Google Search

Monday, March 12, 2012

સક્સેસની સફરને માણો


સક્સેસ એ મંઝિલ નથી, પણ એ એક એવી સફર છે કે જે મંઝિલે પહોંચવા માટે માર્ગ ચીંધે છે. રસ્તામાં વળાંક આવે, જરા થોભોનું પાટિયું દેખાય, બ્રેક વાગે, ધીમું પડવાનું થાય, ઊંધો રસ્તો પણ પકડાઈ જાય, તો ક્યાંક લાઈફની ગાડી પૂરપાટ દોડીને એકસોને વીસની ઝડપે મંઝિલ તરફ આગળ વધે. બધામાં સક્સેસની સફરને માણતા રહો
નિષ્ફળતાને સફળતામાં બદલો
જીવનમાં સફળતા અને નિષ્ફળતા તો આવ્યા જ કરવાની, પરંતુ નિષ્ફળતામાં જે નાસીપાસ થાય છે તે માણસ ક્યારેય ઊંચો નથી આવતો. જે માણસ સામી છાતીએ ઝઝૂમે છે, પડકાર ઝીલે છે તેને કોઈ નિષ્ફળતા હરાવી નથી શકતી. Impossibleમાંથી I m possible... નું સૂત્ર સાર્થક કરતાં શીખો. હીરો ઘસાય એટલો વધારે ચમકે છે અને તેની ચમક દુનિયાને દેખાયા વગર રહેતી નથી. તેવી જ રીતે ખુદને પોલિશ કરો.
આને કુદરત કહેવાય
ખરેખર, સફળતાની મજા ત્યારે આવે છે જ્યારે તે થોડી મુશ્કેલીમાંથી પસાર થાય. કેટલીક ચીજોની પસંદગી પ્રકૃતિ કરે છે. જેમ કે આપણાં મા-બાપ, પરિવાર, વાતાવરણ-માહોલ, શારીરિક અક્ષમતા, શારીરિક ક્ષતિ વગેરેની પસંદગી આપણે નથી કરી શકતા, પરંતુ સારૂં ચરિત્ર, સારી આદતો, યોગ્ય દૃષ્ટિ અને પોતાના લક્ષ્યની પસંદગી તો આપણા હાથમાં જ હોય છે અને આ બધી એવી ચીજો છે જેના હોવાથી સફળતા સહજ અને આસાન બની જાય છે. વિદ્યાર્થીએ સફળતાની મજા માણવી હોય તો જેમાં તેને રસ પડે છે એમાં આગળ વધવાનો મક્કમ નિર્ધાર કરવો જોઈએ. જોબર્સ માટે જો તે પસંદગીનું કાર્ય કરતા હશે તો પ્રોફેશનલ લાઈફમાં પણ કામ બોજ નહીં લાગે અને એનો રોમાંચ વર્ણવી ન શકાય તેવો હશે.
જુસ્સો
એવરેસ્ટ શિખર સર કરનારા શેરપા તેનઝિંગને તેની સફળતા પાછળ કોનો હાથ છે તેવું પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું કે,મારા જુસ્સા અને ઝનૂને મને એવરેસ્ટ સર કર્યા પછી પણ જીવતો રાખ્યો છે. જ્યારે એવરેસ્ટની ટોચને જોતો ત્યારે તેની પર પહોંચવાનું ઝનૂન વધુને વધુ પ્રબળ બનતું. પર્વતની ચોટી સર કરવા સિવાય મને કોઈ બીજો વિચાર મનમાં આવ્યો ન હતો અને મેં આવવા દીધો પણ ન હતો. આમ કઠિન પરિસ્થિતિમાં પણ મનમાં પ્રબળ જુસ્સો, જોશ હોય તો તે વ્યક્તિ પોતાની મંઝિલ સર કરી શકે છે એમાં કોઈ બેમત નથી.
છૂપી ટેલેન્ટને ઓળખો
મને ન આવડે, મારાથી ન થાય એવી નકારાત્મક વાતો છોડો. હું પણ કરી શકુંના સૂત્રને અમલમાં મૂકો.
સફળતા તેને જ વરે જે અડગ અને દૃઢ મનોબળવાળો હોય. દરેકે પોતાની ક્ષમતા, તાકાત અને શક્તિને ઓળખી લેવી જોઈએ અને મનમાં એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ. લક્ષ્ય નક્કી થતાં મંઝિલ આપોઆપ મળી રહે છે. સામાન્યમાંથી અસામાન્યને ઓળખી લેતાં અવ્વલ ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય છે. લક્ષ્ય વ્યક્તિને દિશા બતાવે છે. જોકે લક્ષ્ય વાસ્તવિક્તાથી દૂર ન હોવું જોઈએ.
ઝિંદગી હર કદમ નયી જંગ
સફળતાની સફરમાં સો વિઘ્ન આવે તો પણ પહેલાં વિઘ્ન સામે ઝઝૂમો એવો જ જુસ્સો આખરી વિઘ્ન સામે લડવાનો પણ કેળવો. સફળ તે જ થાય છે જે આ મુસીબતોને પાર કરી શકે. જે હાર માનીને બેસી રહે છે તે માણસ ક્યારેય સફળતા પામી નથી શકતો.
યાદ રાખો, સંઘર્ષમાં તો તમારી હોશિયારી ખીલે છે, કુશળતા બહાર આવે છે. સંઘર્ષની ગૂંચમાંથી માર્ગ કાઢવા શાંતિ, ધીરજ અને ક્ષમતા જરૂરી છે. પોતાની જિંદગી પોતે જ લડીને સફળ બનાવવાની છે. જે દાખલો ન આવડે તેને છોડી ન દો વારંવાર તેનો જવાબ મેળવવા મથો. પ્રોફેશનલ લાઈફના પ્રશ્નો પણ દાખલા જેવા અને કોયડા જેવા જ છે સોલ્વ કરતા રહો.
સેવન વે ઓફ સકસેસ
જીવનમાં સફળતા મેળવવા માટે જેટલાં સાધન બતાવવામાં આવ્યાં છે એમાં વિદ્વાનોએ સાત સાધનોને પ્રથમ સ્થાન આપ્યું છે.
  1. પરિશ્રમ અને પુરુષાર્થ
  2. આત્મવિશ્વાસ અને સ્વાવલંબન
  3. જિજ્ઞાસા અને લગન
  4. ત્યાગ અને બલિદાન
  5. સ્નેહ અને સહાનુભૂતિ
  6. સાહસ અને નિર્ભયતા
  7. પ્રસન્નતા અને માનસિક સંતુલન
જે મનુષ્ય પોતાના જીવનવ્યવહારમાં આ સાત સાધનોનો સમાવેશ કરી લે છે તે દરેક સ્થિતિમાં ઇચ્છિત સફળતા મેળવે છે
ગામને મોઢે ગળણું ન બંધાય
તમે તમારા જીવનમાં સફળતાના પંથ પર આગેકૂચ કરતા હો ત્યારે લોકોના બોલવા પર ધ્યાન ન આપો. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બાબતમાં કેટલાક લોકો તેના ટૂંકા સ્કર્ટ વિશે જેમતેમ બોલતા હતા, પરંતુ જ્યારે તેણે વિશ્વસ્તરે દેશનું નામ રોશન કર્યું તો લોકોનાં મોઢાં આપોઆપ બંધ થઈ ગયાં. તમે સફળતાના પંથે પ્રયાણ કરતા હો ત્યારે અદેખા અને ઈર્ષાળુ લોકો ગમે તે બોલે. તમારા કામમાં રસ રાખો. ‘લોકોને મોઢે થોડું ગળણું બંધાય?’ કોઈની સફળતા જોઈને રાજી થનારા બહુ ઓછા લોકો હોય છે. એટલે લોકોની પરવા ન કરતાં તમે તમારા ક્ષેત્રે આગેકૂચ કરતા રહો. પછી જોજો, સફળતા મળવાની જ અને તમારાં ચરણ ચૂમવાની.

No comments:

Post a Comment