Google Search

Wednesday, August 8, 2012

નવલે નોરતે



ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે,ઝગમગે સોનેરી ગોખ
મા અંબાને ચરણે ,ઘેલી ગુજરાત ગરબે રમતી રો જ

આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ
કુમકુમ પગલે, સુંદર સાથીઆ પૂર્યા માડીને દ્વાર

સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓના રણકે તાલ
હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ

ઘૂમતા રાસે ,નવલે નોરતે, મલકે ઉમળકો આજ
ચાંચર ચોકે, ધબૂકતે ઢોલે, ખીલી છે માઝમ રાત

અંગ અંગ મલકે, જોશે છલકે, વાગે ઢોલીડાના ઢોલ
લાલ શણગારે શોભે માડી, અપાર આનંદ અણમોલ

હીંચે હીંડોળે , ગબ્બર ગોખે, દેતાં મંગલ આશીષ
મા વરદાયીનીને ચરણે શરણે, ભાવે નમાવીએ શીશ

ભક્તોના હૈયે ભક્તિ છલકે, મલકે મુખલડે ઓપ
ગબ્બરના ટોચે દિવડાની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ

- રમેશ પટેલ(આકાશદીપ)

No comments:

Post a Comment