવી કોઈ પણ વ્યક્તિ નહીં હોય કે તેની ઇચ્છાઓ આકાશને આંબવાની ન હોય. ડોક્ટર, એન્જિનિયર કે બિ સ્કૂલમાં એડમિશન મેળવીને સક્સેસફુલ બનવાની ઇચ્છા સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીની કોમન માનવામાં આવતી ખ્વાહિશ હોય, પણ આપણી ઇચ્છા મુજબનું પરિણામ દરેક વખતે ન પણ મળે. એલેકઝાન્ડર ગ્રેહામ બેલની ખરેખરી ઇચ્છા તો તેની શ્રવણશક્તિ ન ધરાવતી પત્ની માટે શ્રવણયંત્ર શોધવાની હતી, પણ તે શોધી ન શક્યા અને એના બદલે શોધ થઈ ગઈ ટેલિફોનના સિદ્ધાંતોની. એનો અર્થ એ છે કે તમે કરેલી મહેનતનું ફળ કે પરિણામ કદાચ સકારાત્મક ન પણ હોય, છતાં તે પરિશ્રમ એળે ગયેલો માની લેવું ભૂલભરેલું છે. વિદ્યાર્થીઓએ જો પરીક્ષામાં મહેનત કરી હશે તો તે જ્ઞાનની વૃદ્ધિ માટે પણ સાર્થક નીવડશે જ.

મૂલ્યો પ્રત્યે સજાગ રહો


કાર્યનિષ્ઠ હોવાનો મતલબ એ નથી કે જ્યારે તમારી પાસે કોઈ પણ રસ્તો ન બચે ત્યારે જ એ કાર્ય પ્રત્યે તમારી નિષ્ઠા જાગી ઊઠે. નિષ્ઠાવાન હોવાનો અર્થ એ છે કે તમારી સામે અઢળક વિકલ્પો હોવા છતાં પોતે નિશ્ચિત કરેલા માર્ગને વળગી રહેવું. પોતાના વિચારોમાં અડગ રહેવું
બાર રૂપિયે સો ગ્રામ તોલી માપીને બજારમાંથી ખરીદીને નિષ્ઠાના કોળિયા ભરી લો એવું ક્યારેય બની શકવાનું નથી. નિષ્ઠા માણસમાં રહેલી હોય છે અથવા તો તે કમાવી પડે છે. આપણી નિષ્ઠા કોના માટે હોવી જોઈએ? કોઈ વ્યક્તિ પ્રત્યે? એક પ્રોફેશનલ હોઈએ તો બોસ અને ઓર્ગેનાઈઝેશન પ્રત્યે? હા, એ પ્રત્યે નિષ્ઠા જરૂરી છે, પણ એથીય વિશેષ તો તમે કારકિર્દી માટે જે સંકલ્પ કર્યો છે, જીવનમાં જે પણ કંઈ બનવાનું સપનું સેવ્યું છે તેને જેન્યુનલી પૂરૂ કરવા માટેની નિષ્ઠા હોવી જોઈએ.
  • પ્રામાણિકતા
પરીક્ષામાં બાજુમાં બેઠેલા વિદ્યાર્થીમાંથી ચોરી કરીને પાસ થઈ જવાની વૃત્તિ કેળવતા કોઈ બળવીર વિદ્યાર્થી એક સમયે પરીક્ષામાં પાસ થઈ જાય તો તેને થશે કે છીંડે ચડયો એ જ ચોર ગણાય, પણ ખરેખર તમે જે બનવા માગો છો એ પ્રત્યેની તમારી નિષ્ઠામાં તમને સો માર્કમાંથી માઈનસ ર્માકિગ પણ નહીં મળે એ વિચારવા જેવું છે. કદાચ તમે શોર્ટ કટ અપનાવીને કોલર ઊંચો કરીને કારકિર્દી ઘડવામાં સફળ થઈ પણ ગયા, પણ જ્યારે તમારા જ્ઞાનની પ્રેક્ટિકલ પરીક્ષા પ્રોફેશનલ લાઈફમાં થશે ત્યારે તેના પરિણામની જાણ કરવાની જરા અમથી જરૂર નથી.
  • સંવાદિતા
તમારા વિચારો ઉત્તર અને કામ કરવાની પદ્ધતિ જો દક્ષિણમાં દોડતી હશે તો પૂરેપૂરી મહેનત, લગન, ધૂન અને કાર્ય અંગેની તમારી નિષ્ઠા છતાં તમે લક્ષ્યને પામવામાં સફળ રહેશો નહીં. મૂલ્યો અને સિદ્ધાંતો પ્રત્યેની તમારી ધૂન સાથે તમારા કાર્યની સંવાદિતા જળવાતી નહીં હોય તો તમારા વિચારો સાથે તો તમારે સંઘર્ષ થશે જ, પણ સાથે સાથે અન્યો સાથે પણ મતભેદ સર્જાશે.
  • નિષ્ઠાનું મૂલ્ય
નિષ્ઠાને ખરીદવી અશક્ય છે. કારણ કે તેનું મૂલ્ય આંકવું શક્ય જ નથી. વિશ્વની ટોચની કંપનીના સીઈઓ તેમની કંપની માટે રાતદિવસ હરીફ કંપનીઓ સામે સ્પર્ધામાં ટકીને પોતાની કંપનીને અગ્રેસર રાખવા માટે વચનબદ્ધ છે તેમની કિંમત આંકી શકાય ખરી? ક્રાઈસલરના સીઈઓ લી લેકોકા, એપલના પૂર્વ સીઈઓ સ્વ. સ્ટિવ જોબ્સ, ગૂગલના સીઈઓ લેરી પેજ, ગૂગલના સ્થાપક સર્ગી બ્રિન, યાહૂના પૂર્વ સીઈઓ જેરી યંગ, કિસ્કોના સીઈઓ જોન ચેમ્બર્સ, સિટી ગ્રૂપના સીઈઓ વિક્રમ પંડિત અને હોલ ફૂડના સીઈઓ જોન મેકીનો મહિનાનો પગાર કેટલો હોઈ શકે? અધધધધ ડોલરમાં જેમની સેલેરી આંકી શકાય તે વાર્ષિક માત્ર એક ડોલરના વેતનથી કાર્ય કરે છે જેની પાછળનું પરિબળ છે તેમની તેમના કાર્ય પ્રત્યેની નિષ્ઠા. જ્યારે કોઈ વ્યક્તિ, પોતાની નિષ્ઠા કોઈ વ્યક્તિ કે સંસ્થા પ્રત્યે દર્શાવે છે ત્યારે તે આડકતરી રીતે જણાવે છે કે તે કર્મનિષ્ઠ છે. રહી વાત કોઈ કંપની કે વ્યક્તિ સાથે જોડાવાની તો કોઈ પ્રોફેશનલ કોઈ ઓર્ગેનાઈઝેશન સાથે એટલા માટે જોડાય છે કે તેનું માનવું હોય છે કે, હું આ કંપનીની સાથે છું, કારણ કે આ કંપનીને જે કાર્યમાં વિશ્વાસ છે એમાં મને પણ પૂરેપૂરો ભરોસો છે અને તે કાર્ય જ મારા સપનાંને સાકાર કરવા માટેનો એકમાત્ર રસ્તો છે.
  • કર્મનિષ્ઠ
કોઈ પણ વ્યક્તિ કેટલી કર્મનિષ્ઠ છે તે તેણે કરેલી મહેનતથી તો માપી શકાય જ છે, પરંતુ તેણે કેટલી ધગશથી તે કામ પૂરૂ કર્યું છે એ ઉપરથી પણ નક્કી કરી શકાય છે. એક ઘરડા ખેડૂતથી ખેડાય તેટલું ખેતર ખેડતો એમાંથી જે પાક થતો તે બજારમાં વેચીને ગુજરાન ચલાવતો. ખેડૂત માંદો પડયો અને તેના પંદર સોળ વર્ષના દીકરાને ખેતર ખેડવા મોકલ્યો. દીકરાને માટીમાં રમવું ગમતું હતું. રમતમાં ને રમતમાં દીકરાએ આખું ખેતર સરસ રીતે ખેડી નાખ્યું. તેણે હોંશથી આસપાસનું બધું નીંદામણ કાઢયું. તેમાં માપસર ખાતર અને બિયારણ નાખ્યું. આ વર્ષે ખૂબ સારો પાક થયો અને એ પાકનું વળતર પણ સારૂ એવું મળ્યું. વાતનો સાર એ છે કે જો તમારે કર્મનિષ્ઠની હરોળમાં ખુદને પણ જોવા હોય તો મશિનની જેમ કામ કરવા કરતાં માણસની જેમ કાર્ય કરતાં શીખો. દિમાગની સાથે દિલથી કાર્ય થતાં કામ વધુ નિખરશે. કાર્ય ઓપશે એટલે વધુ સારૂ કાર્ય કરવા માટેનો જુસ્સો તમારામાં જન્મ લેશે. સરવાળે ધગશ કે નિષ્ઠાથી કાર્ય કરવામાં ફાયદો આપણો જ છે.
  • નૈતિકતા
ખોટા નિર્ણયો અને ખરાબ સ્થિતિ માટે ખરાબ સંજોગોને દોષિત ન ગણાવી શકાય. નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતો માત્ર તમારા સારા દિવસોમાં જ નહીં, પરંતુ ખરાબ દિવસોમાં પણ ઉપયોગી સાબિત થાય છે. તમારા નિષ્ઠા ભરેલા સિદ્ધાંતો એ કોઈ પણ દેશના કાયદા સમાન છે. જે કાયદા અને કાનૂનની જરૂર જ્યારે નાગરિકો સારા હોય ત્યારે તો હોય જ છે, પરંતુ દેશમાં જો દૂષણો હોય કે કોઈ નાગરિક અનૈતિક કૃત્યો કરે તો તેનાથી બચવા માટે વધુ હોય છે.
  • પ્રાથમિકતા
એક પોલીસ, જીવનના છેલ્લા શ્વાસ લઈ રહેલી પોતાની પત્નીની સંભાળ લેવા માટે વચનબદ્ધ છે. અચાનક કટોકટી સર્જાય છે અને તેને તાત્કાલિક ફરજ પર બોલાવવામાં આવે છે, કારણ કે એક જગ્યાએ કેટલાંક અસામાજિક તત્ત્વોએ દસ લોકોને બાનમાં લીધા છે તેમને છોડાવવાના છે. પોલીસે શું કરવું જોઈએ? ફરજ નિષ્ઠાવાન હોવા છતાં ક્યારેક કારકિર્દી ઘડતાં એવી અસમંજસમાં મૂકનારી પરિસ્થિતિ સામે આવે તો વિકલ્પોની પ્રાથમિકતા નક્કી કરવી પડે છે. કોઈ એક બાબતની પસંદગી કરવાનો અર્થ એ નથી થતો કે આપણે બીજા પરિબળ કે વ્યક્તિ પ્રત્યે વચનબદ્ધ નથી. આ બન્ને જવાબદારીઓમાંથી એકની પસંદગી કરતી વખતે પ્રાથમિકતા,જવાબદારી અને ફરજોનું ધ્યાન રાખવું પડે છે. એક પરિબળ કે મુદ્દાને પ્રાથમિકતા આપતી વખતે તમામ બાબતોનો તુલનાત્મક વિચાર કરીને જ નિર્ણય લેવો પડે છે.

ક્ષમતાઓ પર કરો ધ્યાન કેન્દ્રિત.

 ક્ષમતા જન્મજાત, સ્વભાવગત અને વારસાગત રીતે જ મળી હોય તો તે વ્યક્તિ જેવી નસીબદાર વ્યક્તિ દુનિયામાં અન્ય કોઈ નહીં, પણ જો તમે આવા લકીપર્સન ન હોય તો પોતાનામાં રહેલી ક્ષમતાને ઓળખો અને તેને વિકસાવીને કોઈ પણ ક્ષેત્રે એક્સપર્ટ બનવાના પ્રયત્નમાં લાગી જાઓ


સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય

જિંદગીમાં અમુક પ્રવૃત્તિઓ એવી હોય છે કે એ તમારી ખરી ક્ષમતા પારખવા માટેનો રસ્તો હોય છે. વણગમતા કાર્યમાં પણ તમારી ભલાઈ છુપાયેલી હોય છે. ઉદાહરણ તરીકે શિક્ષણ. એસએસસી સુધીના શિક્ષણના વિષયો એકસરખા જ હોય છે અને એક ધોરણ પાસ કરીને જ આગળના ધોરણમાં જઈ શકાય. એટલે દસ ધોરણ સુધી બધા જ વિષયો રસના ન હોય તોય એ ભણવા ફરજિયાત છે, પણ આ વિષયો ભણતાં જ તમને ખ્યાલ આવશે કે ખરેખર તમે કયા ક્ષેત્રે ભવિષ્ય બનાવી શકશો. જે તે વિષય ન ગમવાની વાતે નાકનું ટીચકું ચડવાની તકલીફ માત્ર ભણવામાં જ નહીં જિંદગીના ઘણા તબક્કે સતાવશે. શિક્ષણ લેતાં, કારકિર્દીના પ્રશ્ને, નોકરી મેળવ્યા પછી, બિઝનેસ ડિલ કરતી વખતે કે અંગત જિંદગીમાં. આવે સમયે એકચિત્તે આવનારા લાભ વિશે વિચારો અને વણગમતી વાત અને વિષયને પણ વ્હાલો કરો. તેમાં રસ લેવાનો પ્રયત્ન કરો.
સકારાત્મક બનો
તમે નાનપણથી જેવું વાંચશો, જોશો, આહાર લેશો અને સૌથી મહત્ત્વનું જેવું વિચારશો તેવો વિચાર આવશે. એટલે જ હંમેશાં સકારાત્મક અને સર્જનશીલ દિશામાં વિચારો. સકારાત્મક લોકો સાથે રહો. કોઈ તમારા માટે શું વિચારે છે એ તરફ ધ્યાન આપવાનું છોડીને પોતાનામાં રહેલી ક્ષમતાઓને નિખારો. બીજાની ક્ષમતા જોઈને અંજાઈ ન જાઓ. ખાસ કરીને વિદ્યાર્થીઓની વિચારશક્તિ કુમળી હોય છે. પોતાને કયા ક્ષેત્રમાં જવું છે તેનો આધાર મિત્રો વડીલો પર રાખે છે. મનગમતું ક્ષેત્ર છોડીને બીજાએ લીધેલા નિર્ણયો પર ચાલે છે જેમાં જોઈએ તે રીતે પરિણામ મેળવી ન શકતાં આત્મવિશ્વાસ ઘટે છે. તેથી પોતાના વિશે વિચારો અને સ્વમૂલ્યાંકન કરીને આગળ વધો. નોકરીના ક્ષેત્રે પણ આ જ નિયમ લાગુ પડે છે.
સેલ્ફ કોન્ફિડન્સ
ચિત્તો જ્યારે પૂરપાટ દોડે છે ત્યારે તેને ખબર નથી હોતી કે આગળ જંગલ છે, પહાડ છે, મેદાન છે કે સીધો રસ્તો, પણ તેને તેની કોઈ પરવા હોતી નથી, કારણ કે રસ્તો ભલે ગમે તેવો હોય, પણ ચિત્તાને તેની ઝડપ પરનો આત્મવિશ્વાસ ડગતો નથી. જેમ ચિત્તાને તેની દોડ પર ભરોસો હોય એવો જ આત્મવિશ્વાસ તમને તમારી ક્ષમતાઓ પર હોવો જોઈએ અને એ ક્ષમતાઓ તમારામાં વિદ્યાર્થીકાળથી જ ધરબાયેલી હોય છે અથવા તો તે ક્ષમતાઓને વિકસાવી પડે છે.
ધ્યેયને ધ્યાનમાં રાખો
 ધ્યેય નિશ્ચિત કરવા માટે તમારે તમારામાં રહેલી ક્ષમતાઓને પારખવી જ રહી. એક વખત તમારી સક્ષમતાના આધારે લક્ષ્યનો નિર્ધાર કરશો તો હારનું મોઢું ક્યારેય નહીં જોવું પડે. લક્ષ્યનો નિર્ધાર કર્યા પછી એ લક્ષ્યને વળગી રહો. એ લક્ષ્ય નિશ્ચિત કર્યા પછી ધ્યેયપ્રાપ્તિ માટે મહેનત કરો. તમારૂં લક્ષ્ય જ તમને કાબેલ બનાવશે અને કોઈ પણ ક્ષેત્રે કાબેલ માણસમાં એ ક્ષેત્ર અંગેનું જ્ઞાન હોવાથી તે અંગેની વાતચીત અને અન્યોને એ વિશે કહેવા માટે સક્ષમ હોય છે. તમારામાં રહેલ ક્ષમતા જ ધ્યેય નક્કી કરવા માટેનું પ્રથમ પગથિયું છે.
કોન્સન્ટ્રેશન
ચોટલી બાંધીને કામે લાગી જાઓ. વડવાઓની આ કહેવત અમથી નથી પડી. કોઈ કામમાં ધ્યાન આપવા માટે અને સોએ સો ટકા ધ્યાન એ કામમાં જ રહે એ માટે આ કહેવત સાર્થક છે. પ્રાચીન કાળમાં શિષ્યોની ચોટલી લાંબી રહેતી. એ ચોટલી ભણવાના આસન સાથે બાંધી દીધી હોય. ખુરશી સાથે બાંધી હોય તો શિષ્ય જરા પણ ખસી શકે નહીં. તેણે મને કે કમને વાંચવામાં જીવ લગાવવો પડે. પહેલાં આ પદ્ધતિ ક્યારેક હશે પણ ખરી, પણ હવે તમારી અદૃશ્ય ચોટલીને તમારે જાતે જ બાંધવી પડશે અને જે કામ કરો એમાં સો એ સો ટકા ફોકસ કરવા પ્રયત્ન પોતે જ આદરવો પડશે.
પોતાની મર્યાદા જાણો
વિપ્રોના સીઈઓ અઝીમ પ્રેમજીએ શોપિંગ યંગ માઇન્ડ્સ પ્રોગ્રામ નામના એક પ્રોગ્રામમાં એક સરસ મજાની રસપ્રદ વાર્તા કહી હતી. એક સસલું સ્કૂલમાં એડમિશન લે છે. તમામ સસલાંઓની જેમ જ તે ઉછળકૂદમાં પાવરધું હતું. બલકે તે હંમેશાં સ્કૂલની દોડ હરીફાઈમાં પ્રથમ નંબરે આવતું હતું. વર્ષને અંતે જ્યારે તેનું પરિણામ આવ્યું ત્યારે તેના દોડવામાં સોમાંથી સો માર્ક આવ્યા હતા,પણ તરણના વિષયમાં તે નાપાસ થયું હતું. સસલાને અને તેનાં મા-બાપને એ સહન ન થયું કે સસલું ફેલ થાય. વેકેશનમાં તેના વાલીઓએ તરણકળાનું ટયૂશન રખાવ્યું. લાખ પ્રયત્ન છતાં સસલું તરતાં ડરતું. તે બીમાર પડી ગયું અને ઉત્સાહથી ઉછળતું કૂદતું અને દોડતું હતું તે પણ ભૂલી જવા લાગ્યું. આ ઉદાહરણ દ્વારા અઝીમ પ્રેમજીએ સમજાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિએ સફળ થવા માટે પોતાની ક્ષમતાને પિછાણવી જોઈએ અને એ ક્ષમતાઓ પર ફોકસ કરીને એમાં જ ભવિષ્ય બનાવવા માટે કાર્યશીલ બનવું જોઈએ. માણસમાં જેમ કોઈ ને કોઈ વિષયે બળ, શક્તિ અને વિદ્વત્તા હોય છે તેમ તેનામાં કોઈ ખામી પણ હોય છે, મર્યાદા પણ હોય છે એ ખામીનો પણ વ્યક્તિ જો સ્વીકાર કરે તો તે એ એક વિષયે નિષ્ફળ રહેવા છતાં જીવનમાં સફળ બની શકે છે.
નહીં માફ નીચું નિશાન
નિશાનેબાજ માટે તીરની ગતિ અને તાકેલું નિશાન મહત્ત્વનું હોય છે. તે જે નિશાન તાકી રહ્યો છે એની આજુબાજુ શું છે તે તેના માટે ગૌણ હોય. મહાન વિચારક માર્ક ટ્વેઇનનું આ સૂત્ર જીવનમાં સફળ થવા ઇચ્છતા દરેક લોકોએ પળે પળે યાદ રાખવા જેવું છે. પોતાની ક્ષમતાઓ જો વ્યક્તિ ઓળખી શકે તો તેમાં ચિત્ત ચોંટાડવું કે તેમાં ધ્યાન કેન્દ્રિત કરવું દરિયાના ઊંડા પાણીમાં ઓક્સિજન મેળવવા જેવું અઘરૂં નથી.