કાર્યનિષ્ઠ હોવાનો મતલબ એ નથી કે જ્યારે તમારી પાસે કોઈ પણ રસ્તો ન બચે ત્યારે જ એ કાર્ય પ્રત્યે તમારી નિષ્ઠા જાગી ઊઠે. નિષ્ઠાવાન હોવાનો અર્થ એ છે કે તમારી સામે અઢળક વિકલ્પો હોવા છતાં પોતે નિશ્ચિત કરેલા માર્ગને વળગી રહેવું. પોતાના વિચારોમાં અડગ રહેવું
બાર રૂપિયે સો ગ્રામ તોલી માપીને બજારમાંથી ખરીદીને નિષ્ઠાના કોળિયા ભરી લો એવું ક્યારેય બની શકવાનું નથી. નિષ્ઠા માણસમાં રહેલી હોય છે અથવા તો તે કમાવી પડે છે. આપણી નિષ્ઠા કોના માટે હોવી જોઈએ? કોઈ વ્યક્તિ પ્રત્યે? એક પ્રોફેશનલ હોઈએ તો બોસ અને ઓર્ગેનાઈઝેશન પ્રત્યે? હા, એ પ્રત્યે નિષ્ઠા જરૂરી છે, પણ એથીય વિશેષ તો તમે કારકિર્દી માટે જે સંકલ્પ કર્યો છે, જીવનમાં જે પણ કંઈ બનવાનું સપનું સેવ્યું છે તેને જેન્યુનલી પૂરૂ કરવા માટેની નિષ્ઠા હોવી જોઈએ.
- પ્રામાણિકતા
પરીક્ષામાં બાજુમાં બેઠેલા વિદ્યાર્થીમાંથી ચોરી કરીને પાસ થઈ જવાની વૃત્તિ કેળવતા કોઈ બળવીર વિદ્યાર્થી એક સમયે પરીક્ષામાં પાસ થઈ જાય તો તેને થશે કે છીંડે ચડયો એ જ ચોર ગણાય, પણ ખરેખર તમે જે બનવા માગો છો એ પ્રત્યેની તમારી નિષ્ઠામાં તમને સો માર્કમાંથી માઈનસ ર્માકિગ પણ નહીં મળે એ વિચારવા જેવું છે. કદાચ તમે શોર્ટ કટ અપનાવીને કોલર ઊંચો કરીને કારકિર્દી ઘડવામાં સફળ થઈ પણ ગયા, પણ જ્યારે તમારા જ્ઞાનની પ્રેક્ટિકલ પરીક્ષા પ્રોફેશનલ લાઈફમાં થશે ત્યારે તેના પરિણામની જાણ કરવાની જરા અમથી જરૂર નથી.
- સંવાદિતા
તમારા વિચારો ઉત્તર અને કામ કરવાની પદ્ધતિ જો દક્ષિણમાં દોડતી હશે તો પૂરેપૂરી મહેનત, લગન, ધૂન અને કાર્ય અંગેની તમારી નિષ્ઠા છતાં તમે લક્ષ્યને પામવામાં સફળ રહેશો નહીં. મૂલ્યો અને સિદ્ધાંતો પ્રત્યેની તમારી ધૂન સાથે તમારા કાર્યની સંવાદિતા જળવાતી નહીં હોય તો તમારા વિચારો સાથે તો તમારે સંઘર્ષ થશે જ, પણ સાથે સાથે અન્યો સાથે પણ મતભેદ સર્જાશે.
- નિષ્ઠાનું મૂલ્ય
નિષ્ઠાને ખરીદવી અશક્ય છે. કારણ કે તેનું મૂલ્ય આંકવું શક્ય જ નથી. વિશ્વની ટોચની કંપનીના સીઈઓ તેમની કંપની માટે રાતદિવસ હરીફ કંપનીઓ સામે સ્પર્ધામાં ટકીને પોતાની કંપનીને અગ્રેસર રાખવા માટે વચનબદ્ધ છે તેમની કિંમત આંકી શકાય ખરી? ક્રાઈસલરના સીઈઓ લી લેકોકા, એપલના પૂર્વ સીઈઓ સ્વ. સ્ટિવ જોબ્સ, ગૂગલના સીઈઓ લેરી પેજ, ગૂગલના સ્થાપક સર્ગી બ્રિન, યાહૂના પૂર્વ સીઈઓ જેરી યંગ, કિસ્કોના સીઈઓ જોન ચેમ્બર્સ, સિટી ગ્રૂપના સીઈઓ વિક્રમ પંડિત અને હોલ ફૂડના સીઈઓ જોન મેકીનો મહિનાનો પગાર કેટલો હોઈ શકે? અધધધધ ડોલરમાં જેમની સેલેરી આંકી શકાય તે વાર્ષિક માત્ર એક ડોલરના વેતનથી કાર્ય કરે છે જેની પાછળનું પરિબળ છે તેમની તેમના કાર્ય પ્રત્યેની નિષ્ઠા. જ્યારે કોઈ વ્યક્તિ, પોતાની નિષ્ઠા કોઈ વ્યક્તિ કે સંસ્થા પ્રત્યે દર્શાવે છે ત્યારે તે આડકતરી રીતે જણાવે છે કે તે કર્મનિષ્ઠ છે. રહી વાત કોઈ કંપની કે વ્યક્તિ સાથે જોડાવાની તો કોઈ પ્રોફેશનલ કોઈ ઓર્ગેનાઈઝેશન સાથે એટલા માટે જોડાય છે કે તેનું માનવું હોય છે કે, હું આ કંપનીની સાથે છું, કારણ કે આ કંપનીને જે કાર્યમાં વિશ્વાસ છે એમાં મને પણ પૂરેપૂરો ભરોસો છે અને તે કાર્ય જ મારા સપનાંને સાકાર કરવા માટેનો એકમાત્ર રસ્તો છે.
- કર્મનિષ્ઠ
કોઈ પણ વ્યક્તિ કેટલી કર્મનિષ્ઠ છે તે તેણે કરેલી મહેનતથી તો માપી શકાય જ છે, પરંતુ તેણે કેટલી ધગશથી તે કામ પૂરૂ કર્યું છે એ ઉપરથી પણ નક્કી કરી શકાય છે. એક ઘરડા ખેડૂતથી ખેડાય તેટલું ખેતર ખેડતો એમાંથી જે પાક થતો તે બજારમાં વેચીને ગુજરાન ચલાવતો. ખેડૂત માંદો પડયો અને તેના પંદર સોળ વર્ષના દીકરાને ખેતર ખેડવા મોકલ્યો. દીકરાને માટીમાં રમવું ગમતું હતું. રમતમાં ને રમતમાં દીકરાએ આખું ખેતર સરસ રીતે ખેડી નાખ્યું. તેણે હોંશથી આસપાસનું બધું નીંદામણ કાઢયું. તેમાં માપસર ખાતર અને બિયારણ નાખ્યું. આ વર્ષે ખૂબ સારો પાક થયો અને એ પાકનું વળતર પણ સારૂ એવું મળ્યું. વાતનો સાર એ છે કે જો તમારે કર્મનિષ્ઠની હરોળમાં ખુદને પણ જોવા હોય તો મશિનની જેમ કામ કરવા કરતાં માણસની જેમ કાર્ય કરતાં શીખો. દિમાગની સાથે દિલથી કાર્ય થતાં કામ વધુ નિખરશે. કાર્ય ઓપશે એટલે વધુ સારૂ કાર્ય કરવા માટેનો જુસ્સો તમારામાં જન્મ લેશે. સરવાળે ધગશ કે નિષ્ઠાથી કાર્ય કરવામાં ફાયદો આપણો જ છે.
- નૈતિકતા
ખોટા નિર્ણયો અને ખરાબ સ્થિતિ માટે ખરાબ સંજોગોને દોષિત ન ગણાવી શકાય. નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતો માત્ર તમારા સારા દિવસોમાં જ નહીં, પરંતુ ખરાબ દિવસોમાં પણ ઉપયોગી સાબિત થાય છે. તમારા નિષ્ઠા ભરેલા સિદ્ધાંતો એ કોઈ પણ દેશના કાયદા સમાન છે. જે કાયદા અને કાનૂનની જરૂર જ્યારે નાગરિકો સારા હોય ત્યારે તો હોય જ છે, પરંતુ દેશમાં જો દૂષણો હોય કે કોઈ નાગરિક અનૈતિક કૃત્યો કરે તો તેનાથી બચવા માટે વધુ હોય છે.
- પ્રાથમિકતા
એક પોલીસ, જીવનના છેલ્લા શ્વાસ લઈ રહેલી પોતાની પત્નીની સંભાળ લેવા માટે વચનબદ્ધ છે. અચાનક કટોકટી સર્જાય છે અને તેને તાત્કાલિક ફરજ પર બોલાવવામાં આવે છે, કારણ કે એક જગ્યાએ કેટલાંક અસામાજિક તત્ત્વોએ દસ લોકોને બાનમાં લીધા છે તેમને છોડાવવાના છે. પોલીસે શું કરવું જોઈએ? ફરજ નિષ્ઠાવાન હોવા છતાં ક્યારેક કારકિર્દી ઘડતાં એવી અસમંજસમાં મૂકનારી પરિસ્થિતિ સામે આવે તો વિકલ્પોની પ્રાથમિકતા નક્કી કરવી પડે છે. કોઈ એક બાબતની પસંદગી કરવાનો અર્થ એ નથી થતો કે આપણે બીજા પરિબળ કે વ્યક્તિ પ્રત્યે વચનબદ્ધ નથી. આ બન્ને જવાબદારીઓમાંથી એકની પસંદગી કરતી વખતે પ્રાથમિકતા,જવાબદારી અને ફરજોનું ધ્યાન રાખવું પડે છે. એક પરિબળ કે મુદ્દાને પ્રાથમિકતા આપતી વખતે તમામ બાબતોનો તુલનાત્મક વિચાર કરીને જ નિર્ણય લેવો પડે છે.
No comments:
Post a Comment