Google Search

Saturday, June 9, 2012

માનસ વિવેક – મોરારિબાપુ


‘માનસ વિવેક’ની સંવાદી ચર્ચા થઈ રહી છે, અને એ પણ સ્વામી વિવેકાનંદના સ્મરણમાં તથા ‘અક્ષયપાત્ર’ની સદપ્રવૃત્તિ પ્રત્યે સંવેદના જાગે એ માટે. મારી પાસે કેટલીક જિજ્ઞાસાઓ આવી છે.
એક પ્રશ્ન છે કે, ‘બાપુ, અમારે અમારો જન્મદિન શાંતિથી મનાવવો જોઈએ, એવું આપ શા માટે કહો છો ?’ મારી સ્મૃતિ છે ત્યાં સુધી મેં એવું ભાગ્યે જ કહ્યું છે કે પાર્ટી નહીં મનાવવી જોઈએ. પરંતુ વધારે કથા સાંભળતા હોઈએ, તો સ્વપ્નમાં પણ ઘણા વક્તાઓ આવતા હોય અને વાતો મારે નામે ચડી જતી હોય એમ બને ! તમે ખોટા છો એમ હું નથી કહેતો, પરંતુ હું બાળકો જન્મદિનની પાર્ટી મનાવે એનો વિરોધી નથી. હું મારો જન્મદિવસ ક્યારેય નથી મનાવતો, પણ તમે તમારા જન્મદિવસની પાર્ટી ન મનાવો એવા મતનો પણ હું નથી. હું એટલું જરૂર કહું કે પાર્ટી મનાવો પરંતુ તમારાં કુળ, ખાનદાની અને પરંપરા તૂટે નહીં એ રીતે મનાવો. એમાં ખાવાનું એવું ન હોવું જોઈએ કે જન્મદિવસે આશીર્વાદ આપવા આવેલી ચેતના તમારું એ દશ્ય જોઈને પાછી વળી જાય ! ખૂબ જોમથી મનાવો, પરંતુ મર્યાદા ન તોડો. હું યુવાન ભાઈ-બહેનોને વિવેકપૂર્ણ સ્વતંત્રતા આપું છું.
બે-ત્રણ દિવસથી પ્રશ્ન આવે છે કે, ‘પૂજામાં મન કેમ નથી લાગતું ?’ પૂજામાં મન નહીં લાગે. જ્યારે તમે ઠાકુરને પ્રેમ કરશો ત્યારે જ મન લાગશે. પૂજા તો બે પૈસાની થાય છે, કરી લીધી અને નીકળી ગયા ! પૂજાથી તરત છૂટકારો મળી જશે. પૂજા ન કરો એવું હું નથી કહેતો, હું પણ પૂજા કરું છું. પરંતુ પૂજાથી ઘણી ઊંચી વાત પ્રેમની છે એ પણ ન ભૂલો. અહીં પ્રેમ જ પૂજા છે.
जाओ रे जोगी तुम जाओ,
यह प्रेमियों की नगरी….
મને વિવેકાનંદજીના એક વાક્યનું સ્મરણ થાય છે. એમણે કહ્યું હતું કે, ‘તમારાં બાળકોને બળજબરીથી ‘ગીતા’ વંચાવવાથી સ્વર્ગ નહીં મળે, એમનું સ્વર્ગ ફૂટબોલ રમવાથી વધુ નજીક પડશે.’ એકવાર એને મનગમતી રમત રમવા દો, એને આનંદમાં રહેવા દો, ત્યાર પછી એની રુચિ જોઈને ‘ગીતા’ વંચાવશો તો એ ‘ગીતા’ એના અંતઃકરણમાં બરાબર ઊતરશે. તમે સાક્ષી છો, હું કોઈને ઘેર જઉં છું ત્યારે કેટલાક લોકો બાળકને લાવીને બળજબરીથી ઝુકાવે છે ! તમને નથી લાગતું કે એનાથી મારું અપમાન થઈ રહ્યું છે ? વિવેકપૂર્વક વિચારો. બાળકને બળજબરીથી ઝુકાવવાની શું જરૂર છે ? ચેતનાની કોઈ સ્વતંત્રતા નથી ? ખલીલ જિબ્રાનને યાદ કરો, ‘તમારાં બાળકો તમારાં નથી તમારા દ્વારા આવ્યાં છે.’ પ્રેમ કરો તો આપણાં બાળકો શું ન કરે ? બળજબરી ન કરો. થોડા પ્રેક્ટિકલ બનો. સાધનાને જીવનથી અલગ ન કરો. જીવન જ સાધના છે.
તમે જુઓ, ભગવાન રામના બધા સંસ્કાર ‘બાલકાંડ’માં થયા. ‘બાલકાંડ’ પ્રભુની સંસ્કારલીલા છે, પરંતુ ‘બાલકાંડ’માં આગળ જાઓ તો સંસ્કારની સાથેસાથે જનકપુરમાં સૌંદર્યલીલા પણ છે. सुंदरता कहुं सुंदर करई । छबिगृह दीपसिखा जनु बरई ।। ‘રામચરિત માનસે’ જીવનના કોઈપણ રંગનું ખૂન નથી કર્યું, રસવર્ધન કર્યું છે. ઠાકુર કહેતા હતા કે રાજાનો મહેલ હોય, એમાં કર્ચચારી બધી જગ્યાએ નથી જઈ શકતા, પરંતુ રાજા દરેક જગ્યાએ જઈ શકે છે. એવી જ રીતે તમારા મુન્નારાજા વિવેકી થઈ જશે તો બહાર પણ મેદાન મારશે અને અંદર પણ મેદાન મારી જશે. એને રાજા બનાવો. કમ સે કમ જગત સંસ્કાર અને સૌંદર્યથી તૂટવું ન જોઈએ. હું જવાબદારી પૂર્વક કહું છું કે, ‘માનસ’ સરળમાં સરળ ભાષામાં, સરસમાં સરસ બોલીમાં, વિશ્વનાં આંતર-બાહ્ય રહસ્યોને ખોલનારો ગ્રંથ છે. અને હું એ પણ કહું છું કે ‘માનસ’ ક્રાંતિકારી ગ્રંથ છે. આ વિશ્વ માટે અંતિમ સદગ્રંથ છે. ‘માનસ’માં ક્યાંય કોઈ સ્થળે જીવનના લયનો ભંગ નથી થતો, એક છંદ બંધાય છે, એક રસસૃષ્ટિ રચાય છે. નાચતો એવો ગ્રંથ છે આ – जासु बिलोकि अलौकिक सोभा । सहज पुनीत मोर मनु छोभा ।। ‘માનસ’માં કહેવાયું છે એવું બહુ ઓછા ધર્મગ્રંથોમાં કહેવાયું છે. ‘માનસે’ કહ્યું કે તમે સારું સારું ભોજન કરો, પરંતુ પહેલાં ઠાકુરને અર્પણ કર્યા બાદ. ભગવાનને અર્પણ કરવાથી ભોગ મટી જાય છે, પ્રસાદ શરૂ થઈ જાય છે. ‘માનસે’ ક્યારેય નથી કહ્યું કે તમે સારાં કપડાં ન પહેરો. પરંતુ તમારા મોરારિબાપુ એટલી વિનંતી તો કરશે જ કે ક્યારેક ઝૂંપડા તરફ પણ જુઓ. ત્યાં એક પણ કપડું નથી ! વર્ષમાં તમે તમારા માટે જેટલાં કપડાં ખરીદતા હો એના દસમા ભાગનાં કપડાં કોઈને જાણ ન થાય એવા આપણાં વસ્ત્રવિહીન બાળકોને પણ આપી દો એવું તમે ન કરી શકો ? સંવેદના જવી નહીં જોઈએ. કલ્યાણકારી વેદવિદિતા વિશેષરૂપે આપણામાં આવે એનું નામ જ વિવેક છે. ‘વિ’ એટલે વિશેષરૂપે, ‘વે’ એટલે વેદની વિદિતા અને ‘ક’ એટલે કલ્યાણકારી.
મારાં ભાઈ-બહેનો, સારાં કપડાં પહેરો, પરંતુ તુલસી કહે છે, ‘प्रभु प्रसाद पट भूषण धरही ।’ ભગવાનનાં ચરણોમાં રાખીને પછી પહેરો. અથવા તો કોઈ ભૂખ્યાને ખવડાવશો તો પણ ભોગ ધરાઈ જશે. રામનવમીને દિવસે આપણે રામમંદિરમાં તો ઘણાં વસ્ત્રોનું દાન કરીએ છીએ, પરંતુ ઝૂંપડામાં કેટલાય રામ નગ્ન છે એનું શું ? વિવેકાનંદ ત્યાં સુધી પહોંચ્યા હતા. વિવેકાનંદજીએ કદાચ અમેરિકામાં કહ્યું હતું કે, ‘હું એવો ધાર્મિક નથી કે મંદિરનો પાયો કેટલો ઊંડો છે, મંદિરની મૂર્તિ કેવી છે, મંદિરની ધજા કેવી હોવી જોઈએ, એમાં જ રસ દાખવું. મારી વાત તો એ છે કે મારા દેશનો એક પણ બાળક નગ્ન કે ભૂખ્યો ન હોય.’ કલ્યાણકારી વેદવિદિતા વિશેષરૂપે આપણામાં સ્થાપિત થાય એને મોરારિબાપુ વિવેક કહે છે. હું જવાબદારી લઈને બોલી રહ્યો છું. જન્મદિવસે થોડી ઠાકુરની પૂજા પણ ભલે થઈ જાય પરંતુ પૂજા કરતાં પ્રેમ બહુ ઊંચી સાધના છે. જેને સાચા દિલથી પ્રેમ કરતા હો એને તમે ભૂલી શકો છો ? અને પૂજા તો એક કલાક પછી ખતમ ! વળી, પૂજામાં તો એ જ છળ, કપટ ! પ્રેમ કરનારા ક્યારેય કોઈને છેતરશે નહીં. કદંબનું એક પાંદડું હાલતું’તું તો ગોપીને થતું’તું કે પાંદડું નહીં, પણ કૃષ્ણનું પીતાંબર હલી રહ્યું છે. પ્રેમ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ધરાતલથી શરૂ કરો, ધીરેધીરે એને ડેવલપ થવા દો, પછી એ જ પ્રેમ પરમાત્મા સુધી લઈ જશે. લઈ જશે શું, એ પ્રેમ જ પરમાત્મા બની જશે. આપણા શાયર ખુમાર બારાબંકવી સાહેબનો પ્રસિદ્ધ શે’ર છે –
ये मिसरा नहीं है ये वजीफ़ा है मेरा,
खुदा है मोहोब्बत, मोहब्बत खुदा है ।
જિસસે કહ્યું હતું કે, પ્રેમ જ પરમાત્મા છે. પ્રીતની અંતિમ અવસ્થા ભક્તિ છે, ભક્તિની અંતિમ અવસ્થા ભગવાન છે. વિવેકાનંદજી કહે છે, બાળકને ફૂટબોલથી રમવા દો, એનું સ્વર્ગ ત્યાંથી નજીક પડશે. જુઓ, આ ક્રાંતિકારી વચન છે. ભારતનો એક નવયુવાન આટલાં વર્ષો પહેલાં બોલ્યો છે અને એમનું એ વક્તવ્ય આજે પણ તાજું લાગે છે, કારણ કે એના ગુરુ પણ એટલા જ પ્રેક્ટિકલ હતા. એ કહે છે, ‘માની કૃપાથી મારામાં એવી ક્ષમતા આવી છે, હું તમારી પાસે બેસું છું તો તમારી સાથે મોજ કરી લઉં છું, અંદર ચાલ્યો જઉં છું તો સમાધિનો આનંદ લઈ શકું છું. હું રાજા બની ગયો છું, મને દરેક ખૂણામાં જવાની છૂટ છે.’ બાળક ખોટા રસ્તે ચાલ્યો ન જાય એનું પ્રેમથી ધ્યાન રાખો, પાબંદી ન રાખો. ‘માનસે’ કોઈ રસભંગ નથી કર્યો. અરે ! સો વર્ષના ઘરડા તુલસીદાસ શાસ્ત્ર પૂરું કરતી વખતે લખે છે – कामिहि नारि पिआरि जिमि लोभिहि प्रिय जिमि दाम । રૂપક રચ્યું છે, પરંતુ દષ્ટાંત તો જુઓ ! એ વખતે એમને કામ અને લોભ યાદ આવ્યા ! કારણ કે એમને પોતાને પ્રગટ કરવા હતા. આપણા સિદ્ધાંતો તો કરકરા હતા, પરંતુ કેટલા વેદિયા લોકોએ એને ચીકણા બનાવી દીધા છે ! દરેક બાબતમાં અધ્યાત્મની શું જરૂર છે ? એને એઝ ઈટ ઈઝ રહેવા દો ને !
મારી પાસે કેટલાક શે’ર છે –
जो भी अंदर है उसको ही बाहर रखना,
उस तक पहूंचने का यह सीधा सा रास्ता है ।
રાજ કૌશિકનો આ શે’ર છે. ‘ભાગવત’ની ભાષામાં એને આત્મનિવેદન કહે છે :
वैसे तो जिन्दगी में क्या क्या नहीं हुआ है ?
इस बार जो हुआ वो पहली बार हुआ है ।
મને તો દરેક વખતે લાગે છે કે, આ કથામાં જે આનંદ આવ્યો એ પહેલાં નથી આવ્યો ! દરેક દિવસને એવી રીતે વિચારો, અને એવો પ્રેમ કરશો તો તમને પણ એવો અહેસાસ થશે કે આ વખતે જે થયું એ પહેલી જ વાર થયું. રોજ નૂતન રહો.
एक ललक ही है जो खींच लाती है,
वर्ना क्या रखा है तेरी महेफ़िल में साकी ?
એક ‘લલક’ ખેંચે છે ! આ ‘લાલસા’ જ ભક્તિ છે. ભક્તિમાર્ગનો બહુ મજાનો શબ્દ છે ‘લાલસા’. ‘કૃષ્ણદર્શન લાલસા.’ દરેક સવાર આપણા માટે આશીર્વાદ લઈને આવે છે. રોજ નવો રસ ! નાચો, ગાઓ, ઉત્સવ મનાવો, પરંતુ વિવેક તોડ્યો તો રસભંગ થઈ જશે, ખેલ બગડી જશે.

કર્મનો માર્ગ – જ્યોતિ થાનકી


કર્મ કેવાં હોવાં જોઈએ ?
સાધના માટે કોઈ વિશિષ્ટ કર્મોની આવશ્યકતા નથી. જે કંઈ કર્મો કરવાના છે, એ બધાં જ સાધનાના ભાગ રૂપે બની શકે છે. આધ્યાત્મિક દષ્ટિએ કાર્યોમાં કોઈ ભેદ નથી. કોઈ કામ નાનું નથી કે કોઈ કામ મોટું નથી. જોડા સીવવા કે જાજરૂ સાફ કરવું એ હલકું કામ છે, અને ચિત્રો દોરવા, કવિતા લખવી, ભાષણ કરવું એ મહાન કામ છે, એવા ભેદ આધ્યાત્મિક વલણમાં હોતા નથી. એમાં બધાં કાર્યો સમાન છે. અને દરેક કાર્ય વ્યક્તિને તેની પોતાની સર્વોચ્ચ કક્ષાએ લઈ જઈ શકવા સમર્થ છે. પણ તે પરિપૂર્ણતાની ભાવનાથી કરવામાં આવતું હોવું જોઈએ. કાર્યો પાછળની ભાવના જ અગત્યની છે. જો પ્રભુને અર્પણરૂપે કાર્ય કરવામાં આવે તો તે કાર્ય લોકોની દષ્ટિએ ગમે તેટલું હીન કેમ ન હોય, તો પણ તે ઉચ્ચત્તર જ્ઞાનનું વાહક બની શકે છે. વ્યક્તિને તેની સામાન્ય ચેતનામાંથી વિશાળતર ચેતનામાં લઈ જઈ શકે છે.
સાધનાની દષ્ટિએ કાર્ય કેવી રીતે કરવું જોઈએ ?
સામાન્ય રીતે બધાં જ મનુષ્યોને એક યા બીજા પ્રકારનાં કાર્યો તો કરવાં જ પડે છે. કેટલાક તો જીવનના છેલ્લા શ્વાસ સુધી કાર્યો કરતાં જ રહે છે. પણ બધાંને કંઈ કાર્યો દ્વારા ઈશ્વરપ્રાપ્તિ થતી નથી. કેમકે એમનું કાર્ય કરવા પાછળનું ધ્યેય ધન, કીર્તિ-પ્રતિષ્ઠા, ભૌતિક સુખ સમૃદ્ધિની પ્રાપ્તિનું હોય છે. એટલે સખ્ખત કામ કરતા હોય છે. પણ ભગવાનને માટે કામ કરનારા તો લાખોમાં થોડા જ હોય છે. જેઓ ભગવાનને માટે કામ કરે છે, તેમને ભગવાન મળે છે, એટલું જ નહીં પણ ભગવાનનું સઘળું ઐશ્વર્ય પણ મળે છે ! તો ભગવાનને મેળવવા માટે જે કામ કરવાનું છે તે કેવી રીતે કરવું જોઈએ ?
[1] સાચી રીતે કામ કરવું જોઈએ :
સામાન્ય રીતે માણસો કામ કરવું પડતું હોય છે, એટલે કામ કરતા હોય છે. ઉતાવળે પૂરું કરીને પછી એમાંથી જલદી છૂટી જવાય એ ભાવનાથી કરતા હોય છે. પરાણે કરતા હોય છે. ફરજ પડે એટલે કરતા હોય છે. આથી જેમ તેમ પતાવી દેવા માટે કરતા હોય છે. આવું કામ એમને બોજારૂપ અને ભારરૂપ લાગતું હોય છે. એમાં એમને આનંદ આવતો નથી. વેઠ જેવું લાગતું હોય છે. આવી રીતે કામ કરવાથી મનુષ્યની ચેતના નીચે ઊતરે છે. આવી રીતે કરેલા કામથી ભારે થાક લાગે છે. કંટાળો આવે છે. અણગમો ઉપજે છે. પરિણામે તેનો સ્વભાવ પણ ચિડિયો થઈ જાય છે. વાતવાતમાં ગુસ્સો આવે છે. વ્યક્તિની પ્રગતિ પણ રૂંધાઈ જાય છે. આંતરિક વિકાસની વાત તો બાજુએ રહી, પણ બાહ્ય વિકાસે ય થતો નથી. જો કાર્યને સાધનાના ભાગરૂપે બનાવવું હોય તો એ કાર્ય સાચી રીતે કરવું જોઈએ. તો પ્રશ્ન થાય છે કે સાચી રીત એટલે શું ? સાચી રીત એટલે શક્ય તેટલી ઉત્તમોત્તમ રીતે કામ કરવું જોઈએ. શ્રીમાતાજી કહે છે કે, ‘જો તમારે ઓરડો વાળવાનો હોય તો તમે ઓપરેશન થિયેટર સાફ કરી રહ્યા છો, એટલી કાળજીથી સાફ કરવો જોઈએ.’ કોઈ પણ કામ સંપૂર્ણ નિષ્ઠાથી અને દિલ રેડીને કરવું જોઈએ. આવી રીતે કામ કરવાથી ખૂબ ઝડપી પ્રગતિ થઈ શકે છે. શ્રીમાતાજી કહે છે કે, ‘તમે ધ્યાનમાં જેટલી પ્રગતિ કરો છો, તેના કરતાં દશગણી વધારે પ્રગતિ સાચી રીતે કામ કરવાથી કરી શકો છો.’ કેમકે સાચી રીતે કામ કરવાથી ચિત્તશુદ્ધિ ઝડપથી થાય છે. ચેતનાનો વિકાસ પણ ઝડપી બને છે.
[2] પૂર્ણતા માટે કાર્ય કરવું જોઈએ :
સાધનાની દષ્ટિએ કાર્ય પાછળ કઈ ભાવના રહેલી છે, એ મહત્વનું છે. પૂર્ણતાની પ્રાપ્તિ માટેની જો કાર્ય પાછળની ભાવના હોય તો નાનામાં નાના કાર્ય દ્વારા પણ વ્યક્તિની પૂરેપૂરી ચેતના અભિવ્યક્ત થાય છે અને તે રીતે તેની ચેતનાનો ઉત્તરોત્તર વિકાસ થાય છે. એ કાર્યો દ્વારા વિકાસ પામતી જતી ચેતના વિશાળતર બનીને ભાગવત ચેતના સાથે તદ્રુપ બને છે. દરેક કાર્ય પૂર્ણતાને વ્યક્ત કરે એ રીતે કરવામાં આવે તો પરમાત્મા પૂર્ણ છે, અને તેઓ કાર્ય દ્વારા અભિવ્યક્ત થઈને વ્યક્તિની સમગ્ર ચેતનાને આવરી લે છે. શ્રીમાતાજી કહે છે કે દરેક કાર્યમાં તમારે સ્વચ્છતા, સુંદરતા, સંવાદિતા અને સંયોજનનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. પૂર્ણતાની અભિવ્યક્તિ માટે કરવામાં આવેલાં કાર્યો દ્વારા વ્યક્તિ પોતે જ પૂર્ણતા પ્રત્યે ખુલ્લી થવા લાગે છે અને ઊર્ધ્વ શક્તિઓના સંપર્કમાં આવે છે અને કર્મો પછી એના માટે પૂર્ણ એવા ભગવાનનું અનુસંધાન કરાવનાર બની રહે છે.
[3] કાર્યો અર્પણ રૂપે કરવાં જોઈએ :
સાધનામાં કાર્યનો પ્રકાર મહત્વનો નથી. પણ તે કઈ ચેતનામાંથી કરવામાં આવે છે અને કઈ ભાવનાથી કરવામાં આવે છે, તે મહત્વનાં છે, એક જ પ્રકારનું કાર્ય હોય પણ જો વ્યક્તિ સામાન્ય ભૂમિકા પરથી કરી રહી હોય તો તે બોજારૂપ લાગે છે, પણ જો તે પ્રભુને અર્પણ કરવા માટે કરી રહી હોય તો તે કાર્ય તેને પ્રભુના સાંનિધ્યમાં મૂકી આપે છે. કેમકે કાર્ય કરતી વખતે તેના મનમાં પ્રભુનું સ્મરણ હોય છે કે આ કામ હું પ્રભુને અર્પણ કરવા કરું છું. એટલે કાર્ય દ્વારા સૂક્ષ્મ રીતે તે પ્રભુની સાથે સંકળાઈ જાય છે. કાર્ય કરતી વખતે બધો જ વખત તે પ્રભુ માટે છે – એની યાદ રહેતાં તેની સામાન્ય ચેતનાની સ્થિતિ જ બદલાઈ જાય છે. આમ કાર્ય તેને પ્રભુની સમીપ લઈ જાય છે. શ્રી અરવિન્દ કહે છે કે, ‘ભગવાનને માટે કરેલું બધું જ કામ સંગીતથી માંડીને સુથારીકામ, રસોઈ કે ઝાડુ વાળવાનું કામ સુદ્ધાં તેની નાનામાં નાની બાહ્ય વિગતમાં તેમ જ તે જે ભાવથી કરવામાં આવે છે, તે ભાવમાં પૂર્ણ કરવું જોઈએ. એવું જ કામ અર્પણ રૂપ બની શકે છે.’ પ્રભુને નિવેદન કરીને, કાર્ય માટે તેમની પ્રેરણાશક્તિની અભીપ્સા કરીને, પછી કામ કરવામાં આવે અને તે કાર્ય અર્પણ રૂપે કરવામાં આવે તો એ કાર્ય દ્વારા વ્યક્તિને પ્રભુનું સાન્નિધ્ય સાંપડે છે.
[4] કાર્યો એકાગ્રતાપૂર્વક કરવાં જોઈએ :
સામાન્ય રીતે મનુષ્ય કાર્ય કરે છે, ત્યારે તે હાથથી કામ કરતો હોય છે, પણ એનું મન તો બીજે ભટકતું હોય છે. વેરવિખેર થયેલી તેની ચેતનાથી જે કામ કરવામાં આવે છે તે કામ સારાં થતાં નથી. તેથી તેનો થાક લાગે છે. કંટાળો આવે છે. શ્રી માતાજી કહે છે કે જ્યારે તમે કામ કરતાં હો, ત્યારે તમારે સંપૂર્ણપણે એ કાર્યમય જ બની રહેવું જોઈએ. તે સમયે મનમાં બીજી કોઈ યોજનાઓ ઘડાતી ન હોવી જોઈએ. તમારી ચેતનાની ઊંચામાં ઊંચી ભૂમિકા પર રહીને કાર્ય પૂરું કરવું જોઈએ. એકાગ્રતાપૂર્વક કામ કરવાથી સમય અને શક્તિ બંને બચે છે. કાર્યમાં મગ્ન થવું અને તે દ્વારા સાચી ચેતનાને વ્યક્ત કરવી એ પણ એક પ્રકારનું ધ્યાન જ છે. વળી કામ કરતાં કરતાં જ મનુષ્ય નિ:સ્વાર્થતા, આજ્ઞાધીનતા, શિસ્ત, સંવાદિતા, ધીરજ, સહિષ્ણુતા, સત્ય માટેની જાગૃતિ અને પરિપૂર્ણતાની ભાવનાનો વિકાસ આ બધું સહજ રીતે પ્રાપ્ત કરે છે. ભગવાનને માટે કરવામાં આવતાં કાર્યોથી તો ભગવાનની વિશિષ્ટ શક્તિઓ તો મળે જ છે, પણ પછી ભગવાન સ્વયં પણ મળે છે.
[5] અનાસક્ત ભાવે કર્મો કરવાં જોઈએ :
સામાન્ય રીતે મનુષ્યોને કર્મ પ્રત્યે આસક્તિ હોય છે, એટલે કે ‘આ કામ મારું છે, એ મેં કર્યું છે !’ એવી ભાવના હોય છે. તેથી એ કર્મો બંધનરૂપ બની જાય છે. તેના સારાં-માઠાં ફળ પણ ભોગવવાં પડે છે. પણ કર્મોનો ત્યાગ કરવાનો નથી. કર્મો છોડી દેવાના નથી. પણ કર્મો પ્રત્યે જે લગાવ રહેલો છે, ફળપ્રાપ્તિની જે ઈચ્છા રહેલી છે, તેનો ત્યાગ કરવાનો છે. ભગવાનને અર્પણ રૂપે જ જો કાર્યો કરવામાં આવતાં હોય તો પછી તેમાં આસક્તિ રહેતી નથી. કેમકે જે કંઈ કરવામાં આવે છે. તે સઘળું કાર્ય ભગવાનને જ અર્પણ કરી દેવામાં આવે એટલે પછી તેનાં ફળની આકાંક્ષા પણ રહેતી નથી. પણ એ સ્થિતિ પ્રાપ્ત થઈ ન હોય અને સંસારમાં રહીને દૈનિક જીવનના બધાં કર્મો કરવાનાં જ હોય તો તે કેવી રીતે કરવાં ? એ દ્વારા સાધના કેવી રીતે થઈ શકે ? આ માટે શ્રીરામકૃષ્ણદેવ એક સચોટ ઉદાહરણ આપે છે કે સંસારમાં તમે મોટા ઘરની કામવાળીની જેમ રહો. એટલે કે મોટા ઘરની કામવાળી શેઠના ઘરે કામ કરે છે, ત્યારે તે શેઠના ઘરને મારું ઘર કહે છે. શેઠના છોકરાને મારો હરિ એમ કહીને બોલાવે છે. પણ મનમાં તે સમજે છે કે આ મારું સાચું ઘર નથી ને મારો સાચો હરિ નથી. મારું સાચું ઘર તો પેલી ઝૂંપડી છે. મારો સાચો હરિ તો તે ઝૂંપડીમાં છે. ઘરને મારું ઘર ને શેઠના છોકરાને મારો છોકરો કહેવા છતાં જ્યારે શેઠાણી કાઢી મૂકે છે ત્યારે તે ક્ષણમાં ઘર છોડીને ચાલી જાય છે. કેમકે તે તેમાં બિલકુલ આસક્ત નથી. એ જ રીતે સંસારમાં રહીને ઉત્તમોત્તમ રીતે બધાં કાર્યો કરવા છતાં જો તેમાં આસક્ત ન હોય તો બિલકુલ દુ:ખ થતું નથી. કર્મોમાં સાચી અનાસક્તિ તો એ કહેવાય કે કામ કરતી વખતે સમગ્ર ચેતના એમાં જ નિમગ્ન હોય અને જાણે એ કામ સિવાય બીજું કંઈ જ કરવાનું નથી. એ રીતે કાર્ય કરવામાં આવે અને એ કાર્ય પૂરું થયા પછી પાટીમાં જેમ અક્ષરો ભૂંસાઈ જાય તેમ તે કાર્યની સ્મૃતિ પણ ન રહે, અને નવું કાર્ય ફરી એ જ રીતે કરવામાં આવે, તો એવી રીતે કાર્યો કરવાથી ચેતનાનો ઝડપી વિકાસ થાય છે.
સામાન્ય જીવનમાં કર્મો મનુષ્યને બંધનરૂપ એટલા માટે થાય છે કે મનુષ્યો પોતાનાં કર્મોમાં એટલા બધા આસક્ત હોય છે કે અનાસક્ત ભાવે કર્મ થઈ શકે એ ખ્યાલ જ તેમને હોતો નથી. મોટેભાગે લોકો એવું માનતા હોય છે કે આસક્તિ ન હોય તો આનંદ કેવી રીતે મળે ? કર્મના સુંદર ફળો ન મળે તો શા માટે મનુષ્ય કામ કરે ? આ વાત પણ સાચી છે. સામાન્ય ભૂમિકામાં તો કર્મની આસક્તિ જ કર્મમાં મનુષ્યોને પ્રેરે છે કેમકે અનાસક્ત ભાવે કર્મો કરવાની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તો સામાન્ય ભૂમિકાથી ઉપર જવું જોઈએ. રાજા જનક સમગ્ર મિથિલા રાજ્યમાં એક જ હતા કે જેઓ સમગ્ર રાજ્ય ચલાવતા હતા, સંસાર ચલાવતા હતા અને છતાં બધાથી નિર્લેપ હતા. આટલું વિશાળ રાજ્ય ચલાવવા છતાં તેમનું મન આમાં ક્યાંય ચોંટેલું ન હતું. તેથી તેઓ સર્વ કાર્યોનો મહત્તમ આનંદ લઈ શકતા હતા. કાર્યોનો સાચો આનંદ અનાસક્ત ભાવે કર્મો કરવામાં જ રહેલો છે, એ સામાન્ય ભૂમિકામાં સમજાતું નથી. પણ પ્રયત્ન કરતાં અનાસક્ત ભાવે કર્મ કરવાની સ્થિતિ જરૂર પ્રાપ્ત થઈ શકે છે. એ માટે શરૂઆતમાં કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે, ‘હે ભગવાન, આ કાર્ય તમને અર્પણ કરવા કરું છું. આ કાર્યમાં તમે સહાય કરો.’ કર્મ પૂરું થયા પછી પણ ભગવાનને અર્પણ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી. આ રીતે કરતાં એ કાર્ય પૂરતો તો વ્યક્તિને આનંદ મળે છે. તેનો ઉત્સાહ વધે છે. આ રીતે ભગવાનની શક્તિની અનુભૂતિ થતાં તેના માટે કાર્ય એ ભગવાન સાથેનો સંપર્ક કરાવનાર માધ્યમ બની રહે છે. આ રીતે કામ કરતાં કરતાં કામમાં એટલો બધો આનંદ મળવા લાગે છે કે આસક્તિનો આનંદ એની પાસે સાવ તુચ્છ બની જાય છે. પછી અસલ આનંદની પ્રાપ્તિ થતાં ક્ષણિક ને ક્ષુલ્લક આનંદની ઈચ્છા રહેતી જ નથી.
આ રીતે મનના વલણને બદલીને ભગવાન માટે જો કર્યો કરવામાં આવે તો કાર્ય એ જ પૂજા બની જાય છે. શ્રીમાતાજીએ કહ્યું છે કે, ‘કાર્ય કરવું એટલે શરીરથી પ્રભુને પ્રાર્થના કરવી.’ સામાન્ય પ્રાર્થનામાં તો એકલું મન જ જોડાય છે. શરીર તો સ્થિરપણે બેઠેલું હોય છે. પણ જ્યારે વ્યક્તિ પ્રભુને માટે કામ કરે છે, ત્યારે તેના મનમાં તો સતત એ જ ભાવ હોય છે કે’ ‘હું પ્રભુને માટે કામ કરું છું.’ મનમાં પ્રભુનું સ્મરણ છે અને શરીર કામ કરે છે એટલે શરીર પણ પ્રભુની પ્રાર્થનામાં જોડાય છે. આ રીતે કામ કરવાથી વ્યક્તિની સમગ્ર ચેતના મનોમય અને શારીરિક, પ્રભુને પ્રાર્થના કરે છે. એટલે માત્ર પ્રાર્થનાથી વ્યક્તિની ચેતનાનું જે ઊર્ધ્વગમન થાય તેના કરતાં આ રીતે કાર્ય કરવાથી અનેકગણું વધારે ઊર્ધ્વગમન થાય છે. વળી પ્રભુને અર્પણરૂપ કાર્ય થવાથી વિશ્વમાં દિવ્યતાનો વિસ્તાર વધે છે. એટલા પ્રમાણમાં અદિવ્ય પરિબળો દૂર થતાં વૈશ્વિક જગતમાં આપણું સાવ નાનું એવું કાર્ય પણ ઘણું મોટું પ્રદાન કરનારું બની રહે છે. એ દ્વારા આપણી ચેતનાનું વૈશ્વિક ચેતના સાથે અનુસંધાન થઈ જતાં વૈશ્વિક શક્તિઓની બક્ષિસ મળે છે. વળી ભગવાનને માટે કાર્ય કરવામાં આવતું હોઈને, તેમને અર્પણ કરવામાં આવતું હોઈને, ભગવાન પ્રસન્ન થઈ આપણને બઢતી આપે છે, અને એમના વિરાટ કાર્યોની જવાબદારી સોંપે છે, એટલું જ નહીં પણ એમની વિશિષ્ટ શક્તિઓથી નવાજે છે. આમ ભગવાનને અર્પણ રૂપે કાર્ય કરતાં કરતાં આપણે તેમનાં સીધાં માર્ગદર્શન હેઠળ આવી જઈએ છીએ. અને પછી ભગવાન ક્યારે પેલો પરદો હટાવી લે છે, તેની આપણને ખબર પણ પડતી નથી અને આપણે ભગવાનની સન્મુખ જઈ પહોંચીએ છીએ.

ચક્રવર્તી પદ – ભાણદેવ


ક મહાન રાજા હતા. રાજા શૂરવીર અને સમર્થ હતા. રાજાના મનમાં એક મહત્વાકાંક્ષા હતી કે ચક્રવર્તી બનવું, ચક્રવર્તીપદ પ્રાપ્ત કરવું. રાજા શૂરવીર અને સમર્થ તો હતા જ. રાજાએ પોતાની મહત્વાકાંક્ષાની પૂર્તિ માટે એક વિશાળ સેના તૈયાર કરી. બધી તૈયારીઓ પરિપૂર્ણ કરીને શુભ મૂરત જોઈને પોતાની વિશાળ સેના, સેનાપતિઓ, અમાત્યો આદિને સાથે લઈને રાજાએ દિગ્વિજયયાત્રા માટે પ્રસ્થાન કર્યું. રાજા શૂરવીર અને સમર્થ હતા અને તેમના સેનાપતિઓ પણ વફાદાર તથા સમર્થ હતા. રાજાની સેનાને જીતી શકે તેવી કોઈ સેના કે રાજા તે કાળે હયાત હતો નહિ.
રાજાએ એક પછી એક રાજ્યો જીતવા માંડ્યા. કોઈ કોઈ રાજ્ય મેળવતાં યુદ્ધ થતું, પરંતુ અનેક રાજ્યો તો યુદ્ધ વિના જ શરણે થયા. આ રીતે રાજાની દિગ્વિજય યાત્રા ચાલુ રહી. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, એમ ચારે દિશામાં રાજા પોતાની સેનાસહિત ફરી વળ્યા. ત્રણ વર્ષ સુધી રાજા આ રીતે દિગ્વિજય માટે જ ફરતા રહ્યા. આખરે રાજાએ દિગ્વિજય સિદ્ધ કર્યો. રાજા ચક્રવર્તી બન્યા. સર્વ રાજાઓએ રાજાને ચક્રવર્તી સમ્રાટ તરીકે સ્વીકારી લીધા. આખરે એક વિશાળ અને ભવ્ય કાર્યક્રમ ગોઠવીને રાજાનો ચક્રવર્તી સમ્રાટ તરીકે વિધિવત અભિષેક થયો. હવે આપણા આ રાજવી ચક્રવર્તી સમ્રાટ બન્યા. રાજાની જીવનભરની મહત્વાકાંક્ષા પરિપૂર્ણ થઈ.
તે કાળે એવો નિયમ હતો કે જે કોઈ રાજવી ચક્રવર્તી સમ્રાટ બને તેને મેરુ પર્વત પર પોતાનું નામ અંકિત કરવાનો અધિકાર મળે. આપણા આ રાજાએ ચક્રવર્તીપદ પ્રાપ્ત કર્યું છે, તેથી નિયમ પ્રમાણે તેને પણ મેરુ પર્વત પર પોતાનું નામ અંકિત કરવાનો અધિકાર મળ્યો. રાજાએ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું. આપણા આ ચક્રવર્તી સમ્રાટ પોતાના પ્રધાનમંડળ અને સેનાપતિ તથા પુરોહિત સહિત યાત્રા કરતાં કરતાં આખરે મેરુ પર્વતની તળેટીમાં પહોંચ્યા. તેમણે પોતાની સાથે સારા શિલ્પકારને પણ લીધા હતા. ચક્રવર્તી સમ્રાટે પોતાના શિલ્પીને આજ્ઞા આપી – ‘મેરુ પર્વત પર ચક્રવર્તી સમ્રાટ તરીકે મારું નામ અંકિત કરો.’ શિલ્પકાર પોતાના ઓજારો લઈને મેરુ પર્વત પર ચડ્યા. તેઓ પોતાના ચક્રવર્તી સમ્રાટનું નામ અંકિત કરવા માટે મેરુ પર્વત પર યોગ્ય સ્થાન શોધવા લાગ્યા. પરંતુ આશ્ચર્યની વાત એમ હતી કે તેમને મેરુ પર્વત પર કોઈ ખાલી જગ્યા મળતી ન હતી. મેરુપર્વતની સપાટી પર ચારે બાજુ સર્વત્ર ઠાંસી ઠાંસીને નામો લખેલાં હતાં. કોઈ જગ્યાએ આપણા આ નવા ચક્રવર્તીનું નામ નાના અક્ષરે પણ લખી શકાય તેટલી ખાલી જગ્યા જ મળતી નથી. શિલ્પકાર તથા રાજાના અન્ય અનુચરોએ ખૂબ તપાસ કરી, પરંતુ મેરુ પર્વતની બધી જ સપાટી પર ખૂબ તપાસ કરવા છતાં તેમને એવું નાનું સરખું પણ ખાલી સ્થાન મળ્યું નહિ જ્યાં નવું નામ લખી શકાય.
મેરુ પર્વતની તળેટીમાં એક ઋષિનો આશ્રમ હતો. સમ્રાટ ચક્રવર્તી પોતાના સર્વ સાથીઓને સાથે લઈને તે ઋષિના આશ્રમમાં ગયા. ઋષિએ સમ્રાટ તથા તેમના સાથીઓનું સ્વાગત કર્યું. સૌએ આસન ગ્રહણ કર્યા. પછી ઋષિએ સમ્રાટને આગમનનું કારણ પૂછ્યું. સમ્રાટે ઋષિને કહ્યું :
‘મહારાજ ! હું ચક્રવર્તી સમ્રાટ બન્યો છું. પરંપરા પ્રમાણે મને મેરુ પર્વત પર મારું નામ અંકિત કરવાનો અધિકાર છે. અમે સૌ ચક્રવર્તી તરીકે મારું નામ અંકિત કરવા માટે જ અહીં આવ્યા છીએ. પરંતુ અમને જોઈને આશ્ચર્ય થયું કે આટલા વિશાળ અને ઉત્તુંગ મેરુપર્વત પર સર્વત્ર નામો અંકિત થયેલા છે અને મારું નામ અંકિત કરવા માટે એક તસુભાર સ્થાન પણ ખાલી નથી. હવે આપ જ કહો મારે શું કરવું ? આપ મને એ પણ કહો કે મેરુ પર્વત પર અંકિત કરેલા આ બધાં નામો કોના છે ?’
ઋષિએ રાજાને સસ્મિત ઉત્તર આપ્યો :
‘રાજન ! આ બધાં નામો ભૂતકાળમાં થઈ ગયેલા ચક્રવર્તી સમ્રાટોના જ છે.’
‘આટલા બધા ચક્રવર્તીઓ થઈ ગયા છે ?’
‘અરે રાજન ! આ નામોથી અનેકગણા, અગણિત સમ્રાટો આ ધરતી પર થઈ ગયા છે. સૌએ પોતાનાં નામો આ મેરુપર્વત પર કોતરાવ્યા છે.’
‘તો, ઋષિરાજ ! હવે ઉપાય શો છે ? હવે મારે મારું નામ અંકિત કરવું કેવી રીતે ?’
‘રાજન ! એ તો બહુ સહેલું છે. કોઈ પણ એક નામ કાઢી નાખો અને તમારું નામ કોતરાવી દો.’
‘તો, મહારાજ ! આ જ સુધીમાં આ પહેલાં અનેક ચક્રવર્તીઓના નામ ભૂંસાઈ ગયા હશે ને !’
‘અરે, રાજન ! આ પૃથ્વી પર એટલા ચક્રવર્તીઓ થઈ ગયા છે કે આ મેરુ પર્વત પર અગણિત વાર નામો ભૂંસાઈ ગયા છે અને નવાં નવાં નામો અંકિત થતાં રહ્યાં છે.’
‘ઋષિરાજ ! જેમ અનેકવાર નામો ભૂંસાઈ ગયા છે. અને જેમ હું કોઈનું નામ ભૂંસીને મારું નામ અંકિત કરું તેમ મારું પણ નામ ભૂંસાઈ જશે ને !’
‘હા, રાજન ! નામ ભૂંસાવાની અને અંકિત કરવાની આ પ્રક્રિયા તો સતત ચાલુ જ છે. કાળના પ્રવાહમાં કશું જ અચળ નથી. આ મેરુ પર્વત પર અગણિત નામો લખાયા છે અને અગણિત નામો ભૂંસાયા છે. તેનો કોઈ હિસાબ નીકળી શકે તેમ નથી.’
ચક્રવર્તી સમ્રાટ થવાનો રાજાનો ઉત્સાહ ઓસરી ગયો. મેરુ પર્વત પર પોતાનું નામ અંકિત કરવાનો રાજાનો ઉમંગ પણ ઓસરી ગયો. રાજા મેરુપર્વત પર પોતાનું નામ લખાવ્યા વિના જ પોતાના સાથીઓને સાથે લઈને પાછા ફર્યા ! આ અસ્તિત્વ અપરંપાર છે અને કાળ તો અનંત છે. આ અફાટ દેશ અને કાળની કલ્પનાતીત વિશાળતાનો વિચાર કરીએ તો સમજાય કે આપણે કોણ છીએ ? જે પૃથ્વીના પ્રમાણમાં આપણે મગતરા જેવા છીએ, તે પૃથ્વી પણ અસ્તિત્વના સાગરમાં રેતીના એક કણ સમાન પણ નથી. ચક્રવર્તીપદને મહાન ગણનાર અને જીવનભર ચક્રવર્તી સમ્રાટ બનવાની મહત્વાકાંક્ષા સેવનાર ડાહ્યો રાજવી આખરે સમજ્યો કે જે પદને પોતે આટલું મહાન ગણ્યું તે પદ પણ સમગ્રના સંદર્ભે કેટલું તુચ્છ છે, કેટલું નગણ્ય છે ! અસ્તિત્વની આ અફાટ વિશાળતા અને કાળની ગણનાતીત ગતિશીલતાનું ચિંતન માનવીને પોતાના યથાર્થ સ્વરૂપનું ભાન કરાવે છે અને એથીયે વિશેષ તો સાચી નમ્રતા શીખવે છે.
મેરુ પર્વતની વિશાળતાનો પાર નથી અને તો યે તેના પર ચક્રવર્તીનું નામ લખવા માટે તસુભર ખાલી જગ્યા નથી. આવા નામો અગણિત વાર લખાયા છે અને અગણિત વાર ભૂંસાયા છે ! જો આમ જ છે તો કોઈ ચક્રવર્તી મેરુ પર્વત પર પોતાનું નામ અંકિત કરે કે ન કરે, તેથી શું ફેર પડે છે ! અને કોઈ માનવી ચક્રવર્તી બને કે ન બને, તેથી પણ શો ફેર પડે છે ! દેશ અને કાળની અફાટ વિશાળતા પર દષ્ટિ કરો અને આપણા જીવનના યથાર્થ સ્વરૂપને ઓળખી લો !

Saturday, June 2, 2012

ચાણક્યના નીતિસૂત્રો – સંકલિત - Best Chanakya Quotes


[1] જ્યારે કોઈ બ્રાહ્મણને ભોજનનું કે કથવાર્તા કરવાનું નિમંત્રણ મળે છે ત્યારે તેને સુખ થાય છે. પત્નીનું સુખ તેના પતિને મળતા ધન ઉપર છે. મંત્રીનું સુખ રાજમંત્ર તથા રાજાની સેવા છે. કામીનું સુખ સ્ત્રી છે. બ્રાહ્મણનું સુખ વેદપાઠ છે. નીચને નીચ કાર્ય કરવાથી જ સુખ મળે છે. આ પ્રકારે સુખ મેળવવા માટેના દરેકના માર્ગો અલગ અલગ હોય છે.
[2] કૂતરું હંમેશા પોતાની પૂંછડી વાંકી જ રાખે છે, સાપ હમેશાં વાંકોચૂકો જ ચાલશે, ગધેડું હમેશાં લાતો જ મારશે, મંકોડાને દૂર ફેંકો તો પણ ત્યાં જ આવશે, માખીને કેટલીય કેમ ના ઉડાડો, ફરીથી ત્યાં જ આવીને બેસશે. આથી તમે એ વાત તરત સમજી જશો કે જેને જે આદત પડી ગઈ તે તે જ કામ કરશે. મનુષ્ય કેવળ પોતાની ટેવોનો ગુલામ હોય છે.
[3] સુંદર છોકરી, રૂપવતી વિધવા, ઘરડો વિધૂર, સાંઢ, ઢોંગી, સંન્યાસી, તાંત્રિક તેમજ ગધેડું – આ બધાથી બચીને ચાલવું જોઈએ. બુદ્ધિમાન આમનાથી પચાસ કદમ દૂર ભાગે છે.
[4] બધી આંગળીઓ સરખી હોતી નથી. એટલા માટે બધા લોકો સરખા સ્વભાવના હોતા નથી, જ્યારે આપણે જુદા જુદા વિભાગોમાં, કામોમાં વહેંચાઈ જ ગયા છીએ, ત્યારે આપણાં કામ પણ જુદાં જુદાં જ હોય ને ? આપણે એકબીજાની ઈર્ષા કેમ કરવી જોઈએ ? તેમજ એકબીજાનો દ્વેષ પણ કેવી રીતે કરી શકીએ ? ઈર્ષાળુ અને દ્વેષીલા ન બનો. તમે સુખી થશો, સંતુષ્ટ થશો, આનંદ પ્રાપ્ત કરશો. દુનિયામાં આવી બધી વાતો જ શીખો ને !
[5] વેશ્યાને સવારમાં, જુગારીને બપોરે, પાપીને મંદિરમાં, શબને ચિતા પર અને બાળકને ખોળામાં જોઈને કોઈને કોઈ પાપ લાગતું નથી. આ બધાં જ શુભ ગણાય છે. એમને આ રૂપે જોવાથી જ્ઞાન વધે છે અને સચ્ચાઈની ખબર પડે છે. આના પર વિચાર કરીને જો જો ને !
[6] પુત્ર સાથે પાંચ વર્ષ સુધી પ્યાર કરો, દસ વર્ષની ઉંમર સુધી તેને ધાકમાં રાખો, સોળ વર્ષની ઉંમર થાય ત્યારે તેને પોતાનો મિત્ર માનો. મિત્રતાનો વ્યવહાર કરવાથી તમે એકમાંથી અગિયાર બની જશો. તે જ સંતાન તમારી સાથે ખભેખભો મેળવીને ચાલવા લાગશે.
[7] સુખી અને શાંતિપૂર્ણ ઘર તે જ છે – જે ઘરમાં સંતાન બુદ્ધિમાન તેમજ ભણેલા-ગણેલાં છે, પત્ની શાંતિપૂર્ણ અને સંપૂર્ણ રીતે સાચી ગૃહિણી હોય, જે ઘરનાં બધાં કામ પોતાના હાથેથી જાતે કરે, જે ઘરમાં મહેમાનોનો આદર સત્કાર થતો હોય, જે ઘરમાં ભગવાનનું પૂજન થતું હોય, જે ઘરમાં હર સમય પીવાને સ્વચ્છ પાણી અને ખાવા માટે તાજું ગરમ ગરમ ખાવાનું મળતું હોય, જ્યાં બુદ્ધિમાનો તેમજ ગુણવાનો સાથેનો સત્સંગ થતો હોય. – આવું ઘર સૌથી સારું અને સ્વર્ગના અંશવાળુ હોય છે. આવા ઘરમાં રહેનાર લોકો સદા સુખી રહે છે.
[8] ઊંઘમાં નસકોરાં બોલતા હોય તેવી સ્ત્રી, નગ્ન સૂઈ જનારો પુરુષ – આ બંને અલ્પાયુ બને છે. દિવસે સંભોગ, રાત્રે જુગાર – આ બંને કાર્યો જીવનના દિવસો ટૂંકા કરે છે. એક વાત હમેશાં ધ્યાનમાં રાખો કે દરેક કામનો એક સમય હોય છે. સમયના ટાંકણે જ કામ કરનારા મહાન બને છે.
[9] પોતાનાથી મોટાંઓની સામે કદી જૂઠું બોલવું જોઈએ નહીં. તેમની સાથે કદી દગો પણ ન કરાય. રાજાની સામે અસત્ય બોલવાથી મૃત્યુદંડ પણ મળી શકે છે. દુશ્મન સાથે દગો કરવાથી ધનનો નાશ થાય છે. બ્રાહ્મણ સાથે દગો કરવાથી કુળનો નાશ થાય છે. એટલા માટે કદી કોઈની સાથે દગો ન કરો. કોઈને અસત્ય બોલીને ફસાવવાનો પ્રયત્ન ન કરો. ભલે ને તમને અસત્ય બોલીને તેમને વિજય અને ધન મળી જાય, પરંતુ મનની શાંતિ કદી નહીં મળી શકે. અસત્ય અને દગો લાંબો સમય ટકી શકતાં નથી.
[10] તે આદમીનું જરૂર મૃત્યુ થશે, તે સંકટમાં પણ અવશ્ય પડશે જેની પત્ની ચરિત્રહીન હશે. માટે ચરિત્રહીન પત્ની, શેતાન મિત્ર, વાતવાતમાં સામો જવાબ આપનાર નોકર, ઘરમાં રહેતો સાપ –આ ચારેય સરખાં છે. ગમે ત્યારે કનડે જ કનડે.
[11] જે માતા-પિતા પોતાના સંતાનોને સારી કેળવણી નથી આપતાં-અપાવતાં, આવાં માતાપિતા જાતે જ એમનાં સંતાનોનાં દુશ્મન બને છે. આવાં સંતાનો જ્યારે સંસારનો ભાર ઉઠાવતાં થાય છે ત્યારે તેમને પોતાની ક્ષુદ્રતાનો અનુભવ થાય છે. આવાં લોકો જ્યારે કોઈ સારી અને પ્રગતિશીલ સભામાં જાય છે ત્યારે તેમને લાગે છે કે હંસોની સભામાં આપણે બગલા જેવા છીએ !
[12] મનુષ્યે હમેશાં આ વિચાર્યા કરવું જોઈએ કે – મારો સમય કેવો છે ? મારો મિત્ર કોણ છે ? મારો દેશ કયો છે ? હું કેવો છું ? મારું હિત શેમાં અને અહિત શેમાં છે ? મારામાં કેટલી બુદ્ધિ, કેટલી શક્તિ છે ? – આવો પ્રશ્ન વારંવાર એણે પોતાની જાતને પૂછ્યા કરવો જોઈએ.
[13] ફૂલમાં સુગંધ, તલમાં તેલ, લાકડામાં અગ્નિ, દૂધમાં ઘી, શેરડીમાં ગોળ – આ રીતે મનુષ્યના મનમાં સુવિચારો સમાયેલા હોય છે. સારા માણસની પરીક્ષા એની બોલીથી, એના વિચારોથી અને એના વર્તનથી થાય છે.
[14] આવા લોકોથી સદાય દૂર રહો – જેણે અન્યાયથી ધન ભેગું કર્યું હોય, અભિમાનથી જેનું મસ્તક ભરેલું જ હોય, જેણે કદી દાન કર્યું નથી, જેને કાનોમાં વેદમંત્રો કે ધર્મમંત્રો પડ્યા નથી, જેનાં નેત્રોએ સત્પુરુષોનાં દર્શન કર્યા નથી. આવા મનુષ્યોને મળવાથી કોઈ લાભ તો નથી જ બલ્કે મનની શાંતિ ઓછી થઈ જાય છે.
[15] મૃત્યુ પછી સ્વર્ગમાં કોણ જાય છે ? સત્ય તેમજ મધુર બોલનારા, પોતાનાં કાર્યોમાં કુશળ, સંતાનોને સુશીલ તેમજ જ્ઞાની બનાવનારા, માતાપિતાની હૃદયપૂર્વક સેવા કરનારા, ઈશ્વરમાં આસ્થા ધરાવનાર તેમજ ખોટાં કામ કરતાં ઈશ્વરથી ડરનારાં – આ બધાં મૃત્યુ પછી સીધા સ્વર્ગમાં જાય છે. મૃત્યુ પછી સીધા નરકમાં કોણ જાય છે ? – ખરાબ શબ્દો બોલનારાં, કટુ વાણી બોલનારાં, આળસુઓ, પોતાના બાંધવો-મિત્રો-સાથીઓ સાથે વિશ્વાસઘાત કરનારા, નીચ લોકોને સાથ દેનારા તેમજ તેમની સેવા કરનારા – આ બધાં મૃત્યુ પછી સીધાં નરકમાં જાય છે.
[16] આ સંસારમાં સૌથી વધારે બળવાન કાળ છે. કાળ જ સંસારના પ્રાણીઓને ખાઈ જાય છે. તેની ભૂખ સંતોષાતી જ નથી, ખાયા જ કરે, ખાયા જ કરે છે. બધાનો નાશ થાય ત્યારે પણ કાળ તો હયાત હોય છે. કાળ હમેશાં જાગ્રત રહે છે, બધાને જગાડતો પણ રહે છે.
[17] લક્ષ્મીનો નિવાસ ક્યાં હોય છે ? – જ્યાં અન્ન ના ભંડાર ભરેલા રહે છે, જ્યાં પતિ-પત્નીમાં કલેશ-કંકાશ હોતો નથી, જ્યાં મૂર્ખની મહેમાનગીરી થતી નથી. કેવળ આવાં જ સ્થાનોમાં લક્ષ્મી નિવાસ કરે છે.
[18] કામવાસના આ સંસારનો સૌથી મોટો રોગ છે. તે મનુષ્યના શરીરને અંદર અંદરથી જ ખોખલું કરી નાખે છે. આનાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. ક્રોધ એ આ સંસારની ભયંકર આગનું નામ છે, તે ઈન્સાનનો વિનાશ કરે છે. જ્ઞાન જેની પાસે હોય તે હમેશાં સુખી રહે છે. સંસારનાં બધાં દુ:ખો જ્ઞાનથી દૂર ભાગે છે.
[19] વિદ્યાર્થી, નોકર, ભૂખ્યો માણસ, ખજાનચી, ચોકીદાર, બુદ્ધિમાન – આ લોકો જો સૂઈ રહે તો તેમને જગાડી દેવા જોઈએ. કારણકે વિદ્યાર્થી જો સૂઈ રહે તો તેનો અભ્યાસ નહીં થાય, નોકર સૂઈ રહેશે તો માલિક તેને કાઢી મૂકશે, ભૂખ્યો જો સૂઈ રહેશે તો પેટ માટે રોટીની શોધ કરવા કોણ જશે ? ખજાનચી કદી સૂઈ રહેશે તો ધન ચોરાઈ જશે. ચોકીદાર સૂઈ જશે તો પણ ચોરી થઈ જશે. એટલા માટે આવા લોકોને જગાડવ એ ઉચિત છે.
[20] ધુવડ દિવસે જોઈ શક્તું નથી તેમાં સૂર્યનો શો દોષ ? કેરડાના છોડ પર પાંદડા ઊગતાં નથી, ફૂલો થતાં નથી તેમાં ભલા વસંતનો શો દોષ. ચાતકના મોમાં વર્ષાનું એક ટીપું પડતું નથી તેથી ભલા વાદળોનો શો વાંક ? – અરે ભાઈ, વિધાતાએ આપણા નસીબમાં જે કંઈ લખી દીધું છે તે જ થઈને રહેશે. એને તો દુનિયાની કોઈ શક્તિ બદલી શકતી નથી.

નીરોગી રહેવા માટેના નિયમો - Best Gujarati Health Quotes – સં. ડૉ. રસિક એન. વાડદોરિયા


[1] રોજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જઈ બ્રશ કરી એક ગ્લાસ સહેજ ગરમ પાણી પીવું જોઈએ. ત્યાર બાદ 100 ડગલાંથી માંડી પાંચ કિલોમીટર સુધી ખુલ્લી હવામાં ચાલવું જોઈએ. સવારે અર્ધો કલાક મનગમતી કસરત કે યોગાસન કરવાં જોઈએ.
[2] ખોરાકમાં વધારે પડતા તીખા (લાલ/લીલું મરચું) ખાટા (લીંબુ / આમલી), ખારા (મીઠું-સોડા) તથા તળેલા પદાર્થોનો ઉપયોગ ટાળવો.
[3] ઉપરોક્ત તીખું-તળેલું વગેરે 15 દિવસમાં એક વાર ખાવું જોઈએ.
[4] પાણી હંમેશાં ઉકાળીને પીવું જોઈએ. ચોમાસામાં તથા શિયાળામાં સૂંઠ નાખીને તથા ઉનાળામાં ધાણા તેમજ વરિયાળી નાખીને ઉકાળી ઠંડું કરેલ પાણી પીવું જોઈએ.
[5] શક્ય હોય ત્યાં સુધી ફ્રીજની ઠંડી દરેક વસ્તુનો ત્યાગ કરવો જોઈએ.
[6] ઉનાળામાં ગરમીથી બચવા ઠંડી વસ્તુઓનો બાહ્ય ઉપચાર કરવો. જેમ કે ઠંડા પાણીથી સ્નાન, ખસ/ચંદનનો લેપ વગેરે પરંતુ ખોરાકમાં ઠંડી વસ્તુઓનો ઉપયોગ માફકસર કરવો અથવા ન કરવો.
[7] જમ્યા પછી તુરત જ ખૂબ પાણી ન પીવું, પણ એકાદ કલાક પછી પીવું. તે પણ હૂંફાળું ગરમ પીવું.
[8] આઈસક્રીમ માત્ર ઉનાળાની ઋતુમાં તે પણ દિવસના ભાગમાં ખાવો, ઉનાળામાં પણ રાત્રિના ઠંડી વસ્તુઓના સેવનનો ત્યાગ કરવો.
[9] નાનાં બાળકોને વધારે પ્રમાણમાં ખાટા તથા ગળ્યા પદાર્થો તથા ઠંડી વસ્તુઓ ન આપવી. આપવી પડે તો સામે તેટલા પ્રમાણમાં તીખા / કડવા પ્રદાર્થો પણ આપવા.
[10] બહાર જવાનું થાય ત્યારે હંમેશાં નાકમાં ગાયનું ઘી, વૅસેલિન, સરસિયું તેલ કે કોપરેલ આંગળીમાં લઈ બન્ને નસકોરામાં લગાવવું જેથી બહારની દૂષિત હવા (પ્રદૂષણ) નાક વાટે ફેફસાંમાં જતી અટકે.
[11] શિયાળાની ઋતુમાં કાન, પગ તથા માથું ઢાંકેલું જ રાખવું, કારણકે ઠંડી હવા તેના દ્વારા જ શરીરમાં જાય છે.
[12] અઠવાડિયામાં એક વાર લોટ (અનાજ) વગરનો ખોરાક ખાવો જોઈએ. જેમ કે મગ/મગની દાળ, ખીચડી, ભાત, મગના લોટનો હાંડવો-ઈડલી-થેપલા-પરોઠા, શાકભાજીનાં સૂપ, ફળો-ફળોનો રસ-છાશ વગેરે લેવું. જેથી આંતરડાનું શોધન થાય તથા પાચનક્રિયા વ્યવસ્થિત રહે.
[13] શક્ય હોય ત્યાં સુધી ખોરાકમાં ગાયનાં દૂધ-ઘીનો ઉપયોગ કરવો.
[14] બટેટામાં તીખા (કાળા મરી) તથા સંચળ અને ભીંડાની સાથે લસણનો ઉપયોગ કરવો જેથી પચવામાં સરળતા રહે તથા વાયુનો પ્રકોપ ન થાય.
[15] નાનાં બાળકોની શરદી-ખાંસીમાં તાત્કાલિક દવા ન લેવી પણ આદું + તુલસીનો રસ મધ સાથે આપવો. અજમા તથા લસણની પોટલી બનાવી તેના નાક પાસે સૂંઘવા આપવી. ઠંડી તથા ગળી-ખાટી વસ્તુ ખોરાકમાં ન આપવી.
[16] હમેશાં ઋતુ મુજબનાં ફળો ખાવાં. ઋતુ વિરુદ્ધ ફળો ન ખાવાં. જેમ કે શિયાળામાં દ્રાક્ષ/તરબૂચ, ચોમાસામાં મોસંબી/તરબૂચ/સંતરા, ઉનાળામાં પપૈયાં વગેરે. શિયાળાની શરૂઆતમાં પપૈયાં તથા ત્યાર બાદ સફરજન વગેરે લેવું જોઈએ. ઉનાળાની શરૂઆતમાં દ્રાક્ષ/સંતરાં તથા ત્યાર બાદ તરબૂચ, કેરી વગેરે લેવાં જોઈએ. બધાં જ ખાટાં ફળો ખાતી વખતે તેમાં તીખા તથા સંચળ અથવા સિંધાલૂણનો પાઉડર નાખવો જોઈએ. ફળો સાથે દૂધ કદી પણ ન લેવું.
[17] ખોરાકમાં હંમેશાં મગ-મગની દાળ, ભાત, ઘઉંની થૂલી, જવના લોટની ભાખરી, ગાયનું ઘી, ચોખ્ખું જૂનું મધ, ગાયનું દૂધ વગેરેનો નિત્ય ઉપયોગ કરવો જોઈએ.
[18] તાજા જન્મેલા બાળકને બહારનું દૂધ આપવું પડે તો માત્ર અને માત્ર બકરીનું દૂધ આપવું અને તે ન મળે તો ગાયનું દૂધ સમભાગે પાણી મેળવી, સાકર નાખી ઉકાળી આપવું. છ-માસથી દોઢ વર્ષ સુધીના બાળકને બકરીનું દૂધ આપવાથી તેનું પાચનતંત્ર તથા શ્વસનતંત્ર મજબૂત થાય છે. તેને શરદી, ખાંસી, ઝાડા, ઊલટી વગેરે રોગો થતા નથી અને થાય તો ઓછા પીડાદાયક હોય છે.
[19] શિયાળાની ઋતુમાં બાળકોને સવારે નાસ્તામાં ગાયનું ઘી 1/2 ચમચી તથા ચોખ્ખું મધ 1/4 ચમચી મિક્સ કરીને દૂધ સાથે આપવું જોઈએ.
[20] બીજાના દુર્ગુણો જોવાનું છોડી પોતાના અવગુણો સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.
[21] બાળકોને કાજુ, બદામ, અખરોટ વગેરે આપવાં હોય તો પાંચ વર્ષથી નીચેના બાળકને ખૂબ બારીક લસોટીને દૂધમાં મિક્સ કરી આપવાં. સીધાં ચાવવા માટે ન આપવાં. કારણ કે સૂકો મેવો ઓછામાં ઓછો સો વાર ચાવીને ગળા નીચે ઉતારવો જોઈએ. તો જ તેના ગુણોનો લાભ મળે.
[22] નાના બાળકને દાંત આવતા હોય ત્યારે તુલસીનો રસ+મધ મિક્સ કરી તેના પેઢાં ઉપર દિવસમાં બેથી ત્રણ વાર લગાવવાથી કોઈ પણ જાતની તકલીફ વગર દાંત આવી જાય છે.
[23] દહીંનો ઉપયોગ માત્ર ઉનાળામાં જ કરવો જોઈએ. દહીં એકલું કદી ન ખાવું, તેમાં મધ, સિંધાલૂણ, ઘી, સાકર કે જીરું આ બધામાંથી કોઈ પણ મિક્સ કરીને ખાવું. રાત્રે દહીં કદી ન ખાવું.
[24] હમેશાં ગરમ ખોરાક ખાવો. એક વાર ઠંડી થયેલ વસ્તુ ગરમ કરીને કે વાસી ખોરાક ક્યારેય ન ખાવો.
[25] હમેશાં ચિંતાનો ત્યાગ કરવો, સદાય ઉત્સાહમાં તથા પ્રસન્ન રહેવું. જો કોઈ પણ પ્રશ્ન કે ચિંતા હોય તો તેનો ઉકેલ કરવો. ચિંતાનું ચિંતન કરવું સ્વાસ્થ્ય માટે હાનિપ્રદ છે.
[26] સામાન્યત: સાંજે 8.00 વાગ્યા પહેલાં જમી લેવું જોઈએ.
[27] ચોમાસા દરમ્યાન મેલેરિયાથી બચવા માટે ચોમાસાની શરૂઆતમાં ત્રણ અઠવાડિયાં રોજ મહાસુદર્શનચૂર્ણ 1/2 કપ ઉકળતા પાણીમાં 1/2 ચમચી રાત્રે પલાળી સવારે તેને સહેજ ગરમ કરી ગાળી નરણા પીવું જોઈએ.
[28] મૂળા સિવાય કોઈ પણ શાકભાજી કાચાં ન ખાવાં જોઈએ. હંમેશાં બાફીને સૂપ બનાવી પીવો જોઈએ.
[29] ખોરાકમાં શિયાળામાં તથા ચોમાસામાં લસણ, કુમળા મૂળા, આદું, લીલી હળદર, આંબા હળદર, ફુદીનો વગેરેનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવો.
[30] જે દિવસે બપોરે અથવા સાંજે જમવામાં મિષ્ટાન્ન વગેરે લીધું હોય તે દિવસે સવારે કે સાંજે ઉપવાસ કરવો અથવા લોટ વગરનું હળવું ભોજન લેવું. (મગ, દાળ, ખીચડી, પુલાવ વગેરે)
[31] દરરોજ સવારે, બપોરે, સાંજે જમ્યા પછી હૂંફાળા પાણીમાં મીઠું નાખી કોગળા કરવા જોઈએ.
[32] મહાન પુરુષો, સત્પુરુષો, સંતો, મહાત્માઓ તથા મહાન વૈજ્ઞાનિકોનાં જીવનચરિત્રો તથા પ્રેરક પ્રસંગોનું વાંચન કરવું જોઈએ.
[33] દિવસમાં અર્ધો કલાક પોતાની મનગમતી પ્રવૃત્તિ કરવી. અઠવાડિયામાં એક વાર કોઈ પણ સત્કાર્ય કરવું જોઈએ. અથવા સત્કર્મમાં મદદ કે સેવા આપવી જોઈએ.
[34] કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિની મજબૂરીનો ફાયદો ન ઉઠાવવો જોઈએ નહિતર આપણે પણ ભગવાન પાસે એવા મજબૂર થઈ ઊભા રહેવું પડે.
[35] કૃતજ્ઞી બનો. કૃતઘ્ની નહિ.
[36] દિવસે સૂવું નહિ. આળસ એ જીવતા મનુષ્યની કબર છે.
[37] વ્યસન તથા રોગોને ઊગતા જ ડામી દેવાં જોઈએ.

મુખવાસ (ભાગ-6) – સંકલિત - Best Gujarati Quotes


[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !
[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.
[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.
[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.
[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.
[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!
[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !
[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !
[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.
[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.
[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.
[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.
[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.
[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.
[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.
[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !
[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !
[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.
[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !
[20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.
[21] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !
[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.
[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.
[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.
[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !
[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !
[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.
[29] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !
[30] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી !
[31] લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અને પછી અરધી મીંચેલી.
[32] જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી !

ગાંધીવાણી - Mahatma Gandhi Quotes – સં. ઉર્વીશ વસાવડા


[1] આપણા આટલા બધા દેશવાસીઓને જીવનની પ્રાથમિક જરૂરિયાતો સુદ્ધાં મળતી નથી એ વખતે, આ આલીશાન મકાનમાં રહેવાનો અથવા મારી જરૂરિયાત કરતાં એક તસુ પણ વધારે જગ્યા વાપરવાનો મને શો હક છે, એમ મારી જાતને હું કેટલીકવાર પૂછું છું.
Sometimes I ask myself what right have I to live in this mansion or to use even an inch of room beyond my strict requirement when so many of our countrymen are denied even the elementary decencies of life.
[2] અનુભવે મને એ પણ બતાવ્યું છે કે સત્યના પૂજારીએ મૌનનું સેવન કરવું ઘટે છે. જાણ્યેઅજાણ્યે પણ મનુષ્ય ઘણી વેળા અતિશયોક્તિ કરે છે અથવા જે કહેવા યોગ્ય હોય તે છૂપાવે છે કે જુદી રીતે કહે છે. આવાં સંકટોમાંથી બચવાને ખાતર પણ અલ્પભાષી થવું આવશ્યક છે. થોડું બોલનાર વગર વિચારે નહીં બોલે; પોતાના દરેક શબ્દને તોળશે.
Experience has taught me that silence is part of the spiritual discipline of a votary of Truth. Proneness to exaggerate, to suppressor modify the Truth, wittingly or unwittingly, is a natural weakness of man, and silence is necessary in order to surmount it. A man of few words will rarely be thoughtless in his speech; he will measure every word.
[3] હું કબૂલ કરું છું કે હું ખાલી હાથે પાછો આવ્યો છું. પણ મને એટલો સંતોષ છે કે જે વાવટાની આબરૂ મારા હાથમાં સોંપાઈ હતી તે વાવટો મેં નીચો નમાવ્યો નથી, કે તેની પ્રતિષ્ઠાને કોઈ રીતે ઝાંખપ લાગવા દીધી નથી. મેં નિરંતર એવી કાળજી રાખી છે ને પ્રાર્થના કરી છે, કે મારાથી ગફલતથી કોઈ ક્ષણે કે નબળાઈની કોઈ પળમાં એવું કાંઈ કામ ન થાઓ કે એવું કંઈ વચન ન બોલાઓ જેનાથી મારા દેશનું ગૌરવ ઝાંખું પડે કે મારા દેશભાઈઓએ મારા પર મૂકેલા વિશ્વાસને માટે હું અપાત્ર ઠરું.
I confess of having returned empty handed. But with a deep sense of satisfaction, that I have not let down the glory and prestige of the flag entrusted in my hands. It has always been my prayer to be very careful in seeing that, no action or utterance on my part, even in the moment of weakness or by some mistake, would diminish the pride of my country, or I may prove inadequate to the trust, my countrymen have shown in me.
[4] ઘણાં આધ્યાત્મિક પ્રસંગોમાં, વકીલાતના પ્રસંગોમાં, સંસ્થાઓ ચલાવવામાં, રાજ્યપ્રકરણમાં હું કહી શકું છું કે ‘ઈશ્વરે મને બચાવ્યો છે.’ જ્યારે બધી આશા છોડીને બેસીએ, બંને હાથ હેઠા પડે, ત્યારે ક્યાંક ને ક્યાંકથી મદદ આવીને પડે છે એમ મેં અનુભવ્યું છે. સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથી, પણ આપણે ખાઈએ છીએ, પીએ છીએ, ચાલીએ-બેસીએ છીએ, એ બધું જેટલું સાચું છે, તેના કરતાંયે એ વધારે સાચી વસ્તુ છે. એ જ સાચું છે, બીજું બધું ખોટું છે. એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આવી ઉપાસના, આવી પ્રાર્થના, એ કંઈ વાણીના વૈભવ નથી. તેનું મૂળ કંઠ નથી પણ હૃદય છે.
But in all my trials – of a spiritual nature, as a lawyer, in conducting institutions and in politics – I can say that ‘God saved me’. When every hope is gone, when helpers fail and comforts flee’ I find that help arrives somehow, from I know not where. Supplication, worship, prayper are no superstition; they are acts more real than the acts of eating, drinking, sitting or walking. It is no exaggeration to say that they alone are real, all else is unreal. Such worship or prayer is no flight of eloquence; it is no lip-homage. It springs from the heart.
[5] મારા ઉપરની તમારી શ્રદ્ધા મને આભો કરી મૂકે છે…. તમારા આટલા બધા વિશ્વાસને હું લાયક છું કે કેમ, એની મને શંકા છે. પણ હું એટલું જાણું છું કે, મારામાં જે કંઈ તાકાત છે તે સર્વથા હું સત્ય અને અહિંસાનો ઉપાસક છું તેને આભારી છે.
Your faith overwhelms me…. I am doubtful whether I deserve all this confidence, but this much I know that whatever strength I may have is entirely due to the fact that I am votary of truth and non-violence.