Google Search

Friday, August 3, 2012

પાંચ લઘુકાવ્યો


[1]
પછી હું
લખતો ગયો
કોરી પાટીમાં.
બધું જ લખાતું-અંકાતું ગયું,
મારી ભીતર;
ને પાટી તો
કોરીકટ !
[2]
મોતી શોધવા હું
સમુદ્રમાં ડૂબકી મારું
તે પહેલાં તો આખોયે સમુદ્ર
બની ગયો અચાનક
એક નાનકડું મોતી !
[3]
પછી મેં
ફૂંક મારી.
દીવો તો હોલવાયો નહીં,
રાત હોલવાઈ ગઈ !
[4]
પછી મેં
ઝંપલાવ્યું વહેતી નદીમાં,
પાણી સ્થિર થઈ ગયું.
ને હું વહેતો ગયો, કશેક, કોરોકટ !
[5]
વરસાદી મ્હેંકવાળી,
ચપટીક માટી,
જીભ પર;
ને બધાં જ ફળ-ફૂલ
મારા મ્હોમાં !
– હર્ષ બ્રહ્મભટ્ટ

No comments:

Post a Comment