Google Search

Monday, September 24, 2012

મૌનના પડઘા



સમંદરની લહેરોમાં લહેરે મૌનના પડઘા,
નિરાકારી શબદનાં રૂપ છેડે મૌનના પડઘા.

ભલે પર્વતની ટોચથી એ સીધા ખીણમાં ગબડે,
પછી ટોચે પહોંચીને ચહેકે મૌનના પડઘા.

એ વૃક્ષો, મૂળિયાં ને પાંદડાંઓની જ ભાષા છે,
લીલેરાં ને ભીનાં ટહુકે ગહેકે મૌનના પડઘા.

દિશાઓનાંય અવલંબન મળે પણ ના મળ્યાં જેવાં,
મળે એના લઈ ટેકા અઢેલે મૌનના પડઘા.

શબદ છે બ્રહ્મને અવકાશ આખું વ્યાપ્ત એનાથી,
સિતારાઓ નથી બીજું કશું, છે મૌનના પડઘા.

જરા આંખ મીચું ત્યાં તો ઉજાસોની ઉજાણી છે,
ભીતર ખેંચી મને ચૉગમથી ઘેરે, મૌનના પડઘા.

બધી યે દડમજલ થાકીને અંતે શાંત થઈ જાતી,
અને આખર કફન ઓઢી ઠહેરે, મૌનના પડઘા.

– દત્તાત્રય ભટ્ટ

No comments:

Post a Comment