Google Search

Friday, August 3, 2012

ઊઘડતી દિશાઓ


[1] નિ:શેષ
કહેલા શબ્દને સીમા હોય છે
કાળની ને અર્થની, ભાષા અને સમજની,
કહેનાર ને સાંભળનારની તૈયારીની.
ન કહેલું તો અસીમ, અનંત, મુક્ત….
દષ્ટિ, ક્યાંક તો અટકે
બંધ આંખોની ગતિ તો અનવરુદ્ધ
સ્થળ અને સમયની તમામ મર્યાદાઓથી મુક્ત.
અજવાળાને ક્યાંક તો હદ હોય, આકારનું બંધન હોય,
અંધારું તો અનહદ, નિરાકાર,
જાણે અનાદિ, અનંત, અછેદ, અખંડ, અભેદ ઈશ્વર….
સ્પર્શની સીમા ત્વચા સુધી
ને સ્પર્શાતીતતા તો વિસ્તરે આત્મા સુધી,
અસ્તિત્વની ગહનતા સુધી.
ઈશ, તું
મને શબ્દમાં મળ,
દષ્ટિમાં મળ,
ઉજાસમાં મળ,
સ્પર્શમાં મળ
ને મળ એ બધાંને ઓળંગી ગયા પછી પણ.
જ્યાં કશું જ નથી તે આકાશમાં,
જ્યારે બધું જ ખલાસ થઈ જાય છે
પછી બચે છે જે,
કેવળ તે લઈને.
[2] ઈષ્ટદેવ

ટ્રેનમાં ચોથી સીટ પર છે
હું પણ.
એ વાંચે છે
ગણેશસહસ્ત્રનામ,
હું કવિતાનું એક પુસ્તક….
લાંબી મુસાફરીમાં
ભીડમાં અડધાં લટકતાં અમે બંને
દોડધામભર્યા દિવસમાંથી
થોડી ક્ષણો ચોરી
ભજી રહ્યાં છીએ
પોતપોતાના ઈષ્ટદેવને….
[3] એવું મન
એક એવું મન મળે
જે આવનાર માટે ખુલ્લું હોય
વિદાય લેનાર માટે પણ
અને
આવતાં આવતાં
કે જતાં જતાં
ક્ષણભર અટકનાર માટે પણ.
[4] ન ચાલે
તું મને
પથ્થર બનાવી ઠેબે ચડાવે
કે પછી
પાણી બનાવીને જ્યાં ત્યાં ઢોળી નાખે
તેવું તો ન ચાલે
કારણ
હું પથ્થર કે પાણી
થઈ શકું નહીં.
જો તું પાણી પાઈ
માટીમાં રોપે
તો પથ્થર તોડી
ફૂલ બની
ફરફરી શકું ખરી.
[5] સન્નાટામાં ગુંજતું ગીત
જેમ જેમ
આજુબાજુ ભીડ વધતી ગઈ છે,
ગાઢ થતો ગયો છે
અંદરનો સન્નાટો.
એ સન્નાટો
આજકાલ જે ગીત ગુંજે છે
ઈશ,
તે તું છે.
[6] યુદ્ધ
ફક્ત દુનિયા સાથે યુદ્ધ છે,
એવું નથી.
અંદર પણ
કોઈક બેઠું છે
હથિયારો સજાવીને.
[7] હશે ?
કોઈ એવી જગા હશે
જ્યાં જઈ
કશું કારણ આપ્યા વિના
બસ રોઈ શકાય ?
કોઈ એવી વ્યક્તિ હશે
જે કશું ન પૂછે
પહેલાં કે પછી
બસ માથે હાથ મૂકે ?
[8] શાંત હોવું
શાંતિથી જોઈ રહી છું.
મારામાં ભભૂકતો અગ્નિ.
સુંદર જવાળાઓ પાછળ જે કંઈ સળગી રહ્યું છે
તેના ધુમાડાનું પણ એક સૌંદર્ય છે
અગ્નિ અને ધુમાડો
મને બિલકુલ ડરાવતા નથી
ડરાવી રહ્યું છે મને, તે તો છે
મારું આ શાંત હોવું….
– સોનલ પરીખ

No comments:

Post a Comment