એક સુરજ ઝળહળે છે ખ્વાબમાં
નામ કોઈ સળવળે છે ખ્વાબમાં
ધુમ્મસો ઓઢીને ઉભા આયના
ને સમય પાછો વળે છે ખ્વાબમાં
એક ચહેરો એક અટકળ સ્વપ્નમય
યાદના દીવા બળે છે ખ્વાબમાં
બર્ફ સમ થીજી ગયા સંબંધ જ્યાં
લાગણી ટોળે વળે છે ખ્વાબમાં
ઝાંઝવા થાકીને સુતા આંખમાં
ને હરણ પાછું વળે છે ખ્વાબમાં
આપણા હોવાપણાના ખ્યાલમાં
કેટલા સુરજ બળે છે ખ્વાબમાં
– જ્યોતિ હિરાણી
No comments:
Post a Comment