જેને ખુદાની સાથે વધુ પ્યાર હોય છે
એ હોય છે ગરીબ ને લાચાર હોય છે.
એના ઉપર તો જીતનો આધાર હોય છે
મરવાને માટે કેટલા તૈયાર હોય છે.
ઊડતા રહે છે ચોતરફ કોઈ રોક-ટોક વિણ
આકાશમાં જે પંખીઓ ઊડનાર હોય છે.
વ્યક્તિને જોઈને એ ખૂલી જાય છે તરત
દ્વારો ઘણી જગાના સમજદાર હોય છે.
હદમાં રહીને જીવવા જે માગતી નથી
એવી જ વ્યક્તિઓ બધી હદપાર હોય છે.
કરશે ગુનાઓ માફ સૌ અલ્લાહ એટલે,
પાપોની લીલા મારી લગાતાર હોય છે.
એનાથી બચવા માટે પ્રયત્નો કરે છે સૌ
મરવાને માટે આમ સૌ હકદાર હોય છે.
એના ઉપરથી લાગે છે થાશે ગઝલનું શું ?
સોમાંથી એંસી આજે ગઝલકાર હોય છે.
થોડી લખું છું વર્ષોથી તેથી તો ઓ ‘જલન’
ચોટીલી મારી સૌ ગઝલ દમદાર હોય છે.
– જલન માતરી
No comments:
Post a Comment