Google Search

Monday, September 24, 2012

તો બહુ થયું



મારું તને સ્મરણ મળે તો બહુ થયું,
તે ય એકાદ ક્ષણ મળે તો બહુ થયું.

સાવ સૂની રાતમાં સાજન તણા
સ્વપ્નનું આંજણ મળે તો બહુ થયું.

ઉફ ! આ એકલ કેડીએ થાકી ગયો,
સાથમાં એક જણ મળે તો બહુ થયું.

આ સૂના નીરસ જીવનના પંથ પર
પ્રેમના પગરણ મળે તો બહુ થયું.

જિંદગીના હાથ પર લખવા નસીબ
શ્રમતણી લેખણ મળે તો બહુ થયું.

આ સતત દ્વિધાભર્યા જીવન મહીં,
ચેનની એક ક્ષણ મળે તો બહુ થયું.

પ્રેમને ‘આનંદ’ જીવન પર્યાય છે,
એટલી સમજણ મળે તો બહુ થયું.

– અશોક જાની ‘આનંદ’

No comments:

Post a Comment