Google Search

Friday, April 26, 2024

દર્શન કરી લઉં છું - અકબરઅલી જસદણવાલા

                                     મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,

પ્રસંગોપાત્ત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.

સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,

જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.

મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું,

નયન નિર્મળ કરીને રૂપનું દર્શન કરી લઉં છું.

નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન નથી હોતું,

બહુધા હું હૃદયમાં એક આંદોલન કરી લઉં છું.

અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,

પ્રતિમા હો કે પડછાયો હું આલિંગન કરી લઉં છું.

સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ના જીવનમાં?

વિસર્જન થાય છે નિત્, નિત્ નવું સર્જન કરી લઉં છું.

No comments:

Post a Comment