નથી ઘરમાં ચલણ કોઈનું, મિસિસ ઘરની ગવર્નર છે,
ઈશારે એ નચાવે છે, પતિ જાણે કે બંદર છે.
ન લોટો છે, ન થાળી છે, બગલમાં એક બિસ્તર છે,
ભરોસો રાખવો ક્યાંથી કે ફરતારામ મિસ્ટર છે.
લપેડા પાઉડરના છે, ઠઠારો પણ પરી જેવો,
હકીકતમાં મને દેખાય છે કે એ છછુંદર છે.
હું પડખાં ફેરવીને રાત જાગીને વીતાવું છું,
નથી કોઈ પ્રેમનો દર્દી, પરંતુ ઘરમાં મચ્છર છે.
ટકે સિંહણનું દૂધ, તો માનજો છે પાત્ર સોનાનું,
ટકે ના, તો નથી પાતર, સમજો એ કપાતર છે.
તિજોરી તર ભરી છે ત્યાં નથી ખાનાર કો’ બચ્ચું,
ગરીબોના ઘરે ખાનાર બચ્ચાંઓનું લશ્કર છે.
તમે માનો ન માનો એ બધાં છે મન તણાં કારણ,
શ્રદ્ધાથી જો ભજો તો દેવ, નહિતર એક પથ્થર છે.
જીવન છે આમ તો શાયરનું, પણ કડકાઈ નાણાંની,
હકીકત છે કે, બેકારી જીવનમાં એક ફાચર છે.
કદી સારું નિહાળું તો ગ્રહી લઉં છું તુરત દિલમાં,
ગણો તો આમ ‘ગોલીબાર’ પણ પાકો નિશાચર છે.
– એન. જે. ગોલીબાર
No comments:
Post a Comment