જીવવું છે જેમણે સુવાસમાં,
ફૂલને લેજો જરા વિશ્વાસમાં.
એ જ નક્કી રૂબરૂ થાશે પછી,
આજ ઓળખ જે ફરે છે શ્વાસમાં.
હાજરીમાં થાય અવગણના અને,
યાદ આવે એ નથી જે પાસમાં.
ચાલવાનો આગમાં અનુભવ હતો,
પગ સતત બળતા રહ્યા ભીનાશમાં !
મ્હેંકનું કારણ મળ્યું ના વાડને,
છોકરી ઊભી હતી આડાશમાં !
આઠમો છે રંગ તારી આંખમાં,
માત્ર રંગો સાત છે આકાશમાં.
ને થતાં ઝાંખી ઘણો ચોંકી ગયો,
હું સતત જીવ્યો હતો આભાસમાં
– આબિદ ભટ્ટ
No comments:
Post a Comment