ખુદની કહે કદીક ખુદાની ગઝલ કહે,
વચ્ચે કદી સમસ્ત પ્રજાની ગઝલ કહે.
એક ખાસ જણ મળે તો પછી એના કાનમાં,
બસ સાંભળે તે એમ મજાની ગઝલ કહે.
જાણે કે ઓગળી જ ગયો છે હવા મહીં,
તે જણ જડે તો કેવી દશાની ગઝલ કહે.
કોઈ નથી બીમાર બધા ખુશખુશાલ છે,
ત્યારે ફકીર કેમ દુઆની ગઝલ કહે.
વાદળની વાત છે કે તારી ઝુલ્ફની,
જો દિલ વરસતી કાળી ઘટાની ગઝલ કહે.
માણસ છે શ્વાસ લઈને સતત જીવતો રહે,
એથી સુગંધની ને હવાની ગઝલ કહે.
-ભરત વિંઝુડા
No comments:
Post a Comment