Google Search

Tuesday, August 7, 2012

બા એકલાં જીવે


બા એકલાં જીવે….. બા સાવ એકલાં જીવે
એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે
બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
દોડાદોડી, સંતાકૂકડી, સહુ પકડાઈ જાતાં
ભાઈ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતાં
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શીખડાવે
સુખનો સૂરજ છાનોમાનો જલતો ઘરના દીવે…
કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સૂનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતાં
બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુના સપના તેડ્યા કોણ બાને તેડે
ફાટેલા સાળુડાં સાથે કૈંક નિ:સાસા સીવે
કમસે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ
નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે
ફ્રેમ થયેલા દાદા એનાં આંસુ ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયા’તા બોર અને એ રામ
બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો’ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે…
બા એકલાં જીવે….. બા સાવ એકલાં જીવે
– મુકેશ જોષી

No comments:

Post a Comment