શ્વાસનો પ્હેરો ભરીને કોઈ રખવાળું કરે છે.
સાવ અંદર સંચરીને કોઈ રખવાળું કરે છે.
ડૂબતો એ જીવ આપોઆપ ઊગરશે જ અંતે,
પાંદડાં રૂપે ખરીને કોઈ રખવાળું કરે છે.
પ્હાડ પીડાના બધાયે પીગળી જાશે તમારા,
પ્રેમનો પાલવ ધરીને કોઈ રખવાળું કરે છે.
આંગણામાં ઝેરનું એ ઝાડ ઊગે છે છતાંયે
પ્રાણવાયુ પાથરીને કોઈ રખવાળું કરે છે.
ગાઢ જંગલમાં નથી ચિંતા ચરણને ચાલવાની,
અધવચાળે આંતરીને કોઈ રખવાળું કરે છે.
તાગતાં તળ એ બધાંયે આખરે તો છે સલામત,
છેક ઊંડે ઊતરીને કોઈ રખવાળું કરે છે.
આમ તો એ છે અગોચર ક્યાંય દેખાતું નથી પણ,
વ્યોમ માફક વિસ્તરીને કોઈ રખવાળું કરે છે.
– નીતિન વડગામા
No comments:
Post a Comment