આ બધી ચિંતાઓ રાખી બારણે સૂતા રહ્યા
ના જગાડ્યા કોઈએ ને આપણે સૂતા રહ્યા
આંખમાં આવી અનર્થો એ જ તો સર્જે બધા
સ્વપ્ન સૌ રોકી દઈને પાંપણે સૂતા રહ્યા
હાથ બાળી કોક અજવાળું કરે, પણ આપણે
જાત બાળી આખ્ખે આખી તાપણે સૂતા રહ્યા
સ્હેજ ચરણોની ધૂલીથી જાગશું યુગો પછી
ઝંખના એક જ હતી એ કારણે સૂતા રહ્યા
આપણે અહીંયા છીએ બસ એ જ ગફલતને લીધે
જાગવા માટે હતી જે, એ ક્ષણે સૂતા રહ્યા.
બહાર નીકળી ને ગુમાવી બેસશું શૈશવ સીધું
એ ફિકર એ ડર લઈને પારણે સૂતા રહ્યા.
– ઉર્વીશ વસાવડા
No comments:
Post a Comment