Google Search

Wednesday, September 26, 2012

કેમ પડતું નથી બદન હેઠું



કેમ પડતું નથી બદન હેઠું,
ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું.

દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં,
અન્ય બીજું કોઈ જઈ પેઠું.

અગ્નિજ્વાળા શમી ગઈ અંતે,
કોણ આ રાખથી થતું બેઠું.

કોને મોઢું બતાવીએ આદિલ,
માટીનું ઠીકરું અને એઠું.

- આદિલ મન્સૂરી

રુપ અને પ્રેમ…



રુપની દરેક અદા લાવશો તમે જો,
પ્રેમનાં અંબાર ખડકીશું અમે તો…

રુપની મોહકતા મહેકાવશો તમે જો,
પ્રેમની કોમળતા બતાવશું અમે તો…

રુપનાં ઝગારા મારશો તમે જો,
પ્રેમનો દિવો પ્રગટાવશું અમે તો…

રુપનું વજ્ર ચલાવશો તમે જો,
પ્રેમની ઢાળ બનાવશું અમે તો…

અંગ રુપથી સજાવશો તમે જો,
બેનંગ પ્રેમનું માણશું અમે તો…

રુપનાં ચાર દિ ઉજવશો તમે જો,
પ્રેમને ચિરાયું આપશું અમે તો…

પ્રેમ ભર્યાં દિલને તેજોમય કરીશું અમે જો,
રુપની બપોર પણ ચાંદની લાગશે તમને તો…

- ચિન્મય જોષી

વર્ષો વીતી ગયાં છે…



પીછું અડાડવામાં વર્ષો વીતી ગયાં છે,
જંતર જગાડવામાં વર્ષો વીતી ગયાં છે.

કિસ્મત હતું હથેળીમાં બંધ એ ખરું પણ,
ચપટી વગાડવામાં વર્ષો વીતી ગયાં છે.

ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક
આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે.

તું તો કરે રવાના ઝડપી ટપાલ દ્વારા,
અહીંયા ઉઘાડવામાં વર્ષો વીતી ગયાં છે.

સદીઓ વહી ગઈ છે જાણે પવનની માફક,
બે પળ ખૂટાડવામાં વર્ષો વીતી ગયાં છે.

-બંકિમ રાવલ

દેશપ્રેમી ઉત્તરાયણ



પતંગોની ઋતુ ઉત્તરાયણ કંઇક મને કહેવા લાગી,
દિલના લોંચીંગ પેડ પરથી કલ્પનાની મિસાઇલ દાગી..

બનાવી શુરવિરોની પતંગો ચગાઓ આકાશમાં,
દુશ્મનો ઠાર થઇ જશે,બસ એક જ ઢીલ-ખેંચમાં..

થવા દો પેચ આ અંતિમ,દુશ્મનોથી ધારદાર,
જિત થશે ફરિ આ અવસરે,સત્યની શાનદાર.!

દેશ મારો ભોળો એવો કલયુગને પણ ના પિછાણે!!
વારંવાર માંજો મારે ઘા,તોય થાય હરખઘેલો કટાણે!!!

ધ્યાન થી જુઓ,દુશ્મનો અણધારી ખેંચ-ઢીલ દેશે,
કાપીને ચાંદલીયા-પતંગ જેવો દેશ,કાડે પણ કહેશે.!

જણાવી દઉં શાંતિનાં દંભી પૂજારીઓને ફરિ,
ફાટશે ચાંદલીયો હવે,ગુંદરપટ્ટી જરા જો કરિ..

યાદ રહે નભમાં હંમેશ એક જ પતંગ હોય ટોચે,
લુંટણિયાઓ પૂર્વ-પશ્ચિમેથી રોજ ચાંદલીયો નોચે..

મારા ચાંદલીયાને અભય લહેરાતો જોઉં ત્યાં લગી ના જંપુ,
પછી ભલે હું કોઇ દિ કટ્ટર તો કોઇ દિ મુર્ખાઓમાં ખપું..

- ચિન્મય જોષી.

પાસી જુઓ કૈં ગયું તો નથી ને ?



પાસી જુઓ કૈં ગયું તો નથી ને ?
તપાસી જવાનું રહ્યું તો નથી ને ?

ભલે વર્ષ વીતી ગયાં હોય ઝાઝાં,
થવાનું હતું તે થયું તો નથી ને ?!

મને એમ કે આ બધું છે બરાબર,
ભલા, એ જ શંકાભર્યું તો નથી ને ?

મને પુર્ણ વીશ્વાસ મારી વ્યથા પર,
તમે આંગણે ડગ ભર્યું તો નથી ને !

મુકે આંગણું તે જવાનું, જવાનું –
નદીને કશું કૈં કહ્યું તો નથી ને ?

વ્યથા પર્વતોની કશી સાગરોને,
વીદાઈતણું કૈં સહ્યું તો નથી ને !

ગઝલમાં કશી આગ ક્યાંથી જગાડું,
દરદ એટલું ઉદ્ ભવ્યું તો નથી ને !

– જુગલકીશોર

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી



જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

-મરીઝ

“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ



“આવ તને મારા દીલની રાણી હું બનાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા માટે નાનકડો તાજમહેલ હું બનાવુ,
સૌંદર્ય રસ તારો ભરેલી કવિતા હું સંભળાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી ઝૂલ્ફોના વાદળમા ખોવાઈ હું જાઉ,
તારા ખોળામા માથુ મૂકી સમય વિતાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી કાચ જેવી કેડે કંદોરો હું પહેરાવુ,
તારા તનના ક્ષિતિજે સુરજ હું પ્રગટાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારી આંખોમા પ્રતિબિંબ મારુ સજાવુ,
અધરોના મિલન ને શુ કામ હું અટકાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા સ્વાસની હૂંફને સ્પર્શતો હું જાઉ,
‘ના’ તારી દરેક, ‘હા’ મા હું પલટાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

લેતી-દેતી દુનિયાની અભરાઈએ હું ચડાઉ,
તુ મારી,ને હું તારો,મનમા બસ એજ વાત ઠસાઉ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ,

તારા મિલન કાજે ફીકર નથી કંઈપણ હું ગુમાવુ,
તારો સાથ મળે તો નવી દુનિયા હું વસાવુ,
“બદનામ” કેમ થવાય તને આજ બતાવુ.”

- જૈમિન મક્વાણા- “બદનામ”

જાતની સાથે જ સોબત થઇ ગઇ



જાતની સાથે જ સોબત થઇ ગઇ
એકલા રહેવાની આદત થઇ ગઇ

એક આંસુ કો’કનું લૂછી દીધું
જો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ

આયના સામે કશા કારણ વગર
આજ બસ મારે અદાવત થઇ ગઇ

શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધે
કેવડી મોટી સખાવત થઇ ગઇ

એમણે પીડા વિશે પૂછ્યા પછી
કેટલી પીડામાં રાહત થઈ ગઈ

કાલ મન ઉજજડ હતું પણ આજ તો
કૈંક સ્મરણની વસાહત થઇ ગઇ

- ઉર્વીશ વસાવડા

તારી સુવાસ અંગ થકી ઓસરી નથી



તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી.

ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.

આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી.

શમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી.

એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.

- હરીન્દ્ર દવે

તું જો આજે મારી સાથે જાગશે



તું જો આજે મારી સાથે જાગશે;
ચાંદ થોડો ચાંદ જેવો લાગશે !

કોણ તારી વાત સાંભળશે, હૃદય !
એક પથ્થર કોને કોને વાગશે !

તું અમારો છે તો, ધરતીના ખુદા !
તું અમારા જેવો ક્યારે લાગશે ?

જિંદગી શું એટલી નિર્દય હશે ?
એ મને શું એક પળમાં ત્યાગશે ?

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે !

એણે માંગી છે દુઆ તારી, અદી !
તું ખુદા પાસે હવે શું માંગશે ?

-અદી મિરઝાં

ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે



ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.

તન જિવાડી રાખતા એક જોશી જેવું હોય છે,
મન કોઈ મરવા પડેલી ડોશી જેવું હોય છે.

એ મને મૂકીને ફરવા પણ જઈ શકતો નથી,
મારા પડછાયાને પણ નામોશી જેવું હોય છે.

- મુકુલ ચોકસી

લાખ કરું છું યત્નો તોયે સાંજ કશું ક્યાં બોલે છે ?



લાખ કરું છું યત્નો તોયે સાંજ કશું ક્યાં બોલે છે ?
બંધ અમારા આંસુઓનો રોજ સિફતથી તોડે છે.

અણસમજુ માણસ છે, દિલનો કાચ તૂટે ને રોવે છે,
ને એક માણસ શાણો છે, શીશાથી પથ્થર ફોડે છે.

પંખી-પંખી, કલરવ-કલરવ, ચીસો-ચીસો બીજું શું ?
કાંઈ નથી, બસ વૃક્ષ તૂટ્યું છે, બાકી સઘળું ઓ.કે. છે.

હું ચાહું છું આ દુનિયાને, એ પણ મુજને ચાહે છે,
સાવ જ ખોટું હું બોલું છું, એ પણ ખોટું બોલે છે.

‘પાગલ’ તો છે બીકણ-ફોસી ખુદ ખુદથી ડરનારો છે,
બુડ્ઢી ઈચ્છા ખાંસે છે તો સાવ અચાનક ચોંકે છે.

- અલ્પેશ ‘પાગલ’

તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ



તમામ ઝાકઝમાળો તમામ સ્તરનું સુખ,
બધું જ છેવટે લાગે ઉપર-ઉપરનું સુખ.

કોઈની હૂંફ અને હાજરી જરૂરી છે,
ફકત આ ચાર દીવાલો જ નથી ઘરનું સુખ.

બની શકે તો એ વસમા દહાડા પાછા દે,
ઘણું જ કપરું છે ભોગવવું મન વગરનું સુખ.

નજીક એટલાં આવ્યાં કે ગઈ નિકટતા પણ,
નથી જ દૂર કે પામું ખુશી-ખબરનું સુખ.

…કે ખંડિયેર મહેલનો છું ઉંબરો મિસ્કીન,
નથી નથી જ ભાગ્યમાં અવરજવરનું સુખ.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કોનું મકાન છે ?



રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે
નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે

દીવાનગીએ હદ કરી તારા ગયા પછી
પૂછું છું હર મકાન પર, કોનું મકાન છે.

દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ, આ ખાલી મકાન છે.

થાશે તકાદો એટલે ખાલી કરી જશું,
કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.

બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં,
નુકશાનમાં છે એ જ કે એનું મકાન છે.

કોને ખબર ઓ દિલ, કે એ ક્યારે ધસી પડે,
દુનિયાથી દૂર ચાલ કે જૂનું મકાન છે.

એને ફનાનું પૂર ડુબાડી નહીં શકે,
જીવન ‘અમર’નું એટલું ઊંચું મકાન છે.

- ‘અમર’ પાલનપુરી

એક બિનસરહદી ગઝલ



सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।

सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે.

ફોરમને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી ?
आवाम दोनों ओर सदा गुलबदन रहे ।

सरहद ने क्या दिया है ख़ूं-औ-अश्क़ छोडकर ?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે ?

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

-વિવેક મનહર ટેલર

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું



હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.

- ખલીલ ધનતેજવી

શ્વાસ ખખડે છે અને વાગે છે



શ્વાસ ખખડે છે અને વાગે છે,
સાવ ખાલી ઘડો આ લાગે છે.

કોણ તારા વિશે ગઝલ લખવા-
આમ મારામાં રોજ જાગે છે ?

ઓણ ચોમાસું ઝટ ગયું બેસી,
ને બધાં સ્વપ્ન તો નિભાડે છે.

એક વેળા ફૂટી જઈ માણસ,
જિંદગીભર કરચ ઉપાડે છે.

ટેવવશ સાવ કાચા નખ જેવી-
રોજ મિસ્કીન રાત કાપે છે.

- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

દ સામે પારથી સંભળાય છે એનો મને



દ સામે પારથી સંભળાય છે એનો મને,
કાચો ઘટ લઈને ઝુકાવું છું નદીના પૂરમાં.

વેદનાનો આમ સણકો ઊપડે ના અંગમાં,
કંઈ કમી લાગે મિલનમાં મારા,મારા ઝૂરમાં.

આંખ દરવાજે જ મંડાઈ રહી એ કારણે,
મેં હૃદય પ્રોયું હતું એના હૃદયના નૂરમાં.

એક તારા કેફને સમ પર નથી રાખી શક્યો,
જિંદગીના તાર નહિતર મેળવ્યા’તા સૂરમાં.

જાણે જોયો હોય નહિ તે રીતે તું ચાલી ગઈ,
હું ઉઘાડું હોઠ: ના,એ તો નથી દસ્તૂરમાં.

આ નફાની ક્યાં કસોટી છે કે હું ચિંતા કરું,
નામ દફતરમાં લખાયું મારું નામંજૂરમાં.

મેં ન બોલીને સ્વીકારી લીધી છે શૂળી હવે,
ફર્ક ક્યાં બોલીને ફાંસી પર ચડ્યા મન્સૂરમાં.

- હરીન્દ્ર દવે

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી



જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.

-મરીઝ

દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે



દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

કશેય પહોંચવાનો કયાં પ્રયાસ ચાલે છે?
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.

કોઈનું આવવું, નહીં આવવું, જવું, ન જવું.
અમસ્તો આંખમાં ઉઘાડ- વાસ ચાલે છે.

દશે દિશામાં સતત એકસામટી જ સફર!
અને હું એ ય ન જાણું… કે શ્વાસ ચાલે છે.

અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે!
હું સા…વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

- જવાહર બક્ષી

હાથને ચીરો તો ગંગા નીકળે



હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે

બૉમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે

કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે ?

એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે ?
મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે

દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે

વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે

‘ર’ નિરંતર મેશ-માં સબડે અને
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે.

- રમેશ પારેખ

કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે



કહે છે કોણ આ ધરતી અમારે મન પરાઈ છે,
અમારા દેહમાં એની જ તો ખુશ્બૂ લપાઈ છે;
ખરેખર તો હવે કૈ રંગમાં આવ્યા છે સંબંધો,
વતન સાથે અમારે ‘શૂન્ય’ લોહીની સગાઈ છે.

- ‘શૂન્ય’ પાલનપુરી

આપનું મુખ જોઇ મનમાં થાય છે



આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

- ‘આદિલ’ મન્સૂરી

રસ્તામાં સહજ એ મળે પણ ખરી



રસ્તામાં સહજ એ મળે પણ ખરી
પછી એ નજર લ્યો ઢળે પણ ખરી
ગમે તે વળાંકે વળે પણ ખરી
નદી તો નદી ખળભળે પણ ખરી
તમે ખાસ દિલથી કરો યત્ન પણ
મહેનત તમારી ફળે પણ ખરી
અમસ્તા તમે જીવ બાળો ભલા
અહમ્ પોટલી પીગળે પણ ખરી
વને જાવ કે કોઇ રણમાં અઝીઝ’
ઇરછા છે ઇરછા સળવળે પણ ખરી.

-અઝીઝ ટંકારવી

હસતા હસતા છલકાઈ જાય છે આંખ



હસતા હસતા છલકાઈ જાય છે આંખ
રડતા રડતા છલકાઈ જાય છે આંખ
ખુશીના આંસુ,દુખના આંસુ,
મોતી બની ખરી જાય છે આંસુ,
કયારેક હસુ, કયારેક રડું,
માણસ છું હું આખરે……
લાગણીઓ કયારેક લહેરાઈ લહેરાઈ જાય,
પ્રેમના ઘોડાપુર ઉમટે કયારેક,
કયારેક જડ બની જાય લાગણીઓ,
પ્રેમનો જાણે દુકાળ પડી જાય,
કયારેક પ઼ેમ અપાર, કયારેક ક્રોધ અપાર,
માણસ છું હું આખરે……
કયારેક સમેટાઈ જાઉં, કયારેક વિખરાઈ જાઉં,
કયારેક ખોવાઈ જાઉં, કયારેક લુંટાઈ જાઉં, દુનિયાની વિટંબણાઓમાં અટવાઈ જાઉં,
કયારેક મુક્ત શ્ર્વસુ, કયારેક રુંધાઈ જાઉં,
માણસ છું હું આખરે….

- ડો.દર્શિકા શાહ

બધું જ જોઈ લીધું છે બધે જ દોડી લઈ



બધું જ જોઈ લીધું છે બધે જ દોડી લઈ,
બધા જ હાથમાં ઊભા હતા હથોડી લઈ.

ઘણાય લાગણી ઉઘરાવતા ફરે કાયમ,
સદાય આંસુ-ઉદાસીની કાંખઘોડી લઈ.

કદીક કોઈને પૂછ્યું હતું અટકવું’તું,
બધું બગાડી મૂક્યું છે સ્વયમનું ફોડી લઈ.

ગયું’તું ડૂબી બધું કાલ મરજીવાનું પણ,
સવાર પડતાં ગયો દરિયે ફરી હોડી લઈ.

ઉદાસ ડાળ પછી સાંજ લગી રહી રડતી,
ઘડીક કોઈ થયું ખુશ ફૂલ તોડી લઈ.

રહ્યો ન ભાર કશો, હળવા ફરાયું ‘મિસ્કીન’,
મુસાફરીમાં નીકળ્યો’તો બે જ જોડી લઈ.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન

આપણા માટે સમજદારી નથી



આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

વાવના એકાંત વચ્ચે કાંકરી,
પાણી જેવી સાવ નોધારી નથી.

એક બે કિસ્સાથી હું બદનામ છું
મારી આખી રાત ગોઝારી નથી.

સૂર્ય છો ને ઊગ્યો અડધી રાતના!
ઓસના ફૂલોમાં કંપારી નથી.

દોડતા શ્વાસો અટકવા જોઇએ
મારી ઇચ્છા મારી લાચારી નથી.

-ચિનુ મોદી

હું તારે ઈશારે ચાલું છું



લે કાળ ! તને સંતોષ થશે, હું તારે ઈશારે ચાલું છું,
જીવનની સફર પૂરી કરવા તલવારની ધારે ચાલું છું.

ચોમેરથી થપ્પડ મારે છે તોફાનનાં ધસમસતાં મોજાં,
લોકોની નજર તો નીરખે છે, હું શાંત કિનારે ચાલું છું.

ફૂટીને રડે છે મુજ હાલત પર મારા પગનાં છાલાંઓ,
કંટકથી ભર્યા પંથે આંખો મીંચીને જ્યારે ચાલું છું.

છે નામનો ગૃહસ્થાશ્રમ પણ ઠરવાનો વિસામો ક્યાંય નથી,
જ્યાં થાક જીવનને લાગે છે, હું તેમ વધારે ચાલું છું.

થાકીને ઢળી જ્યાં દેહ પડે, બસ ત્યાં જ હશે મંઝિલ મારી,
એથી જ હું નિજને થકવું છું, બસ એ જ વિચારે ચાલું છું.

સંકટ ને વિપદના સંજોગો ! વંટોળ ને આંધીનાં દૃષ્યો !
સોગંદથી કહેજો હું તમથી ગભરાઈને ક્યારે ચાલું છું ?

ઓ સૂરજ, ચંદ્ર, સિતારાઓ ! ઓ આકાશે ફરનારાઓ !
આ ધરતી પર ચાલી તો જુઓ, જ્યાં સાંજ સવારે ચાલું છું !

વ્હેતી આ સરિતા જીવનની, સુખ–દુઃખ એના બે કાંઠાઓ,
લઈ જાય છે મારું ભાગ્ય ‘ગની’, હું એક કિનારે ચાલું છું.

-ગની દહીંવાલા

પન્નીને પહતાય તો કે’ટો ની



પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

- ડો. રઇશ મનીયાર

Monday, September 24, 2012

શના કુંભારના હસ્તે હકીકતમાં ઘડાયો છું



શના કુંભારના હસ્તે હકીકતમાં ઘડાયો છું
ઘરોબો થઈ ગયો એવો ચકરડામાં ફસાયો છું

મૂકી’તી ઢીલ ખાસી તો’યે લાધ્યો હાથ ના છેડો
યથાવત એ જ ફીરકામાં વળી પાછો વીંટાયો છું

બજવણી થઈ ન’તી આરોપનામાની હજી તો’યે
હુકમનામાની ગફલતમાં શૂળી પર હું ચઢાયો છું

કહી દે દોષ એમાં કઈ હતો મારો કશો સૃષ્ટા
જીવે છે મોજથી કુંતી રહ્યો હું તો નમાયો છું.

ચલોને એ રીતે પણ થઈ ગયો કૃતજ્ઞ છુ યારો
ઉછેર્યો લાડથી એ કર વડે ઈદે કપાયો છું.

લખ્યું’તુ નામ કેવળ મ્યાન પર કો’કે વલી મોહમ્મદ
સનત જોષીના હસ્તે એ જ તલવારે હણાયો છું

પડોશીના સમાગમમા કદાચે થાય પણ આવું
નગરનોંધે સમાવું’તું મરણનોંધે છપાયો છું.

-નવનીત ઠક્કર।

લે!



આ રહ્યો ભૂતકાળ લે!
ગમે તો પંપાળ, લે!

ચાવી નથી ઘડીયાળની
થીજી ગયો આ કાળ, લે!

કરોળિયો સંબંધનો
મૂકી ગયો જંજાળ, લે!

બર્ફીલા પ્હાડો યાદનાં
ભીંજવશે -ઓગાળ, લે!

નીકળ્યા ખુદની શોધમાં,
મળી ખુદાની ભાળ, લે!

-ગુરુદત્ત ઠક્કર.

શોધવા નીકળ્યાં!



આપણેય સજણ કેવાક ભેરૂ શોધવા નીકળ્યાં,
નથી પગભર હજી,એનાં પગેરું શોધવા નીકળ્યાં!

લગાડી હળદરી લેપો, ને માંગી ચંદની મહેંકો
ધરી મ્હેંદી હથેળી રંગ ગેરૂ શોધવા નીકળ્યાં!

પછાડ્યાં ચંદ્ર પર પગલાં,ને ડહોળ્યા કંઈક દરિયાઓ,
સહારા શબ્દનાં લઈ મૌન ઘેરું શોધવા નીકળ્યાં!

ઉતાર્યાં વસ્ત્ર પહેરી બહુ, લીધી-છોડી કંઈ દીક્ષા,
ભર્યા મંદિર મહીં અણજાણ દે્રું શોધવા નીકળ્યાં!

હતા સામે જ તો ચેહરા, નગર ને દ્રશ્ય ગમતીલાં,
મીંચી પાંપણ છતાં સપનું અનેરું શોધવા નીકળ્યાં!

-ગુરુદત્ત ઠક્કર.

ચાહું છું મારી જાતને



હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને

કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને

હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને

ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને

- શેખાદમ આબુવાલા

“ધુની છુ”



હા હું થોડો ધુની છુ,
કોઇ મુગ્ધા ની ચુની છુ.

ક્યારેક હું લાગણી ઉની છુ,
ક્યારેક હું ક્રુર ખુની છુ.
—-હા હું થોડો ધુની છુ

ઘડીક એકલતા હું સુની છુ,
ઘડીક મલક્તો હું મુની છુ.
—-હા હું થોડો ધુની છુ

લહેરખી હું ગરમ લૂની છુ,
વળી ઠંડી છાવ તરૂની છુ.
—-હા હું થોડો ધુની છુ

ક્યારેક જરુરત હું સહુની છુ,
ક્યારેક નજાકત હું વહૂની છુ.
—-હા હું થોડો ધુની છુ

ક્યારેક ભવ્યતા હું ચરૂની છુ,
ક્યારેક ચામડી હું વરૂની છુ.
—-હા હું થોડો ધુની છુ

ક્યરેક યાદ હું જુની છુ,
વળી વર્તમાન હું જનૂની છુ.
—-હા હું થોડો ધુની છુ

- “શબ્દ્શ્યામ” ક્રુત

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે



પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.

ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.

નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.

મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.

સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.

કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.

વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?

- ‘ઘાયલ’

અજ્ઞાન



ખૂબ હસે છે લોકો મારા પ્રેમ ના અજ્ઞાન માટે,
રડ્યો છું હુ એટલો છે કાફી એમના સ્નાન માટે.

મે આપી છે કીંમતી ભેંટો એમની દુકાન માટે,
ખુદ ભટકયો છું જીન્દગીભર એક મકાન માટે.

જે કદી હતી એક દેવી મારા ઇમાન માટે,
ઉઠ્યા તેના જ હાથ મારા ગિરેબાન માટે.

તાજો-તખ્તની ઝફા હોય છે સુલ્તાન માટે,
“શબ્દ્શ્યામ”ના શેર હોય છે કદરદાન માટે.

- “શબ્દ્શ્યામ” ક્રુત

હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે



હાથમાં કરતાલ હૈયે વ્રણ મળે
માનસરના હંસ જેવું પણ મળે.

એક સાદું વસ્ત્ર અડવાણે ચરણ
મુઠ્ઠીભર માગી લીધેલાં કણ મળે.

રોજ મુજને હું મળું નવલા રૂપે
ને અજાણેવેશ નારાયણ મળે.

લો બધા ધર્મો પરિત્યાગ્યા હવે
આવ મળવાનું તને કારણ મળે.

કંઠમાં ગીતો હલકમાં વેદના
ને અલખનો ઓટલો રણઝણ મળે

– ધ્રુવ ભટ્ટ

બધી વાતે ભલે બદનામ કીધો છે



બધી વાતે ભલે બદનામ કીધો છે
મહોબ્બતનો છતાં’યે જામ પીધો છે
ફનાગીરી ભલે હર હાલમાં મળતી
વિચારીને અમે આ રાહ લીધો છે
અમે હાર્યા, તમે જીત્યાં ખુશી થાઓ
જીવનભર આ જ રીતે દાવ દીધો છે
બધી બાજુ સમયની છે બલિહારી
કજીયો દેવના ઘરમાંયે કીધો છે
તને તો એમ કે ક્યાંથી પ્હોંચી શકે ?
અમારે મન રસ્તો આ સાવ સીધો છે

– દિનેશ માવલ

જીવવું છે જેમણે સુવાસમાં



જીવવું છે જેમણે સુવાસમાં,
ફૂલને લેજો જરા વિશ્વાસમાં.
એ જ નક્કી રૂબરૂ થાશે પછી,
આજ ઓળખ જે ફરે છે શ્વાસમાં.
હાજરીમાં થાય અવગણના અને,
યાદ આવે એ નથી જે પાસમાં.
ચાલવાનો આગમાં અનુભવ હતો,
પગ સતત બળતા રહ્યા ભીનાશમાં !
મ્હેંકનું કારણ મળ્યું ના વાડને,
છોકરી ઊભી હતી આડાશમાં !
આઠમો છે રંગ તારી આંખમાં,
માત્ર રંગો સાત છે આકાશમાં.
ને થતાં ઝાંખી ઘણો ચોંકી ગયો,
હું સતત જીવ્યો હતો આભાસમાં

– આબિદ ભટ્ટ

ક્યાં વંચાય છે ?? I



લાગણીઓ અટવાય છે,
ચહેરા ક્યાં વંચાય છે !?
હિમગિરિના શિખરે
તડકો પણ ઠૂંઠવાય છે !
સાગર કાંઠે પવન જુઓ,
ખુદ પરસેવે ન્હાય છે !
જાતને જાણે કટકે કટકે
ચિંતા કોરી ખાય છે.
સાવ સરળ જીવનમાં શાથી
અઘરું સહુ વરતાય છે ?
થૈ ભેગાં સૌ ‘આનંદ’ કરીએ,
સાવ મફત વ્હેંચાય છે.

– અશોક જાની ‘આનંદ’

ઝાકળના ઝગારા



જે પળે આયુષ્યના ખાલી પટારા નીકળ્યા,
સૌ ઉપરછલ્લા ઘડીભરના ઠઠારા નીકળ્યા.
સ્હેજ જ્યાં ભીતર ગયા સંબંધ શું છે જાણવા,
આ સગાંવ્હાલાંય ઝાકળના ઝગારા નીકળ્યા.
કોણ બીજું જાય વરસી ? એ જ અંધાર્યા હતા,
ભરદુકાળે વાદળાં જેવા મૂંઝારા નીકળ્યા.
કેટલાં વરસો થયાં’તાં આમ તો એ વાતને,
કોઈ ફૂંકીને ગયું તાજા તિખારા નીકળ્યા.
કોઈની પાસે કરી બે વાત મન ખોલી અહીં,
ગઈ વગાડી બોલનારા સૌ નગારાં નીકળ્યાં.
હરવખત લાગ્યું અચાનક ધાડ પાડીને ગયા,
દોસ્ત ! પોતાનાંય આ આંસુ લુંટારા નીકળ્યાં.
મ્હેલ સોનાના ગગનચુંબી જે દેખાતા હતા,
આંચકો આવ્યો તો રેતીના મિનારા નીકળ્યા.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

લખાય છે



સહેલો વિષય પસંદ કરીને લખાય છે,
જીવતા ન જો લખાય મરીને લખાય છે.
અક્ષરની જેમ લેતી રહે છે વળાંક એ
વાંચો તો માછલીથી તરીને લખાય છે.
શબ્દો જ ખાલી ખાલી હતાં શબ્દકોશમાં
એમાં અનેક અર્થ ભરીને લખાય છે.
કંઈ ના લખાય ત્યારે નથી હોતું કાંઈ પણ,
એક શૂન્યતાથી એમ ડરીને લખાય છે.
લખતો હતો કદીક હું તમને મળી અને
આજે દરેક વાત સ્મરીને લખાય છે.

– ભરત વિંઝુડા

ઓળખ



કોઈ સાધુ-ફકીરને ઓળખ,
તે પ્રથમ આ શરીરને ઓળખ.
ધન વગર મોજશોખ માણે છે,
કો’ક એવા અમીરને ઓળખ.
આયખાનો અવાજ રૂંધે છે,
એ અહમની લકીરને ઓળખ.
તું ઝવેરી જ હોય સાચો તો,
હેમ ઓળખ, કથીરને ઓળખ.
તું જ આસન લગાવ અંતરમાં,
તું જ તારા કબીરને ઓળખ.

– હરજીવન દાફડા

સાચે જ દોસ્તો ઘણા દરિયાવ નીકળ્યા



સાચે જ દોસ્તો ઘણા દરિયાવ નીકળ્યા,
રણની વચાળે જળનો લઈ દેખાવ નીકળ્યા.
અજવાળું શોધવા ગયા એ પુસ્તકો મહીં,
આકાશ પામવાને લઈ નાવ નીકળ્યા.
આ કેટલામી હાર પછીથી ખબર પડી,
અહીં જીતવાના સાવ અલગ દાવ નીકળ્યા
મન માનતું રહ્યું કે સદાથી અભિન્ન છે,
આ દેહ અને પ્રાણ જુદા સાવ નીકળ્યા
પથરાળ લાગતા હતા જે આદમી અહીં
પાસે ગયા તો પ્રેમમાં ગરકાવ નીકળ્યા
રુઝાઈ જો ગયા તો થયું એકલો પડ્યો,
મિસ્કીન કાળજાના અજબ ઘાવ નીકળ્યા

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

નો’તી ખબર



ડાળ આ વિશ્વાસની તૂટી જશે નો’તી ખબર,
રાહબર મારા મને લૂંટી જશે નો’તી ખબર.
વાસ્તવિકતા આખરે તો વાસ્તવિકતા હોય છે,
કલ્પનાના મહેલ સૌ તૂટી જશે નો’તી ખબર.
એક સરવાળો કર્યો તો બાદબાકી થઈ ગઈ,
વય વધે તો આયખું ખૂટી જશે નો’તી ખબર.
વેદનાની વાડ ઠેકી દોસ્તો મારા બધા,
લાગણીનાં ફૂલને ચૂંટી જશે નો’તી ખબર.
ઠાલવ્યું’તું દિલ અમે દરિયો ગણીને એમને,
આમ પરપોટો થઈ ફૂટી જશે નો’તી ખબર.
એક અમથી વાત એનું કાળજું વીંધી ગઈ,
શબ્દ મારા બાણ થઈ છૂટી જશે નો’તી ખબર.
આ જગતનાં દર્દ પર રડવું હતું મારે ‘અમીર’,
આંખમાંથી આંસુઓ ખૂટી જશે નો’તી ખબર.

– દેવદાસ શાહ ‘અમીર’

મળવાનું રાખો



એકબીજાને મળવાનું રાખો
બાળકો તમે રમવાનું રાખો.
જિંદગી તમે કેવી રીતે જીવ્યા ?
વ્હેલી તકે હસવાનું રાખો.
કદી ન જૂઓ દોષ બીજાના
સત્યમાં તમે ભળવાનું રાખો.
દુશ્મનો પણ છોભીલા થાશે,
હંમેશાં જતું કરવાનું રાખો.
વસંત જતાં પાનખર આવી,
નિરાંતે તમે જીવવાનું રાખો.
જીવનની આખરી અવસ્થાએ
ઘડપણમાં ભજવાનું રાખો.

– નરેન્દ્ર કે. શાહ

બે ગઝલો



[1]

છે ચમનમાં નિવાસ ફૂલોનો,
લો સજાવો લિબાસ ફૂલોનો.
રેત,રણ,ઝાંઝવા લખી દીધાં,
ક્યાં લખું હું વિકાસ ફૂલોનો.
આ ગઝલની સુવાસ ફેલાશે,
રોજ ખીલે છે પ્રાસ ફૂલોનો.
જિંદગી પારિજાત કરવી છે,
તો કરો સૌ પ્રવાસ ફૂલોનો.

[2]

પઘડી ફેંકી રાવ મળે છે,
આ કેવો સરપાવ મળે છે.
કાંઠે તરણાંના યે ફાંફાં,
ને મધદરિયે નાવ મળે છે.
રણમાં ઊટો પર બેસાડી,
ધગધગ તડકો સાવ મળે છે.
હું ભૂલું છું તમને તો પણ,
કેવા તાજા ઘાવ મળે છે.
આ અલગારી લોકો વચ્ચે,
સંતો જેવા ભાવ મળે છે.

– હનીફ મહેરી

મનાઈ છે



અહીંયા જાહેર સ્થળે ધ્રૂમ્રપાન કરવાની મનાઈ છે
એંઠા ધુમાડાથી લોકોને હેરાન કરવાની મનાઈ છે
દંભી નકાબોને માન આપો, ચુપચાપ વાહ વાહ કરો
એમના અસલ ચહેરાની પહેચાન કરવાની મનાઈ છે
દેશદ્રોહીઓને સવલત આપો, છટકબારીનો લાભ આપો
ભુલથી પણ એ લોકોનું અપમાન કરવાની મનાઈ છે
ખુબ વાંચો, વિચારો, લખો ને ભાષણ કરો નૈતિકતા વિશે
પણ ખબરદાર વ્યવહારમાં આચરણ કરવાની મનાઈ છે
રદીફ જોઈએ, કાફિયા જોઈએ, જોઈએ છંદ અને શેરિયત
અહીં ફક્ત લાગણીઓથી શેરનું ફરમાન કરવાની મનાઈ છે
સાચા-ખોટાની વ્યાખ્યા બદલાવી ને દિલને સમજાવી દો,
‘પરેશાન’ અંતરાત્માને કહો, પ્રવચન કરવાની મનાઈ છે

– ચૈતન્ય અમૃતલાલ શાહ ‘પરેશાન’

માણસ છે, બિઝનેસ કરે છે



પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.
અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઈને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
સંબંધોની ફાઈલ રાખી ને ચહેરા પર સ્માઈલ રાખી,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.
કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માગે તે ટહુકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા, ચન્દ્ર ગણાવી,
વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.

– કૃષ્ણ દવે

ખુદ સમંદર



ખુદ સમંદર ઉડીને નદીને મળે,
કાર્ય એવું ઉપાડી લીધું વાદળે.
ફૂલને એણે કરમાવાં દીધાં નહીં,
સૂર્યનો તાપ શોષી લીધો ઝાકળે.
સિંધુ બનવાની એની તરસ જોઈને,
રણને છલકાવી દેવું પડયું મૃગજળે.
ચાંદ તો છે પ્રથમથી જ ચહેરા ઉપર,
તારલા પણ હશે આંખના કાજળે.
ક્યાંક રસ્તે ભટકવા ન નીકળી પડે,
એટલે ઘરને બાંધી દીધાં સાંકળે.
જે હ્રદયના હિમાલયથી ઉતરી પડી,
એ ગઝલગંગા ઝીલી લીધી કાગળે.
દાટી દીધાં કબરમાં જે બેફામને
એ કયામત થતાં જીવતાં નીકળે.

– બરકત વીરાણી ‘બેફામ’

જેને ખુદાની સાથે વધુ પ્યાર હોય છે



જેને ખુદાની સાથે વધુ પ્યાર હોય છે
એ હોય છે ગરીબ ને લાચાર હોય છે.

એના ઉપર તો જીતનો આધાર હોય છે
મરવાને માટે કેટલા તૈયાર હોય છે.

ઊડતા રહે છે ચોતરફ કોઈ રોક-ટોક વિણ
આકાશમાં જે પંખીઓ ઊડનાર હોય છે.

વ્યક્તિને જોઈને એ ખૂલી જાય છે તરત
દ્વારો ઘણી જગાના સમજદાર હોય છે.

હદમાં રહીને જીવવા જે માગતી નથી
એવી જ વ્યક્તિઓ બધી હદપાર હોય છે.

કરશે ગુનાઓ માફ સૌ અલ્લાહ એટલે,
પાપોની લીલા મારી લગાતાર હોય છે.

એનાથી બચવા માટે પ્રયત્નો કરે છે સૌ
મરવાને માટે આમ સૌ હકદાર હોય છે.

એના ઉપરથી લાગે છે થાશે ગઝલનું શું ?
સોમાંથી એંસી આજે ગઝલકાર હોય છે.

થોડી લખું છું વર્ષોથી તેથી તો ઓ ‘જલન’
ચોટીલી મારી સૌ ગઝલ દમદાર હોય છે.

– જલન માતરી

…તને મોડેથી સમજાશે I



[1]

પ્રાર્થનામાં એકસાથે કેટલું માંગી શકો ?
જીર્ણ વસ્ત્રોથી વરસતા આભને ઢાંકી શકો ?

આપ બહુ બહુ તો કરીએ શું શકો દુનિયા વિશે ?
સત્ય જેવા સત્યને બસ ક્રોસ પર ટાંગી શકો.

અંધ આંખો, પાંગળું મન ને લથડતા હો કદમ,
તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો.

કોણ ફૂલો મૂકવા આવ્યું હતું કોને ખબર ?
કબ્રમાં તીરાડ ક્યાં છે કે તમે ઝાંખી શકો.

જો, ફરી સંધ્યા સમય આવી ગયો છે ‘પ્રેમ’નો,
સૂર્યને બાંધી શકો તો ક્યાં સુધી બાંધી શકો ?

[2]

જિંદગી ચાલી ગઈ છે વાતમાં ને વાતમાં
ને અમે બેઠા રહ્યા છઈ હાથ રાખી હાથમાં

આપ સૌ તો સુજ્ઞ છો સમજી જશો આ શે’રને
કાવ્યના મૃત્યુ થયા છે છીછરા અનુવાદમાં

વાંઝણું આંગણ હશેને તો’ય એ ચાલી જશે
છાંયડો આપે નહીં એ ઝાડને ઊગાડ મા

કોણ જાણે પાંગરીને એ હવે કેવું થશે
લાગણીનું બીજ રોપ્યું છે અમે પથરાળમાં

એ હળાહળ સત્ય હો કે હોય અફવાનો વિષય
જે તને ગમતી નથી એ વાતને અપનાવ મા

બારમો છે ચંદ્રમાં મારે અને આ થાકને
મંઝિલોને પીઠ દેખાડી ગયો છું રાહમાં

આંખનું સન્માન રાખી, સ્મિત રાખી હોઠ પર
દર્દ જેવા દર્દને ભીડી શકું છું બાથમાં

એ પછી તો શબ્દનો મેળાવડો યોજાય છે
એ ખરું સંકોચ જેવું હોય છે શરૂઆતમાં

‘પ્રેમ’ પણ ગઝલોની માફક થઈ ગયો મૃત્યુપરંત
આંખ મીંચેલો ગણીને તું કફન ઓઢાડ મા.

[3]

સાગરની વારતા અને પથ્થરની વારતા
બચપણની સાથ ગૈ મરી દફતરની વારતા

એમાં તો ક્યાંય ઝેરનો ઉલ્લેખ પણ નથી
પાછા કહો છો એ હતી શંકરની વારતા

ફૂલોનો હાલ શું થયો જાણી જશે જો તું
સાચ્ચે જ નૈં ગમે પછી અત્તરની વારતા

નાસ્તિકપણું સ્વભાવથી અળગું થઈ ગયું
કોણે કહી હશે મને ઈશ્વરની વારતા

બાકી તો ‘પ્રેમ’ કોઈનું એવું ગજૂ નથી
આંખો જ વર્ણવી શકે ઝરમરની વારતા

– જિગર જોષી ‘પ્રેમ’

મૌનના પડઘા



સમંદરની લહેરોમાં લહેરે મૌનના પડઘા,
નિરાકારી શબદનાં રૂપ છેડે મૌનના પડઘા.

ભલે પર્વતની ટોચથી એ સીધા ખીણમાં ગબડે,
પછી ટોચે પહોંચીને ચહેકે મૌનના પડઘા.

એ વૃક્ષો, મૂળિયાં ને પાંદડાંઓની જ ભાષા છે,
લીલેરાં ને ભીનાં ટહુકે ગહેકે મૌનના પડઘા.

દિશાઓનાંય અવલંબન મળે પણ ના મળ્યાં જેવાં,
મળે એના લઈ ટેકા અઢેલે મૌનના પડઘા.

શબદ છે બ્રહ્મને અવકાશ આખું વ્યાપ્ત એનાથી,
સિતારાઓ નથી બીજું કશું, છે મૌનના પડઘા.

જરા આંખ મીચું ત્યાં તો ઉજાસોની ઉજાણી છે,
ભીતર ખેંચી મને ચૉગમથી ઘેરે, મૌનના પડઘા.

બધી યે દડમજલ થાકીને અંતે શાંત થઈ જાતી,
અને આખર કફન ઓઢી ઠહેરે, મૌનના પડઘા.

– દત્તાત્રય ભટ્ટ

તો બહુ થયું



મારું તને સ્મરણ મળે તો બહુ થયું,
તે ય એકાદ ક્ષણ મળે તો બહુ થયું.

સાવ સૂની રાતમાં સાજન તણા
સ્વપ્નનું આંજણ મળે તો બહુ થયું.

ઉફ ! આ એકલ કેડીએ થાકી ગયો,
સાથમાં એક જણ મળે તો બહુ થયું.

આ સૂના નીરસ જીવનના પંથ પર
પ્રેમના પગરણ મળે તો બહુ થયું.

જિંદગીના હાથ પર લખવા નસીબ
શ્રમતણી લેખણ મળે તો બહુ થયું.

આ સતત દ્વિધાભર્યા જીવન મહીં,
ચેનની એક ક્ષણ મળે તો બહુ થયું.

પ્રેમને ‘આનંદ’ જીવન પર્યાય છે,
એટલી સમજણ મળે તો બહુ થયું.

– અશોક જાની ‘આનંદ’

ઘડી બે ઘડી



એક વાર હવાને અડી તો જો !
વરસાદની જેમ ક્યાંક પડી તો જો !!

રોજિંદી ઘટમાળના પાટા ઉપરથી,
ગાંડા એન્જિનની જેમ ખડી તો જો !

ક્યારેક વસંતે કૂંપળ થઈને ઊગે,
સુકાઈને પતઝડમાં ઝડી તો જો !

ચોપાસ ઊછળતી મબલખ સુગંધી,
થોડીક તારા હૈયે જડી તો જો !

આ શું જે મનને કરે તરબતર છે,
મનને હૈયા વચ્ચેની કડી તો જો !

સૌંદર્યનો ‘આનંદ’ તું પણ લઈ શકે,
એની તરફ તું ઘડી બે ઘડી તો જો !

– અશોક જાની ‘આનંદ’

ક્યાં વંચાય છે ??



લાગણીઓ અટવાય છે,
ચહેરા ક્યાં વંચાય છે !?

હિમગિરિના શિખરે
તડકો પણ ઠૂંઠવાય છે !

સાગર કાંઠે પવન જુઓ,
ખુદ પરસેવે ન્હાય છે !

જાતને જાણે કટકે કટકે
ચિંતા કોરી ખાય છે.

સાવ સરળ જીવનમાં શાથી
અઘરું સહુ વરતાય છે ?

થૈ ભેગાં સૌ ‘આનંદ’ કરીએ,
સાવ મફત વ્હેંચાય છે.

– અશોક જાની ‘આનંદ’

કઠપૂતળી II



મારી, ને તમારી, અને હરકોઈની ઈચ્છા
માણસના થતા જાય છે કંઈ કેટલા હિસ્સા

હું આંખ હજી મીંચું ત્યાં સ્મરણોનું ભરતકામ
અંધારનું એક પોત, ને ઘટનાઓના બુટ્ટા

બે મોજાંની વચ્ચેનો સમયગાળો એ જીવન
હો રેતના કિલ્લા, કે પછી શબ્દના કિલ્લા

અહીં નિત્ય નવો સૂર્ય, નવી ઘોડી, નવો દાવ
લઈ જાવ હવે દાટી દો, ઈતિહાસના કિસ્સા

આજ મેં ‘સહજ’ એમને ઝાંપેથી વળાવ્યાં
હું મુક્ત વિચારોથી, ને એ મારાથી છુટ્ટા

– વિવેક કાણે ‘સહજ’

કઠપૂતળી I



ખુલ્લી આંખો, ને અંધાપો
રામભરોસે રસ્તો કાપો

તરણાની ઓથે બેસીને
સૂરજનો પડછાયો માપો

મારી ચિંતા સૌ છોડી દો
મારાં કર્મો, મારાં પાપો

બાંધી મુઠ્ઠી જ્યાં મેં ખોલી
નીકળ્યો વર્ષોનો ઝુરાપો

ભાલ ઉપર જો હોય જગા તો
આંસુનો સરવાળો છાપો

ખોવાયું માટીનું ઢેફું
કોઈ ‘સહજ’ને શોધી આપો.

– વિવેક કાણે ‘સહજ’

કઠપૂતળી



એવાં ભૂલા પડો, કે ખુદ પોતાને પણ જડો નહીં
જો આવડે તો ચાકડે, માણસ ઘડો, ઘડો નહીં

છંદો, રદીફો-કાફિયા, ને શેરિયતની પણ શરત
આમાં તમારું કામ નહીં, દાઝી જશો, અડો નહીં

જો હોય દમ, તો દોરવો, અથવા તો અમને અનુસરો
કંઈ નહીં તો છેવટે ખસો, મારગ કરો નડો નહીં

વેચાઈ પણ જવું પડે, તો ભાવ એવો રાખજો,
આંબી જ ના શકે કોઈ, કોઈને પરવડો નહીં

આ શબ્દ-સંપદા ‘સહજ’, સર્વસ્વ છે અમારે મન
નામાનો ચોપડો નહીં, નોટોનો થોકડો નહીં.

– વિવેક કાણે ‘સહજ’

Sunday, September 16, 2012

કઠપૂતળી



એવાં ભૂલા પડો, કે ખુદ પોતાને પણ જડો નહીં
જો આવડે તો ચાકડે, માણસ ઘડો, ઘડો નહીં

છંદો, રદીફો-કાફિયા, ને શેરિયતની પણ શરત
આમાં તમારું કામ નહીં, દાઝી જશો, અડો નહીં

જો હોય દમ, તો દોરવો, અથવા તો અમને અનુસરો
કંઈ નહીં તો છેવટે ખસો, મારગ કરો નડો નહીં

વેચાઈ પણ જવું પડે, તો ભાવ એવો રાખજો,
આંબી જ ના શકે કોઈ, કોઈને પરવડો નહીં

આ શબ્દ-સંપદા ‘સહજ’, સર્વસ્વ છે અમારે મન
નામાનો ચોપડો નહીં, નોટોનો થોકડો નહીં.

– વિવેક કાણે ‘સહજ’

દષ્ટિ કરતું નથી



શહેરમાં કોઈ સાલું સમજતું નથી,
કે જીવન આજનું કાલ મળતું નથી !

આપ તો સાહ્યબીને જ વળગી રહ્યા,
આપને કોઈ દિલથી વળગતું નથી !

ના ખપે, ના ખપે, એ હૃદય ના ખપે,
જે કદી બુદ્ધિ જોડે ઝઘડતું નથી !

તોય દિલ, મોત સુધરી ગયાનું સમજ,
લોક રડતું નથી કિન્તુ હસતું નથી !

ભર બપોરેય અંધાર લાગ્યા કરે,
જ્યાં સુધી એમનું મુખ મલકતું નથી !

આપને એ જ વાતે જલન થાય કે –
હજુય મુજથી જગત કેમ જલતું નથી !

કેટલું કેટલું એય પીડાય છે ?
પાન જે પાનખરમાંય ખરતું નથી !

સૌ ખુદા, ગૉડ, ભગવાન પાછળ પડ્યાં,
પ્રેમમાં કોઈનું ધ્યાન પડતું નથી !

તોય વકરી રહ્યું છે ગઝલનું વ્યસન,
કોઈ ‘ઉત્સવ’ તરફ દષ્ટિ કરતું નથી !

– યોગેશ સામાણી ‘ઉત્સવ’

સૂતા રહ્યા



આ બધી ચિંતાઓ રાખી બારણે સૂતા રહ્યા
ના જગાડ્યા કોઈએ ને આપણે સૂતા રહ્યા

આંખમાં આવી અનર્થો એ જ તો સર્જે બધા
સ્વપ્ન સૌ રોકી દઈને પાંપણે સૂતા રહ્યા

હાથ બાળી કોક અજવાળું કરે, પણ આપણે
જાત બાળી આખ્ખે આખી તાપણે સૂતા રહ્યા

સ્હેજ ચરણોની ધૂલીથી જાગશું યુગો પછી
ઝંખના એક જ હતી એ કારણે સૂતા રહ્યા

આપણે અહીંયા છીએ બસ એ જ ગફલતને લીધે
જાગવા માટે હતી જે, એ ક્ષણે સૂતા રહ્યા.

બહાર નીકળી ને ગુમાવી બેસશું શૈશવ સીધું
એ ફિકર એ ડર લઈને પારણે સૂતા રહ્યા.

– ઉર્વીશ વસાવડા

અનહદ અપાર સાથે



તાજાં હવાને ઝોંકે માદક સવાર સાથે
પમરી ગયો છું પળમાં એના વિચાર સાથે.

એની કૃપા મળે તો જીવી જવાય હરપળ,
પોતાની જીત સાથે પોતાની હાર સાથે.

આંખો મીંચું કે પ્રગટે બ્રહ્માંડ મારી સન્મુખ,
નાતો રહ્યો છે એવો અનહદ અપાર સાથે.

આવેગ જ્યાં અહર્નિશ ઊર્જા રૂપે પ્રસરતો,
સંધાન છે અજાયબ ઈશ્વરના દ્વાર સાથે.

ઘંટારવે શિખર પર ટોળે વળે છે ખીણો,
ઝરણાં વહે છે ખળખળ મંજુલ સિતાર સાથે.

ધરતી બનાવી બિસ્તર નિત મસ્ત આભ ઓઢી,
પાસો પડ્યો છે કેવા માલેતુજાર સાથે.

– દિલીપ જોશી

તરી તો જુઓ



ખુરશીદાસો બજારે ફરી તો જુઓ,
ખુદના હાથે ખરીદી કરી તો જુઓ.

સાગર આ મોંઘવારી તણો ગાજતો,
સીધા-ટૂંકા તરાપે તરી તો જુઓ.

ના આપો લાલચો રોજગારી તણી,
બેકારીને તમે કરગરી તો જુઓ.

જીવે છે કેમના આ ગરીબો હજી ?
વગડે જઈને તણખલા ચરી તો જુઓ.

સમસ્યા જળની અમે તો ગળે પાળતા,
‘જીવ’ ! ખોબો પણ તરસને ધરી તો જુઓ.

– જીવણ ઠાકોર

તમારું નોખું હું ધ્યાન રાખું



તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું.
ગુલાબ લઈને તમે મળો તો મ્હેકની લ્યો દુકાન રાખું.

કશુંક આજે કરી જવું છે, કદાચ કાલે જવાનું થાશે,
તમારા ઘરના દિવાને માટે, હવાને આજે હું બાન રાખું.

ગયું ક્યાં પંખી મૂકીને ટહુકો, હજીય ડાળી ઝુલી રહી છે,
મને થયું કે આ પાનખરમાં, બને તો થોડાં હું પાન રાખું.

તમે અહીંયા સૂરજ સમા છો, જશો ના આઘા, ઠરી જઈશ હું,
મને આ જળથી વરાળ કરજો, હું જેથી બાજુમાં સ્થાન રાખું.

પ્રસંગ મારી દિવાનગીનો, હું રોજ ઉજવું છું ધામધુમથી,
દરેક દર્દોને આવકારી, ગઝલમાં પીડાનું ગાન રાખું.

હું કૈંક યુગોથી છું સફરમાં, અહીં હું કેવળ પડાવ પર છું.
મેં ખોળિયાને કહી દીધું છે, હું તારું ભાડે મકાન રાખું.

- ગૌરાંગ ઠાકર

હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે



હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે,
હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે.

મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યા છે,
મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે.

મળી લઈએ હવે આવે સુખદ અંજામ ઉલ્ફત નો,
તને મારી ફીકર ક્યા છે, મને તારી ફીકર ક્યા છે.

બીછાવ્યા તો નથી એમાય કાંટા કોઇયે “બેફામ”
મરણ પહેલા જરા હુ જોઇ લઊ મારી કબર ક્યા છે.

-”બેફામ”

એ જીવતાં પણ ક્યાં દુનિયામાં રહે છે?



અહિં જે તેજ દીવામાં રહે છે,
તિમિર એનું ધુમાડામાં રહે છે.

મહાલય જેના નકશામાં રહે છે,
ઘણા એવા ય રસ્તામાં રહે છે.

છે કાંટા આખરે તો માત્ર કાંટા,
ભલેને એ બગીચામાં રહે છે.

જગા મળતી નથી જેને ચમનમાં
તો એવા ફૂલ વગડામાં રહે છે.

ગયાં સંતાઈ મોતી એ વિચારે,
કે પરપોટા ય દરિયામાં રહે છે.

હું એની છાંયડીમાં કેમ બેસું?
બિચારું વ્રુક્ષ તડકામાં રહે છે.

ઉઘડતા આંખ દેખાતાં નથી એ,
હવે સપનાં ય સપનામાં રહે છે.

ગગનમાં ઘર કરી લીધું છે એણે,
દુઆ મારી સિતારામાં રહે છે.

ખુદાને બીજે શું કામ શોધું?
કે એ તો મારી શ્રધ્ધામાં રહે છે.

મરણ ‘બેફામ’નું ઝંખો છો શા માટે?
એ જીવતાં પણ ક્યાં દુનિયામાં રહે છે?

-બેફામ

પરિચય છે મંદિરમાં દેવોને મારો



પરિચય છે મંદિરમાં દેવોને મારો,
અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ છાનું કોઇથી,
તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી,
અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે ;
ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,
મને તારું સૌ મયકદા ઓળખે છે.

મે લો’યાં છે પાલવમાં ધરતીનાં આંસુ,
કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું,
ઊડી ગઇ છે નીંદર ગગન-સર્જકોની,
મને જ્યારથી તારલા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,
નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે,
મળી છે અમોને જગા મોતીઓમાં,
તમોને ફક્ત બદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે ‘શૂન્ય’ એવા મેં જખ્મો સહ્યા છે,
કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,
છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,
દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

-શૂન્ય” પાલનપુરી

ડર રાખો……………



લાગણીઓ ને આમ રેઢી કેમ રાખો ,
થોડો ઠોકર નો તો ડર રાખો .

સ્મિત ને આટલું ખુલ્લુ કેમ રાખો ,
થોડો ચોરાવાનો તો ડર રાખો .

નયનને આમ ક્યા ઢાળો ,
કોક નો ઘાયલ થવાનો તો ડર રાખો.

કેશ ને આમ ક્યાં વિખેરો ,
મેઘ ના શરમાવવાનો તો ડર રાખો.

અંગડાઈ ને આમ કયાં આવકારો ?
લતાનો કરમાવવાનો તો ડર રાખો.

પાયલને આમ ક્યાં ખનકાવો ?
જલતરંગ ને હરાવવાનો તો ડર રાખો

આટલું અલ્હડ ક્યાં ચાલો ,
ઝરણાં નો સ્થિર થવાનો તો ડર રાખો.

આટલું સુરીલુ ક્યાં બોલો ,
કોયલ નો મૌન થવાનો તો ડર રાખો.

મને આટલો પ્રેમ ક્યાં કરો,
મારો પાગલ થવાનો તો ડર રાખો.

– શૈલ્ય

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?



પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.

ઝળાહળાનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
કમળ તેજતો સ્ફુરતું છે

ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં

હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

-નરેન્દ્ર મોદી

Saturday, September 15, 2012

મળ્યું…



સાવ અંગત એક સરનામું મળ્યું,
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું.

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

- હરિશ્ચન્દ્ર જોશી

હવાથી પણ છૂટીએ



કશું ના જોઈએ ચાલો, કશાથી પણ છૂટીએ;
અમસ્તું એટલું છે, એટલાથી પણ છૂટીએ !

નદી માફક વહીએ, બોજ ના કોઈ લહીએ;
રહીએ ત્યાં વસીએ નહિ, જગાથી પણ છૂટીએ !

ફરીએ પંખી જેવું ડાળ ડાળે, પાંદ પાંદે;
અખિલમાં એવું ભળીએ કે બધાથી પણ છૂટીએ !

રહે ના કોઈ વળગણ ને હટે સૌ એમ અડચણ,
ભરીએ શ્વાસ એવા કે હવાથી પણ છૂટીએ !

કહેવું હો સહજ ને હો સહજ રહેવુંય ‘સુધીર’,
કરમ છે છૂટવું તો એ જફાથી પણ છૂટીએ !

– સુધીર પટેલ

છાતીમાં મારી



છાતીમાં મારી સેંકડો ઈચ્છાની નાવ છે,
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.

શબ્દોને કોઈ બાનમાં પકડી ગયું કે શું!
જાસો મળ્યો પછીનો નગરમાં તનાવ છે.

લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ,
સહુ ચિત્ર જોઈ બોલ્યા ગજબનો ઉઠાવ છે.

આ કાચબાપણાનું હવે શું થશે કહો!
ઝડપી હવાની ચારે તરફ આવજાવ છે.

સાહેદી અંધકારની એમાં જરૂર ક્યાં?
સૂરજની હાજરીમા બનેલો બનાવ છે.

થઈ ધાડપાડુ ત્રાટકે ‘સાહિલ’ ભલે સમય-
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.

- સાહિલ

…તને મોડેથી સમજાશે - II



જિંદગી ચાલી ગઈ છે વાતમાં ને વાતમાં
ને અમે બેઠા રહ્યા છઈ હાથ રાખી હાથમાં

આપ સૌ તો સુજ્ઞ છો સમજી જશો આ શે’રને
કાવ્યના મૃત્યુ થયા છે છીછરા અનુવાદમાં

વાંઝણું આંગણ હશેને તો’ય એ ચાલી જશે
છાંયડો આપે નહીં એ ઝાડને ઊગાડ મા

કોણ જાણે પાંગરીને એ હવે કેવું થશે
લાગણીનું બીજ રોપ્યું છે અમે પથરાળમાં

એ હળાહળ સત્ય હો કે હોય અફવાનો વિષય
જે તને ગમતી નથી એ વાતને અપનાવ મા

બારમો છે ચંદ્રમાં મારે અને આ થાકને
મંઝિલોને પીઠ દેખાડી ગયો છું રાહમાં

આંખનું સન્માન રાખી, સ્મિત રાખી હોઠ પર
દર્દ જેવા દર્દને ભીડી શકું છું બાથમાં

એ પછી તો શબ્દનો મેળાવડો યોજાય છે
એ ખરું સંકોચ જેવું હોય છે શરૂઆતમાં

‘પ્રેમ’ પણ ગઝલોની માફક થઈ ગયો મૃત્યુપરંત
આંખ મીંચેલો ગણીને તું કફન ઓઢાડ મા.

– જિગર જોષી ‘પ્રેમ’

…તને મોડેથી સમજાશે



સાગરની વારતા અને પથ્થરની વારતા
બચપણની સાથ ગૈ મરી દફતરની વારતા

એમાં તો ક્યાંય ઝેરનો ઉલ્લેખ પણ નથી
પાછા કહો છો એ હતી શંકરની વારતા

ફૂલોનો હાલ શું થયો જાણી જશે જો તું
સાચ્ચે જ નૈં ગમે પછી અત્તરની વારતા

નાસ્તિકપણું સ્વભાવથી અળગું થઈ ગયું
કોણે કહી હશે મને ઈશ્વરની વારતા

બાકી તો ‘પ્રેમ’ કોઈનું એવું ગજૂ નથી
આંખો જ વર્ણવી શકે ઝરમરની વારતા

– જિગર જોષી ‘પ્રેમ’

સુખના ધણ



આંખોમાં આંસુ ખૂટ્યા છે,
કોણે આ ફૂલો ચૂંટ્યા છે ?

થાય ન સંપર્ક કોઈ રીતે,
સંબંધોના પુલ તૂટ્યા છે.

હાથોમાં કંઈ હાથ હતા પણ,
એક એક કરતાં સૌ છૂટ્યા છે.

આવો મિત્રો સાથે રડીએ,
ભાગ અમારા પણ ફૂટ્યા છે.

નામ કશું ન કમાયા બાકી,
ઝેર અમે પણ કંઈ ઘૂંટ્યા છે.

જાણીને શું કરશો ‘નાશાદ’
કોણે સુખના ધણ લૂંટ્યા છે.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’

હતું



આમ તો નખ જેટલું ના કોઈ પણ સગપણ હતું.
તે છતાં આ જગ વિષે કોનું મને વળગણ હતું ?

નામ એનું બોલતાં મોઢું ભરાતું સ્વાદથી,
એક નાના શબ્દમાં પણ કેટલું ગળપણ હતું !

જાય છે કાચી ક્ષણો પીઠે ઊંચકતી બોજને,
એમને ચોગાન વચ્ચે શોધતું બચપણ હતું;

રેત, ડમરી, ઝાંઝવાં રણમાં પછી ભેગાં થયાં,
ને ઘડ્યું ષડયંત્ર જેમાં સૂર્યનું વડપણ હતું;

હું થીજેલી યાદ જેવી ભીંતની બારી બન્યો,
ખૂલવું ને બંધ થાવું એટલું સમરણ હતું;

નિષ્પલક તાક્યા કરે છે પંથને આંખો હવે,
શુષ્કતાની પ્રક્રિયામાં એ પ્રથમ પગરણ હતું.

– હરિશ્ચન્દ્ર જોશી

સમજી ગયાં હશે



થોડે સુધી જઈને અટકી ગયાં હશે,
મારો વિચાર નક્કી સમજી ગયાં હશે !

સપનામાં કંકુવરણી કંકોતરી પઢું,
મનમાં ને મનમાં એ પણ પરણી ગયાં હશે.

નહિતર ન હોય આવો માહોલ રણ મહીં,
હરણાંઓ નક્કી મૃગજળને પી ગયાં હશે

એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે,
મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે !

સૂરજને માત્ર જોઈ પરસેવે ન્હાય છે,
એ વાદળોને જોઈ, પલળી ગયાં હશે.

આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી ?
બાળકના હાથ એને અડકી ગયા હશે !

‘નિનાદ’ એમ મયખાને જાય ના કદી,
મિત્રો જ હાથ પકડીને લઈ ગયા હશે !

– નિનાદ અધ્યારુ ‘નિનાદ’

ઈશારે એ નચાવે છે…



નથી ઘરમાં ચલણ કોઈનું, મિસિસ ઘરની ગવર્નર છે,
ઈશારે એ નચાવે છે, પતિ જાણે કે બંદર છે.

ન લોટો છે, ન થાળી છે, બગલમાં એક બિસ્તર છે,
ભરોસો રાખવો ક્યાંથી કે ફરતારામ મિસ્ટર છે.

લપેડા પાઉડરના છે, ઠઠારો પણ પરી જેવો,
હકીકતમાં મને દેખાય છે કે એ છછુંદર છે.

હું પડખાં ફેરવીને રાત જાગીને વીતાવું છું,
નથી કોઈ પ્રેમનો દર્દી, પરંતુ ઘરમાં મચ્છર છે.

ટકે સિંહણનું દૂધ, તો માનજો છે પાત્ર સોનાનું,
ટકે ના, તો નથી પાતર, સમજો એ કપાતર છે.

તિજોરી તર ભરી છે ત્યાં નથી ખાનાર કો’ બચ્ચું,
ગરીબોના ઘરે ખાનાર બચ્ચાંઓનું લશ્કર છે.

તમે માનો ન માનો એ બધાં છે મન તણાં કારણ,
શ્રદ્ધાથી જો ભજો તો દેવ, નહિતર એક પથ્થર છે.

જીવન છે આમ તો શાયરનું, પણ કડકાઈ નાણાંની,
હકીકત છે કે, બેકારી જીવનમાં એક ફાચર છે.

કદી સારું નિહાળું તો ગ્રહી લઉં છું તુરત દિલમાં,
ગણો તો આમ ‘ગોલીબાર’ પણ પાકો નિશાચર છે.

– એન. જે. ગોલીબાર

તારા રૂમાલે નક્કી ફરકવાનું હોય છે



તારા રૂમાલે નક્કી ફરકવાનું હોય છે
મારે ય પછી સ્હેજ મલકવાનું હોય છે.

ભૂલા પડી જવાનું નથી કોઈ કારણે
મારે તો તારા ફળિયે રખડવાનું હોય છે.

શેરીની ધૂળમાં જ હું સંતાઈ જાઉં છું.
ઘરમાંથી તારે જ્યારે નીકળવાનું હોય છે.

પડછાયાને કશું જ નથી હોતું કામ, દોસ્ત
એને તો થોડું થોડું સરકવાનું હોય છે.

તેને ફિકર નથી કે સુખડમ્હેલ થશે રાખ
દીવાસળીએ માત્ર સળગવાનું હોય છે.

દુષ્કાળમાં એ બાળકો હરખી શકે જરા
તેથી તો વાસણોએ ખખડવાનું હોય છે.

કેદી છું ‘રાહી’, મનને હું સમજાવું કઈ રીતે
કે જેલના સળિયાએ સબડવાનું હોય છે.

– એસ. એસ. રાહી

બદલી જો દિશા….



આ જગત સાચું તને સમજાય, બદલી જો દિશા,
બ્હાર-ભીતર દુઃખ નહીં પડઘાય, બદલી જો દિશા.

એ જ બીબાંઢાળ જીવતર ક્યાં લગી જીવ્યા કરીશ ?
કૈં નવું ત્હારા વડે સર્જાય, બદલી જો દિશા.

નીકળાશે બ્હાર, અમથો ડર નહીં, ઘાંઘો ન થા,
બ્હાર જાવા દ્વાર નહિ બદલાય, બદલી જો દિશા.

ના જડ્યું સઘળી રઝળપાટો પછી પણ ક્યાંય જે,
શક્ય છે સામે ઊભું દેખાય, બદલી જો દિશા.

ને પછીથી આજ લગ ઝંખેલ સુખ સામે મળે,
કીમિયો એવો જડી કોઈ જાય, બદલી જો દિશા.

છોડ ‘મિસ્કીન’ દોડધામો વ્યર્થ છે આ બ્હારની,
પ્હોંચવા જેવું રહે ના ક્યાંય, બદલી જો દિશા.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

તો ખરા



માણસોને ઓળખી લો તો ખરા,
નાડ તેની પારખી લો તો ખરા.

નેહ કેવો છે ભલા ઓ આદમી,
હાટ માંડીને લખી લો તો ખરા.

પ્રસંગો ભીના તે પાછા વળાવી,
આજ તેને જ હરખી લો તો ખરા.

જો પથ્થરોનું નગર તો પ્રેમ ક્યાં ?
ફૂલ સૌ હૈયે રાખી લો તો ખરા.

‘રામ બોલો’, ‘રામ બોલો’ આખરે
શબ જગાડી નિરખી લો તો ખરા.

– ગોવિંદ દરજી ‘દેવાંશું’

ખ્વાબમાં (ગઝલ)



એક સુરજ ઝળહળે છે ખ્વાબમાં
નામ કોઈ સળવળે છે ખ્વાબમાં

ધુમ્મસો ઓઢીને ઉભા આયના
ને સમય પાછો વળે છે ખ્વાબમાં

એક ચહેરો એક અટકળ સ્વપ્નમય
યાદના દીવા બળે છે ખ્વાબમાં

બર્ફ સમ થીજી ગયા સંબંધ જ્યાં
લાગણી ટોળે વળે છે ખ્વાબમાં

ઝાંઝવા થાકીને સુતા આંખમાં
ને હરણ પાછું વળે છે ખ્વાબમાં

આપણા હોવાપણાના ખ્યાલમાં
કેટલા સુરજ બળે છે ખ્વાબમાં

– જ્યોતિ હિરાણી

બચાવ



આ ઉઝરડાતી જતી ક્ષણને બચાવ
રાતભર બળબળતી પાંપણને બચાવ

તોડી નાખે આ સમય દુશ્મન બની
તે પહેલાં આવ; વળગણને બચાવ

માર્ગમાંથી કોઈ ભૂંસી દે કદાચ
એક પગલાં પરની રજકણને બચાવ

કેટલાં વર્ષોથી રાખ્યો સાચવી-
એક ચ્હેરો; એક દર્પણને બચાવ

જીવવું મુશ્કેલ છે એના વગર
શબ્દ, સ્પંદન, પ્રેમ – એ ત્રણને બચાવ

– દિલીપ મોદી

મન



સઘળા દુઃખનું કારણ મન છે,
સુખનું સરનામું પણ મન છે.

સઘળી આવન-જાવન મન છે,
દીવાનગી ને ડહાપણ મન છે.

સ્વયમ્ ધૂળ ને રજકણ મન છે,
થર બાઝેલું દર્પણ મન છે.

જીવન તો ખળખળ ઝરણાં સમ,
આ વિધ્નો આ અડચણ મન છે.

હું એવો ને એવો ભીતર,
આ બચપણ આ ઘડપણ મન છે.

શું સાધુ કે શું સંસારી ?
મૂળ બેઉનું કારણ મન છે.

બાંધે, જોડે – તોડે હરપળ,
સૌ સાથેનું સગપણ મન છે.

એ જ ઉઘાડે સકળ રહસ્યો,
અને સત્યનું ઢાંકણ મન છે.

આભ બની જઈ ઘડીક ટહુકે,
બીજી જ પળમાં ગોફણ મન છે.

શબ્દ-મૌન, મુક્તિ કે બંધન,
આ પણ મન છે, એ પણ મન છે.

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

રાખે છે મને



પ્રેમમાં બોળીને રાખે છે મને
રંગમાં રોળીને રાખે છે મને

રોગ કોઈ ક્યાંથી ફરકે અંગમાં
ઔષધો ચોળીને રાખે છે મને

શક્ય ક્યાં છે ક્યાંય ખોવાઈ જવું
રાતભર ખોળીને રાખે છે મને !

પળમાં પર્વત ઓળંગાવી દે છે એ
કાંધ લઈ ડોળી ને રાખે છે મને !

રોમ રોમેથી ગઝલ ફૂટ્યા કરે
શબ્દમાં ઘોળીને રાખે છે મને

એટલે ઘોર્યા કરું છું રાતદિ’
નિત્ય હિલ્લોળીને રાખે છે મને

– હરકિસન જોષી

ઝાડ એના પાંદડાંને પૂછે



ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?
પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?
ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!
પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું
તૂટવાનો અર્થ તને અડકે નહીં , તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ

– રમેશ પારેખ

સપનામાં આવશો



સામે રહો નહીં તો સપનામાં આવશો
નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો

જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો
ને જો નદી થશો તો દરિયામાં આવશો

ચારે તરફ તમોને જોયા કરું છતાં
ક્યારે કહી દો મારી દુનિયામાં આવશો

ચીતરેલાં ક્યાંય એમાં હોતાં નથી જ ઘર
અફસોસ કે નગરના નકશામાં આવશો

પહેલી પસંદગી છો તો એ મુજબ રહો
બહુ દુ:ખ થશે તમે જો અથવામાં આવશો.

– ભરત વિંઝુડા

તારી ને મારી વાત…



શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત

છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.

અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.

આવી અતીતની આંગળી પકડીને આંખમાં
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.

રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઇ થઇ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.

એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય ?
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.

રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ !
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.

– રમેશ પારેખ

Friday, September 14, 2012

પૂછો



પૂછો કે Penમાં ય ફરે ઝાંઝવા, તો હા
પૂછો કે હોય ત્યાં ય હરણ બહાવરા, તો હા

એવું ય ઘર હતું જ્યાં ઊગી’તી લીલોતરી
પૂછો કે એની આજ છે આવી દશા, તો હા

દોસ્તી પતંગિયાની કરી એ ગુના સબબ
પૂછો કે લીલા બાગ સુકાઇ ગયા, તો હા

આંખો બની રહી છે અકસ્માતના ખબર
પૂછો કે એક ફૂલ હતું હાથમાં, તો હા

છટકી ગયું કોઇક પ્રતિબિંબમાંથી બહાર
પૂછો કે દર્પણોમાં હતાં બારણા, તો હા

ત્રણ અક્ષરોમાં માપી લીધું વિશ્વને, ‘રમેશ’
પૂછો કે એનું નામ હતું, વેદના, તો હા

– રમેશ પારેખ

બાકી છે…



ખરી કસોટી હજી પણ થવાની બાકી છે.
હજી વધારે તને ચાહવાની બાકી છે

સતત સ્મરણમાં તને રાખવાની બાકી છે
ને એ રીતે જ ઘડી ભૂલવાની બાકી છે.

ગયા પછી તું ફરી આવવાની બાકી છે
હજી ઘણીયે ક્ષણો જીવવાની બાકી છે.

વધારે એથી સરસ કોઈ હિંચકો ક્યાં છે ?
તું મારા હાથ ઉપર ઝૂલવાની બાકી છે.

અનંત આપણા વચ્ચેની વારતા ચાલી
અને એ કારણે સંભારવાની બાકી છે.

સમાઈ જાઉં છું તારી જ બેઉ આંખોમાં
નહીં તો જાતને દફનાવવાની બાકી છે.

- ભરત વિંઝુડા

નહીં શકે



તારી ખતા છે ને તું સ્વીકારી નહીં શકે
અફસોસ કે તું એને સુધારી નહીં શકે

અત્યારથી જ એના ઉપર કાબુ રાખ તું
મોટો થશે અહમ્ તો તું મારી નહીં શકે

જીતી ગયો છું હું તને એવો છે ભ્રમ મને
ને તારો ભ્રમ કે તું કદી હારી નહીં શકે

મારા ચમનમાં થોર, રાતરાણી ને ગુલાબ
હું કેટલો સુખી છું તું ધારી નહીં શકે

નાવિક અને નદી હું ચહું બેઉનો સુમેળ
બેમાંથી એક નાવને તારી નહીં શકે

ગઝલો નથી આ જિન્દગી છે, એટલું સમજ
એને તું વારંવાર મઠારી નહીં શકે

- રિષભ મહેતા

જિગર મળે



જે કંઈ મને મળે તો એ માંગ્યા વગર મળે,
દિલ પણ હવે મળે તો તમન્નાથી પર મળે.

નાગણ સમી આ રાત સલૂણી બની રહે,
મુજને ફરી જો તારા મિલનની ખબર મળે.

જીવનમાં એજ આશ છે મન હો તો કર કબૂલ,
દુનિયા મને મળે જો તમારી નજર મળે.

સંધ્યા-ઉષાના તો જ તમાશા થશે ખતમ,
ધરતી મહીં ગગનને જો રહેવાને ઘર મળે.

છે દિલની માંગ કે મળે, છુટકારો ગમ થકી
છે ગમની માંગ એ કે ‘જલન’નું જિગર મળે.

– જલન માતરી

પથારી છે



તમામ ઝંખના કાગળ ઉપર ઉતારી છે,
ગઝલને વાંચો ન વાંચો સમજ તમારી છે.

કહી દો આંસુને મોટી છલાંગ ના મારે,
બિચારી આંખની નાની સૂની જ ક્યારી છે.

જબાન પર હતા સહુના વિરોધનાં વાદળ,
પરંતુ લખતા રહ્યા એ જ તો ખુમારી છે.

તું તારા ઘરથી બે’ક ડગલાં ચાલજે આગળ,
પછી જે આવશે બસ એ ગલી અમારી છે.

કદાચ મારી ગઝલમાં બહુ કચાશ હશે,
ઘણાની નબળી ગઝલને અમે મઠારી છે.

મુશાયરો હવે તો ચંદ્ર પર ભલે કરીએ,
તમામની અમે દરખાસ્તને વિચારી છે.

ભલે અમીર હશે કે ગરીબ માણસ પણ,
બધાના ઘરમાં જરૂરજોગી તો પથારી છે.

– નીલેશ પટેલ

સમજું છું અલ્પેશને થોડું-ઘણું,



સમજું છું અલ્પેશને થોડું-ઘણું,
એટલું પોલું છે આ હોવા-પણું.

તરબતર છઈયે હવે તો આપણે,
કેટલું અદ્દભુત છે આ ખાલી-પણું.

એક ઘરમાંથી કશે ગુમ થઈ ગયાં,
ભીંત, ફળિયું, ઓસરી ને બારણું.

શબ્દ વિસ્ફોટક બન્યો છે એટલે,
અર્થ જાણે બોંબમાં બેઠો અણુ.

એ કદી ઠરવા નહીં દે જાતને,
દોસ્ત, ગાંડી માથે બેડું આપણું.

‘પાગલ’ આ ચ્હેરે કરચલી એટલે,
શિલ્પ ઘડતું આ સમયનું ટાંકણું.

– અલ્પેશ પાઠક ‘પાગલ’

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે



જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા
દિવસ કે રાત હોય બન્ને ઉદાસ આવે છે
ને વરસો વિત્યાં છતાં પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે.

જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપ ના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કમલ જેવાં કરમાં એ પુસ્તક ઉઠાવી
પ્રણય ઉર્મીઓ મનની મનમાં સમાવી
મનોભાવ મુખ પર ન દેખાય તેથી
અદાથી જરા ડોક નીચી નમાવી
મને અવનવી પ્રેરણા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

છે લાલી માં જે લચકતી લલીતા
ગતી એવી જાણે સરકતી સરીતા
કલાથી વિભુષીત કલાકાર માટે
કવિતા જ સુંદર બનીને કવિતા
પ્રભુની પ્રભા ની ઝલક દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ન સુરમો, ન કાજલ, ન પાવડર ન લાલી
છતાંય એની રંગત છે સૌ માં નિરાલી
બધી ફેશનેબલ સખીઓ ની વચ્ચે
છે સાદાઇ માં એની જાહોજલાલી
શું ખાદીની સાડી મજા દઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

સરળથી ય સરળ છે એની સરળતા
નથી શબ્દ સમજાવવા કોઇ મળતા
લખું તોય લખતાં ન કાંઇ લખાયે
શમી જાય છે ભાવ હૈયે ઉછળતાં
અજબ મારા મનની દશા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

ભલા કોણ જાણે કે કોને રિઝવવા
અને કોના દિલની કળીને ખિલવવા
એ દરરોજ બે-ચાર સખીઓની સાથે
એ જાયે છે ભણવા કે ઉઠાં ભણવવા
ન સમજાય તેવી કલા થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

કોઇ કહે છે જાય છે ચિત્રો ચિતરવા
કહે છે કોઇ જ્ઞાન ભંડાર ભરવા
કોઇ કેમ સમજે આ બાબતને ‘આસીમ’
અધુરાં પ્રણય પાઠ ને પુર્ણ કરવા
એ દરરોજ ભણતરનાં સમ લઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.

-આસિમ રાંદેરી

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.



માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.

વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.

રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.

- આદિલ મન્સૂરી

Tuesday, September 11, 2012

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે



જુદી જિંદગી છે મિજાજે – મિજાજે;
જુદી બંદગી છે નમાજે – નમાજે.

છે એક જ સમંદર, થયું એટલે શું ?
જુદા છે મુસાફર જહાજે – જહાજે.

ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે – રિયાજે.

જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે – અવાજે.

જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે – જનાજે.

હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે – મલાજે.

તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ ?
જુઓ, બદલે દુનિયા તકાજે – તકાજે.

મનુભાઇ ત્રિવેદી ‘ગાફિલ’

ઊપડતી જીભ અટકે છે…



ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે

ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે

ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

- હેમંત પૂણેકર

લંબચોરસ ઓરડામાં



લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હર ક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ,
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે.

- નયન દેસાઈ

ધીર ને ગંભીર થાતાં જાય છે



ધીર ને ગંભીર થાતાં જાય છે
એ નદીના નીર થાતાં જાય છે !

જિંદગીને જીવવાની હોંશમં
દ્રૌપદીના ચીર થાતાં જાય છે !

સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !

લાગણી ને પ્રેમના સંબંધ પણ
સાંકડી જંજીર થાતાં જાય છે !

શબ્દને હું ચાહતો રહું તે છતાં
શબ્દ પોતે તીર થાતાં જાય છે !

- દિનેશ કાનાણી

જીવન બની જશે



જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે .

શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે .

જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે ,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.

મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.

તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
એને જો હું વિતાવું તો જીવન બની જશે .

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવુ કોણ જે બંધન બની જશે ?

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’
શંકા વધી જશે તો સમર્થન બની જશે .

- ‘મરીઝ’

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે



મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

- ‘મરીઝ’

સાજન મારો સપનાં જોતો …



સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી
સાજન મારો સપના જોતો …

મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી
સાજન મારો સપના જોતો …

સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉં ! એવી રોમે રોમે જ્યોતિ
સાજન મારો સપના જોતો …

- મૂકેશ જોષી

તબક્કે-તબક્કે તફાવત નડે છે



તબક્કે-તબક્કે તફાવત નડે છે
મને, માત્ર મારી શરાફત નડે છે !

નથી જઈ શકાતું ઉપરવટ, સ્વયંથી
અને આખરે, એ જ બાબત નડે છે !

બધાં ફળ મુકદ્દરને આધિન નથી કઈં
ઘણીવાર, ખુદની ય દાનત નડે છે !

ઉલેચાય ઈતિહાસ, તો ખ્યાલ આવે
કે સરવાળે, એકાદ અંગત નડે છે !

નડે છે મને સ્વપ્ન મારાં અધુરાં
અને સ્વપ્નને, આ હકીકત નડે છે !

કરી ’લ્યો હજુ સત્ય સ્વીકૃત, સહજ થઈ
અને કાં કહી દ્યો કે, નિયત નડે છે !

ખબર છે કે, સોનું તપે એમ નિખરે
છતાં પણ, કશુંક વારસાગત નડે છે !

- ડૉ. મહેશ રાવલ

આટલું બધું વ્હાલ…?



આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે

-સુરેશ દલાલ

હજુયે યાદ છે… (‘હઝલ’-હાસ્ય ગઝલ)



એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલોનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

-રઈશ મનીયાર

કૈં નથી…



બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો

ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો

એકાંત છેક તળિયે મળે તો મળી શકે
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો

-નયન દેસાઈ

આ પડ્યા છે બધા પ્રેમ મા



પ્રેમ… પ્રેમ… પ્રેમ… મા
આ પડ્યા છે બધા પ્રેમ મા,

પેલા એમ કે છે ‘સુંદર’ મજ્જા નો ખાડો
પછીથી પાડે બધા મોટી મોટી રાડો,

પ્રેમમાં પડેલ ના હૃદય ફુલાય જાય,
શાંતિથી એના જ હાડકા ભાંગી જાય,

પેલા કે બબલી હુ તારો જ છુ તારો,
ને પસી વળી એમ કે માનેસ મને ઝારો?

પેલા કે હુ ને તુ આપણા બે નો સંસાર,
પસી હાળો એમ કે હવે તો ના રંઝાડ,

પેલ્લા પેલા પ્રેમ મા હારો આવે ઉસાળ,
લોકો પસી થાય સે આમ ને આમ ખુવાર,

આ તે માયાઝાળ મા કેમ કરી ને પડવુ,
તો ય મઝા સે પ્રેમ ની હટ પડી ને રડવુ,

ઇ રડવાની ય હારી આવે મઝા,
જો પ્રેમ ને ના માનીયે મોટી સઝા,

- શ્ર્લોકા શુકલા

કેવો અજબ દુનિયાએ દસ્તુર કરી દીધો છે !!



કેવો અજબ દુનિયાએ દસ્તુર કરી દીધો છે !!
એક કામના માણસને નકામો કરી દીધો છે.

ભણતરના નામે ગણતરમાં લૂલો કરી દીધો છે.
સંબંધોમાં નફાનો હિસાબ ઉમેરતો કરી દીધો છે.

ભક્તિના નામે બાવાઓ ને નમતો કરી દિધો છે.
પ્રાણ વગરની મૂર્તિઓને પુજતો કરી દીધો છે.

ડાહ્યો કહી ચિઠ્ઠીનો ચાકર કરી દીધો છે.
ગાંડો કહી સાચું બોલતો બંધ કરી દિધો છે.

માયાએ કાયાને પ્રેમ કરતો કરી દિધો છે.
પ્રેમ કહી વાસનામાં રમતો કરી દિધો છે.

તમે મારા આત્માને ખોખલો કરી દિધો છે.
ને મને, દુનિયાદારી કરતો કરી દિધો છે.

– શૈલ્ય શાહ

વિશ્વામિત્રનો તપોભંગ



છાને પગલે આવીને કોક દિલના દ્વાર ખોલી ગયું,
અંતરની ઉર્મિઓને કોક આઝાદ કરી ગયું,
સ્થિર મનમાં કોક કાંકરીચાળો કરી ગયું,
ફરી મેનકાનું કામણ,
એક વિશ્વામિત્રનું તપોભંગ કરી ગયું.

– શૈલ્ય

એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં



એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વિનસમાન જમાનાની ચાલમાં.

મુજ પર િસતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

-‘મરીઝ’

હાયકુ



જેટલું સુખ
તેનાથી બમણી છે
ભવની ભૂખ

હોસ્પિટલનું
અત્તર અટલે આ
ફિનાઈલ છે

આ માતૃભાષા
એ તો છે સંસ્કૃતિનાં
પ્રાણ સમાન

બગાસું એ તો
ઊંઘના આગમન
નુ એંધાણ છે

રાખડી એ તો
છે, ભાઈ બહેનનુ
પ્રેમ પ્રતિક.

આ સંસ્કૃતિનું
રક્ષણ કરે એવા
સંત શોધુ છું

પારકા પાસે
ભાગીયે તો પોતાનુ
છુટી જાય છે

-કપિલ દવે

ધરા સ્વજનસી



છંદ…બસીત (ગઝલ)
ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા

લાગે ભલી મધુર આ વાતો બધી ગગનની
ગમતી મને લીલુડી મારી ધરા સ્વજનસી

કેવી રૂડી ખીલતી ઋતુઓ ધરા ચમનથી
કેમ તુજને વિસરું જ દુલારી ધરા સ્વજનસી

જાણી કથા સ્વર્ગની રૂપલી બધી હરખથી
શ્રધ્ધા વિભૂતિ સત જ સુચારી ધરા સ્વજનસી

જન્મ ધરી ભોમકા ખીલ્યો થઈ લીલુડો
ફૂલો ધરી બનું હું પૂજારી ધરા સ્વજનસી

ઘૂમે નભે નજર તું બની વાદળી વિરહની
મ્હેંકે મમતથી ઉરે પ્યારી ધરા સ્વજનસી

મેઘલ જલ અમી ભરી હરખાવતા વતનને
કલરવ થકી ગાય એ ન્યારી ધરા સ્વજનસી

ઘૂમું ગગન મધ્યમાં બંધન લઈ ધરણનાં
‘દીપ જલતાં ખીલતી પ્યારી ધરા સ્વજનસી

- રમેશ પટેલ(આકાશદીપ)

કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,



કોઇ હસીને તો કોઇ રડીને દર્દ છુપાવે છે,
કેટલાયે મારી જેમ મજબૂરીથી ચલાવે છે.
કોઇ એને જઇને જરૂરથી આટલું કહેજો,
કે મારી ધડકન એની યાદો ચલાવે છે.
આ કલમ પણ કમાલ કરે છે કાયમ જોને,
શાહીથી બસ નામ એ તેનું લખાવે છે.
દિલ હોય કે કોલસો બળ્યા પછી તો રાખ જ,
તો પછી દોસ્તી ભૂલી પ્રેમ શા માટે કરાવે છે.
પ્રેમ પણ કેવો અદભૂત કમાલ કરે છે ભલા,
ડૂબવાને આરે હતો ને છતાં તરાવે છે.
જગ્યા જ નથી હવે કોઇના માટે એના દિલમાં
દરવાજા પર જ એ ચોકી કરાવે છે.

રમેશકુમાર જાંબુચા

એને નવું વર્ષ કહેવાય….



મારાં સપનાં તારી આંખે સાચ્ચાં પડતાં જાય
એને નવું વર્ષ કહેવાય….
હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય
એને નવું વર્ષ કહેવાય….

ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ મસ્ત મજાનું ,
પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બહાનું
લાભ , શુભ ને ચોઘડિયાં પણ અંદરથી શરમાય
એને નવું વર્ષ કહેવાય….

જીવન એવું જીવશું જાણે સહજ અવતરે પ્રાસ ,
વહાલ નીતરતાં શ્વાસમાં ઘૂંટશું ઇશ્વરનો અહેસાસ
ટૂંકમાં , તારી સાથે દિવસો ઉત્સવ થઈ ઉજવાય
એને નવું વર્ષ કહેવાય….

– અંકિત ત્રિવેદી

હસમુખ ?



દિલ ની શિલા પર પ્રિયે તવ નામ કોતરાઇ ગયુ
જેમ ચમન માં સુમન નુ દામન પરવાનાઓથી રંગાઇ ગયુ…!!!

યાદોનુ ફોરું મુજ શરીર ની ચોપાસ વેરાઇ ગયુ
તેમાંનુ એક અધોબિદુ બની તવ પગપાની એ છુદાઇ ગયુ….

સતત જોતુ વાટ તારી એ પોપચુ જ આજ બિડાઇ ગયુ
નિરંતર હતી જે ને તારી પ્રતિક્ષા એ મનડુ જ દુભાઇ ગયુ

ઇશ્ક ની બજારમાં મુજ દિલ ‘અનમોલ’ મોલે વેંચાઇ ગયુ,
ને… એ ..જ… દિલ તુજ મગરુર દિલ પાછળ ઘસડાઇ ગયુ

દિલ દેવુ નહોતુ છતા કોને ખબર કાં દેવાઇ ગયુ…
શું કહીયે તમને દોસ્તો ‘હસમુખ’ થઇને અમારાથી જ આજ રોવાઇ ગયુ…!!!

—હસમુખ ધરોડ ‘અંકુર્’

કોઈ રખવાળું કરે છે



શ્વાસનો પ્હેરો ભરીને કોઈ રખવાળું કરે છે.
સાવ અંદર સંચરીને કોઈ રખવાળું કરે છે.

ડૂબતો એ જીવ આપોઆપ ઊગરશે જ અંતે,
પાંદડાં રૂપે ખરીને કોઈ રખવાળું કરે છે.

પ્હાડ પીડાના બધાયે પીગળી જાશે તમારા,
પ્રેમનો પાલવ ધરીને કોઈ રખવાળું કરે છે.

આંગણામાં ઝેરનું એ ઝાડ ઊગે છે છતાંયે
પ્રાણવાયુ પાથરીને કોઈ રખવાળું કરે છે.

ગાઢ જંગલમાં નથી ચિંતા ચરણને ચાલવાની,
અધવચાળે આંતરીને કોઈ રખવાળું કરે છે.

તાગતાં તળ એ બધાંયે આખરે તો છે સલામત,
છેક ઊંડે ઊતરીને કોઈ રખવાળું કરે છે.

આમ તો એ છે અગોચર ક્યાંય દેખાતું નથી પણ,
વ્યોમ માફક વિસ્તરીને કોઈ રખવાળું કરે છે.

– નીતિન વડગામા

તો મિલનની આપ ના પરવાનગી



રાખવી છે જાત તારી ખાનગી,
તો મિલનની આપ ના પરવાનગી.

છે ઘણી ફુરસદ, તમે છો વાત પણ,
રંગ આજે લાવશે દીવાનગી.

રૂપ ને આકાર હું જોતો રહ્યો,
ને સુમન વ્હેંચી રહ્યું’તું તાજગી.

જે ગણો તે – એની દોલત આટલી-
શીલ, સચ્ચાઈ, સહજતા, સાદગી.

લે ! હું તારા દ્વાર પર આવી ગયો,
કોણ વ્હોરે ઈશની નારાજગી

કોઈ યત્નો બાદ પામે લક્ષ્યને,
એમ હું આવી ગયો તારા લગી.

– ગણપત પટેલ ‘સૌમ્ય’

સાવ અટુલા પડી ગયા



તારી અસરમાં સાવ અટુલા પડી ગયા
ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા

છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઇ
આખી સફરમાં સાવ અટુલા પડી ગયા

ન્હોતા અટુલા કિન્તુ અટુલા થશું તો શું ?
શું એ જ ડરમાં સાવ અટુલા પડી ગયા

આત્મીયતા દીવાલ પરથી ખરી પડી
મસમોટા ઘરમાં સાવ અટુલા પડી ગયા

કાયમી કસૂંબી ડાયરે જેના દિવસો વીત્યા
આજે કબરમાં સાવ અટૂલા પડી ગયા

- મનોજ ખંડેરિયા

મારી ગઝલમાં…



અસલના ઉતારા છે મારી ગઝલમાં,
કે મોઘમ ઇશારા છે મારી ગઝલમાં.

રૂપાળાં તિખારા છે મારી ગઝલમાં,
સળગતા સિતારા છે મારી ગઝલમાં

સહારે સહારા છે મારી ગઝલમાં,
કિનારે કિનારા છે મારી ગઝલમાં.

નથી હોતું ઓસડ કહ્યું કોણે મીઠું ?
ઘણા બોલ પ્યારા છે મારી ગઝલમાં.

નથી દર્શ એનાં થયાં જિંદગીને ,
પ્રસંગો કુંવારા છે મારી ગઝલમાં.

જીવનમાં હલાહલ ભળ્યું છે પરંતુ,
અમીના ફુવારા છે મારી ગઝલમાં.

વિસંવાદ તારો નથી એમાં, દુનિયા !
ફકત ભાઈચારા છે મારી ગઝલમાં.

જગતને કરી દે ગમે ત્યારે જાગૃત ,
કલંદરના નારા છે મારી ગઝલમાં.

રહ્યો છું ભલે ઘૂમી બેહોશ ‘ગાફિલ’,
છૂપા હોશ મારા છે મારી ગઝલમાં.

- મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)

થાય તો…………………..



મારી વ્યથામા તારુ હાસ્ય ભળે,
તો મારી પીડા માં વધારો થાય…. …

…મારી આંખોમાં તારો ઇંતજાર ભળે,
તો મારા અશ્રુમાં વધારો થાય….

મુજ થી બહુ નજદીક છો તુ,
પણ તારાથી બહુ હુ દુર..

આ જુદાઈ માં જો થોડા સવાલ-જવાબ ભળે,
તો કદાચ સંબધ માં સુધારો થાય…

-નીતા કોટેચા

જોવું જોઈએ



સામસામે આવી જોવું જોઈએ,
જાતને અટકાવી જોવું જોઈએ !

આંખ પહેલાં કોની ઝૂકી જાય છે,
દેખવું અજમાવી જોવું જોઈએ.

હું તને ચાહું ને તું ચાહે મને,
દિલ હવે બદલાવી જોવું જોઈએ.

માણસો સમજે નહીં તો આખરે,
મનને પણ સમજાવી જોવું જોઈએ.

સ્વપ્ન ઊડી જાય તે ચાલે નહીં,
આંખમાં દફનાવી જોવું જોઈએ.

તું કહે કે જોઈએ છે આ મને,
એ જ મારે લાવી જોવું જોઈએ.

હોય ભીતરમાં તો હોંકારો ય દે,
બારણું ખખડાવી જોવું જોઈએ.

– ભરત વિંઝુડા

દરિયા ને મે જ્યારે જોયો,



દરિયા ને મે જ્યારે જોયો,
મનમાં થયુ મણસ જેવો.

ક્યારેક તો ઍવો શાંત લગે !
જાણે આ દરિયો કે બીજુ કઈ.

પણ જ્યારે અમાસ કે પુનમ,
જીવના દુઃખ અને સુખ જેવો.

ઘુઘવાટા મારે જાણે અંદર કાંઇ,
માણસના મનનાં પ્રશ્ન જેવો.

ઉછળીને રેતી ને ભીંજાવે ઍમ,
જાણે માણસ મળે પ્રેમથી મણસને.

પણ થોડા સમય માટે જ મળે,
જેમ માણસ રહે માણસ સાથે.

અનેક રાઝ છુપાયેલા છે ‘દમન’,
જેવા માણનાં સંબંધ છે અવો.

-સર્વદમન

સંબંધ….



સંબંધ એ રસ્તો,
જેમાં કોઇ સ્પીડ-બ્રેકર નથી.

સંબંધ એ સીધી લીટી,
જેમાં ક્યાંય કટ નથી.

સંબંધ એ નદી,
જે અવીર્ત ચાલ્યાં કરે.

સંબંધ એ સાગર,
ઊંડા અને વિશાળ.

સંબંધ એ આકાશ,
જેનો કોઇ અંત નથી.

સંબંધ એ સુર્ય,
જે દેખાંતો ભગવાન.

સંબંધ એ માં સમાન,
જેના પ્રેમ સામે કોઇ નહી.

સંબંધ એ કવિતા,
જે કવિ નું હદય.

-સર્વદમન

ગઝલ કહે…



ખુદની કહે કદીક ખુદાની ગઝલ કહે,
વચ્ચે કદી સમસ્ત પ્રજાની ગઝલ કહે.

એક ખાસ જણ મળે તો પછી એના કાનમાં,
બસ સાંભળે તે એમ મજાની ગઝલ કહે.

જાણે કે ઓગળી જ ગયો છે હવા મહીં,
તે જણ જડે તો કેવી દશાની ગઝલ કહે.

કોઈ નથી બીમાર બધા ખુશખુશાલ છે,
ત્યારે ફકીર કેમ દુઆની ગઝલ કહે.

વાદળની વાત છે કે તારી ઝુલ્ફની,
જો દિલ વરસતી કાળી ઘટાની ગઝલ કહે.

માણસ છે શ્વાસ લઈને સતત જીવતો રહે,
એથી સુગંધની ને હવાની ગઝલ કહે.

-ભરત વિંઝુડા

દૂર જઇને…



દૂર જઇને જ કોઇ સતાવે
તો કોઇ એટલે પાસ આવે

કોઇ બનતી નથી એમાં ઘટના
એ કથા સાંભળો ને રડાવે

સત્યનો હાથ સૌથી ઉપર છે
સૂર્ય એને વધારે જલાવે

કાળ ઘેરી વળે છે બધાને
સૌની સાથે એ ખદને વિતાવે

ગણગણે છે ન સમજાય એવું
અણસમજ એક ગઝલો લખાવે

-ભરત વિંઝૂડા

Sunday, September 9, 2012

તું પવન છે



તું પવન છે

તું જ વન છે

આવ મારા રોમ પર્ણે

રેશમી ઝાકળનું વન છે

સ્વપ્ન હાથોહાથ તે આપ્યું હતું એ

એક દંડિયા મહેલનું કેદી ગગન છે

સાવ છેલ્લા શ્વાસને સ્પર્શી પૂછું છું હું તને કે -

તું પવન છે કે પીડાના દૈત્યનું પુનરાગમન છે

ઊંઘરેટા – ઝંખના ઘેલાં પ્રલાપો આંખમાં ઝુર્યા કરે છે

કોઈ પરદેશી નિશાચર સ્વપ્ન થઈને આવશે એવું વચન છે.

– જયેન્દ્ર શેખડીવાલા

શ્વાસ લીધો



શ્વાસ લીધો નહીં હવામાંથી,
હું વિખૂટો પડ્યો બધામાંથી.

બારીએથી મેં વિશ્વ જોયું છે,
ઓસરી જોઈ બારણામાંથી.

કંઈ અકસ્માત જેમ બનવાનું,
કંઈ નહીં થાય શક્યતામાંથી

આભમાંથી જે પ્રકાશ રેલાયો
ને ફૂટ્યું છે તિમિર ઘરામાંથી.

એક સુખ નીક્ળ્યું કવિતાનું.
આપણી આ બધી વ્યથામાંથી

– ભરત વિંઝુડા

જિગર જોષી ‘પ્રેમ’



ઘણા ચહેરા, ઘણી વાતો ઘણું મૂકી ગયો છું હું,
અરીસો થઈ અને મુજ હાથથી ફૂટી ગયો છું હું.

ઘણી મશહુર છે સ્ટોરી, ‘ટપકતી છત હતો પહેલાં’
પછી વરસ્યો ઘણો વરસાદ ને તૂટી ગયો છું હું

વિચારૂં છું હજી ભીનાશ જેવું શું હશે અંદર !?
નહીં તો આંખથી તો ક્યારનો છૂટી ગયો છું હું

અરે હું ચાંદ છું પૂનમ તણો જાણે છે આખું જગ,
અમાસી રાતનું મન રાખવા ડૂબી ગયો છું હું

વટાવી ગઈ હદો સઘળીય મજબૂરી અમારી, કે -
હતું મારૂં જ એ ઘર ‘પ્રેમ’ ને લૂટી ગયો છું હું

- જિગર જોષી ‘પ્રેમ’

રમેશ પારેખ



હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે.

બોમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે.

કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે.

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં ક્યાં નીકળે.

એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે?
મુઠ્ઠીઓ ખૂલે તે મડદાં નીકળે.

દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે.

વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે.

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હરએક રસ્તા નીકળે.

ર નીરંતર મેશ-માં સબડે અને
સુર્ય પણ નીકળે તો કાળા નીકળે.

- રમેશ પારેખ

જીવન એક દોસ્તાના!



ખિલેલા ઉપવનમાં ચુંટાયેલું ફૂલ છું,
ભરચક ભીંડમાં લુંટાયેલી ઘૂળ છું

તમે હાથ માગ્યો ને મેં આપ્યો હતો
આજે જમીનથી છુટું પડેલું મૂળ છું

બહુ ઓછા સમજે છે દોસ્તીના સંબંધને
હું ખુદ દોસ્તી નિભાવતું ખુન છું

રોજ જોઊં છું એ વ્યથાના વમળોને
આજે તો તેથી હું લૂપ્ત થતું કૂળ છું

હજી પણ આશ છે એના સ્મરણની
બધા કહે છે મને તો દોસ્તીનું ભૂત છું

જીવુ છું બસ બીજાઓ માટે જ ‘ફોરમ’
દુનિયા પછી કહેશે, હું દોસ્તીની ઘૂન છું.

-મહેન્દ્રકુમાર ડી. પરમાર ‘ફોરમ’

ઝરણાને…



આ તો સંજોગો ઝુકાવે છે માનવીને,
બાકી કોઇને કટોરા સંગ,
ભટકવું ગમતું નથી,
જરા પૂછી આવો કોઇ લાગણી ભીંજવીને,
ઝરણાને દરિયો થવું કદાપી ગમતું નથી…

પાંખ, પીંછા કે ન હોય ભલે ચાંચ મિત્રો,
છતાં વહગિ જેવું ઊડીને કરી લેવો કલરવ,
આ તો ચૂંટી લે છે નિર્દય હાથ, કુચરિત્રો,
બાકી ફૂલોને પણ કદાપી
કરમાય જવું ગમતું નથી…

ઝરણાને દરિયો થવું કદાપી ગમતું નથી…
વ્હાલની આંગળીઓ છેડે પ્રેમ તણા તંબુર,
ભીડમાં પણ નીત્ય ઓળખાય એનો પગરવ,
આ તો સંસારી શંકા કાયમ કરે મજબૂર
બાકી રામને પણ સીતા વિના
કદાપી ગમતું નથી…

ઝરણાંને દરિયો થવું કદાપી ગમતું નથી…
આ તો વાયરો ગાંડોતૂર
બનીને ચડે છે તોફાને
બાકી સાગરને પણ હદ
ઓળંગવું ગમતું નથી…

ઝરણાંને દરિયો થવું,
કદાપી ગમતું નથી…

-આનંદ રાઠોડ

એક નજર



એમની નજર મળીને થોડા
શબ્દો મળી ગયા

ભલેને અમને એ ના મળ્યા
અમે એ રસ્તે ગયાને
એમના પગરવ મળી ગયા

શોધવા ગયા અમે પતઝડમાં
ઝરણામાં વમળ બની ચાલ્યા ગયાને
અમે તો એમ જ પ્યાસા રહી ગયા,

એકાંતમાં મળી ગયા અમને
એક મુસ્કાન આપી ચાલ્યા ગયા,

એ હસતા ગયા,ને અમે
ઊભા-ઊભા રડતા રહી ગયા,

થઈ સવારને ઉજાશ થયું,
ત્યારે અમારી સવારનું અંધારું થયું

કવેળાએ યાદ, એમને કર્યાં તોય
દિવસમાં પણએ અમારું
અજવાળું લઈ ગયા

-ચૌહાણ કિરીટભાઈ ‘એકલવ’

રઈશ મનીઆર



કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળાગાવી મૂકે સઘળું,
વ્યથાનાં વાદળો વાતાવરણને જીવતું રાખે.

કહો , એવી હયાતીને કોઈ તકલીફ શું આપે ,
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણા ને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂપાવી તીર જે અડધું , હરણને જીવતું રાખે.

-રઈશ મનીઆર

Saturday, September 8, 2012

પજવે છે હણહણાટી



રોમાંચ ઓ તરફ છે આ બાજુ કમકમાટી
હે સુજ્ઞજન ! આ ક્ષણને આછી કહું કે ઘાટી ?

કોની સ્થિતિમાં હલચલ, છે સ્થિર કઈ સપાટી ?
આ કઈ દિશાથી આવી પજવે છે હણહણાટી ?

જાહેરમાં નહીં તો તું કાનમાં કહી જા –
પથ્થર થયો તે પહેલાં પાણી હતો કે માટી ?

વેચું દરેક વસ્તુ હું તોલ-મોલ વિના
છું હાટડી વગરનો સૌથી જુદો જ હાટી.

છે સૂક્ષ્મ કિન્તુ સક્ષમ આ કાવ્ય નામે ઔષધ
ચાખો, પીઓ કે ચાટો, ખાંડી, દળી કે વાટી.

સંભવ છે એ જગાએ મેળો ભરાય કાલે
નિર્મમપણે જ્યાં આજે ખેલાયું હલદીઘાટી

અક્ષરને એ ના જાણે ના અંકનીય ઓળખ
ભણતર આ એનું કેવું કોરી રહે જ્યાં પાટી.

– સંજુ વાળા

કરી શકો છો?



દર્દને દીલથી ક્યાં અળગું કરી શકો છો,
અશ્રુઓ માછલીનાં ક્યારે લુછી શકો છો?

જુદા કરી શકો છો કાંટાને ફૂલથી પણ,
ફોરમને ફૂલથી ક્યાં જુદી કરી શકો છો?

જુદા ભલેને પાડો વ્રુક્ષોનાં નામ અહીંયા,
છાયાનું નામકરણ ક્યારે કરી શકો છો?

લહેરાય રણમાં એવું કે હાલ પી શકો છો,
મૃગજળને જામ માંહી ક્યારે ભરી શકો છો?

જીવનની સાંજે પણ વિસ્તરી જવાનું,
પડછાયો નિજનો સાંજે મોટો કરી શકો છો?

-નરેન્દ્ર જોશી

અહમ, સ્હેજેય….



કોણ કે’ છે – ‘કોઈ પણ રસ્તો નથી ?’
હામ હો તો પ્હાડ પણ નડતો નથી !

આંગણાનાં ફૂલથી સંતોષ બહુ,
આભને અડવા કદી મથતો નથી !

પ્રેમપત્રો ઓળખું છું રોજ હું,
એ જુદી છે વાત, મોકલતો નથી !

જોતજોતા આયખું તો ઓગળ્યું,
કાં અહમ, સ્હેજેય ઓગળતો નથી ?!

કોણ આવીને લખાવી જાય છે ?
હું ગઝલ ક્યારેય ખુદ લખતો નથી !

– હરેશ ‘તથાગત’

સુરજને આવકારો



સૂરજ વિના અમારે કરવી હતી સવારો,
અમથા સમયની માથે કરતા નથી પ્રહારો.

કોલાહલો ભલેને લોકો કરે નગરમાં,
ટૌકા કરીને પંખી આપે મને સહારો.

અસ્તિત્વને તમારા કરવું જો હોય ઝળહળ,
ઝાકળ બની સવારે સૂરજને આવકારો.

પામી જશો પરમને મિત્રો તમેય પળમાં,
જો ભીતરે તમારી ધખતો હશે ધખારો.

માણસને શોધવામાં ભૂલી જવાય ખુદને,
તારા નગરના એવાં મોટાં હતાં બજારો.

– દર્શક આચાર્ય

દિલની વ્યથા



સંબંધ થતાં તો થઇ ગયો,
પરાણે સ્નેહમાં ભીંજાઇ ગયો.

સખી, સાથ એ દઇ ગયો,
અજાણે નયન મિલાવી ગયો.

ઇશારે અંદાજ મળી ગયો,
દિલદાર ધોખો એ દઇ ગયો,

સમયનાં વહેણમાં વહી ગયો.
છતાં કોરોધાકોર રહી ગયો,

પ્રીતના વમળમાં તણાઇ
ગયો.
ભરતી ઓટમાં
અટવાઇ ગયો.

મીઠી મિંદ્રામાં પોઢી ગયો,
તો પ્રીતનું રહસ્ય વિસરી ગયો.

-ભારતી ગામિત ‘રીતુ’

Thursday, September 6, 2012

થઇ ગઇ



બસ આજ ખુદા સાથે મુલાકાત થઇ ગઇ,
દુનિયામાં વિષયોપર વાત થઇ ગઇ…

દુનિયામાં સઘળા પ્રશ્નોનો હલ માંગ્યો એની પાસે,
જવાબ સાંભળીને એની આંખો નીચી થઇ ગઇ…
બસ આજ…

વાત કરવાનો અવસર થોડો મળ્યોને,
લાગ્યું એવું એના નામની જાણે માળા થઇ ગઇ…
બસ આજ…

‘કવન’ની રચનામાં વસે છે તું ખુદા?
‘હા’માં જવાબ સાંભળી આંસુની ધાર થઇ ગઇ…
બસ આજ…

અંતે આવજો કહીને ચાલ્યા એ જન્નત તરફ,
જતાં એમને જોઇને જાણે વાત અધૂરી રહી ગઇ… બસ આજ…

-કવન આચાર્ય, (સુરેન્દ્રનગર)