Google Search

Friday, August 3, 2012

ઓછા પડ્યા !


ભારે સખત પહેરા અને એ જાપતા ઓછા પડ્યા
સરકી ગયું પંખી પલકમાં ફાંસલા ઓછા પડ્યા
રાખી ન’તી સહેજે કસર બરબાદ કરવામાં મને
પણ એમના એ છળ-કપટના ત્રાગડા ઓછા પડ્યા
ખુલ્લી પડી ગઈ વાત એનાં નેણના અણસારથી
ધારણ કર્યા’તા મૌનના એ અંચળા ઓછા પડ્યા
સમજ્યા નહિ એ વાત મારી, દોષ એ મારો જ છે
આપ્યા હતા મેં ખંતથી એ દાખલા ઓછા પડ્યા
કંઈ કેટલી લાંબી હતી એના વિરહની રાત એ
ગણતો ગયો, ગણતો રહ્યો ને તારલા ઓછા પડ્યા
આવ્યા હતાં એ લઈ કટક ‘બેજાન’ને હંફાવવા
જખમો હતા કાતિલ બધા, પણ બાપડા ઓછા પડ્યા
– ‘બેજાન’ બહાદરપુરી

No comments:

Post a Comment