Google Search

Friday, August 10, 2012

આભ ધરાના મિલન ક્ષિતિજે



આભ ધરાના મિલન ક્ષિતિજે
દિઠા અમે તો આભાસી
રમે ચાંદલો મસ્ત ગગને
ને જળ દર્શને એ આભાસી
પ્રભુ સહવાસી ને સંગે એ સહ પ્રવાસી
ન સમજાતું તોયે શું છે આભાસી

ઝીલે જલધારો રવિ કિરણો
ને રમે મેઘધનુષ વ્યોમે આભાસી
સાત રંગો ઘૂમે ચગડોળે
ને ખીલતા શ્વેત રંગ તે આભાસી
નથી સમજાતું કેમ રમે આ આભાસી

સાવજ ગરજે ગિરિ કંદરાએ
ને જોશીલો પડઘો ગૂંજે આભાસી
રણ મધ્યે લહરે સરોવર
ને દીઠી મૃગજળ માયા આભાસી
નથી સમજાતું ક્યાં છૂપાયું આ આભાસી

હું ઉભો આયના સમક્ષ
ને મુજ દર્શન તે આભાસી
સકારણ આવે સ્વપ્નો કવિને
ને જાગ્યા તો કહે છે આભાસી
વાત નિરાલી તારી કેમ ઉકેલું હું આભાસી
નથી સમજાતું શું છે ભાઈ આ આભાસી

હરિ સમાણો કણકણમાં સઘળે
તોય જગ માયા મહા આભાસી
વાહ ખેલૈયા ખેલ નિરાલા
ભ્રાંત દૃષ્ટિની જાળ ગૂંથી છે આભાસી
ફૂંક મારી તો બંસરી બોલી
શ્વાસ રુક્યો તો સઘળે સઘળું આભાસી

- રમેશ પટેલ(આકાશદીપ)

No comments:

Post a Comment