દિવસ બદલે છે અને તમે સહજતાથી તારીખિયામાં તારીખ બદલો છો. એ નવા દિવસને સ્વીકારો છો. એનું સ્વાગત કરો છો, તેવી જ રીતે જિંદગીમાં થતા ફેરફારોને પણ આવકારીને એની સાથે ખુદને બદલો. એમાં પણ કંઈક નવું કરી દેખાડવાની ભાવના કેળવો
જે વ્યક્તિ જિંદગીમાં પરિવર્તન નથી સ્વીકારતી તે જીવનભર કંઈ નવું શીખી નથી શકતી. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટિનના આ શબ્દો છે અને ફિલસૂફી પણ. કદાચ તેમણે પરિવર્તન લાવવાની કોશિશ ન કરી હોય તો આપણે આજે પણ વીજળી વગરના અંધારામાં જીવતા હોત. પરિવર્તન કુદરતનો નિયમ છે તો પછી માણસે એને બન્ને હાથ ફેલાવીને તેનું વેલકમ કરવું જોઈએ અને સમયની સાથે બદલાતા શીખવું જોઈએ.
શક્ય છે કે ઘણી વખત આપણે પરીક્ષામાં અથવા નોકરીના સ્થળે બહુ જ સારો દેખાવ કરી રહ્યા હાઈએ અને આપણે જે પદ્ધતિથી આગળ વધી રહ્યા હોઈએ તેમાં બદલાવ લાવવા માટે કહેવામાં આવે. ઘણી વખત આગળની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ તૈયારીઓ કરી રહ્યા હોય અને સિલેબસ બદલાઈ જાય, કોર્સ બદલાઈ જાય, પેપર સ્ટાઈલ બદલાઈ જાય. તો તે વખતે પોઝિટિવ એટિટયૂડ દાખવો. નવી પદ્ધતિને અપનાવતાં શીખો, કારણ કે નાછૂટકે પણ તમારે એ મુજબ જ સારા દેખાવ સાથે આગળ વધવાનું છે.
નોકરીમાં એવું થાય છે કે તમે પ્રોફેશનલી તમારા સારા પર્ફોર્મન્સ સાથે ઘણું ઘણું કરી બતાવવાની ઈચ્છા ધરાવતા હોય, તમે જાણતા હોય કે તમે એ કામ અને હોદ્દા માટે બિલકુલ ફિટ છો, લાયક છો. સર્વગુણ સંપન્ન છો. તમારાથી બહેતર અથવા તમારી પદ્ધતિથી બહેતર રીતે એ કામ પાર પડી શકવાનું નથી, છતાં તેમાં બદલાવ તમારી પર લાદી દેવામાં આવે તો જરા પણ ઉશ્કેરાયા વગર તમને કહેવામાં આવી છે એ પદ્ધતિએ હન્ડ્રેડ પર્સન્ટ સક્સેસફુલ કામ કરીને દેખાડો. અંતે તો પરિવર્તન નહીં, પરંતુ કાર્યની સફળતા કે નિષ્ફળતા જ પરિણામ છે.
પૂર્વગ્રહોને છોડો
એક ખેડૂત હળથી ખેતી કરતો હતો. મસમોટા તેના ખેતરમાં તે માંડ માંડ પહોંચી વળતો હતો. તેની બાજુના જ ખેતરમાં ખેડૂત ટ્રેક્ટરના સહારે અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી પાક લેતો હતો. હળથી ખેતી કરનારા ખેડૂતને પૂર્વગ્રહ હતો કે ટ્રેક્ટરની આધુનિક ખેતીથી ખેતર જોઈએ તેવું ખેડાય નહીં અને પાક જોઈએ તેવો સારો મળે નહીં. ઊલટાનું બીજો ખેડૂત સારી ગુણવત્તા ધરાવતું અનાજ પકવી શકતો હતો. સવાલ હતો અંગત પૂર્વગ્રહનો.જૂની પુરાણી પદ્ધતિ મુજબ ખેતી કરવી એ ખેડૂતના પૂર્વગ્રહ સિવાય બીજું કશું જ ન હતું જે તેને જ નુક્સાન કરી રહ્યું હતું. તમે પણ આવા કોઈ પૂર્વગ્રહથી પીડાતા હો તો તુરંત જ તેને ત્યજી દો.
બદલાવનો વિરોધ
જો પરિવર્તન વાજબી ન હોય અને નુક્સાનકારક હોય તો પણ તેનો વિરોધ કરવા જતાં સામા પવને ચાલવા જેવું સાબિત થઈ શકે છે તો બીજા પક્ષે સારા બદલાવ સામે વિરોધના ઝંડા લઈને ઊભું થવું એ યોગ્ય નથી. પહેલાં પરિવર્તનોની અસરનો ક્યાસ કાઢો. પછી નક્કી કરો કે તે સારી અસર છોડે તેમ છે કે નરસી. જ્યારે બદલાવ તમારા પર વાર કરે ત્યારે માહોલના હિસાબે પરિવર્તનને પારખીને એનો જવાબ શોધો. જાણ્યા, સમજ્યા વગર વિરોધની રેલીમાં વહી જવું તમને નુક્સાનકારક સાબિત થશે.
બદલાવ સાથે ખુદને બદલો
ઘણી વખત પરિસ્થિતિ સાથ ન આપતાં ખુદને બદલવું પડે છે. તમારૂં ડિમોશન થઈ જાય. કોઈ કાર્યમાં અસફળતા મળે. પરીક્ષામાં ધાર્યું હોય એવું પરિણામ ન આવે. નોકરીમાં તમે અંદાજો લગાવ્યો હોય એ ખોટો પડી શકે તો નિરાશ થવાના બદલે ખુદને બદલો. કારણ કે જો પરિસ્થિતિઓ પર તમારૂં નિયંત્રણ જાળવી શકાય એમ નથી, એવું લાગે ત્યારે દિમાગ પર સંતુલન જાળવીને એ પરિસ્થિતિમાં ઢળવા માટે પ્રયત્ન કરવો જ યોગ્ય હશે. ચેન્જ યોર સેલ્ફ એઝ પર ચેન્જિસ...
ચેતવણી
આજના ઝડપી યુગમાં તમને બદલાવ કે પરિવર્તનની ચેતવણી મળશે જ એવું માની લેવું ભૂલ હશો. ક્યારેક થનારા ચેન્જિસથી તમને વાકેફ કરવામાં આવે, પણ ઘણાં પરિવર્તન ઇન્સ્ટન્ટ હોય છે. તેનું વમળ ક્યારે ઊઠે એ જાણી શકાતું નથી. તો આવાં પરિવર્તનો માટે હંમેશાં તૈયાર રહો. માન્યું કે તમને કોઈ ચીજ કે પદ્ધતિની આદત પડી ચૂકી હોય, તમે ટેવાઈ ગયા હોય, પણ નવી સિસ્ટમમાં ગોઠવાવા માટે તમને ઇન્ટ્રક્શન ન મળે છતાં તમે એવા સજ્જ હોવા જોઈએ કે તમને ‘ગો ફોર ઇટ’ કહેતાંની સાથે જ તમે મેદાનમાં કૂદી પડો. એ વાત સાચી કે આ પ્રકારના પરિવર્તનને કેટલાક લોકો જ અપનાવી શકે છે. તો તમે એ લોકોમાંના એક બનો. શિક્ષણ, જરૂરિયાત, નીતિઓ, ટેક્નિક અને માર્કેટ સઘળું જ્યારે આજના જમાનામાં બદલી રહ્યું છે, ત્યારે નાના નાના ફેરફાર માટે ચેતવણી મળવી જરૂરી નથી હોતી. બસ સમયના વહેણ સાથે એમાં વહેતા જવું જ સમજદારી છે.
પોઝિટિવ એટિટયૂડ
કોઈ પણ નવા સોફ્ટવેર અને એ અંગેના રિસર્ચ અંગે બિલ ગેટ્સ કોઈ પણ અભિપ્રાય આપતાં પહેલાં પોતે તેને ચકાસી જુએ છે. એનો ઉપયોગ કરતાં ખુદ શીખે છે. એ બાબત કે ટેક્નિકના નવા સંશોધનો સાથે તાલ મિલાવીને, કદમથી કદમ મિલાવીને ચાલે છે. આ ઉદાહરણ અહીં આપવાનો મતલબ એ છે કે નવા સંશોધનો અને રિસર્ચ અંગે પોઝિટવ વલણ દાખવો. એમાં રહેલી ખૂબીઓ અને ખામીઓ બન્ને શોધો. ખૂબીઓનો સારો ઉપયોગ કઈ રીતે થઈ શકે તેમ છે એ વિચારો અને ખામીઓને ડિલિટ કરવાના રસ્તા શોધો. તમારૂં કૌશલ્ય, તમારા ગુણ ત્યારે જ સચોટ ગણાશે જ્યારે તમે પરિવર્તન સાથે પોતાને બદલીને સારૂં પરિણામ આપી શકશો.
No comments:
Post a Comment