Google Search

Tuesday, October 2, 2012

ગુલમહોરનું ઝાડ



અમદાવાદમાં વાસણા પાસે ભાવના એપાર્ટમેન્ટમાં અમારું જુનું ઘર હતું તેની સામે એક બહુ જ મોટું ગુલમહોરનું ઝાડ હતું, એ ઘર બદલીને બીજે રહેવા ગયાં પછી થોડા દિવસ તો નવાં ઘર માં ખુબ મજા આવી પણ પછી એ જુનું ઘર અને ગુલમહોરનું ઝાડ બહુ જોરથી યાદ આવવા લાગ્યું..વારેઘડિયે પેલા ગુલમહોરનાં ઝાડને અને જુનાં મિત્રોને જોવા-મળવા જતો,આજે પણ એ નાનપણનાં દિવસો બરાબર યાદ છે..કદાચ એ પાછા જીવવા મળી જાય તો કેવી મજા!!
——————————————————————-

મને યાદ આવે પેલું ગુલમહોરનું ઝાડ,
લાલ-લાલ ફૂલો એનાં લીલાં-લીલાં પાન..

મને યાદ આવે લંગસિયાંની રમઝાટ,
ધોમધખતી બપોરથી ઠંડી-ઠંડી સાંજ..

મને યાદ આવે એનાં ટેટાં નો કકળાટ,
ભેરુઓ અમથાં લડે મોડી-મોડી રાત..

મને યાદ આવે પેલાં મલ્લા માતા,
ઝાડ નીચે મંદિર બને આરતી ગાતા..

મને યાદ આવે પેલી ચોમાસાની ધાર,
ઝાડ નહાય સુંદર રીતે વારંવાર..

મને યાદ આવે પંખીઓનો ફફડાટ,
બિલ્લીમાશી આવી કાઢશે માળાઓનો દાટ..

મને યાદ આવે એનાં શિતળ છાયાં,
આજે મન દુઃખે મેં એ દિવસો ક્યાં ખોયાં??


- ચિન્મય જોષી

No comments:

Post a Comment