Google Search

Wednesday, August 8, 2012

છોકરી ભીંજાય છે, વરસાદમાં ધાબા ઉપર


છોકરી ભીંજાય છે, વરસાદમાં ધાબા ઉપર
ને સંગીત સર્જાય છે, વરસાદમાં ધાબા ઉપર
કોઈને વરસાદ સામું જોવાની ફુરસદ નથી,
સૌ તારામાં જ ન્હાય છે, વરસાદમાં ધાબા ઉપર
મસ્તાની યુવતીને પલાળીને આ વીજળી,
તસવીર પાડી જાય છે, વરસાદમાં ધાબા ઉપર
જોરથી તું યાર ભીના વાળને છંટકોર નહી,
શ્વાસ રોકાઈ જાય છે, વરસાદમાં ધાબા ઉપર
રૂપની હેલી બની વરસે છે, મૂશળધાર તું
ચોમાસું ભૂલાય છે, વરસાદમાં ધાબા ઉપર
વાવણી કેવી થશે, ને આ વરસ કેવું જશે,
બઘું ય ગોથા ખાય છે, વરસાદમાં ધાબા ઉપર
આંખનું કાજળ હવે વાદળ બનીને ત્રાટકયું
મહોબ્બત ગોરંભાય છે, વરસાદમાં ધાબા ઉપર
જોઈ તને મલકાતી, સંયમ શીખવનારા બધા
પાણી પાણી થાય છે, વરસાદમાં ધાબા ઉપર
તારી સાથે જ ભીંજાય છે અલ્લડ અરમાનો
જીંદગી ધોવાય છે, વરસાદમાં ધાબા ઉપર
કોઈ પણ બહાને તને નીરખવા, મમળાવવા
ગામ ગોઠવાય છે, વરસાદમાં ધાબા ઉપર
તેં પ્રથમ વરસાદને એવી રીતે ઝીલ્યો સનમ
મેઘ પણ શરમાય છે, વરસાદમાં ધાબા ઉપર
-સાંઈરામ દવે

No comments:

Post a Comment