હે ગુલબદન, તારું વદન જોતા ઘરાતો હું નથી,
મયથી ભરાયે જાઉં છું, છલકાઈ જાતો હું નથી.
હું પ્રેમનું એવું અલૌકિક છું ઝરણ હે બે ક્દર,
અવહેલનાની આગમાં બાળ્યો બળાતો હું નથી.
ગંગામહી સદ્ ભાવનાની એટલો પાવન થયો,
કે વેરથી વા ઝેરથી વટલાઈ જાતો હું નથી.
માટી તણી કબરે ભલે આ બીજાને દાટો ભલે,
ફોરીશ થઈ ને ફૂલ , કૈ દાટ્યો દટાતો હું નથી.
આ કોઈ બીડે આંખડી , કો દ્વાર બંધ કરી રહ્યા,
શું આટલો છું તેજ કે જીરવી શકાતો હું નથી.
ઈન્સાનિયતના રંગ પર સંમુગ્ધ થઈ બેઠો જટિલ,
કે કોઈ દંભી રંગમાં રંગાઈ જાતો હું નથી.
-જટિલ
No comments:
Post a Comment