Google Search

Friday, August 10, 2012

શોધવા છે બાપુ



આજે હિંસક માર્ગે આગળ વધી રહેલી દુનિયાને, અને મૂલ્યહીન બનતી પ્રજાને જોઈને દિલ એક બીજા ગાંધી બાપુની જરુરીઆત મહેસૂસ કરવા લાગ્યું અને અંતરે અવાજ પ્રગટ્યો.

શોધવા છે બાપુ

ભૂલ્યા છે પથ આ ધરતીના છોરું
ખુદ માનવીએ માર્યુ માનવતાને તાળું
પ્રગટાવવા દિલડામાં દયાનું મોજું
મારે શોધવા છે બીજા એક બાપુ

ધર્મને સંકુચિત કરી સપડાયો માનવી
ભાવનાની વાતો ભૂલ્યા રે પૃથ્વીવાસી
તવ ચીધ્યા માર્ગે માનવતાને માપું
મારે શોધવા છે બીજા એક બાપુ

શાસકો ભૂલ્યા છે નીતિ રીતિની વાતુ
વિષાદના વંટોળના વાયા છે વાયુ
મૂરઝાયેલા સનાતન મૂલ્યો કેમ હવે ગોતું?
મારે શોધવા છે બીજા એક બાપુ

સેવા સાદગીનો મંત્ર છે કીમતી સોનું
અહીંસાના માર્ગે જ છે સુખ સાચું
હિંસાથી ત્રસ્ત વિશ્વને જોઈને હું દાઝું
મારે શોધવા છે બીજા એક બાપુ

સરજનહારનાં છે સૌ વહાલાં સંતાનો
વિપરીત વિચારધારાના ઉઠ્યા છે તોફાનો
તારા પડછાયાનો છાયો હવે શોધું
મારે શોધવા છે બીજા એક બાપુ

- રમેશ પટેલ ‘આકાશદીપ’

No comments:

Post a Comment