Google Search

Wednesday, August 8, 2012

વિરહનું દર્દ



બીજું કોઈ દર્દ નથી દુનિયાનું આવું અસહ્ય,
પ્રેમનાં વિરહમાં રહ્યું છે કેવું રહસ્ય…

આંસુનો સ્વાદ પણ આજે મધમીઠો લાગ્યો,
તારી યાદે પાણી બની આંખોનો રસ્તો માપ્યો…

દિલના કોઇ ખુણે બાઝ્યાં છે યાદોનાં બાવાજાળાં,
મોકો મળતાં મનને ઘેરે લાગણીઓનાં અટકચાળાં…

હમણાં રડતું-રડતાં હસતું બધું નિરસ લાગે,
તસ્વિર તારી ફરીને જોતાં મળવાની તરસ જાગે…

આજે તને રસ્તે જોઇ પગ આગળ વધ્યાં,
ઉર્મિઓનાં વાવાઝોડામાં મનના મેરું ડગ્યાં…

આંખો મળી-મન ફફડ્યું-હ્રદય ધબકારો ચુક્યું,
ઢીલું પડેલું તન ત્યારે માંડ જમીન પર ટક્યું…

આંખો તે ફેરવી લેતાં દિલ નિસ્તેજ થતું લાગ્યું,
જાણે જખ્મી શરીર પર વજ્ર જેવું કંઇક વાગ્યું…

મન કરે એકવાર તને જોરથી જકડિ લઉં,
કાઢી નાખું દર્દ બધું દિલફાટ રડી દઉં…

તને ભુલી જઇશ એવું મનથી મક્કમ કરી નાખ્યું,
યાદોનાં અજર દેહને દિલમાં અગ્નિદાન આપ્યું…

અગ્નિદાહની અસ્થિઓ હવે વિસર્જનનો હક્ક માંગે,
લોહીમાં વિસર્જિત અસ્થિઓ શરીરમાં બેધડક ભાગે…

- ચિન્મય જોષી.

No comments:

Post a Comment