ક્ષમતા જન્મજાત, સ્વભાવગત અને વારસાગત રીતે જ મળી હોય તો તે વ્યક્તિ જેવી નસીબદાર વ્યક્તિ દુનિયામાં અન્ય કોઈ નહીં, પણ જો તમે આવા લકીપર્સન ન હોય તો પોતાનામાં રહેલી ક્ષમતાને ઓળખો અને તેને વિકસાવીને કોઈ પણ ક્ષેત્રે એક્સપર્ટ બનવાના પ્રયત્નમાં લાગી જાઓ
સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય
જિંદગીમાં અમુક પ્રવૃત્તિઓ એવી હોય છે કે એ તમારી ખરી ક્ષમતા પારખવા માટેનો રસ્તો હોય છે. વણગમતા કાર્યમાં પણ તમારી ભલાઈ છુપાયેલી હોય છે. ઉદાહરણ તરીકે શિક્ષણ. એસએસસી સુધીના શિક્ષણના વિષયો એકસરખા જ હોય છે અને એક ધોરણ પાસ કરીને જ આગળના ધોરણમાં જઈ શકાય. એટલે દસ ધોરણ સુધી બધા જ વિષયો રસના ન હોય તોય એ ભણવા ફરજિયાત છે, પણ આ વિષયો ભણતાં જ તમને ખ્યાલ આવશે કે ખરેખર તમે કયા ક્ષેત્રે ભવિષ્ય બનાવી શકશો. જે તે વિષય ન ગમવાની વાતે નાકનું ટીચકું ચડવાની તકલીફ માત્ર ભણવામાં જ નહીં જિંદગીના ઘણા તબક્કે સતાવશે. શિક્ષણ લેતાં, કારકિર્દીના પ્રશ્ને, નોકરી મેળવ્યા પછી, બિઝનેસ ડિલ કરતી વખતે કે અંગત જિંદગીમાં. આવે સમયે એકચિત્તે આવનારા લાભ વિશે વિચારો અને વણગમતી વાત અને વિષયને પણ વ્હાલો કરો. તેમાં રસ લેવાનો પ્રયત્ન કરો.
સકારાત્મક બનો
તમે નાનપણથી જેવું વાંચશો, જોશો, આહાર લેશો અને સૌથી મહત્ત્વનું જેવું વિચારશો તેવો વિચાર આવશે. એટલે જ હંમેશાં સકારાત્મક અને સર્જનશીલ દિશામાં વિચારો. સકારાત્મક લોકો સાથે રહો. કોઈ તમારા માટે શું વિચારે છે એ તરફ ધ્યાન આપવાનું છોડીને પોતાનામાં રહેલી ક્ષમતાઓને નિખારો. બીજાની ક્ષમતા જોઈને અંજાઈ ન જાઓ. ખાસ કરીને વિદ્યાર્થીઓની વિચારશક્તિ કુમળી હોય છે. પોતાને કયા ક્ષેત્રમાં જવું છે તેનો આધાર મિત્રો વડીલો પર રાખે છે. મનગમતું ક્ષેત્ર છોડીને બીજાએ લીધેલા નિર્ણયો પર ચાલે છે જેમાં જોઈએ તે રીતે પરિણામ મેળવી ન શકતાં આત્મવિશ્વાસ ઘટે છે. તેથી પોતાના વિશે વિચારો અને સ્વમૂલ્યાંકન કરીને આગળ વધો. નોકરીના ક્ષેત્રે પણ આ જ નિયમ લાગુ પડે છે.
સેલ્ફ કોન્ફિડન્સ
ચિત્તો જ્યારે પૂરપાટ દોડે છે ત્યારે તેને ખબર નથી હોતી કે આગળ જંગલ છે, પહાડ છે, મેદાન છે કે સીધો રસ્તો, પણ તેને તેની કોઈ પરવા હોતી નથી, કારણ કે રસ્તો ભલે ગમે તેવો હોય, પણ ચિત્તાને તેની ઝડપ પરનો આત્મવિશ્વાસ ડગતો નથી. જેમ ચિત્તાને તેની દોડ પર ભરોસો હોય એવો જ આત્મવિશ્વાસ તમને તમારી ક્ષમતાઓ પર હોવો જોઈએ અને એ ક્ષમતાઓ તમારામાં વિદ્યાર્થીકાળથી જ ધરબાયેલી હોય છે અથવા તો તે ક્ષમતાઓને વિકસાવી પડે છે.
ધ્યેયને ધ્યાનમાં રાખો
ધ્યેય નિશ્ચિત કરવા માટે તમારે તમારામાં રહેલી ક્ષમતાઓને પારખવી જ રહી. એક વખત તમારી સક્ષમતાના આધારે લક્ષ્યનો નિર્ધાર કરશો તો હારનું મોઢું ક્યારેય નહીં જોવું પડે. લક્ષ્યનો નિર્ધાર કર્યા પછી એ લક્ષ્યને વળગી રહો. એ લક્ષ્ય નિશ્ચિત કર્યા પછી ધ્યેયપ્રાપ્તિ માટે મહેનત કરો. તમારૂં લક્ષ્ય જ તમને કાબેલ બનાવશે અને કોઈ પણ ક્ષેત્રે કાબેલ માણસમાં એ ક્ષેત્ર અંગેનું જ્ઞાન હોવાથી તે અંગેની વાતચીત અને અન્યોને એ વિશે કહેવા માટે સક્ષમ હોય છે. તમારામાં રહેલ ક્ષમતા જ ધ્યેય નક્કી કરવા માટેનું પ્રથમ પગથિયું છે.
કોન્સન્ટ્રેશન
ચોટલી બાંધીને કામે લાગી જાઓ. વડવાઓની આ કહેવત અમથી નથી પડી. કોઈ કામમાં ધ્યાન આપવા માટે અને સોએ સો ટકા ધ્યાન એ કામમાં જ રહે એ માટે આ કહેવત સાર્થક છે. પ્રાચીન કાળમાં શિષ્યોની ચોટલી લાંબી રહેતી. એ ચોટલી ભણવાના આસન સાથે બાંધી દીધી હોય. ખુરશી સાથે બાંધી હોય તો શિષ્ય જરા પણ ખસી શકે નહીં. તેણે મને કે કમને વાંચવામાં જીવ લગાવવો પડે. પહેલાં આ પદ્ધતિ ક્યારેક હશે પણ ખરી, પણ હવે તમારી અદૃશ્ય ચોટલીને તમારે જાતે જ બાંધવી પડશે અને જે કામ કરો એમાં સો એ સો ટકા ફોકસ કરવા પ્રયત્ન પોતે જ આદરવો પડશે.
પોતાની મર્યાદા જાણો
વિપ્રોના સીઈઓ અઝીમ પ્રેમજીએ શોપિંગ યંગ માઇન્ડ્સ પ્રોગ્રામ નામના એક પ્રોગ્રામમાં એક સરસ મજાની રસપ્રદ વાર્તા કહી હતી. એક સસલું સ્કૂલમાં એડમિશન લે છે. તમામ સસલાંઓની જેમ જ તે ઉછળકૂદમાં પાવરધું હતું. બલકે તે હંમેશાં સ્કૂલની દોડ હરીફાઈમાં પ્રથમ નંબરે આવતું હતું. વર્ષને અંતે જ્યારે તેનું પરિણામ આવ્યું ત્યારે તેના દોડવામાં સોમાંથી સો માર્ક આવ્યા હતા,પણ તરણના વિષયમાં તે નાપાસ થયું હતું. સસલાને અને તેનાં મા-બાપને એ સહન ન થયું કે સસલું ફેલ થાય. વેકેશનમાં તેના વાલીઓએ તરણકળાનું ટયૂશન રખાવ્યું. લાખ પ્રયત્ન છતાં સસલું તરતાં ડરતું. તે બીમાર પડી ગયું અને ઉત્સાહથી ઉછળતું કૂદતું અને દોડતું હતું તે પણ ભૂલી જવા લાગ્યું. આ ઉદાહરણ દ્વારા અઝીમ પ્રેમજીએ સમજાવ્યું હતું કે, કોઈ પણ વ્યક્તિએ સફળ થવા માટે પોતાની ક્ષમતાને પિછાણવી જોઈએ અને એ ક્ષમતાઓ પર ફોકસ કરીને એમાં જ ભવિષ્ય બનાવવા માટે કાર્યશીલ બનવું જોઈએ. માણસમાં જેમ કોઈ ને કોઈ વિષયે બળ, શક્તિ અને વિદ્વત્તા હોય છે તેમ તેનામાં કોઈ ખામી પણ હોય છે, મર્યાદા પણ હોય છે એ ખામીનો પણ વ્યક્તિ જો સ્વીકાર કરે તો તે એ એક વિષયે નિષ્ફળ રહેવા છતાં જીવનમાં સફળ બની શકે છે.
નહીં માફ નીચું નિશાન
નિશાનેબાજ માટે તીરની ગતિ અને તાકેલું નિશાન મહત્ત્વનું હોય છે. તે જે નિશાન તાકી રહ્યો છે એની આજુબાજુ શું છે તે તેના માટે ગૌણ હોય. મહાન વિચારક માર્ક ટ્વેઇનનું આ સૂત્ર જીવનમાં સફળ થવા ઇચ્છતા દરેક લોકોએ પળે પળે યાદ રાખવા જેવું છે. પોતાની ક્ષમતાઓ જો વ્યક્તિ ઓળખી શકે તો તેમાં ચિત્ત ચોંટાડવું કે તેમાં ધ્યાન કેન્દ્રિત કરવું દરિયાના ઊંડા પાણીમાં ઓક્સિજન મેળવવા જેવું અઘરૂં નથી.
No comments:
Post a Comment