જિંદગી પ્રત્યેનું, શિક્ષણ પ્રત્યેનું કે કારકિર્દી અંગેનું વિઝન જ્યારે ચોખ્ખું હોય અને યોગ્ય હોય તો તે રિફ્લેક્ટ થવું જોઈએ એટલે કે તેનો સ્પષ્ટ નિચોડ દેખાવો જોઈએ. જો તેમ ન થાય તો તમે જે માર્ગે છો એ માર્ગ બદલવાની જરૂર છે અથવા પોતાનામાં પરિવર્તન લાવવાની - બદલવાની જરૂર છે. મૂળ મુદ્દે તો તમે જેવા છો એવા સબળ રિફ્લેક્ટ થવા જોઈએ
રાત દિવસ નંબરવન રહેવાની હરોળમાં દોડતા ઘોડાને જોકીની એટલી ચાબુકો પડી હોય છે અને ટ્રેઈનિંગ મળી હોય છે કે તે સામાન્ય જીવનમાં પણ ચાલતો નથી, દોડયા જ કરે છે. વિદ્યાર્થીઓ અને જોબર્સની પરિસ્થિતિ પણ એથી કંઈ અલગ નથી. પહેલાં‘ભણવામાં હોશિયાર રહો’ અને પછી ‘પ્રોફેશનલ લાઈફમાં સક્સેસફુલ બનો’ની ચાબુક દૃશ્ય કે અદૃશ્ય રીતે, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ક્યાંકથી ને ક્યાંકથી દરેક વ્યક્તિ ઉપર હંમેશાં ફટકારાતી જ રહે છે. એવામાં તમે ખુદની પર હોલ્ડ કરીને અને કંટ્રોલ યોર સેલ્ફ કહીને જ આગળ વધી શકશો અને તમારા વ્યક્તિત્વને સાચી રીતે દુનિયા સામે રિફ્લેક્ટ કરી શકશો.
રિઅલાઈઝ
દુનિયાને કમિટમેન્ટ આપતાં પહેલાં પોતાને કમિટમેન્ટ આપો. જો તમે અન્યોના કહેવા પર દબાણથી જિંદગીમાં આગળ વધ્યા હશો તો ખુદને જેવા રિફ્લેક્ટ કરવા ઇચ્છો છો તેવા ક્યારેય રિફ્લેક્ટ કરી જ નહીં શકો, કારણ કે તમે જે કરી રહ્યા છો એ આંતરિક રીતે તમારે કરવું જ નથી. આ વાત સમજાશે ત્યારે એટલું મોડું થઈ ચૂક્યું હશે કે પસ્તાવા સિવાય કંઈ તમારી પાસે બચ્યું નહીં હોય. વિદ્યાર્થીઓએ જોકે તે જ ક્ષેત્રની પસંદગી માટે નિર્ણયો લેવા જોઈએ અને નોકરિયાતોએ એ રીતે પોતાની પ્રોફેશનલ લાઈફ ઘડવી જોઈએ કે તેમને ક્યારેય એવું રિઅલાઈઝ ન થાય કે ખાડામાં પગ ફસાઈ ગયો છે.
રિવ્યૂ કરો
પોતાની ડે ટુ ડે જીવનશૈલીમાં દસ મિનિટ એવી હોવી જોઈએ કે તમે જે વાંચો છો અથવા કામ કરો છો એમાં એકચ્યુઅલી શું કરો છો એ જાણો. આ જગતમાં બધું જ મિથ્યા છે અને અંતે તો મનની શાંતિ જ સઘળું છે જેવી તાત્ત્વિક, અઘરી અઘરી વાતો માટે દસ મિનિટ નહીં, પણ ખરેખર તમે જે કરો છો એના રિવ્યૂ માટેની આ દસ મિનિટ હોવી જોઈએ. એનાથી તમને તમારી ઉત્પાદનક્ષમતા અને તમારે હવે કઈ દિશામાં જવાનું છે એનો ખ્યાલ આવશે. તમે જે રીતે વાચનની તૈયારી કરો છો એ બરાબર છે કે નહીં કે એ પદ્ધતિમાં ફેરફાર કરવા જેવો છે કે નહીં, એનું રિફ્લેક્શન કે ચિતાર તમને મળશે. પ્લસ હવે પછી તમારે તમને કેવી રીતે તૈયાર કરવા જોઈએ એ સમજવું કે નક્કી કરવું પહાડ જેવો પ્રશ્ન નહીં લાગે.
રિવિઝન
પોતાને ક્યાંય પણ રિફ્લેક્ટ કરતાં પહેલાં રિવિઝન થયું હોવું જરૂરી છે. જેમ કે પરીક્ષામાં જતાં પહેલાં દરેક પ્રશ્ન પર નજર કરવી વિદ્યાર્થીઓની કોમન આદત હોય છે. જે યોગ્ય જ છે. ક્યાંક ઇન્ટરવ્યૂ આપવા જતાં પહેલાં પણ તે એટલું જ જરૂરી છે. ત્યાં તમને કેવા પ્રકારના સવાલો પુછાશે એ અંગે સજાગ રહો. તેવા સવાલો માટેની બને તો નેટ પ્રેક્ટિસ કરો. નોકરીના સ્થળે કોઈ પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન માટે પણ રિવિઝન કરી લેવું પણ એટલું જ હિતાવહ છે.
માર્ગદર્શન
આમ તો પોતાને ક્યાં અને કેવી રીતે રજૂ કરવા છે એ અંગે અન્યોને પૂછવા કરતાં તમે પોતે જ પોતાને સમજીને નિર્ણય લો એ સૌથી બહેતર રહેશે, પણ જો એવું ન થઈ શકે તો કોઈને પૂછવામાં નાનપ ન અનુભવો. દોસ્તો- મિત્રો, મમ્મી - પપ્પા, ભાઈ બહેનને બહાર જતી વખતે તમને એ પૂછવામાં ક્યારેય સંકોચ નડયો છે કે ‘હું કેવો લાગું છું ‘કે ‘હું કેવી લાગું છું’ તો જિંદગીમાં સફળ થવા માટે દુનિયા સમક્ષ તમે કેવા રિફ્લેક્ટ થવા જોઈએ એ માટે સલાહ લેવાની બાબતે પણ નિસંકોચ કોઈને પૂછી શકવા જોઈએ. શરત એટલી કે જેને પૂછો છો તે તમને જાણતું હોવું જોઈએ. તમારી પ્રકૃતિને પિછાણતું હોવું જોઈએ.
રિમૂવ
ખુદને રિવ્યૂ કર્યા બાદ ચકાસી જુઓ કે તમારે કેવા પ્લાનની જરૂર છે અને વાસ્તવિક્તામાં તમને સક્સેસફુલ બનાવવા માટે તે સ્ટ્રેટેજી કામ લાગી શકે તેમ છે. એ મુદ્દાઓ પર ધ્યાન આપો. બાકીનું વધારાનું રિમૂવ કરતાં શીખો. કોઈ ખેતરમાંથી ખેડૂત નીંદામણ કાઢીને બહાર ફેંકી દે છે તેમ. માણસમાં રહેલી ખામીઓ અને ખૂબીઓ ખુદ માણસથી વધારે કોઈ પિછાણી શકતું નથી. તેમજ તમારા દિમાગ અને ડેસ્ક બન્નેમાંથી શું રિમૂવ કરવા જેવું છે તે તમારા સિવાય કોઈ વધુ સારી રીતે જાણતું નથી. કદાચ અસફળતા હોય તો તેને પણ તમારા દિમાગની ડિસ્કમાંથી ડિલિટ કરો.
મુખ્ય લક્ષ્ય
કમિટમેન્ટ, પેશન, ટાઈમ મેનેજમેન્ટ, એંગર મેનેજમેન્ટ અને ખુદને પોલિશ્ડ બનાવવામાં ક્યારેક એવું બને છે કે તમે મનથી જે કરવા માગો છો એ કરી નથી શકતા અને પોતાને જ ગુમાવી બેસો છો. જે મુખ્ય ધ્યેય કે કાર્ય છે એ બાજુએ રહી જાય અને ખુદને જેવા રિફ્લેક્ટ કરવા માગો છો તેવા રિફ્લેક્ટ જ ન કરી શકો. તમારું કામ દેખાય જ નહીં, તમારા લક્ષ્યમાં આ બાધારૂપ બનતું હોય તો પ્રોફેશનાલિઝમનું પૂંછડું પકડીને જીવતા પૂતળા જેવા બનવાનું છોડીને હકીકતમાં તમારે જે કરવાનું છે એ અંગે વિચારો. કોઈ ઓટોમોબાઈલ એન્જિનિયર વિચારે કે કપડાં બગડશે એટલે તે પાનાં પક્કડ લઈને કોઈ એક્સપરિમેન્ટ ન કરે તો ખરેખર પોતાની જાતને સાબિત કરવા માગે છે કે દુનિયા સામે પોતાને રિફ્લેક્ટ કરવા માગે છે એવું કરી શકશે? યુ.એસ.ના સોળમા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન વીસ વર્ષ સુધી સતત ધન દોલત કમાવાની દૃષ્ટિએ અસફળ વકીલ હતા, પણ વીસ વર્ષ પછી જ્યારે તે રાષ્ટ્રપ્રમુખ બન્યા એ ખરું રિફ્લેક્શન હતું કે ધન દોલતના બદલે તેમણે મુખ્ય ધ્યેયને પકડી રાખ્યું હતું.
No comments:
Post a Comment