Google Search

Monday, March 12, 2012

ઇચ્છાને ઇન્સ્પિરેશન બનાવો


વિશ યુ ઓલ ધ સક્સેસના મેસેજ તો તમને જીવનની દરેક પર્સનલ અને પ્રોફેશનલ પરીક્ષાઓ વખતે મળતાં જ રહેશે. તમારા વેલવિશર તમને ઢગલાબંધ સંદેશાઓ મોકલતા હશે,પણ ખરેખરી સફળતા તમને ત્યારે જ મળશે કે જ્યારે તમે પોતે જ એકચ્યુઅલી સફળતા મેળવવા માટે દૃઢનિશ્ચયથી સંઘર્ષ કરશો
તીવ્ર ઇચ્છાથી જ વિકલાંગતા સામે લડીને વિજય મેળવનારૂં ઉદાહરણ જ્યારે નજર સમક્ષ હોય ત્યારે થાય કે ઇચ્છા જ માણસની ઇન્સ્પિરેશન બને છે. ઇચ્છા દુઃખની મા છે આ જૂની કહેવતને જડતાપૂર્વક પકડીને જો લકવાગ્રસ્ત વિલ્મા રૂડોલ્ફ જીવનભર સંતાપ કરે રાખ્યાં હોત તો ૧૯૬૦ના ઓલિમ્પિકમાં સૌથી ઝડપી મહિલા તરીકે પ્રથમ ક્રમાંકે ન આવ્યાં હોત અને તેમને ત્રણ સુવર્ણપદક પણ ન મળ્યા હોત. ટૂંકમાં જો માણસની કંઈ પણ કરી છૂટવાની ઇચ્છા તીવ્ર હોય તો તે ઇચ્છાને આશાવાદમાં ફેરવીને ધાર્યું નિશાન પાર પાડી શકાય. તમારા મનમાં જન્મેલી વિશને વાસ્તવિક બનાવીને સફળ બનવાનું આખરે તમારા હાથમાં છે. જીવનના કોઈ પણ તબક્કે નિર્ણય લેતી વખતે વ્યાપક સ્તરે તમારી ઇચ્છાઓને પોતે સમજવી જરૂરી છે. ઇચ્છાને ઓળખીને તેને ઇન્સ્પિરેશન બનાવો, પણ તેને શોર્ટકટથી હાંસલ કરવાની આશા ન રાખો, કારણ કે તેનાથી તમારી ઇચ્છા કે ધ્યેયને પામવાની ધગશનું મૂલ્યાંકન થાય છે.
 હેતુ અને માર્ગદર્શન
જીવનમાં માણસની જે મેળવવાની ઇચ્છા હોય, તે ઇચ્છાને સાકાર કરવા પ્રયત્નો કરવા પણ જરૂરી છે. ઇચ્છાને હેતુનું સ્વરૂપ આપીને, કારકિર્દીના રૂપે એ અંગે માર્ગદર્શન મેળવો, કારણ કે જે સ્ટ્રીમમાં આગળ વધવાની અને ભવિષ્ય બનાવવાની તમારી મરજી હશે એ ક્ષેત્રમાં રસ કેળવવો અઘરો નહીં હોય.
ધીરજ અને ક્ષમતા
જ્યારે પ્રોફેશનલ લાઈફમાં સક્સેસ મેળવવાની ઇચ્છા જન્મે, સફળ થવાની ઝંખના ઉદ્ભવે તે વિશ જ્યારે ધ્યેય બને અને એ ધ્યેય માટે જ્યારે માર્ગદર્શન મળી રહે પછી તે અંગે જ્ઞાન મેળવવું લોઢાના ચણા ચાવવા જેવું નથી હોતું. લક્ષ્યને વળગી રહેવાની ધીરજ અને ક્ષમતા હોય તેમજ અથાક પરિશ્રમ સાથે જીવનમાં સેલ્ફ ડિસિપ્લિન એટલે કે જાત પર અનુશાસન હોય તો પછી તમારે ભવિષ્યમાં આગળ વધવા માટે બીજા કોઈ પરિબળની જરૂર નથી.
તક અને પૂર્વતૈયારી
જ્યારે તક અને પૂર્વતૈયારીનો સમન્વય થાય છે ત્યારે જ નસીબનાં દ્વાર ઊઘડે છે. વિશને વિંગ્સ મળે છે. ગુજરાતીમાં એક સરસ મજાની કહેવત છે કે પાણી પહેલાં પાળ બાંધો. એનો અર્થ એ થાય છે કે મુશ્કેલી પહેલાં તકેદારીના પગલાં વિચારી રાખવા સારા,જેથી સંકટસમી નદીનું પૂર આવે એ પહેલાં જ તમે એ મુશ્કેલી માટે સાવચેત હો. પૂર્વતૈયારી વિના કોઈ ચમત્કાર થતા નથી અને નસીબ પણ સાથ આપતું નથી. પરીક્ષા હોય કે નોકરી મેળવવા માટેનો ઇન્ટરવ્યૂ અથવા ઓફિસમાં કોઈ મહત્ત્વનું પ્રેઝન્ટેશન હોય,પૂર્વતૈયારી કરવી હિતાવહ છે. પૂર્વતૈયારી પ્રોફેશનલ લાઇફમાં આગળ વધવાની ઇચ્છાને સાકાર કરવામાં મદદરૂપ બનશે.
સફળતાની ચાવી
સફળતા એ ઇમારત ખડી કરવા જેવી બાબત છે જે ઇમારતના પાયામાં કે મૂળમાં ઇચ્છા એટલે કે ઇપ્સા રહેલી હોવી જોઈએ. મને તો વાંચવાનું મન થતું જ નથી. વિદ્યાર્થીઓ દિવસમાં દસ વખત આ વાક્ય બોલતા હશે, પણ ક્યારેય એ વાતનો વિચાર કર્યો છે કે ઇચ્છા વગર કરેલું કામ શું પરિણામ આપી શકે? એનો અર્થ એવો હશે કે તમે પરાજય ટાળવા માટે મેદાનમાં ઊતરો છો નહીં કે વિજય મેળવવા. શિક્ષણ મેળવવા અને આગળ વધવા માટે પોતાનામાં ઝંખના ઊભી કરવામાં કોઈ મદદ નહીં કરી શકે. તમારે ખુદે જ તમારા મદદગાર બનવું પડશે.
પરિણામ સકારાત્મક ન પણ હોય
દુનિયામાં એવી કોઈ પણ વ્યક્તિ નહીં હોય કે તેની ઇચ્છાઓ આકાશને આંબવાની ન હોય. ડોક્ટર, એન્જિનિયર કે બિ સ્કૂલમાં એડમિશન મેળવીને સક્સેસફુલ બનવાની ઇચ્છા સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીની કોમન માનવામાં આવતી ખ્વાહિશ હોય, પણ આપણી ઇચ્છા મુજબનું પરિણામ દરેક વખતે ન પણ મળે. એલેકઝાન્ડર ગ્રેહામ બેલની ખરેખરી ઇચ્છા તો તેની શ્રવણશક્તિ ન ધરાવતી પત્ની માટે શ્રવણયંત્ર શોધવાની હતી, પણ તે શોધી ન શક્યા અને એના બદલે શોધ થઈ ગઈ ટેલિફોનના સિદ્ધાંતોની. એનો અર્થ એ છે કે તમે કરેલી મહેનતનું ફળ કે પરિણામ કદાચ સકારાત્મક ન પણ હોય, છતાં તે પરિશ્રમ એળે ગયેલો માની લેવું ભૂલભરેલું છે. વિદ્યાર્થીઓએ જો પરીક્ષામાં મહેનત કરી હશે તો તે જ્ઞાનની વૃદ્ધિ માટે પણ સાર્થક નીવડશે જ.

No comments:

Post a Comment