રાષ્ટીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના કાવ્ય ’શીવાજીનું હાલરડૂં’ ના પરથી પ્રેરણા લઈ દાદા હનુમાનજીનું હાલરડું ની મજા માણીએ.
અંજની જાયો
પારણે પોઢેલ બાળ મહાવીર ને સિંહણ જાયો છે વીર
જડે નહીં જગતે જોટો , અવનીયે અવતરીયો મોટો
કેસરી નંદનને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે
ઉર પ્રસન્ન ને આંખ મીંચાણી, અંજની માને સપનું દેખાણું
ભાગ્યવંત મા ભારતની ભૂમિ,પવનદેવે દીધું લાખેણું નઝરાણું
માત થાશે ,તારો લાલ બડભાગી, દેવાધી દેવની દેવ પ્રસાદી
ધર્મપથી, શક્તિ ભક્તિની મૂર્તિ, પરમેશ્વરની બાંધશે પ્રીતિ
શ્રેય કરી જગ ભય હરશે, ધર્મ પથે ધર્મ યુધ્ધ ખેલશે
જગ કલ્યાણે જગદીશ રીઝવશે,રામ ભક્તિથી ભવ સાગર તરશે
ભવ કલ્યાણી અંજની નીરખે, હરખે ઉર આનંદે મલકે
કેસરીનંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે
પોઢંતો પ્રતાપી, વજ્રની શક્તિ,મુખની લાલી ને આભા છે પ્યારી
જડી બુટ્ટી રામની જાણશે જ્યારે, ચારે યુગનો થાશે કલ્યાણી
ભક્ત ભગવાનનાં મિલન થાશે,ભગવદ શક્તિનો સથવારો થાશે
વીર કેસરી ગર્જના કરશે , દશે દિશાઓ હાંકથી કંપશે
દેવી કલ્યાણી અંજની નીરખે, અમીરસ અંતરે ભાવે ઉછળે
કેસરી નંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે
લાલ તારો લાંધશે જલધિ, પવનવેગી ગગન ગામી ઘૂમશે અવની
હિમાળેથી સંજીવની લાવશે ઊડી, અવધપૂરી ગાશે ગાથા રુડી
પનોતી પાસ ન ઢૂંકવા દેશે, રામ ભક્તિથી અમર થાશે
કેસરીનંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે
- રમેશ પટેલ ‘આકાશદીપ’
No comments:
Post a Comment