એ નદી એ ઘાટ મસ્તી ઘેલપણ,
લે તને હું મોકલું એના સ્મરણ.
છીપલાં કુકા ચણોઠી રેતમાં,
શોધતાં આજે દીઠું એ નાનપણ!
કેડ પર ગાગર મૂકેલી ચાલમાં,
સાથ તારો સાંભરે છે આજ પણ.
વાર્તા પરીઓ ને રાજા રાણીની,
ભેરુંના બુચ્ચા – કિટ્ટાનું ભોળપણ.
ફાતિમા મીના અમીના સૌ મળી,
દેદો ફૂટયાની સ્મરણ છે આજ પણ
જોજનો દૂર થઈ બધી સાહેલીઓ,
ક્યાં મળે કોઈની હવે તો ભાળ પણ?
સાથી હતા સુખ દુ:ખના પાડોશીઓ,
પૂછીએ કોને ભુલાયા નામ પણ.
આવ કાગા, પી કાઢી એ યાદની,
કાંકરી ખુંચે મને તો આજ પણ!
થાય મનમાં કે ફરી બાળક બનું!
જઈ સમેટી લઉં સરેલું બાળપણ...
No comments:
Post a Comment