કદી મહેનત કરી લઉં છું, કદી રાહત કરી લઉં છું,
ઘણી વેળા અમસ્તી પણ ખડી આફત કરી લઉં છું.
કિનારા જેમ સાગરથી કદી જીવ્યું નથી જાતું,
નિરંતર હું જીવનમાં કંઈ ને કંઈ હરકત કરી લઉં છું.
જીવનને આંગણે નિત્ નિત્ નવા મહેમાન આવે છે,
ખુશી આવે - ગમી આવે, પરોણાગત કરી લઉં છું.
નહિવત્ છું, પરંતુ આભ સામે મીટ માંડું છું,
પ્રભુની દેન છે કે આવડી હિંમત કરી લઉં છું.
સભામાં કોઈ ‘અકબર'થી પરાયું રહી નથી શકતું,
ગઝલમાં હું પરાઈ પીડને અંગત કરી લઉં છું.
No comments:
Post a Comment