ઠારું નઝર અંબર સાગર કે આ ધરતી પટે
નીરખું નીત નીરાલા ખેલ, પ્રભુ તારા મહા તટે
જ્યાં જુઓ ત્યાં રમે, પરમ દર્શન ક્ષણેક્ષણે
સમીરસા પથરાયા ચૈતન્ય, આલોકે કણેકણે
ઝાંખું ભીતર કે બહાર, ધરી ભાવ તારી સૃષ્ટિમાં
ભાળું વિહરતો પ્રેમ પંથે, કરુણાથી તને સર્વમાં
વીંઝે વાયુ વીંઝણો,લઈ માદક મ્હેંક માટીની
જ્યાં સુણો ત્યાં વાગતી, સ્નેહ બંસી ભાગ્યની
સ્પર્શું સ્નેહને ને તવ કૃપાના સ્પંદનો ઝણઝણે
માતના ખોળે રમતા વ્હાલ અંતરના કેવા મલમલે
સરવર તીરે કલરવ ડૂબાડે આતમને મધુર ભાવમાં
પ્રભાતે ઘેરા ઘૂઘવ સાગરે માણું તને મલકાટમાં
હસતી કૂંપળો ઝૂમતી કહેતી જીવનની કથા
છે પાનખર તો મળશે આવી વસંતના વૈભવ સદા
જ્યાં જુઓ ત્યાં સચરાચરે મલકતો માણું પ્રભુ
ઝીલી ભાવ આકાશદીપ વદે,અંતરમાં આનંદ ધરું
- રમેશ પટેલ (આકાશદીપ)
No comments:
Post a Comment