Google Search

Sunday, May 11, 2025

ધરી ધીરજ ભલે પળપળ

ધરી ધીરજ ભલે પળપળ,

છતાં મોંઘૂં મળ્યું છે ફળ.


ભલા માણસ કદી બે પળ,

અરીસા બ્હાર આવી મળ.


સરળતા ને સમજવામાં,

સદા સૌ જાય છે નિષ્ફળ.


એ સર્જનહાર દુનિયાનો,

કરી જાણે છે સ્થળને જળ.


છે એવું પ્રેમ નું ઝરણું,

વહે જે મુજ મહિં ખળ ખળ.


છે સૌના હોઠ ઉપર સ્મિત,

અને છે દિલમાં દાવાનળ


કદી છતથી કે આંખોથી,

શું ઘરમાં રોજ ટપકે જળ.


જુએમાં રાહ દિકરાની,

અને આવે છે બસ કાગળ.


મળે મહેબુબ કોક એવું,

જે દુઃખમાં પણ રહે આગળ.

ક્યાં પડી છે ? - Harsha Dalwadi tanu

‍નશો એ ફૂલનો છે, બાગની ક્યાં પડી છે ?

તરસ પ્યાલાની હોય, ઘડાંની ક્યાં પડી છે.


બની ઘાયલ એવા, ને ઘાવ ઝીલવા,

બેફામ બનીને જીતવાની ક્યાં પડી છે ?


મરીઝ કોણ નથી અહીં, કૌન એવા ?

પ્રશ્ન પૂછવા ઘેલછાની ક્યાં પડી છે ?


ખુશ્બુ ફેલાઈ ગઈ ચારેતરફ જે,

એ ફૂલને અત્તરની ક્યાં પડી છે ?


રજા મળી "તનુ" બોલવાની, કેમ

હવે જિંદગીમાં જગ્યાની ક્યાં પડી છે ?

સ્મરણ - Pushpa Mehta

એ નદી એ ઘાટ મસ્તી ઘેલપણ,

લે તને હું મોકલું એના સ્મરણ.

છીપલાં કુકા ચણોઠી રેતમાં,

શોધતાં આજે દીઠું એ નાનપણ!

કેડ પર ગાગર મૂકેલી ચાલમાં,

સાથ તારો સાંભરે છે આજ પણ.

વાર્તા પરીઓ ને રાજા રાણીની,

ભેરુંના બુચ્ચા – કિટ્ટાનું ભોળપણ.

ફાતિમા મીના અમીના સૌ મળી,

દેદો ફૂટયાની સ્મરણ છે આજ પણ

જોજનો દૂર થઈ બધી સાહેલીઓ,

ક્યાં મળે કોઈની હવે તો ભાળ પણ?

સાથી હતા સુખ દુ:ખના પાડોશીઓ,

પૂછીએ કોને ભુલાયા નામ પણ.

આવ કાગા, પી કાઢી એ યાદની,

કાંકરી ખુંચે મને તો આજ પણ!

થાય મનમાં કે ફરી બાળક બનું!

જઈ સમેટી લઉં સરેલું બાળપણ...

Friday, April 26, 2024

આવ ને આવીને કંઈ રકઝક ન કર - અંકિત ત્રિવેદી

                                                     આવ ને આવીને કંઈ રકઝક ન કર,

સાવ ખાલી આંખને ભરચક ન કર.

સ્હેજ હડસેલીને અંદર આવજે–,

બારણે પહોંચ્યા પછી ઠક ઠક ન કર.

શું વીતે છે એની સૌને છે ખબર,

આમ તું ઘડિયાળમાં ટકટક ન કર!

મીરાં, નરસૈયો, કબીર બોલી ચૂક્યાં,

તું વળી તારી રૂએ બકબક ન કર.

બે જણા અંધારું શોધે છે ફરી,

પથ્થરો ભેગા કરી ચકમક ન કર.

આંખ સામે આલબમ જ્યાં જૂનું આવી જાય છે - અંકિત ત્રિવેદી

                             આંખ સામે આલબમ જ્યાં જૂનું આવી જાય છે,

બ્લૅક ઍન્ડ વ્હાઈટ સમય પણ રંગભીનો થાય છે.

બાના બોખા સ્મિતવાળો ચહેરો જ્યારે જોઉં છું,

આજ પણ ફોટા મહીંથી વારતા સંભળાય છે.

જે દીવાલો પર કરેલા હોય લીટા આપણે,

એ જ દીવાલો ઉપર ફોટો કદીક ટીંગાય છે.

એક પણ ઍન્ગલથી એ મૉડેલ જેવાં છે નહીં,

લગ્ન કરતાં મમ્મીપપ્પા કેટલાં શરમાય છે!

એ નિખાલસતા, ઉમળકો, પ્રેમ ક્યાંથી લાવશું?

જૂના ફોટા પાડવા ક્યાં એટલા સ્હેલાય છે?

દર્શન કરી લઉં છું - અકબરઅલી જસદણવાલા

                                     મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,

પ્રસંગોપાત્ત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.

સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,

જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.

મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું,

નયન નિર્મળ કરીને રૂપનું દર્શન કરી લઉં છું.

નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન નથી હોતું,

બહુધા હું હૃદયમાં એક આંદોલન કરી લઉં છું.

અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,

પ્રતિમા હો કે પડછાયો હું આલિંગન કરી લઉં છું.

સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ના જીવનમાં?

વિસર્જન થાય છે નિત્, નિત્ નવું સર્જન કરી લઉં છું.

અંગત કરી લઉં છું

                                         કદી મહેનત કરી લઉં છું, કદી રાહત કરી લઉં છું,

ઘણી વેળા અમસ્તી પણ ખડી આફત કરી લઉં છું.

કિનારા જેમ સાગરથી કદી જીવ્યું નથી જાતું,

નિરંતર હું જીવનમાં કંઈ ને કંઈ હરકત કરી લઉં છું.

જીવનને આંગણે નિત્ નિત્ નવા મહેમાન આવે છે,

ખુશી આવે ગમી આવે, પરોણાગત કરી લઉં છું.

નહિવત્ છું, પરંતુ આભ સામે મીટ માંડું છું,

પ્રભુની દેન છે કે આવડી હિંમત કરી લઉં છું.

સભામાં કોઈ ‘અકબર'થી પરાયું રહી નથી શકતું,

ગઝલમાં હું પરાઈ પીડને અંગત કરી લઉં છું.