કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો
ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો
જમાનો એને મૂર્છા કે મરણ માને ભલે માને
હું બન્ને આંખ મીંચી દઉં તમે સપના સુધી આવો
તમારા નામના સાગરમાં ડૂબી તળિયે જઈ બેઠો
હું પરપોટો બની ઊપસું તમે કાંઠા સુધી આવો
જરૂરી લાગશે તો તે પછી ચર્ચાય માંડીશું
હું કાશી ઘાટ પર આવું તમે કાબા સુધી આવો
હું છેલ્લી વાર ખોબામાં ભરી લેવા કરું કોશિશ
અરે ઓ મૃગજળો આવો હવે તરસ્યા સુધી આવો
ગમે ત્યારે ગઝલ જીવનની પૂરી થઈ જશે આદિલ
રદીફ ને કાફિયા ઓળંગીને મક્તા સુધી આવો.
– આદિલ મન્સૂરી
No comments:
Post a Comment