Google Search

Tuesday, August 7, 2012

ડોસા-ડોસી


વરસ એંસીનો જર્જર ડોસો
………એકોતેરની ડોસી
સાઈઠ વરસના લગનજીવનની
………પૂનમ આવી પોષી.
આંગળિયોમાં હાથ પરોવી
………બેઠી બે ખંડેર કાયા
દાયકા પે’લા દીકરા-વહુએ
………મૂકી દીધી’તી માયા.
તૂટેલી ભીંતો માંહેથી
………પવન કાઢે હડિયો
ડોસા-ડોસીની કિસ્મત આજે
………અક્કરમીનો પડિયો
ભાંગેલા નળિયા વચ્ચેથી
………માવઠું ઘરમાં વરસે
ધ્રૂજે થરથર, નિર્બળ હાથે
………ડોસી ડોસાને સ્પર્શે
જૂનો ઘરમાં એક ધાબળો
………બેઉ છે એને ટેકે
જીર્ણ આયુ ને ટૂંકા દેહે
………ટુકડો કોને શેકે ?
‘તું લઈ લે,’ ‘ના તમે જ લ્યો’
………છે ડોસા-ડોસી ચડસે
પોષી માવઠાના હિમની વચ્ચે
………પ્રેમની હૂંફો વરસે
ટૂંકા ધાબાળે, લાંબા પ્રેમે
………રાતમાં ઉષ્મા આણી
એકમેકની હારે હારે
………બેઉએ લાંબી તાણી.
– ગીરીમા ઘારેખાન

No comments:

Post a Comment