Google Search

Sunday, September 16, 2012

અનહદ અપાર સાથે



તાજાં હવાને ઝોંકે માદક સવાર સાથે
પમરી ગયો છું પળમાં એના વિચાર સાથે.

એની કૃપા મળે તો જીવી જવાય હરપળ,
પોતાની જીત સાથે પોતાની હાર સાથે.

આંખો મીંચું કે પ્રગટે બ્રહ્માંડ મારી સન્મુખ,
નાતો રહ્યો છે એવો અનહદ અપાર સાથે.

આવેગ જ્યાં અહર્નિશ ઊર્જા રૂપે પ્રસરતો,
સંધાન છે અજાયબ ઈશ્વરના દ્વાર સાથે.

ઘંટારવે શિખર પર ટોળે વળે છે ખીણો,
ઝરણાં વહે છે ખળખળ મંજુલ સિતાર સાથે.

ધરતી બનાવી બિસ્તર નિત મસ્ત આભ ઓઢી,
પાસો પડ્યો છે કેવા માલેતુજાર સાથે.

– દિલીપ જોશી

No comments:

Post a Comment