Google Search

Friday, August 3, 2012

ઊંચે નભ ગોખ…


હાલ્ય, આજ એવાં તો હિલ્લોળે ચડીએ કે
દરિયાને થકવાડી નાખીએ,
મારામાં હોય તું, તારામાં હુંય
ઠેઠ તળ લગી જઈ જઈ વિહામીએ.
નસનસનું બુંદ બુંદ એટલું તો ઊછળે કે
આખાયે આભને ઉતારતું,
ભીતરમાં થાવાને ભેળાં, જો સપનું આ
પગ એના દિશ દિશ પસવારતું,
બારણિયાં રોમ રોમ કેરાં કૈં ખુલ્યાં તો
કેમ કરી એને અવ વાખીએ ?
હાલ્ય, આજ એવાં તો હિલ્લોળે ચડીએ કે
દરિયાને થકવાડી નાખીએ.
ઊંચે નભ-ગોખ એક દીવડો ઝગે રે
એની ઝળમળ ઝાળે રે મીટ મેળવી,
જુગ જુગથી જાણે કે જોયા કરવાને આમ,
આપણને કોણ રહ્યું કેળવી ?
નોખા નોખા તો ભલે પ્રગટે બે સૂર;
એને સાંભળતાં એકસૂર લાગીએ;
હાલ્ય, આજ એવાં તો હિલ્લોળે ચડીએ કે
દરિયાને થકવાડી નાખીએ.
– ઊજમશી પરમાર

No comments:

Post a Comment