‘માનસ વિવેક’ની સંવાદી ચર્ચા થઈ રહી છે, અને એ પણ સ્વામી વિવેકાનંદના સ્મરણમાં તથા ‘અક્ષયપાત્ર’ની સદપ્રવૃત્તિ પ્રત્યે સંવેદના જાગે એ માટે. મારી પાસે કેટલીક જિજ્ઞાસાઓ આવી છે.
એક પ્રશ્ન છે કે, ‘બાપુ, અમારે અમારો જન્મદિન શાંતિથી મનાવવો જોઈએ, એવું આપ શા માટે કહો છો ?’ મારી સ્મૃતિ છે ત્યાં સુધી મેં એવું ભાગ્યે જ કહ્યું છે કે પાર્ટી નહીં મનાવવી જોઈએ. પરંતુ વધારે કથા સાંભળતા હોઈએ, તો સ્વપ્નમાં પણ ઘણા વક્તાઓ આવતા હોય અને વાતો મારે નામે ચડી જતી હોય એમ બને ! તમે ખોટા છો એમ હું નથી કહેતો, પરંતુ હું બાળકો જન્મદિનની પાર્ટી મનાવે એનો વિરોધી નથી. હું મારો જન્મદિવસ ક્યારેય નથી મનાવતો, પણ તમે તમારા જન્મદિવસની પાર્ટી ન મનાવો એવા મતનો પણ હું નથી. હું એટલું જરૂર કહું કે પાર્ટી મનાવો પરંતુ તમારાં કુળ, ખાનદાની અને પરંપરા તૂટે નહીં એ રીતે મનાવો. એમાં ખાવાનું એવું ન હોવું જોઈએ કે જન્મદિવસે આશીર્વાદ આપવા આવેલી ચેતના તમારું એ દશ્ય જોઈને પાછી વળી જાય ! ખૂબ જોમથી મનાવો, પરંતુ મર્યાદા ન તોડો. હું યુવાન ભાઈ-બહેનોને વિવેકપૂર્ણ સ્વતંત્રતા આપું છું.
બે-ત્રણ દિવસથી પ્રશ્ન આવે છે કે, ‘પૂજામાં મન કેમ નથી લાગતું ?’ પૂજામાં મન નહીં લાગે. જ્યારે તમે ઠાકુરને પ્રેમ કરશો ત્યારે જ મન લાગશે. પૂજા તો બે પૈસાની થાય છે, કરી લીધી અને નીકળી ગયા ! પૂજાથી તરત છૂટકારો મળી જશે. પૂજા ન કરો એવું હું નથી કહેતો, હું પણ પૂજા કરું છું. પરંતુ પૂજાથી ઘણી ઊંચી વાત પ્રેમની છે એ પણ ન ભૂલો. અહીં પ્રેમ જ પૂજા છે.
जाओ रे जोगी तुम जाओ,
यह प्रेमियों की नगरी….
यह प्रेमियों की नगरी….
મને વિવેકાનંદજીના એક વાક્યનું સ્મરણ થાય છે. એમણે કહ્યું હતું કે, ‘તમારાં બાળકોને બળજબરીથી ‘ગીતા’ વંચાવવાથી સ્વર્ગ નહીં મળે, એમનું સ્વર્ગ ફૂટબોલ રમવાથી વધુ નજીક પડશે.’ એકવાર એને મનગમતી રમત રમવા દો, એને આનંદમાં રહેવા દો, ત્યાર પછી એની રુચિ જોઈને ‘ગીતા’ વંચાવશો તો એ ‘ગીતા’ એના અંતઃકરણમાં બરાબર ઊતરશે. તમે સાક્ષી છો, હું કોઈને ઘેર જઉં છું ત્યારે કેટલાક લોકો બાળકને લાવીને બળજબરીથી ઝુકાવે છે ! તમને નથી લાગતું કે એનાથી મારું અપમાન થઈ રહ્યું છે ? વિવેકપૂર્વક વિચારો. બાળકને બળજબરીથી ઝુકાવવાની શું જરૂર છે ? ચેતનાની કોઈ સ્વતંત્રતા નથી ? ખલીલ જિબ્રાનને યાદ કરો, ‘તમારાં બાળકો તમારાં નથી તમારા દ્વારા આવ્યાં છે.’ પ્રેમ કરો તો આપણાં બાળકો શું ન કરે ? બળજબરી ન કરો. થોડા પ્રેક્ટિકલ બનો. સાધનાને જીવનથી અલગ ન કરો. જીવન જ સાધના છે.
તમે જુઓ, ભગવાન રામના બધા સંસ્કાર ‘બાલકાંડ’માં થયા. ‘બાલકાંડ’ પ્રભુની સંસ્કારલીલા છે, પરંતુ ‘બાલકાંડ’માં આગળ જાઓ તો સંસ્કારની સાથેસાથે જનકપુરમાં સૌંદર્યલીલા પણ છે. सुंदरता कहुं सुंदर करई । छबिगृह दीपसिखा जनु बरई ।। ‘રામચરિત માનસે’ જીવનના કોઈપણ રંગનું ખૂન નથી કર્યું, રસવર્ધન કર્યું છે. ઠાકુર કહેતા હતા કે રાજાનો મહેલ હોય, એમાં કર્ચચારી બધી જગ્યાએ નથી જઈ શકતા, પરંતુ રાજા દરેક જગ્યાએ જઈ શકે છે. એવી જ રીતે તમારા મુન્નારાજા વિવેકી થઈ જશે તો બહાર પણ મેદાન મારશે અને અંદર પણ મેદાન મારી જશે. એને રાજા બનાવો. કમ સે કમ જગત સંસ્કાર અને સૌંદર્યથી તૂટવું ન જોઈએ. હું જવાબદારી પૂર્વક કહું છું કે, ‘માનસ’ સરળમાં સરળ ભાષામાં, સરસમાં સરસ બોલીમાં, વિશ્વનાં આંતર-બાહ્ય રહસ્યોને ખોલનારો ગ્રંથ છે. અને હું એ પણ કહું છું કે ‘માનસ’ ક્રાંતિકારી ગ્રંથ છે. આ વિશ્વ માટે અંતિમ સદગ્રંથ છે. ‘માનસ’માં ક્યાંય કોઈ સ્થળે જીવનના લયનો ભંગ નથી થતો, એક છંદ બંધાય છે, એક રસસૃષ્ટિ રચાય છે. નાચતો એવો ગ્રંથ છે આ – जासु बिलोकि अलौकिक सोभा । सहज पुनीत मोर मनु छोभा ।। ‘માનસ’માં કહેવાયું છે એવું બહુ ઓછા ધર્મગ્રંથોમાં કહેવાયું છે. ‘માનસે’ કહ્યું કે તમે સારું સારું ભોજન કરો, પરંતુ પહેલાં ઠાકુરને અર્પણ કર્યા બાદ. ભગવાનને અર્પણ કરવાથી ભોગ મટી જાય છે, પ્રસાદ શરૂ થઈ જાય છે. ‘માનસે’ ક્યારેય નથી કહ્યું કે તમે સારાં કપડાં ન પહેરો. પરંતુ તમારા મોરારિબાપુ એટલી વિનંતી તો કરશે જ કે ક્યારેક ઝૂંપડા તરફ પણ જુઓ. ત્યાં એક પણ કપડું નથી ! વર્ષમાં તમે તમારા માટે જેટલાં કપડાં ખરીદતા હો એના દસમા ભાગનાં કપડાં કોઈને જાણ ન થાય એવા આપણાં વસ્ત્રવિહીન બાળકોને પણ આપી દો એવું તમે ન કરી શકો ? સંવેદના જવી નહીં જોઈએ. કલ્યાણકારી વેદવિદિતા વિશેષરૂપે આપણામાં આવે એનું નામ જ વિવેક છે. ‘વિ’ એટલે વિશેષરૂપે, ‘વે’ એટલે વેદની વિદિતા અને ‘ક’ એટલે કલ્યાણકારી.
મારાં ભાઈ-બહેનો, સારાં કપડાં પહેરો, પરંતુ તુલસી કહે છે, ‘प्रभु प्रसाद पट भूषण धरही ।’ ભગવાનનાં ચરણોમાં રાખીને પછી પહેરો. અથવા તો કોઈ ભૂખ્યાને ખવડાવશો તો પણ ભોગ ધરાઈ જશે. રામનવમીને દિવસે આપણે રામમંદિરમાં તો ઘણાં વસ્ત્રોનું દાન કરીએ છીએ, પરંતુ ઝૂંપડામાં કેટલાય રામ નગ્ન છે એનું શું ? વિવેકાનંદ ત્યાં સુધી પહોંચ્યા હતા. વિવેકાનંદજીએ કદાચ અમેરિકામાં કહ્યું હતું કે, ‘હું એવો ધાર્મિક નથી કે મંદિરનો પાયો કેટલો ઊંડો છે, મંદિરની મૂર્તિ કેવી છે, મંદિરની ધજા કેવી હોવી જોઈએ, એમાં જ રસ દાખવું. મારી વાત તો એ છે કે મારા દેશનો એક પણ બાળક નગ્ન કે ભૂખ્યો ન હોય.’ કલ્યાણકારી વેદવિદિતા વિશેષરૂપે આપણામાં સ્થાપિત થાય એને મોરારિબાપુ વિવેક કહે છે. હું જવાબદારી લઈને બોલી રહ્યો છું. જન્મદિવસે થોડી ઠાકુરની પૂજા પણ ભલે થઈ જાય પરંતુ પૂજા કરતાં પ્રેમ બહુ ઊંચી સાધના છે. જેને સાચા દિલથી પ્રેમ કરતા હો એને તમે ભૂલી શકો છો ? અને પૂજા તો એક કલાક પછી ખતમ ! વળી, પૂજામાં તો એ જ છળ, કપટ ! પ્રેમ કરનારા ક્યારેય કોઈને છેતરશે નહીં. કદંબનું એક પાંદડું હાલતું’તું તો ગોપીને થતું’તું કે પાંદડું નહીં, પણ કૃષ્ણનું પીતાંબર હલી રહ્યું છે. પ્રેમ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ધરાતલથી શરૂ કરો, ધીરેધીરે એને ડેવલપ થવા દો, પછી એ જ પ્રેમ પરમાત્મા સુધી લઈ જશે. લઈ જશે શું, એ પ્રેમ જ પરમાત્મા બની જશે. આપણા શાયર ખુમાર બારાબંકવી સાહેબનો પ્રસિદ્ધ શે’ર છે –
ये मिसरा नहीं है ये वजीफ़ा है मेरा,
खुदा है मोहोब्बत, मोहब्बत खुदा है ।
खुदा है मोहोब्बत, मोहब्बत खुदा है ।
જિસસે કહ્યું હતું કે, પ્રેમ જ પરમાત્મા છે. પ્રીતની અંતિમ અવસ્થા ભક્તિ છે, ભક્તિની અંતિમ અવસ્થા ભગવાન છે. વિવેકાનંદજી કહે છે, બાળકને ફૂટબોલથી રમવા દો, એનું સ્વર્ગ ત્યાંથી નજીક પડશે. જુઓ, આ ક્રાંતિકારી વચન છે. ભારતનો એક નવયુવાન આટલાં વર્ષો પહેલાં બોલ્યો છે અને એમનું એ વક્તવ્ય આજે પણ તાજું લાગે છે, કારણ કે એના ગુરુ પણ એટલા જ પ્રેક્ટિકલ હતા. એ કહે છે, ‘માની કૃપાથી મારામાં એવી ક્ષમતા આવી છે, હું તમારી પાસે બેસું છું તો તમારી સાથે મોજ કરી લઉં છું, અંદર ચાલ્યો જઉં છું તો સમાધિનો આનંદ લઈ શકું છું. હું રાજા બની ગયો છું, મને દરેક ખૂણામાં જવાની છૂટ છે.’ બાળક ખોટા રસ્તે ચાલ્યો ન જાય એનું પ્રેમથી ધ્યાન રાખો, પાબંદી ન રાખો. ‘માનસે’ કોઈ રસભંગ નથી કર્યો. અરે ! સો વર્ષના ઘરડા તુલસીદાસ શાસ્ત્ર પૂરું કરતી વખતે લખે છે – कामिहि नारि पिआरि जिमि लोभिहि प्रिय जिमि दाम । રૂપક રચ્યું છે, પરંતુ દષ્ટાંત તો જુઓ ! એ વખતે એમને કામ અને લોભ યાદ આવ્યા ! કારણ કે એમને પોતાને પ્રગટ કરવા હતા. આપણા સિદ્ધાંતો તો કરકરા હતા, પરંતુ કેટલા વેદિયા લોકોએ એને ચીકણા બનાવી દીધા છે ! દરેક બાબતમાં અધ્યાત્મની શું જરૂર છે ? એને એઝ ઈટ ઈઝ રહેવા દો ને !
મારી પાસે કેટલાક શે’ર છે –
जो भी अंदर है उसको ही बाहर रखना,
उस तक पहूंचने का यह सीधा सा रास्ता है ।
उस तक पहूंचने का यह सीधा सा रास्ता है ।
રાજ કૌશિકનો આ શે’ર છે. ‘ભાગવત’ની ભાષામાં એને આત્મનિવેદન કહે છે :
वैसे तो जिन्दगी में क्या क्या नहीं हुआ है ?
इस बार जो हुआ वो पहली बार हुआ है ।
इस बार जो हुआ वो पहली बार हुआ है ।
મને તો દરેક વખતે લાગે છે કે, આ કથામાં જે આનંદ આવ્યો એ પહેલાં નથી આવ્યો ! દરેક દિવસને એવી રીતે વિચારો, અને એવો પ્રેમ કરશો તો તમને પણ એવો અહેસાસ થશે કે આ વખતે જે થયું એ પહેલી જ વાર થયું. રોજ નૂતન રહો.
एक ललक ही है जो खींच लाती है,
वर्ना क्या रखा है तेरी महेफ़िल में साकी ?
वर्ना क्या रखा है तेरी महेफ़िल में साकी ?
એક ‘લલક’ ખેંચે છે ! આ ‘લાલસા’ જ ભક્તિ છે. ભક્તિમાર્ગનો બહુ મજાનો શબ્દ છે ‘લાલસા’. ‘કૃષ્ણદર્શન લાલસા.’ દરેક સવાર આપણા માટે આશીર્વાદ લઈને આવે છે. રોજ નવો રસ ! નાચો, ગાઓ, ઉત્સવ મનાવો, પરંતુ વિવેક તોડ્યો તો રસભંગ થઈ જશે, ખેલ બગડી જશે.
No comments:
Post a Comment