સામસામે આવી જોવું જોઈએ,
જાતને અટકાવી જોવું જોઈએ !
આંખ પહેલાં કોની ઝૂકી જાય છે,
દેખવું અજમાવી જોવું જોઈએ.
હું તને ચાહું ને તું ચાહે મને,
દિલ હવે બદલાવી જોવું જોઈએ.
માણસો સમજે નહીં તો આખરે,
મનને પણ સમજાવી જોવું જોઈએ.
સ્વપ્ન ઊડી જાય તે ચાલે નહીં,
આંખમાં દફનાવી જોવું જોઈએ.
તું કહે કે જોઈએ છે આ મને,
એ જ મારે લાવી જોવું જોઈએ.
હોય ભીતરમાં તો હોંકારો ય દે,
બારણું ખખડાવી જોવું જોઈએ.
– ભરત વિંઝુડા
No comments:
Post a Comment