Google Search

Friday, August 3, 2012

નયનકક્ષમાં


વિચારો ન શોધો ન બોલો કશું
સતત મૌન રાખો શયનકક્ષમાં,
હૃદયના અધૂરા બધા ભાવની
થશે પૂર્તતા અધ્યયનકક્ષમાં.
ઘૂંટાશો, દબાશો, કણસતાં થશો,
થશે મૂંઝવણ, હૂંફ પણ પામશો;
મળાશે સહજ ભીતરી ભેજને,
સજળ કોઈના બે નયનકક્ષમાં !
ન ઈચ્છા ઉપર કોઈ કાબૂ રહ્યો,
રહી તો રહી એક પરતંત્રતા;
ન પામી શકું છું ન ત્યાગી શકું,
ઊભો છું નિરંતર ચયનકક્ષમાં.
દિશાઓ બની છે દીવાલો અહીં,
નથી પાંખમાં આસમાનો હવે;
દિશાશૂન્ય આંખો આ પટકાય છે,
તમસથી ભર્યા ઉડ્ડયનકક્ષમાં.
– સ્નેહલ જોષી

No comments:

Post a Comment