Google Search

Wednesday, August 1, 2012

હું વિનષ્ટ નથી


રડો શાને મારાં સ્વજન, અવ મારા મરણ પે ?
હતો જે રૂપે તે અવ નથી હું, તેથી જ ? પણ ના
હયાતી-હસ્તીનું કદી પણ નહોવું, મરણ ના
કહો એને; આવું રડવું ન ઘટે વિસ્તરણ પે;
તમારું વ્હાલું આ પૂતળું હતું પાંચેભૂતગ્રથ્યું,
થયું એકાકારે પ્રગટ મૂરતે ને સૂરતમાં,
ફરી તે વ્હેંચાઈ, વિખરઈ જશે પાંચ ભૂતમાં,
નથી મેં ચાહ્યું આ વિખરઈ જવું એમ અમથું;
અહો, મેં ચાહ્યાં છે સકલ ભૂત એવી પ્રીત વડે,
દરેકે ભૂતે તે વધુ કંઈ ઉમેરાયું ય હશે
મહારું યે, હુંયે હઈશ પ્રસર્યો સૌ ભૂત વિશે,
મને શોધી લેજો, જડી જઈશ ક્યાં ભીતરી પડે;
ફરી જો સૌ ભૂતો હચમચવી ભેળાવી મૂકશે,
ગૂંથ્યો તો દેખાશે જરૂર મુજ કૈં રૂપ-નકશો.
– ઉશનસ્

No comments:

Post a Comment