આ જગત સાચું તને સમજાય, બદલી જો દિશા,
બ્હાર-ભીતર દુઃખ નહીં પડઘાય, બદલી જો દિશા.
એ જ બીબાંઢાળ જીવતર ક્યાં લગી જીવ્યા કરીશ ?
કૈં નવું ત્હારા વડે સર્જાય, બદલી જો દિશા.
નીકળાશે બ્હાર, અમથો ડર નહીં, ઘાંઘો ન થા,
બ્હાર જાવા દ્વાર નહિ બદલાય, બદલી જો દિશા.
ના જડ્યું સઘળી રઝળપાટો પછી પણ ક્યાંય જે,
શક્ય છે સામે ઊભું દેખાય, બદલી જો દિશા.
ને પછીથી આજ લગ ઝંખેલ સુખ સામે મળે,
કીમિયો એવો જડી કોઈ જાય, બદલી જો દિશા.
છોડ ‘મિસ્કીન’ દોડધામો વ્યર્થ છે આ બ્હારની,
પ્હોંચવા જેવું રહે ના ક્યાંય, બદલી જો દિશા.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
No comments:
Post a Comment