આંખ સામે આલબમ જ્યાં જૂનું આવી જાય છે,
બ્લૅક ઍન્ડ વ્હાઈટ સમય પણ રંગભીનો થાય છે.
બાના બોખા સ્મિતવાળો ચહેરો જ્યારે જોઉં છું,
આજ પણ ફોટા મહીંથી વારતા સંભળાય છે.
જે દીવાલો પર કરેલા હોય લીટા આપણે,
એ જ દીવાલો ઉપર ફોટો કદીક ટીંગાય છે.
એક પણ ઍન્ગલથી એ મૉડેલ જેવાં છે નહીં,
લગ્ન કરતાં મમ્મીપપ્પા કેટલાં શરમાય છે!
એ નિખાલસતા, ઉમળકો, પ્રેમ ક્યાંથી લાવશું?
જૂના ફોટા પાડવા ક્યાં એટલા સ્હેલાય છે?
No comments:
Post a Comment