Google Search

Saturday, June 2, 2012

ચાણક્યના નીતિસૂત્રો – સંકલિત - Best Chanakya Quotes


[1] જ્યારે કોઈ બ્રાહ્મણને ભોજનનું કે કથવાર્તા કરવાનું નિમંત્રણ મળે છે ત્યારે તેને સુખ થાય છે. પત્નીનું સુખ તેના પતિને મળતા ધન ઉપર છે. મંત્રીનું સુખ રાજમંત્ર તથા રાજાની સેવા છે. કામીનું સુખ સ્ત્રી છે. બ્રાહ્મણનું સુખ વેદપાઠ છે. નીચને નીચ કાર્ય કરવાથી જ સુખ મળે છે. આ પ્રકારે સુખ મેળવવા માટેના દરેકના માર્ગો અલગ અલગ હોય છે.
[2] કૂતરું હંમેશા પોતાની પૂંછડી વાંકી જ રાખે છે, સાપ હમેશાં વાંકોચૂકો જ ચાલશે, ગધેડું હમેશાં લાતો જ મારશે, મંકોડાને દૂર ફેંકો તો પણ ત્યાં જ આવશે, માખીને કેટલીય કેમ ના ઉડાડો, ફરીથી ત્યાં જ આવીને બેસશે. આથી તમે એ વાત તરત સમજી જશો કે જેને જે આદત પડી ગઈ તે તે જ કામ કરશે. મનુષ્ય કેવળ પોતાની ટેવોનો ગુલામ હોય છે.
[3] સુંદર છોકરી, રૂપવતી વિધવા, ઘરડો વિધૂર, સાંઢ, ઢોંગી, સંન્યાસી, તાંત્રિક તેમજ ગધેડું – આ બધાથી બચીને ચાલવું જોઈએ. બુદ્ધિમાન આમનાથી પચાસ કદમ દૂર ભાગે છે.
[4] બધી આંગળીઓ સરખી હોતી નથી. એટલા માટે બધા લોકો સરખા સ્વભાવના હોતા નથી, જ્યારે આપણે જુદા જુદા વિભાગોમાં, કામોમાં વહેંચાઈ જ ગયા છીએ, ત્યારે આપણાં કામ પણ જુદાં જુદાં જ હોય ને ? આપણે એકબીજાની ઈર્ષા કેમ કરવી જોઈએ ? તેમજ એકબીજાનો દ્વેષ પણ કેવી રીતે કરી શકીએ ? ઈર્ષાળુ અને દ્વેષીલા ન બનો. તમે સુખી થશો, સંતુષ્ટ થશો, આનંદ પ્રાપ્ત કરશો. દુનિયામાં આવી બધી વાતો જ શીખો ને !
[5] વેશ્યાને સવારમાં, જુગારીને બપોરે, પાપીને મંદિરમાં, શબને ચિતા પર અને બાળકને ખોળામાં જોઈને કોઈને કોઈ પાપ લાગતું નથી. આ બધાં જ શુભ ગણાય છે. એમને આ રૂપે જોવાથી જ્ઞાન વધે છે અને સચ્ચાઈની ખબર પડે છે. આના પર વિચાર કરીને જો જો ને !
[6] પુત્ર સાથે પાંચ વર્ષ સુધી પ્યાર કરો, દસ વર્ષની ઉંમર સુધી તેને ધાકમાં રાખો, સોળ વર્ષની ઉંમર થાય ત્યારે તેને પોતાનો મિત્ર માનો. મિત્રતાનો વ્યવહાર કરવાથી તમે એકમાંથી અગિયાર બની જશો. તે જ સંતાન તમારી સાથે ખભેખભો મેળવીને ચાલવા લાગશે.
[7] સુખી અને શાંતિપૂર્ણ ઘર તે જ છે – જે ઘરમાં સંતાન બુદ્ધિમાન તેમજ ભણેલા-ગણેલાં છે, પત્ની શાંતિપૂર્ણ અને સંપૂર્ણ રીતે સાચી ગૃહિણી હોય, જે ઘરનાં બધાં કામ પોતાના હાથેથી જાતે કરે, જે ઘરમાં મહેમાનોનો આદર સત્કાર થતો હોય, જે ઘરમાં ભગવાનનું પૂજન થતું હોય, જે ઘરમાં હર સમય પીવાને સ્વચ્છ પાણી અને ખાવા માટે તાજું ગરમ ગરમ ખાવાનું મળતું હોય, જ્યાં બુદ્ધિમાનો તેમજ ગુણવાનો સાથેનો સત્સંગ થતો હોય. – આવું ઘર સૌથી સારું અને સ્વર્ગના અંશવાળુ હોય છે. આવા ઘરમાં રહેનાર લોકો સદા સુખી રહે છે.
[8] ઊંઘમાં નસકોરાં બોલતા હોય તેવી સ્ત્રી, નગ્ન સૂઈ જનારો પુરુષ – આ બંને અલ્પાયુ બને છે. દિવસે સંભોગ, રાત્રે જુગાર – આ બંને કાર્યો જીવનના દિવસો ટૂંકા કરે છે. એક વાત હમેશાં ધ્યાનમાં રાખો કે દરેક કામનો એક સમય હોય છે. સમયના ટાંકણે જ કામ કરનારા મહાન બને છે.
[9] પોતાનાથી મોટાંઓની સામે કદી જૂઠું બોલવું જોઈએ નહીં. તેમની સાથે કદી દગો પણ ન કરાય. રાજાની સામે અસત્ય બોલવાથી મૃત્યુદંડ પણ મળી શકે છે. દુશ્મન સાથે દગો કરવાથી ધનનો નાશ થાય છે. બ્રાહ્મણ સાથે દગો કરવાથી કુળનો નાશ થાય છે. એટલા માટે કદી કોઈની સાથે દગો ન કરો. કોઈને અસત્ય બોલીને ફસાવવાનો પ્રયત્ન ન કરો. ભલે ને તમને અસત્ય બોલીને તેમને વિજય અને ધન મળી જાય, પરંતુ મનની શાંતિ કદી નહીં મળી શકે. અસત્ય અને દગો લાંબો સમય ટકી શકતાં નથી.
[10] તે આદમીનું જરૂર મૃત્યુ થશે, તે સંકટમાં પણ અવશ્ય પડશે જેની પત્ની ચરિત્રહીન હશે. માટે ચરિત્રહીન પત્ની, શેતાન મિત્ર, વાતવાતમાં સામો જવાબ આપનાર નોકર, ઘરમાં રહેતો સાપ –આ ચારેય સરખાં છે. ગમે ત્યારે કનડે જ કનડે.
[11] જે માતા-પિતા પોતાના સંતાનોને સારી કેળવણી નથી આપતાં-અપાવતાં, આવાં માતાપિતા જાતે જ એમનાં સંતાનોનાં દુશ્મન બને છે. આવાં સંતાનો જ્યારે સંસારનો ભાર ઉઠાવતાં થાય છે ત્યારે તેમને પોતાની ક્ષુદ્રતાનો અનુભવ થાય છે. આવાં લોકો જ્યારે કોઈ સારી અને પ્રગતિશીલ સભામાં જાય છે ત્યારે તેમને લાગે છે કે હંસોની સભામાં આપણે બગલા જેવા છીએ !
[12] મનુષ્યે હમેશાં આ વિચાર્યા કરવું જોઈએ કે – મારો સમય કેવો છે ? મારો મિત્ર કોણ છે ? મારો દેશ કયો છે ? હું કેવો છું ? મારું હિત શેમાં અને અહિત શેમાં છે ? મારામાં કેટલી બુદ્ધિ, કેટલી શક્તિ છે ? – આવો પ્રશ્ન વારંવાર એણે પોતાની જાતને પૂછ્યા કરવો જોઈએ.
[13] ફૂલમાં સુગંધ, તલમાં તેલ, લાકડામાં અગ્નિ, દૂધમાં ઘી, શેરડીમાં ગોળ – આ રીતે મનુષ્યના મનમાં સુવિચારો સમાયેલા હોય છે. સારા માણસની પરીક્ષા એની બોલીથી, એના વિચારોથી અને એના વર્તનથી થાય છે.
[14] આવા લોકોથી સદાય દૂર રહો – જેણે અન્યાયથી ધન ભેગું કર્યું હોય, અભિમાનથી જેનું મસ્તક ભરેલું જ હોય, જેણે કદી દાન કર્યું નથી, જેને કાનોમાં વેદમંત્રો કે ધર્મમંત્રો પડ્યા નથી, જેનાં નેત્રોએ સત્પુરુષોનાં દર્શન કર્યા નથી. આવા મનુષ્યોને મળવાથી કોઈ લાભ તો નથી જ બલ્કે મનની શાંતિ ઓછી થઈ જાય છે.
[15] મૃત્યુ પછી સ્વર્ગમાં કોણ જાય છે ? સત્ય તેમજ મધુર બોલનારા, પોતાનાં કાર્યોમાં કુશળ, સંતાનોને સુશીલ તેમજ જ્ઞાની બનાવનારા, માતાપિતાની હૃદયપૂર્વક સેવા કરનારા, ઈશ્વરમાં આસ્થા ધરાવનાર તેમજ ખોટાં કામ કરતાં ઈશ્વરથી ડરનારાં – આ બધાં મૃત્યુ પછી સીધા સ્વર્ગમાં જાય છે. મૃત્યુ પછી સીધા નરકમાં કોણ જાય છે ? – ખરાબ શબ્દો બોલનારાં, કટુ વાણી બોલનારાં, આળસુઓ, પોતાના બાંધવો-મિત્રો-સાથીઓ સાથે વિશ્વાસઘાત કરનારા, નીચ લોકોને સાથ દેનારા તેમજ તેમની સેવા કરનારા – આ બધાં મૃત્યુ પછી સીધાં નરકમાં જાય છે.
[16] આ સંસારમાં સૌથી વધારે બળવાન કાળ છે. કાળ જ સંસારના પ્રાણીઓને ખાઈ જાય છે. તેની ભૂખ સંતોષાતી જ નથી, ખાયા જ કરે, ખાયા જ કરે છે. બધાનો નાશ થાય ત્યારે પણ કાળ તો હયાત હોય છે. કાળ હમેશાં જાગ્રત રહે છે, બધાને જગાડતો પણ રહે છે.
[17] લક્ષ્મીનો નિવાસ ક્યાં હોય છે ? – જ્યાં અન્ન ના ભંડાર ભરેલા રહે છે, જ્યાં પતિ-પત્નીમાં કલેશ-કંકાશ હોતો નથી, જ્યાં મૂર્ખની મહેમાનગીરી થતી નથી. કેવળ આવાં જ સ્થાનોમાં લક્ષ્મી નિવાસ કરે છે.
[18] કામવાસના આ સંસારનો સૌથી મોટો રોગ છે. તે મનુષ્યના શરીરને અંદર અંદરથી જ ખોખલું કરી નાખે છે. આનાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. ક્રોધ એ આ સંસારની ભયંકર આગનું નામ છે, તે ઈન્સાનનો વિનાશ કરે છે. જ્ઞાન જેની પાસે હોય તે હમેશાં સુખી રહે છે. સંસારનાં બધાં દુ:ખો જ્ઞાનથી દૂર ભાગે છે.
[19] વિદ્યાર્થી, નોકર, ભૂખ્યો માણસ, ખજાનચી, ચોકીદાર, બુદ્ધિમાન – આ લોકો જો સૂઈ રહે તો તેમને જગાડી દેવા જોઈએ. કારણકે વિદ્યાર્થી જો સૂઈ રહે તો તેનો અભ્યાસ નહીં થાય, નોકર સૂઈ રહેશે તો માલિક તેને કાઢી મૂકશે, ભૂખ્યો જો સૂઈ રહેશે તો પેટ માટે રોટીની શોધ કરવા કોણ જશે ? ખજાનચી કદી સૂઈ રહેશે તો ધન ચોરાઈ જશે. ચોકીદાર સૂઈ જશે તો પણ ચોરી થઈ જશે. એટલા માટે આવા લોકોને જગાડવ એ ઉચિત છે.
[20] ધુવડ દિવસે જોઈ શક્તું નથી તેમાં સૂર્યનો શો દોષ ? કેરડાના છોડ પર પાંદડા ઊગતાં નથી, ફૂલો થતાં નથી તેમાં ભલા વસંતનો શો દોષ. ચાતકના મોમાં વર્ષાનું એક ટીપું પડતું નથી તેથી ભલા વાદળોનો શો વાંક ? – અરે ભાઈ, વિધાતાએ આપણા નસીબમાં જે કંઈ લખી દીધું છે તે જ થઈને રહેશે. એને તો દુનિયાની કોઈ શક્તિ બદલી શકતી નથી.

No comments:

Post a Comment