Google Search

Tuesday, May 13, 2025

ગઝલના બધા શેર મઠારી આપો - ‘આદિલ’ મન્સૂરી

 ક્યાં કહું છું કે મદિરા જ વધારી આપો,

જિંદગીભર જે રહે એવી ખુમારી આપો.

ફૂલની જેમ અમે સાચવી રાખ્યું છે હૃદય,
દર્દ આપો તો જરા વિચારી આપો.

ચાંદની જેમના પાલવનું શરણ શોધે છે,
એ કહે છે મને ચાંદ ઉતારી આપો.

ચાંદ મહેમાન બની આવ્યો છે આજે ઓ પ્રભુ!
આજ તો રાતની સીમાઓ વધારી આપો.

ખ્વાબમાંયે કદી ‘આદિલ’ને દઇને દર્શન,
એની ગઝલના બધા શેર મઠારી આપો.

‘આદિલ’ મન્સૂરી

માનવ ન થઇ શક્યો - ‘આદિલ’ મન્સૂરી

 માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.

જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.

‘આદિલ’ મન્સૂરી

Monday, May 12, 2025

મસ્ત બની જીવવા માંગુ છું....!

 મસ્ત બની જીવવા માંગુ છું....!

જીંદગી આપી છે તો મસ્ત બની જીવવાં માંગુ છું.

દુ:ખ તો છે પણ સ્મિત વેરવા માંગુ છું.


પાંખો તો નથી પણ સપનાને સાકાર કરવાં માંગુ છું.

પહેલી તો છે પણ ઉકેલવા માંગુ છું.


હાર તો છે પણ હારીને જીતવાં માંગુ છું.

રંગબેરંગી રંગીન છે દુનિયા પણ માનવતાનાં રંગમાં રંગાઈ જવાં માંગુ છું..


કોઈ ને પાડીને નહીં, એને જીતાડવા માંગુ છું.

કોઈ ક્ષમા ના કરે પણ હું ક્ષમા આપવા માંગુ છું. 


ક્યારેક લાગણીમાં તણાઈ જાવ છું ત્યારે, 

એકલતામાં પણ કવિતા લખી જીંદગીને સજાવવા માંગુ છું.



કાવ્યમાં આલાપ જેવું હોય છે

પ્રેમમાં, શું પાપ જેવું હોય છે ?

ના મળે, તો શ્રાપ જેવું હોય છે,


શું કરું ? જો હેડકી તમને ચડે,

મારે મનતો જાપ જેવું હોય છે,


થાક એવા સંબંધોનો લાગશે,

સ્નેહમાં, જ્યાં માપ જેવું હોય છે,


એ હૃદયની હું કરું પૂજા કે, જે

દીકરીના બાપ જેવું હોય છે,


જિંદગી સૌની અહીં સંગીત છે,

કાવ્યમાં આલાપ જેવું હોય છે.

સાગરને મળી ગયો કિનારો

સાગરને મળી ગયો કિનારો,

ને સ્વાદે ખારું મીઠું થઈ ગયું મીઠું,


ટમટમતા તારાની જેમ ચમકવા લાગ્યો કિનારો,

ને દીવા તળે થઈ ગયું અજવાળું,


પૂર્ણ થઈ ગઈ કવિની કવિતા,

છંદને મળી ગયો રાગ,


નારાયણને મળી ગઈ લક્ષ્મી,

ને લક્ષ્મી પધાર્યા આંગણે,


છોકરીની મળી ગઈ ગ્રીન સિગ્નલ,

સાગરને મળી ગયો કિનારો !

કેમ રચું કવિતા ?

કેમ રચું કવિતા?


દુહામાં દેહ અટકાય ને,

મુક્તકમાં મન અટવાય,


બોલું ના તો શબ્દો ગૂંચવાય,

ને લખતા મારી પેન અટકાય,


મને ન સમજાય કે કેમ રચું કવિતા?


હાસ્યને લખ્યું તો આંસુ રૂંધાય,

ને આંસુને લખતા મારી આંખ ભીંજાય.


શબ્દોની ઘટમાળમાં મારી લાગણીઓ ગૂંચવાય.


મને ના સમજાય કે કેમ રચું કવિતા?

મુંઝાય છે મન

મુંઝાય છે મન કે આ સાહિત્યની દુનિયા રહી નથી,

મૌલિક અને સારુ લખનારની અહીં જરૂર નથી.


રોમેરોમે શબ્દોનો આસ્વાદ થાય એવું લખાણ નથી,

હૈયા અને ભાવનાના ભાવોનો આસ્વાદ નથી.


માણી રહી છું એ રચનાઓ જેનો કોઈ અર્થ નથી,

સારુ છે સરસ્વતી દેવી તમે આસપાસ નથી.


પરંતુ સાચા અને સારા લેખકોની પણ કમી નથી,

સારુ સાહિત્ય લખનારને વાહવાહની જરૂર નથી.


મારી આ વાતોથી કોઈ અહીં સહમત નથી.....